
રમેશ ઓઝા
આઈડિયા ઓફ ઇન્ડિયા અથવા ભારત વિશેની એક કલ્પના સો-દોઢસો વરસ દરમ્યાન વિકસી હતી અને અત્યાર સુધી લગભગ સર્વમાન્ય લાગતી હતી, પણ અત્યારે તેની સામે પ્રચંડ પડકાર પેદા થયો છે અને દેશમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં તેનું ભવિષ્ય નક્કી થવાનું છે. શું છે આ આઈડિયા ઓફ ઇન્ડિયા? હું મારી સમજ મુજબ આનો એક જ વાક્યમાં જવાબ આપું કે કોઈની ય કોઈના ઉપર સરસાઈ વિનાનું ભારત. દેખીતી રીતે આવા ભારતમાં નાગરિક સ્વાતંત્ર્ય, માનવીય આદર, દરેક પ્રકારની સમાનતા, ન્યાય, કાયદાનું રાજ, દરેક ધર્મ માટે આદર, મૂલ્યનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, બંધારણીય મૂલ્યોનો આદર વગેરે હોવાનાં. આ બધાં ગુણો ભારતીય સમાજ ધરાવતો હતો એવું નથી, પણ એ જીવનમાં ઉતારવાનો ઉદ્દેશ હતો. ભારતની આવી કલ્પના કરનારાઓએ એ પણ જોયું કે સદીઓથી સામાજિક, ધાર્મિક અને રાજકીય (ખરું પૂછો તો શાસકીય) સરસાઈનો આપણે (અને આખું જગત) અનુભવ કરતા આવ્યા છીએ અને તેમાં શીખવા એ મળ્યું છે કે એ દ્વારા કોઈનું ય ભલું થયું નથી.
સરસાઈ બે રીતે મળી શકે. એક સંખ્યા દ્વારા અને બીજી પરંપરાગત અધિકાર દ્વારા. જેમ કે બ્રાહ્મણોની દેશમાં સાડા ત્રણ ટકાની વસ્તી છે, પણ તે હિંદુ સમાજ ઉપર આધિપત્ય ધરાવે છે. આમાં સંખ્યા ગૌણ છે. એમ તો જો કોઈ સમાજના લોકો સત્તા ધરાવતા હોય તો એ સમાજના લોકો પણ તેટલો સમય ચડિયાતાપણાનો અનુભવ કરતા હોય છે, પણ એ પરપ્રકાશિત હોય છે. સત્તાનો સૂર્ય ડૂબ્યો નહીં કે સાન ઠેકાણે આવી નહીં. સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય લાંબા સમયનું આધિપત્ય છે અને તેની સામે લાંબી લડત આપવી પડે છે. અત્યાર સુધી આપણે આપી પણ ખરી, પણ એ પછી પણ તેનો પરાજય થયો નથી અને અત્યારે તો આઈડિયા ઓફ ઇંડિયા સામેનો પડકાર જોતા એમ લાગે છે કે કદાચ આપણી કલ્પનાના ભારતનો પરાજય પણ થાય! સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય વચ્ચે ધરી રચાઈ છે.
ભારત વિશેની કલ્પનાએ જ્યારે આકાર લેવાનું શરૂ કર્યું ત્યારે તેને આકાર આપનારાઓને લાગ્યું કે કોઈના પણ ચડિયાતાપણાને સ્વીકારવામાં જોખમ છે. ભારતનો અને જગતનો ઇતિહાસ એમ કહે છે કે આમાં આધિપત્ય સ્વીકારનારાઓનું અથવા તાબે થયેલી પ્રજાનું તો ભલું થયું નથી, આધિપત્ય જમાવનાર અથવા તાબે કરનારાઓનું પણ ભલું થયું નથી. ભારતમાં મુસ્લિમ શાસનનો ઇતિહાસ તપાસીએ. કેટલાક હિંદુઓને એમ લાગે છે કે મુસલમાનોનું શાસન પક્ષપાતી હતું, એમાં મુસલમાનોને અધિક માપ આપવામાં આવતું હતું અને હિંદુઓને હાન્સિયામાં રાખીને અન્યાય કરવામાં આવતો હતો. ઘડીભર આ વાત સ્વીકારી લઈએ તો ભારતીય ઉપખંડના મુસલમાન પ્રત્યેક સામાજિક-રાજકીય માપદંડોમાં અગ્રેસર હોવા જોઈતા હતા, પણ જોવા એનાથી ઊલટું મળે છે. કેટલાક મુસલમાનો (આખે આખી મુસ્લિમ કોમ) તો હિંદુઓની પછાત કોમ કરતાં પણ પછાત છે. બીજી બાજુ પારસીઓને કોઈ ઝૂકતું માપ મળ્યું નથી, સંખ્યા મામૂલી છે અને છતાં ય તેઓ દરેક મોરચે અગ્રેસર છે. સત્તા અને સંખ્યાની સરસાઈ વિકાસ, સુખાકારી કે સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી. પાકિસ્તાનમાં સામાન્ય મુસલમાનો સુખી છે? બંગલાદેશમાં સુખી છે? ઇસ્લામિક દેશોમાં મુસલમાનો કઈ બાબતે અગ્રેસર છે? કેટલા નોબેલ પારિતોષિક મુસ્લિમોની સરસાઈ ધરાવતા મુસ્લિમ દેશોનાં મુસલમાનોને મળ્યાં છે?
