પતિ-પત્ની વચ્ચે પેદા થતા ખટરાગ પર ફિલ્મ બનાવવી સરળ અને અઘરું બંને છે. સરળ એટલા માટે કે એમાં એક વ્યક્તિને (મોટાભાગે પતિને) દોષિત અથવા દુષ્ટ ચીતરીને દર્શકોની સહાનુભૂતિ એકઠી કરી શકાય છે. અઘરું એટલા માટે કે અંતરંગ સંબંધો ઘણા જટિલ હોય છે અને તેને ક્યારે ય બ્લેક એન્ડ વ્હાઈટમાં વિભાજીત કરીને ન્યાય આપી ન શકાય. મહેશ ભટ્ટ, ગુલઝાર, ઋષિકેશ મુખર્જી, બાસુ ભટ્ટાચાર્ય જેવા નિર્દેશકોએ વૈવાહિક જીવનમાં લાગણીઓ અને વિચારોના ઘર્ષણને તટસ્થ રીતે બહાર લાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ મોટા ભાગના ફિલ્મ સર્જકો એવી ગહેરાઈમાં જતા નથી કારણ કે તેમને માત્ર દર્શકોનું મનોરંજન કરીને બોક્સ ઓફિસ પર પૈસા બનાવવામાં રસ હોય છે.
જે. ઓમ પ્રકાશ આ બીજા વર્ગના સર્જક હતા. સ્વતંત્ર નિર્માતા તરીકે તેમની પહેલી જ ફિલ્મ, “આપ કી કસમ” (1974), વિષયને લાગેવળગે છે ત્યાં સુધી, એક સરેરાસ ફિલ્મ હતી, પરંતુ સંગીતકાર રાહુલ દેવ બર્મન અને ગીતકાર આનંદ બક્ષીએ તેમની શાનદાર સર્જનાત્મકતાની મદદથી ફિલ્મને સુપરહિટ બનાવી દીધી હતી.
આમ પણ, જે. ઓમ પ્રકાશની મોટાભાગની ફિલ્મોમાં એ પુરવાર થયું હતું કે તેઓ સાધારણ વાર્તાઓમાં મધુર સંગીત રચતા હતા. જેમ કે, આઈ મિલાન કી બેલા, આયે દિન બહાર કે, આયા સાવન ઝૂમકે, આંખો આંખો મે, આપ કી કસમ, આક્રમણ, અપનાપન, આશા, આશિક હું બહારો કા, આખિર ક્યોં? અને આસપાસનાં ગીતો બેહદ સુંદર હતાં.
લઘુતાગ્રંથિથી પીડાતા પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય તેવા બહુ પાતળા વિષય પર બનેલી ‘આપ કી કસમ’માં, મોટા ભાગની ફિલ્મોમાં બનતું આવ્યું હતું તેમ, સુપરસ્ટાર રાજેશ ખન્ના તો સુપરસ્ટારના રોલમાં હતો, પણ મુમતાઝ પાસેથી જે. ઓમપ્રકાશે દમદાર અભિવ્યકિત કરાવીને સાચે જ ખન્નાને લઘુતાનો અનુભવ કરાવી દીધો હતો.
‘આપ કી કસમ’ તે વખતે ૨૭ વર્ષની મુમતાઝની શ્રેષ્ઠ ફિલ્મ છે અને તેણે ‘કાકા’નો બરાબર મુકાબલો કર્યો હતો. એ રોમેન્ટિક પ્રેયસી તરીકે જેટલી ચુલબુલી અને આકર્ષક હતી, તેટલી જ તે પતિની વાહિયાત શંકાનો ભોગ બનેલી જખ્મી પત્ની તરીકે પ્રેક્ષકોની સહાનુભૂતિ લઇ ગઈ હતી. એ જમાનામાં પત્ની તેના પતિના ગાલ પર તમાચો મારીને ઘરની બહાર નીકળી જાય એવું જે. ઓમપ્રકાશ જ વિચારી શકે.
