સામી હોળીએ શુભ કાર્યો થતાં નથી, પણ સામી ચૂંટણીએ શુભ-અશુભ કાર્યોનો કોઈ બાધ નથી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે, એમ ચૂંટણીમાં કોઈ પણ પાપ ક્ષમ્ય હોય તેમ પક્ષો સહજ રીતે વર્તતા હોય છે. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય ગણાઈ છે, પણ ચૂંટણી આપીને કેવી રીતે ટાળી શકાય એનું ઉદાહરણ સૂરતની બેઠકે પૂરું પાડ્યું છે. લોકસભાની પહેલી સીટ ભા.જ.પ.ને સૂરતે સોંપી છે. તેથી ભા.જ.પ.ને આનંદ હશે, પણ સૂરતને નથી. પહેલી સીટ બિનહરીફ થતાં સૂરતે ભા.જ.પ.ને ભલે ઐતિહાસિકતા અર્પી હોય, પણ લોકશાહીમાં એથી સારો દાખલો બેઠો નથી, તે એટલે કે કાઁગ્રેસનું ફોર્મ રદ્દ થાય એવી ગણતરીથી જ ભરાયું હતું. કાઁગ્રેસી ઉમેદવાર નીલેશ કુંભાણીના ટેકેદારોની સહીનો પ્રશ્ન પડતાં ફોર્મ રદ્દ થયું, તો અન્ય ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતાં ભા.જ.પ. આપોઆપ જ જીત્યું. આ બધું કોને ઇશારે થયું તે ઉઘાડું રહસ્ય છે. મીડિયાએ એનો સંકેત તો આપ્યો જ છે, એટલે ન બોલ્યામાં ‘નવ’ ગુણ જ વધારે યોગ્ય ગણાય.
એ તો ઠીક, પણ કાઁગ્રેસી ઉમેદવાર સામે કાઁગ્રેસે જ એવો આક્ષેપ કર્યો છે કે તેમણે ફોર્મ રદ્દ થાય એવું ષડયંત્ર કર્યું હતું. સુરતમાં હવે નીલેશ કુંભાણી વોન્ટેડ છે. ‘લોકતંત્રનો હત્યારો’ અને ‘ગદ્દાર’નાં તેમને નામે બેનરો લાગ્યાં છે. આ વિરોધમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ છે. પૂર્વ કાઁગ્રેસના કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયા, નીલેશ કુંભાણી વિષે સાફ કહે છે કે તેને અને તેના ટેકેદારોને ભા.જ.પ. દ્વારા 15 કરોડમાં ખરીદી લેવામાં આવ્યા છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કુંભાણી પ્રકરણનો કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ મોકલ્યો છે, તો અમરેલી કાઁગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતે તો ત્યાં સુધી કહ્યું છે કે તે છેલ્લા શ્વાસ સુધી નીલેશ કુંભાણીને છોડવાનો નથી. સૂરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. કાઁગ્રેસે આવો ઉમેદવાર પસંદ કર્યો તે બદલ તેને માથે પણ માછલાં ધોવાયાં છે કે એક ઉમેદવાર સાચવી ન શકતી હોય તે કાઁગ્રેસ દેશ શું સાચવશે?
એમ પણ લાગે છે કે ભા.જ.પ.ને પણ ક્યાંક ફડક પેઠી છે. એ વગર જીત નક્કી હોય ત્યાં ફાંફાં મારવા જેવું ન જ કરે. જે રીતે વડા પ્રધાન ગરિમા ગુમાવીને કાઁગ્રેસ કે અન્ય પક્ષો સામે આરોપોની ઝડી વરસાવે છે, એ તેમને શોભતું નથી. 2006નો પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો વીડિયો ટાંકીને હાલના વડા પ્રધાન મોદીએ 21 એપ્રિલ, 2024ને રોજ રાજસ્થાનના બાંસવાડા ખાતે અને પછી યુ.પી.માં ચૂંટણી સભાઓમાં કહ્યું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. એનો અર્થ એ કે આ સંપત્તિ ભેગી કરીને જેમના વધુ બાળકો છે, એમને અને ઘૂસણખોરોને વહેંચાશે. જે દિવસે કાઁગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો એ જ દિવસે મોદીએ કહ્યું હતું કે કાઁગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ છે. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ એ મુદ્દે કહેવું પડ્યું કે વડા પ્રધાન કાઁગ્રેસના મેનિફેસ્ટોને યોગ્ય રીતે સમજ્યા નથી ને મારે તેમને એ સમજાવવો પડશે. કાઁગ્રેસનું કહેવું છે કે મનમોહન સિંહે મુસ્લિમોની તરફેણમાં આવું કૈં કહ્યું નથી. ડો. સિંહનું કહેવું એ હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલો હક એસ.સી.-એસ.ટી. અને લઘુમતીઓનો મતલબ કે વંચિતોનો છે. એ વંચિતોમાં મુસ્લિમ હોઇ શકે, પણ ડો. સિંહને નામે મુસ્લિમોની વાત ચડાવાઈ એ યોગ્ય ન થયું. આ મુદ્દે ભારતનું રાજકારણ ખાસું ગરમાયું છે અને ઇલેક્શન કમિશનમાં ફરિયાદો થતાં ચૂંટણી પંચે મોદી સામે તપાસ પણ શરૂ કરી છે.
