અશ્વત્થ હેગડે! તે દિવસે ‘કતાર (UAE)’ ખાતેની તમારી લેબોરેટરીની મુલાકાત લેનાર એ ખબરપત્રીને તમે પાછળ લઈ ગયા અને એક નાની તપેલીમાં પાણી ઉકળવા મુક્યું. પાણી ઉકળ્યું એટલે તમે પ્લાસ્ટિકની હોય તેવી જ દેખાતી એ બેગને તેમાં નાખી. થોડીક વાર આડી તેડી વાતો કરતાં અને પાણી સશેકું થતાં તમે તેના દેખતાં એ પી ગયા!
આશ્ચર્ય પામી ગયેલા ખબરપત્રીને તમે કહ્યું, “રસ્તે રખડતી ગાયોના ફૂલી ગયેલા પેટ અને મરવાના વાંકે જીવતી એ માતાઓને જોઈને મારું હૃદય દ્રવી જતું. કેટલાંય વર્ષોથી એવી બેગ રસ્તે રખડતી ગાયો શી રીતે ચાવતી હશે એની અસમંજસ મને રહેતી હતી. પણ ૨૦૧૨માં મારા માદરે વતન મેન્ગલોરમાં પ્લાસ્ટિકની પાતળી કોથળીઓ વાપરવા પર પ્રતિબંધ મુકાયો, ત્યારથી તો આ વિચાર મારા મન પર સવાર થઈ ગયો હતો. બાયો-કેમિકલ એન્જિનિયર હોવાના સબબે મને હંમેશ એ જ વિચાર આવતો હતો કે, આ સમસ્યાનો કેમિકલ ઉકેલ ન આવી શકે?”
‘કતાર’ ખાતે ઉદ્યોગો અને વેપારી સંસ્થાઓને કેમિકલ ટેસ્ટિંગની સેવા આપતી તમારી લેબોરેટરીમાં જાતજાતના પ્રયોગો બાદ એક દિવસ અચાનક તમને એ જાદુઈ ફોર્મ્યુલા મળી ગઈ. બટાકા, સાબુદાણા, મકાઈનો સ્ટાર્ચ, કેળા, બીજા એક બે પદાર્થો અને તેલના સંયોજન પર વિશિષ્ઠ કેમિકલ પ્રોસેસના અખતરાઓ કરતાં કરતાં, તે દિવસે તમારી ટેસ્ટ ટ્યુબમાં સાવ પારદર્શક એવો કોઈ પદાર્થ જામેલો તમને દેખાયો.
આની જ તો તમે રાહ જોતા હતા ને? એ પદાર્થમાં ચાર ચાર વર્ષની અથાક મહેનતનો મળેલો બદલો તમે હરખથી નિહાળી રહ્યા.
છ જ મહિનામાં તમારા બાયો કેમિસ્ટ્રીની આવડતના પ્રતાપે તમે પ્લાસ્ટિકની બેગનો ‘ઓર્ગેનિક’ ઉકેલ એવી ‘એન્વી-ગ્રીન બેગ’ બનાવવા માટેની પેટન્ટ તમારા હાથમાં હતી. કર્ણાટક રાજ્યના નિષ્ણાતો સમક્ષ આવી કોથળીઓ બનાવવાના પ્રોજેક્ટ માટેની દરખાસ્ત તમે મૂકી. અનેક નિષ્ણાતોની ચકાસણી બાદ તમને બન્ગલરૂમાં એનો ઉદ્યોગ સ્થાપવાની પરવાનગી પણ મળી ગઈ. ભારતની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક અને શ્રીરામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બહુ સઘન ચકાસણી બાદ તમારી બનાવટની કોથળીને પ્રમાણિત કરી છે. કર્ણાટક પોલ્યુશન બોર્ડનું પ્રમાણ પત્ર પણ તમે મેળવી શક્યા છો.