એ તો દરેક વાર્તામાં છેલ્લે મરી જવાની ‘કાકા’ની જીદના કારણે ‘આપ કી કસમ’માં ય પલડું એના તરફ નમી ગયું. છેલ્લે, ભૂતપૂર્વ પત્નીની દીકરીને લગ્ન મંડપની આગમાંથી બચાવવા જતાં ખુદ સળગી ગયેલો પતિ, જાણે પત્નીની માફી માંગતો હોય તેમ, તેના પગમાં પોતાનો હાથ ફેલાવે છે અને પ્રાણ છોડી દે છે, એ દૃશ્ય કાકાના ચાહકો માટે યાદગાર હતું. બાકી, ફિલ્મનો જો બીજો કોઈ અંત હોય, તો કાકાએ ફરી મુમતાઝ સાથે કામ કરવાનું એ જ રીતે નામ ના લીધુ હોત, જે રીતે તેણે ‘આનંદ’માં પણ છેલ્લે મરી ગયા પછી અમિતાભ સાથે કામ કરવાની તોબા લઇ લીધી હતી.
ફિલ્મમાં ખરી કમાલ આનંદ બક્ષી, આર.ડી. બર્મન અને કિશોર કુમાર-લતાની હતી. ‘કરવટે બદલતે રહે…,’ ‘જય જય શિવ શંકર…’ અને ‘જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ…’ આજે ય પણ એટલાં જ મધુર અને તરોતાજાં લાગે તેવાં ગીત છે. ત્રણેનું શુટિંગ કાશ્મીરમાં થયું હતું. રાજેશ ખન્ના, કિશોર કુમાર અને રાહુલ દેવ બર્મન ક્રિયેટીવિટીની ત્રિમૂર્તિ જેવા હતા.
એમાં ‘જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ’ ગીત ફિલ્મમાં કલગી સમાન તો છે જ, પણ કિશોર કુમારની કારકિર્દીનું પણ શ્રેષ્ઠ ગીત છે. પંચમ આ ગીતને આનંદ બક્ષીનું સૌથી શ્રેષ્ઠ ગીત ગણાવે છે.
આ ગીત માટે આનંદ બક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મુશ્કિલ સિચ્યુએશન થી … રાજેશ કો શક હોતા હૈ અપની બીવી ઔર દોસ્ત પર … ઔર વો ઘર સે ચલા જાતા હૈ. ચાર-પાંચ મિનિટ કે સોંગ મેં વો જવાન સે બુઢા હો જાતા હૈ, સમય ગુજર જાતા હૈ. અબ, ઇસ પર ગાના લીખના થા. ઇસકી ટ્યુન ગાને કે બાદ બની થી … કઈ દફા લિખા ઔર ફાડ દિયા … લેકિન ફિર આ ગયા.”
અને એ કેવું આવ્યું! જે. ઓમપ્રકાશે આખો સીન કલ્ય્પો હતો. આનંદ બક્ષી અને રાહુલ દેવ બર્મને એનું ગીત તૈયાર કર્યું. કિશોર કુમારે એમાં મોણ નાખ્યું. આખું ગીત નિરાશાજનક અને ફિલોસોફીકલ છે. સાંભળો તો એવું લાગે જાણે બક્ષી, બર્મન અને કિશોર ત્રણે જણા નાયક કમલ ભટનાગરના દિલ-દિમાગની ગહેરાઈમાં ડૂબકી મારીને પાછા આવ્યા હોય.
ફૂલ ખિલતે હૈ, લોગ મિલતે હૈ
પતઝડ મેં જો ફૂલ મૂરઝા જાતે હૈ
વો બહારો કે આને સે ખિલતે નહીં
કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈ
વો હજારો કે આને સે મિલતે નહીં
ઉમ્ર ભર ચાહે કોઈ પુકારા કરે ઉનકા નામ
વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે
જિંદગી કે સફરે મેં ….