ચૂંટણી જીતવા રાજકીય પક્ષો સામસામે આક્ષેપો કરે તે તો સમજાય, પણ એમાં પ્રજાને ઉશ્કેરવાનો ઉપક્રમ હોય તો તે જોખમી છે. વડા પ્રધાને કાઁગ્રેસને ભાંડતા કહ્યું કે કાઁગ્રેસની નજર પ્રજાની કમાણી પર, મકાન-દુકાન પર છે. કાઁગ્રેસના શાહજાદાનું કહેવું છે કે દેશ દરેક ઘર, પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે, સોનું-દાગીનાની તપાસ કરશે અને બધાંને વહેંચી દેશે. આટલું ઓછું હતું તે કાઁગ્રેસના ઇંડિયન ઓવરસીઝ ચેરમેન સામ પિત્રોડાની અમેરિકામાં એક ઇન્ટરવ્યૂમાં કહેવાયેલી વાત પણ ભારતમાં ચગાવવામાં આવી. અમેરિકામાં કોઈ અબજોપતિનું મૃત્યુ થાય તો તેના વારસદારને 45 ટકા સંપત્તિ મળે છે ને બાકીની 55 ટકા સરકારને ખાતે જાય છે. તેનો હેતુ એ છે કે દુનિયામાંથી વિદાય થનારે બધી નહીં, તો અડધી સંપત્તિ અન્ય લોકો માટે છોડી જવી જોઈએ ને ભારતમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે. આ વાતનો મોદી લાભ ન ઉઠાવે એવું તો બને જ કેમ? લોકોની સંપત્તિ પર કાઁગ્રેસની નજર છે એ વાતને સમર્થન કાઁગ્રેસે જ આપ્યું હોય તેમ વડા પ્રધાને કહ્યું કે શાહી પરિવારના શાહજાદાના સલાહકારે જે ટેક્સની વાત કરી છે તે હકીકતે તો લૂંટની વાત છે. કાઁગ્રેસ કી લૂંટ – જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી … કાઁગ્રેસનો ઇરાદો મહેનત કરીને કમાતા મિડલ ક્લાસને વધુ ટેક્સ લગાવવાનો છે. લોકોએ મહેનત કરીને સંપત્તિ ભેગી કરી હોય ને તેને કાઁગ્રેસ હડપ કરીને બીજાને આપી દે તે ન ચાલે.
આ આખું અર્થઘટન વડા પ્રધાનનું છે.
પિત્રોડાએ જે વારસાઈ કરની વાત કરી છે તે 10 અબજ રૂપિયાની સંપત્તિ ધરાવતા સુપર રીચ લોકોની છે. એમાં મધ્યમ વર્ગની વાત જ નથી. સામ પિત્રોડાએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે અમેરિકામાં બે પ્રકારના ટેક્સ છે. એક સંપત્તિ ટેક્સ ને બીજો વારસામાં મળતી મિલકત પર ટેક્સ. અમેરિકામાં છ રાજ્યોમાં જ તે લાગુ છે. એમાં પણ આયોવા નામના રાજ્યે તો વારસાઈ ટેક્સ નાબૂદ કરવાનું નક્કી કર્યું છે. હવે અમેરિકી રાજ્ય પણ એ ટેક્સ છોડવા પર હોય તો તેની ભારતમાં વકીલાત કેવી રીતે થઈ શકે? સાચું તો એ છે કે સામ પિત્રોડાએ અમેરિકામાં લાગુ વારસાઈ ટેક્સની વાત કરીને તે અંગે ભારતમાં માત્ર ચર્ચા કરવાનું જ કહ્યું છે. તેમાં કોઈ સંપત્તિ હડપ કરીને વહેંચી દેવાની વાત જ નથી, પણ વડા પ્રધાને તો વારસાઈ ટેક્સ લાગુ થઈ ગયો હોય તેમ તેને ‘કાઁગ્રેસ કી લૂંટ’ જ ગણાવ્યો. 2019ની ચૂંટણી વખતે પણ સામ પિત્રોડા વડા પ્રધાનની હડફેટે ચડી ગયા હતા. મુદ્દો એ હતો કે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઉત્તર ભારતમાં શીખ પરિવારોની હત્યા થઈ ત્યારે 3,000થી વધુ લોકો માર્યા ગયેલા. એ વખતે પિત્રોડાએ જે થયું તે થયું … કહીને આગળનું વિચારવા કહેલું, એ વાત પકડીને વડા પ્રધાને કાઁગ્રેસીઓ એટલા અસંવેદનશીલ છે કે શીખોની કત્લેઆમને સહજતાથી લે છે એમ કહીને ટીકા કરેલી. કાઁગ્રેસે ત્યારે ખુલાસો કરવો પડેલો કે આ વિધાન પિત્રોડાનું અંગત મંતવ્ય છે ને હવે વારસાઈ ટેક્સ બાબતે પણ કાઁગ્રેસે ખુલાસો કરવો પડ્યો છે કે આ એમનું અંગત મંતવ્ય છે. ખુદ પિત્રોડાએ અમેરિકામાં વાત કરી ત્યારે જાહેર કરેલું કે આ અંગત મત છે ને તેને કાઁગ્રેસ સાથે કૈં લેવાદેવા નથી. એ પછી પણ તેનો રાજકીય લાભ લેવાયો એ બતાવે છે કે રાજકારણ કઈ હદે કથળ્યું છે?