આ સિદ્ધિને ત્રણ વર્ષ વીતી ગયાં અને માંડ પચીસ વર્ષની ઉમરમાં જ, તમે મહિનાના ૧,૦૦૦ ટન આવી કોથળીઓનું ઉત્પાદન કરતા થઈ ગયા છો. ૬૦ માણસોના સ્ટાફને પણ તમારી ફેક્ટરી રોજી પૂરી પાડે છે. આમ તો પ્લાસ્ટિકની કોથળી કરતાં તમારી બેગની કિમત ૩૫ ટકા જેટલી વધારે છે. (૧૩” x ૧૬”ની સાઈઝની તમારી કોથળીની પડતર કિમત ૩/- રૂ. હોય છે, જ્યારે આ જ સાઈઝની પ્લાસ્ટિકની કોથળીની કિમત ૨/- રૂ.) પણ કપડાંની થેલી સાથે રાખવામાં આળસુ બની ગયેલા (!) ગ્રાહકોને સરસ મજાનો ‘લીલો’ ઉકેલ તમે અપાવી દીધો છે. વેપારીઓને પણ ‘ખાંડ, મસાલા, વિ. માટે કાગળની કોથળી કરતાં આ સસ્તો વિકલ્પ છે.’ – એ તમે સમજાવી શક્યા છો.
અલબત્ત હાલમાં તો તમારા કારખાનાનો મોટા ભાગનો માલ કતાર અને અબુ ધાબીમાં જ વેચાય છે. પણ ભારતમાં પણ વેપારીઓ ધીમે ધીમે આ બાબત જાગૃત થતા જાય છે. ‘મેટ્રો’ અને ‘રિલાયન્સ’ના સ્ટોરોમાં નજીકના ભવિષ્યમાં આ થેલીઓ વપરાવાની ચાલુ થઈ જશે, એમ તમને આશા છે.
ઊકળતાં પાણીમાં તો તમારી આ કોથળી પંદર સેકન્ડમાં જ ઓગળી જાય છે. સામાન્ય ઉષ્ણતામાને પણ એક જ દિવસમાં આ કોથળીઓ પાણીમાં પૂરેપૂરી ઓગળી જાય છે. જમીનમાં દાટી દેવામાં આવે તો છ જ મહિનામાં કીડાઓ અને બેક્ટેરિયા એનું રૂપાંતર ખાતરમાં કરી નાંખે છે. ગાયો બકરીઓ એને આરામથી આરોગી શકે છે!
તમે શોધેલી પદ્ધતિમાં બધા ઓર્ગેનિક પદાર્થોને પ્રવાહી રૂપમાં ફેરવવામાં આવે છે, અને પછી છ તબક્કાની પ્રોસેસ બાદ પારદર્શક અને મજબૂત લોંદા જેવું રો મટિરિયલ તૈયાર થઈ જાય છે. એને મશીનમાંથી પસાર કરતાં કોથળીઓના મટિરિયલનો રોલ તૈયાર થઈ જાય છે, જેમાંથી વિવિધ સાઈઝની કોથળીઓ બનાવી શકાય છે. એમની ઉપર રંગબેરંગી પ્રિન્ટિંગ પણ કરી શકાય છે. એમ પ્રિન્ટ કરવા માટેના ઓર્ગેનિક રંગ પણ તમે આવી જ રીતે વિકસાવ્યા છે. તમે બનાવેલી કોથળી એટલી તો મજબૂત છે કે, ગરમ ઈસ્ત્રી અડાડવા છતાં એ ચોંટી કે બળી જતી નથી.
કોથળીઓ બનાવવા માટેની યોગ્ય કાચી સામગ્રી પેદા કરવા માટે ખેડૂતોને પણ તમે તૈયાર કર્યા છે. ખાસ કરીને સાબુદાણા માટે જરૂરી ટેપિયોકા(કસાવા)નાં બી પણ તમે એમને મેળવી આપો છો.
કોણ કહે છે, ‘ભારતના એન્જિનિયરો પોતાની આગવી શોધ કરી શકતા નથી?’
સંદર્ભ –
http://www.thebetterindia.com/77202/envigreen-bags-organic-biodegradable-plastic/
http://www.odditycentral.com/news/indian-company-makes-edible-100-biodegradable-plastic-bags.html
e.mail : surpad2017@gmail.com