પંચમ મેજિક નામની વેબસાઈટ પર, સંગીત પ્રેમી હેમંત કુલકર્ણી આ ગીતના જાદુને આ રીતે સમજાવે છે :
આ ગીત માત્ર પત્ની અને મિત્ર ગુમાવ્યાની પીડાનું નથી. તે પત્ની અને મિત્રએ કમલમાંથી ગુમાવેલા વિશ્વાસનું અને તેના પશ્ચાતાપનું ગીત છે. વિશ્વાસ એ કોઈપણ સંબંધની બુનિયાદ છે. આ ગીત એ બુનિયાદ ધરાશાયી થયાની પીડાનું છે.
વિશ્વાસની એ બુનિયાદ કેવી રીતે ખરી પડે છે, તેને ગીતમાં કમલના જીવનના અલગ અલગ તબક્કાઓમાં બતાવાયું હતું. એમાં એ રોડ-રસ્તા-રેલ પર દિશાહીન ભટકે છે અને અલગ અલગ પડાવો પર થઈને વૃદ્ધ થઇ જાય છે. આખું ગીત બેકગ્રાઉન્ડમાં છે, કારણ કે કમલ ભિખારીની જેમ ભટકે છે, એની પાસે શબ્દો નથી, પશ્ચાતાપમાં એનો અવાજ જાણે છીનવાઈ ગયો છે, અને એનો અંતરાત્મા બોલવાનું કામ કરે છે!
કમલ એક ટ્રેનમાં ચઢે છે ત્યારે ગીત શરૂ થાય છે. ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશન જાય છે પણ કમલનું કોઈ ડેસ્ટીનેશન આવતું જ નથી. આર.ડી. બર્મને એના સંગીત મારફતે આ દિશાહીનતા અને ઉદેશ્યહીનતાને લાજવાબ રીતે પકડી હતી.
ગીતમાં જે ત્રણ વિરામ છે, ત્યાં આર.ડી. કેવી રીતે સંગીત બદલે છે તે સાંભળજો. પહેલો વિરામ ટ્રેન જ્યારે પાટો બદલીને ટનેલમાં પ્રવેશે છે, ત્યારે આવે છે. એમાં સંગીત એવી રીતે આવે છે, જાણે કમલના જીવનનો પાટો બદલાય છે અને તે અંધારામાં પ્રવેશે છે! (ફૂલ ખિલતે હૈ, લોગ મિલતે હૈ …_)
બીજો વિરામ મંદિરનો ઘંટ વાગે ત્યારે આવે છે. તેમાં કમલની પત્ની સુનિતા (મુમતાઝ) પીળા સલવાર-કમીઝમાં પવનની લહેરખીની જેમ પસાર થાય છે. કમલ એના પસ્તાવામાં ડૂબીને વાસ્તવિકતાથી એટલો દૂર છે કે ઘંટનો અવાજ પણ એનામાં ખલેલ પાડે છે (આંખ ધોખા હૈ, ક્યા ભરોસા હૈ …).
ત્રીજા વિરામમાં ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો ફરક બતાવાયો છે. એમાં સંગીતમાં એક પ્રકારની સકારાત્મકતા અને આશા છે, કારણ કે ગમે તે હોય, જીવન ફરી પ્રગટે છે, સમય તો આગળ જ વધે છે, પણ કમલનું જીવન અને સમય સ્થિર છે.
સુબહા આતી હૈ, શામ જાતી હૈ,
વક્ત ચલતા હી રહેતા હૈ, રુકતા નહિ
એક પલ મેં યે આગે નિકલ જાતા હૈ,
આદમી ઠીક સે દેખ પાતા નહીં
ઔર પરદે પે મંજર બદલ જાતા હૈ
એક બાર ચલે જાતે હૈ જો સુબહ-ઓ-શામ
વો…વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે
જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ
વો ફિર નહીં આતે, વો ફિર નહિ આતે
આમાં કિશોર કુમારે બે વખત ‘વો’નો ઉચ્ચાર કર્યો હતો. એમ કરીને તેણે કમલની નિરાશા અને બેબસીને એક પ્રકારની નિશ્ચિતતા આપી દીધી હતી; હવે સાચે જ કોઈ પાછું નહીં આવે.
(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 06 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર