પ્રસિદ્ધ મરાઠી કવિ યશવંત મનોહરે, સાહિત્યના એક કાર્યક્રમમાં સરસ્વતીની પૂજા કરવામાં આવેલ તે કારણે સાહિત્ય સન્માન સ્વીકારવાનો જાન્યુઆરી 2021માં ઈન્કાર કર્યો હતો ! તે વિદર્ભ સાહિત્ય સંઘ દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તેમણે કહ્યું હતું કે “દેવીનું ચિત્ર શોષણનું પ્રતીક હતું જે શિક્ષણ અને જ્ઞાન મેળવવા મહિલાઓને તથા શૂદ્રોને રોકતું હતું. હું સાહિત્યના કાર્યક્રમોમાં ધર્મની તરફેણમાં નથી ! એક પુરસ્કાર માટે હું મારા આજીવન વિચારો, મારું લેખન અને મારાં મૂલ્યોને એક બાજુ મૂકી શકું નહીં. એટલે મારે વિનમ્રતાથી અસ્વીકાર કરવો પડ્યો ! મહિલાઓની કેળવણી માટે સાવિત્રીબાઈ ફૂલે અને બીજાં લોકોનું યોગદાન છે, પરંતુ સરસ્વતી દેવીનું આ બાબતે યોગદાન અંગે જણાવો. જો કોઈ મને તર્કથી સંતોષ આપી શકે તો હું મારા આ પગલાં બાબતે વિચારું. દરેક લેખક / કવિ / કલાકાર / રાજનેતા અને મહારાષ્ટ્ર સરકારને અનુરોધ કરીશ કે આવી સાહિત્યિક કે સાર્વજનિક કાર્યક્રમમાં દેવી સરસ્વતીની જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલેની તસ્વીર અને બંધારણની પ્રત રાખવાનું વિચારે !”
મહારાષ્ટ્રના કવિમાં આ ચેતના છે. સાહિત્યના કાર્યક્રમમાં ધર્મને / તેના કર્મકાંડને દૂર રાખવા માટે તે બોલી શકે છે. ગુજરાતમાં સ્થિતિ જુદી છે. જ્ઞાની કવિ અખાનું અપમાન થાય તેવું વર્તન ગુજરાતી સાહિત્યકારોનું હોય છે. તેમની આંગળીઓમાં નંગની વીંટીઓ અને કાંડે લાલ-પીળા દોરા બાંધેલા હોય છે ! લાભ પાંચમે, 18 નવેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદમાં કર્મકાંડ / પૂજાપાઠ યોજાઈ હતી !
પરંતુ યશવંત મનોહરની જેમ ગુજરાતી લેખક મંડળે હિમ્મત દાખવી છે ! ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાની / ઉપપ્રમુખ પ્રતિભા ઠક્કર / મંત્રી મનહર ઓઝાએ, 5 ડિસેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ / મહામંત્રી તથા અન્ય હોદ્દેદારોને પત્ર લખ્યો છે : “આપ સહુ જાણો છો કે ગુજરાતી લેખક મંડળ લેખકોના હિત, હક અને ગૌરવ માટે કાર્યરત સંસ્થા છે. ગુજરાતી લેખક મંડળ સાહિત્ય પરિષદનું સંસ્થાકીય સભ્યપદ ધરાવે છે અને સંસ્થાના મોટાભાગના સભ્યો પરિષદનું આજીવન સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં પરિષદ ખાતે હોદ્દેદારોની હાજરીમાં પૂજાપાઠ અને ક્રિયાકાંડનો જે કાર્યક્રમ થયો તેથી દુઃખદ આશ્ચર્યથી આ પત્ર લખીએ છીએ.”
“કોઈપણ જાહેર સંસ્થા જે લોકશાહી ઢબે ચાલતી હોય, ખાસ કરીને ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલી હોય ત્યાં લોકશાહીનાં પાયાનાં મૂલ્યો જેવાં કે સમાનતા / બંધુતા / બિનસાંપ્રદાયિકતા અગત્યની ભૂમિકા ભજવે છે અને તેમાં પણ આપણાં જેવાં વૈવિધ્યપૂર્ણ ભાષા, ધર્મ અને રીતરિવાજોથી સમૃદ્ધ દેશમાં કોઈ પણ પ્રકારનું એકાંગીપણું, ખાસ કરીને ધર્મને લઈ દર્શાવાય તે સમાજ માટે ઘાતક નીવડે એવું આપણે સહુ કોઈ જાણીએ છીએ. અને એમાં ય આપણે સહુ લેખકો-સર્જકો હોઈએ અને સમાજ સાથે કંઇક નિસ્બત છે એમ માનતા હોઈએ ત્યારે, કોઈ એક ધર્મના ક્રિયાકર્મો સંસ્થામાં થાય તે હરગીઝ ચલાવી ન લેવાય. આ પગલું સમાજના વૈવિધ્યપૂર્ણ વારસામાંથી આવતા આપણા લેખકો-સર્જકોના ગૌરવભંગ સમાન છે. જેને અમે ગુજરાતી લેખક મંડળ તરીકે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.”
“અમને એવું લાગે છે કે એક વાર આવી ગૌરવભંગ સમાન ઘટનાઓ બને તે માટે જવાબદાર નિર્ણય કરનારાઓની જાણ સંસ્થાના સહુ આજીવન સભ્યોને થાય તે જોવાની ફરજ પણ સંસ્થાના હોદ્દેદારોની બને છે.”
“આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ચોક્કસ નીતિ-નિયમો, પરિષદ ઘડે અને તેની જાણકારી ઠરાવ રૂપે તેના મુખપત્ર ‘પરબ’માં પ્રગટ કરે અને સાથે સાથે આગામી ભોપાલ ખાતે યોજાનારા અધિવેશનમાં તે રજૂ થાય એવી અપેક્ષા અમે રાખીએ છીએ.”
“આ આગાઉ મોટાપાયે ગેરકાયદેસર વૃક્ષછેદન પરિષદના પરિસરમાં થયું હતું ત્યારે, કેટલાંક લેખકોના વ્યક્તિગત ઊહાપોહ થયા પછી જ તે અંગે તપાસ સમિતિની રચના થઈ હતી અને દોષિતોને ચૂપચાપ ‘વિનયપૂર્વક’ પરિષદના હોદ્દા પરથી રુખસદ અપાઈ હતી. કાયદાકીય રીતે વૃક્ષછેદન તે ગુનો બને છે અને છતાં ય પૂરવાર થયેલા દોષિતોને ‘સવિનય’ સજા વિના છોડી દેવાયા હતા તે પણ યોગ્ય ન જ હતું. પણ આ ઘટના તો વૃક્ષછેદન કરતાંયે વધુ ગંભીર છે. આ તો પરિષદનાં મૂળિયાં જ નેસ્તનાબૂદ કરવા તરફની પહેલ છે.”
“ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા એનું ગૌરવગાન આપણે સહુ કાયમ કરતાં રહ્યાં છીએ. આ દુર્ઘટનાને લઈ ગાંધીજીને ખાસ એ માટે યાદ કરવા રહ્યા કે, તેઓ જાહેર જીવનમાં આવ્યા બાદ પોતે હિન્દુ છે તેનું ગૌરવ અનેક વાર વ્યક્ત કરતાં હતા, છતાં ક્રિયાકાંડની વાત તો બાજુએ રહી, પણ કોઈ મંદિરના પગથિયાં પણ ચઢ્યા ન હતા, તેની નોંધ આપણે આ ક્ષણે લેવી રહી.”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર