માઈકલ નેગલર બર્કલી વિશ્વવિદ્યાલયના શિષ્ટ સાહિત્યના માનદ્દ પ્રાધ્યાપક છે, જ્યાં તેમણે ‘પીસ અને કોન્ફ્લિક્ટ સ્ટડીઝ પ્રોગ્રામ’ની રચના કરીને ઉચ્ચ કક્ષામાં અહિંસા વિષય પર શિક્ષણ આપ્યું. તેઓ મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના સ્થાપક છે અને ધ સર્ચ ફોર નોન વાયોલન્ટ ફ્યુચર, ધ નોન વાયોલન્સ હેન્ડબુક, અને થર્ડ હાર્મની : નોન વાયોલન્સ એન્ડ ધ ન્યુ સ્ટોરી ઓફ હ્યુમન નેચર જેવાં પુસ્તકોના લેખક પણ છે. માઈકલ નેગલરને ભારત બહાર ગાંધીમૂલ્યોના પ્રસાર માટે જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે યુનાઇટેડ નેશન્સ, અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સભાઓમાં વક્તવ્યો આપ્યાં છે. તેઓ 1970ની સાલથી બ્લ્યુ માઉન્ટન સેન્ટર ઓફ મેડિટેશન આશ્રમ – ઉત્તર કેરોલાઇના ખાતે નિવાસ કરી રહ્યા છે.
અહિંસાના છ સિદ્ધાંતોનું વિવરણ તેમના જ શબ્દોમાં:
અહિંસા અન્યાયને પરાજિત કરવા માટે સલામત, અસરકારક અને કાયમ ટકી રહે તેવો માર્ગ છે, પરંતુ બીજા વિજ્ઞાનની માફક એને માટે પણ પૂરતી જાણકારી, હિંમત અને દૃઢ નિશ્ચય કરવાની ક્ષમતાની જરૂર રહે છે.
નીચે મેં છ સર્વસાધારણ માર્ગદર્શિકા આપી છે, જે અહિંસક પગલાંને સલામત અને અસરકારક રીતે અમલમાં મુકવા મદદરૂપ થઇ શકે. સાથે જ આપણને સાંસ્કૃતિક વારસામાં મળેલ અહિંસક આચારનો પણ આધાર લીધો છે. તમે જોઈ શકશો કે આ માર્ગદર્શિકા બે મુખ્ય મુદ્દા પરથી લેવામાં આવી છે :
આપણે કોઈ વ્યક્તિના વિરોધી નથી, માત્ર તેઓ જે કર્મ કરે છે તેના વિરોધી છીએ
સાધન અંતે સાધ્યમાં પરિણમે છે; હિંસાથી કદી સારું પરિણામ ન મેળવી શકાય
સિદ્ધાંત 1. બધાનો આદર કરો – તમારા સહિત
આપણે બીજાનો જેટલો વધુ આદર કરીએ તેટલા વધુ પ્રમાણમાં તેમને બદલવા માટે સમજાવી શકીએ. માનહાનિનો એક સાધન તરીકે કદી ઉપયોગ ન કરવો, કે કોઈ માનહાનિ કરે તે ન સ્વીકારવું, કેમ કે તેનાથી દરેકનું ગૌરવ હણાય છે. યાદ રહે, તમારી અનુમતિ વિના કોઈ તમારા ગૌરવનો ભંગ ન કરી શકે.