અત્યારની સ્થિતિ એવી છે કે સામસામા આક્ષેપો કરીને જ રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે એમાં જે સમજે છે તે સમજે છે કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો નથી. વડા પ્રધાને વારસાઈ ટેક્સના ભયસ્થાનો બતાવ્યાં તો કાઁગ્રેસ પણ ચૂપ કેમ રહે? હાલત એ છે કે પોતાની ઉપર મારવા માટે ભા.જ.પ.ને કાઁગ્રેસ પથ્થર સામેથી આપે છે. એ ખરું કે અમેરિકન વારસાઈ ટેક્સ અંગે અમેરિકામાં પિત્રોડાને પોતાનું મંતવ્ય આપવાનો અધિકાર છે જ, પણ એ ભારતમાં પણ એ અંગે વિચાર કરવાનું કહે તો કાઁગ્રેસી સલાહકાર તરીકે જવાબદારી ઊભી થાય જ છે. પિત્રોડા એ પણ જાણે છે કે હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ગરમાટો છે એ સ્થિતિમાં ભારતને સાંકળીને કોઈ વાત કહેવાય તો તેનો લાભ ન જ ઉઠાવાય એવું ન બને, પછી એના ખુલાસાઓ કરો તો પણ તીર છૂટી ગયા જેવું તો થાય જ છે. કાઁગ્રેસની સ્થિતિ એવી છે કે તે જેમ બેઠી થવા મથે છે તેમ વધારે ગબડે છે. પિત્રોડાના વારસાઈ ટેક્સ મુદ્દે પણ લીપાપોતી તો થઈ જ છે. શશિ થરૂરે કહ્યું કે પિત્રોડાએ કહ્યું તે કાઁગ્રેસના મેનિફેસ્ટોમાં નથી. કાઁગ્રેસી મહાસચિવ જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે એન.ડી.એ. સરકારના પૂર્વ વિત્ત રાજ્ય મંત્રી અને તે પછીના નાણાં સંબંધી સંસદીય સમિતિના અધ્યક્ષ જયંત સિંહાએ 55 ટકા વરસાઈ ટેક્સ લાગુ કરવા 15 મિનિટ સુધી ચર્ચા કરી હતી. કાઁગ્રેસી અધ્યક્ષ ખડગેએ પણ સ્પષ્ટ કર્યું છે કે વારસાઈ હક લાગુ કરવાની કાઁગ્રેસની કોઈ ઈચ્છા નથી.
જો ઈચ્છા નથી તો રાહુલ ગાંધીએ સંપત્તિનો સર્વે કરવાની વાત શું કામ કરી તે પ્રશ્ન જ છે. આગ નથી ને ધુમાડો છે, એવું તો ન હોય. પિત્રોડા પણ વારસાઈ ટેક્સ મુદ્દે ભારતને સાંકળવાથી દૂર રહી શક્યા હોત, પણ કાઁગ્રેસને પેટ ચોળીને શૂળ ઊભું કર્યા વિના ચાલતું નથી. કાઁગ્રેસ ચૂપ રહે તો બોલવાથી થાય છે, એના કરતાં નુકસાન ઓછું જ થાય, કારણ ભા.જ.પ. શબ્દોને પકડશે, મૌનનું તો એ પણ શું કરશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 એપ્રિલ 2024