ચૂંટણી પરિણામોના પ્રકાશમાં
આજે જો મુસ્લિમ મતો વગર નભી જાય છે તો આવતીકાલે દક્ષિણના મતો વગર પણ નભી જવાશેઃ આ ગણિતમાં પથ્યાપથ્ય વિવેક મુદ્દલ નથી
તાજેતરમાં ચૂંટણી પરિણામોને કેવી રીતે જોશું વારું ? જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે એને વિશે તો એટલું જ કહેવું બસ થશે કે 2024 માટે એનો પથ પ્રશસ્ત હોવાનું ચોખ્ખું દેખાય છે. કાઁગ્રેસની બેઠકો જેટલી ઓછી જણાય છે, એને મળેલા મત એટલા ઓછા નથી એ સાચું, પણ શું ભા.જ.પ. કે કાઁગ્રેસ, એને આપણી ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ પ્રથામાં આ પ્રકારનો લાભ મળતો જ રહેવાનો.
જ્યાં સુધી કૉઁગ્રેસનો સવાલ છે, એણે તેલંગાણામાં ફતેહ હાંસલ કરી એથી થોડીક મનોવૈજ્ઞાનિક રાહત અનુભવાતી હોય તો પણ વ્યૂહરચના સહિતને મુદ્દે એણે ખાસા પુનર્વિચારની પ્રક્રિયામાં જવું અનિવાર્ય છે : ઇન્ડિયા એલાયન્સની છઠ્ઠી તારીખની બેઠક હવાઈ ગઈ અને કેવળ ગૃહમાં ફ્લોર મેનેજમેન્ટ જેવા મુદ્દામાં સમેટાઈ ગઇ તે કાઁગ્રેસને પક્ષે ગંભીર વિચાર માગી લે છે.
કાઁગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ઇન્ડિયા એલાયન્સના સાથીઓને બાજુએ રાખીને ચાલવાનો વ્યૂહ અજમાવ્યો હતો. આ રાજ્યોમાં મુખ્ય પક્ષ અલબત્ત કૉઁગ્રેસ અને ભા.જ.પ. બે જ છે એ દ્વિપક્ષી તરેહની વાસ્તવિકતા સ્વીકાર્યા પછી પણ કાઁગ્રેસ નાના સાથીઓને સહેજસાજ સમાવી શકી હોત. એક મનોવૈજ્ઞાનિક ઉપચાર તરીકે તે જરૂર ઉપયોગી થયો હોત.
દેખીતી રીતે જ કાઁગ્રેસનું ગણિત એવું હતું કે આપણે આ રાજ્યોમાં સત્તાપક્ષ તરીકે ઉભરીશું એને કારણે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા-સાથીઓ સાથે બેઠક વહેંચણીમાં આપણો હાથ ઉપર રહેશે. પણ જો ધોરણસરના જોડાણની રાજનીતિ કરવી હોય તો આ પ્રકારના ગણિતને ટૂંક નજરી વ્યૂહના ખાનામાં નાખવું પડે. સત્તાપક્ષ તરીકેની જૂની માનસિક્તાની બહાર એ આવશે એવું ઇન્ડિયા એલાયન્સના શરૂઆતના તબક્કામાં લાગતું હતું, પણ –
હવે ત્રીજા અઠવાડિયામાં મળવાની વાત છે ત્યાં સુધીમાં કૉઁગ્રેસ નેતૃત્વ પોતાને પક્ષે અનુકૂલન સારુ બાંધછોડની તૈયારી રાખે એ સલાહભર્યું લેવાશે. બધા સાથીઓનો આગલી ચૂંટણીનો કુલ મતસરવાળો વધારે હોય તો પણ એણે એક એલાયન્સ તરીકે પોતાનું કથનવિધાન (નેરેટિવ) ઉપસાવવું રહેશે, કેમ કે આવી કોઈ પણ ક્વાયત અંકગણિત માત્રથી ચાલતી નથી. એમાં કશુંક રાસાયણિક થવું ઘટે છે એ સાદો નિયમ છે.
આ પરિણામોની ભાત પરથી, થોડા વખત પર જેમ કર્ણાટકમાં તેમ આ વખતે તેલંગાણામાં કૉઁગ્રેસની પ્રતિષ્ઠા થઈ એટલે ચર્ચા ચાલી છે કે, ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ચોક્કસ અંતર છે. આ પહેલીવારનો મુદ્દો નથી. 1977માં હિંદીભાષી ઇલાકામાં કૉઁગ્રેસની સૂપડાંસાફ હાલત સામે દક્ષિણ દેશમાં એણે અસરકારકપણે ફતેહ મેળવી જ હતી.
વડા પ્રધાને આ તરેહની ચર્ચાને નકારી કાઢી છે. તેમ છતાં, આ ચર્ચામાં રહેલ માયનો કાળજે ધરવા જોગ છે. દક્ષિણનાં રાજ્યોમાં ઇંદિરા-અમ્માની કલ્યાણ યોજનાઓની તેમ પ્રાદેશિક પક્ષોની એક સ્વાભાવિક જગ્યા બનેલી હતી. વળી રાજન કેસ જેવા અપવાદો બાદ કરતાં ઉત્તર ભારતમાં નસબંધી તરેહનો જે આતંક પ્રસર્યો હતો તે નહોતો.
વાત માત્ર આટલી જ નથી. ભા.જ.પ.નું આખું વૃત્તાંત મુસ્લિમવિરોધની રાજનીતિ પર (અલબત્ત ‘વિકાસ’ અને ‘સુશાસન’ના વરખ સાથે) ચાલતું રહ્યું છે. દક્ષિણ ભારતમાં કલ્યાણયોજનાઓ ઘણા સમયથી સહજક્રમે સ્થાપિત છે અને અપવાદરૂપ કેન્દ્રો બાદ કરતાં મુસ્લિમવિરોધની તીવ્ર લાગણી નથી જે હિંદુ મતને દૃઢીભૂત કરી શકે.
ભા.જ.પ.ને પક્ષે ધડો લેવાનો મુદ્દો એ છે કે વ્યાપક વલણવિકાસ વગર સ્વીકૃતિનું અંતર કાપ્યું કપાતું નથી. આટલું કહ્યા પછી અને છતાં એક એવી કલ્પના છેક અવાસ્તવિક નથી કે દક્ષિણનાં થોડાં રાજ્યો કે દેશની મુસ્લિમ લઘુમતી વગર પણ બહુમતી મેળવીને રાજ કરી શકાય છે. રાજ મેળવી શકાય અને કેટલોક સમય કરી પણ શકાય, પણ આ રસ્તો મજબૂત રાજ્ય ને મજબૂત ભારત સારુ સરવાળે અપથ્ય હોઈ શકે છે.
કાઁગ્રેસ અને ભા.જ.પ. સહિત વિવિધ પક્ષોની નિયતિ અંગે નાગરિક છેડેથી વિચારવા જોગ મુદ્દાઓમાં અપેક્ષિત પરિપ્રેક્ષ્ય કદાચ એ છે કે બહુમતીરાજ અને લોકરાજ્ય એવાં જુવારાં કેવી રીતે ભાંગે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ડિસેમ્બર 2023