માટે ભારતની કલ્પના કરનારાઓને એમ લાગ્યું હતું કે ચડિયાતાપણાને રવાડે ચડવા જેવું નથી. સંખ્યા કે સત્તા સુખ અને સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી, ઊલટું નુકસાન પહોંચાડે છે. તે માથાભારેપણાનો કેફ ચડાવે છે અને પ્રજા દાદાગીરી કરીને પોતાની તાકાત દેખાડવા મૂલ્યવાન જીવન વેડફે છે. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં આ જોવા મળતું હતું. માથાભરેપણું એ સંખ્યા અને સંખ્યાજન્ય સત્તાનું અવિભાજ્ય લક્ષણ છે. આજકાલ આ જ જોવા મળી રહ્યું છે. પણ કેટલાક લોકોને એમ લાગે છે કે હિંદુઓને તેમની સરસાઈ કે ચડિયાતાપણું બતાવવાનો મોકો મળ્યો છે તો એનો ઉપયોગ શા માટે ન કરવામાં આવે? બીજાએ કર્યું તો આપણે કેમ ન કરીએ? એક હજાર વરસ સુધી આપણને (હિંદુઓને) સતાવવામાં આવ્યા તો આજે જ્યારે મોકો મળ્યો છે તો આપણે પણ તેમને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ. આવી માનસિક વૃત્તિ અને રાજકીય વલણ દેશહિતમાં તો નથી જ હિંદુહિતમાં પણ નથી. પેશ્વાઓની સરસાઈ હતી ત્યારે હિંદુઓને શું મળ્યું? અનેક હિંદુ રાજવીઓની જે તે પ્રદેશોમાં સત્તા હતી, તપાસ કરી જુઓ હિંદુ રિયાસતોમાં હિંદુઓને શું મળ્યું? અરાજકતા સિવાય કોઈને કશું મળ્યું નહોતું અને અરાજકતાનો શિકાર સૌથી વધુ હિંદુઓ થયા હતા.
સુખ અને સમૃદ્ધિનો માર્ગ ઉદ્યમનો છે. દૂર અને વિશાળ દૃષ્ટિ, ભાવનાની જગ્યાએ બુદ્ધિપૂર્વક વિચારવાની આવડત, ધીરજ, સ્વસ્થતા, સૌને સાથે રાખીને ચાલવાની આવડત, તકને પારખવાની શક્તિ વગેરે ગુણો સુખ અને સમૃદ્ધિ આપે છે. રાજા આપણો છે કે સરકાર આપણા લોકોની છે એટલે સફળતા નથી મળી જતી. ઇતિહાસમાં આવું એક ઉદાહરણ બતાવો. આમ જે લોકોમાં વિચારવાની આવડત હતી અને જે લોકોને “આપણે” અને “બીજા”ને નામે સમાજમાં વિખવાદ પેદા કરીને રાજકારણ નહોતું કરવું એવા લોકોએ સહિયારા ભારતની કલ્પના વિકસાવી અને લોકો સુધી પહોંચાડી. ભારતની પ્રજાને કહેવામાં આવ્યું કે સુખ અને સમૃદ્ધિ સંખ્યાના બળમાં કે સત્તાના બળમાં નથી, સહયોગ અને વિજ્ઞાનનિષ્ઠામાં છે.
અને આવું વિચારનારા અને લોકો સુધી આ વાત પહોંચાડનારા કોણ હતા? ૯૯ ટકા હિંદુઓ. એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતની કલ્પના મુખ્યત્વે હિંદુઓએ વિકસાવી છે. ભારતનું બંધારણ ઘડનારા લોકોમાં ૯૦ ટકા હિંદુઓ હતા. શું એ હિંદુઓ હિંદુઓના દુ:શ્મન હતા? સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. આંબેડકર, કનૈયાલાલ મુનશી દેશદ્રોહી હતા અથવા ઓછી બુદ્ધિ ધરાવતા હતા? ભારતમાં હિંદુઓની મોટી સંખ્યા હોવા છતાં અને તેઓ પોતે હિંદુ હોવા છતાં અને વળી હિંદુ હોવાનો ગર્વ લેતા હોવા છતાં હિંદુઓના ચડિયાતાપણાનો મોહ તેમણે સેવ્યો નહોતો. તેમનો ઈરાદો બહુમતી કોમને સંખ્યાભાન કરાવીને સત્તા પર કબજો કરવાનો નહોતો, પણ દેશની સમગ્ર પ્રજાનાં કલ્યાણ કરવાનો હતો.
અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે. અને તેની સાથે પ્રજાના વિવેકની પણ કસોટી થવાની છે. જોઈએ શું થાય છે! સંસારચક્ર છે તેમાં સંકટ આવતાં જ રહેતાં હોય છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 મે 2024