અહિંસક માર્ગ દ્વારા સંબંધો સુધારવા એ તેની સહુથી મોટી સફળતા છે, જે હિંસાનો માર્ગ કદી સિદ્ધ ન કરી શકે. ગાંધી માનતા કે આત્યંતિક હિંસાના બનાવોમાં પણ દુષ્કર્મ કરનારને નહીં પણ દુષ્કર્મને ધિક્કારવું સંભવ છે. 1942માં જ્યારે ભારત બ્રિટનના તાબા હેઠળ હતું ત્યારે તેમણે પોતાના સાથીઓને સલાહ આપી :
“જો આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર હોત તો જાપાનીઝ લશ્કરને આપણા દેશમાં પ્રવેશતું અટકાવવા માટે આપણે અહિંસક માર્ગ લીધો હોત. હાલની સ્થિતિમાં જાપાનીઝ જેવા આપણી ધરતી પર ઉતરી આવે કે તરત અહિંસક પ્રતિકાર શરૂ કરી શકાય. આ રીતે અહિંસક પ્રતિકાર કરનારા તેમને તમામ પ્રકારની મદદ આપવાનો ઇન્કાર કરશે, ખુદ પાણી આપવાનો પણ. કેમ કે પોતાના દેશને છીનવી લેનારને મદદ કરવી એ તેમની ફરજનો ભાગ નથી. પરંતુ જો જાપાનીઝ લશ્કર માર્ગમાં ભૂલું પડી જાય અને જો કોઈ પાણી વિના તરફડતું હોય તો અહિંસક પ્રતિકાર કરનારા કોઈને પોતાના દુ:શ્મન ન માનતા હોવાને કારણે માનવતાને ખાતર એ તરસ્યા માણસને જરૂર પાણી આપશે. ધારો કે જાપાનીઝ કોઈ પ્રતિકારકને પાણી આપવા ફરજ પાડે તો તેનો વિરોધ કરતાં એ મોતને ભેટવા પણ તૈયાર રહેશે.”
સિદ્ધાંત 2. હંમેશ રચનાત્મક વિકલ્પનો સમાવેશ કરો :
નક્કર પગલાં માત્ર પ્રતીકાત્મક સૂત્રો કરતા હંમેશાં વધુ શક્તિશાળી સાબિત થાય છે, ખાસ કરીને જ્યારે એ પગલાં રચનાત્મક વિકલ્પના રૂપમાં હોય છે : જેમ કે શાળાઓ સ્થાપવી, ગ્રામોદ્યોગ શરૂ કરવા, સહકારી ખેતી સંગઠનની સ્થાપના કરવી, સમાજ ઉપયોગી બેંકની વ્યવસ્થા શરૂ કરવી, વગેરે. બકમિન્સ્ટર ફુલરે કહ્યું છે, “પ્રવર્તમાન વાસ્તવિકતા સાથે લડવાથી કોઈ પરિસ્થિતિમાં બદલાવ ન લાવી શકાય. કોઈ પરિસ્થિતમાં પરિવર્તન લાવવું હોય તો એક એવો નવો નમૂનો બનાવો જે વિદ્યમાન પદ્ધતિને કાલગ્રસ્ત બનાવી દે.”
ગાંધીએ પોતાના સમાજને સુચારુ ઢંગથી ચલાવવા 18 કાર્યક્રમ આપ્યા, જેનાથી બ્રિટિશ રાજને રુખસદ આપવી સહેલી પડે અને પોતાના ગણતાંત્રિક વહીવટનો પાયો નાખી શકે. રચનાત્મક કાર્યોના ઘણા ફાયદા છે :
એ પ્રજાને પોતાને ખપની વસ્તુઓ અને સેવાઓ જાતે બનાવીને રાજ્ય પર આધારિત રહેવામાંથી મુક્ત કરે છે. જ્યાં સુધી તમે તમારી મૂળભૂત જરૂરિયાતો પર તમારા રાજ્યકર્તાઓ પર આધારિત રહેશો ત્યાં સુધી તેમના જુલમી શાસનથી મુક્ત નહીં થઈ શકો.
તમે માત્ર અન્યના દુર્વર્તનનો પ્રત્યાઘાત જ નથી આપતા, પરંતુ તે પરિસ્થિતિનો હવાલો સંભાળો છો. સક્રિય પગલાં ભરવાથી તમારી નિષ્ક્રિયતા, ભય અને લાચારી દૂર કરવામાં મદદ થાય છે.
એ તમારી ચળવળને સાતત્ય બક્ષે છે, કેમ કે જ્યારે સીધો પ્રતિકાર કરવો સલાહભર્યું ન હોય ત્યારે રચનાત્મક કાર્યો ચાલુ જ રહે છે.
આ દિશામાં થયેલા અભ્યાસો સૂચવે છે કે સાથે મળીને કાર્ય કરવું એ લોકોને સંગઠિત કરવા માટે સહુથી વધુ અસરકારક માર્ગ છે. તેનાથી સામાજિક ગઠન થાય છે અને સામાન્ય પ્રજાને ખાતરી આપે છે કે તમારી ચળવળ સમાજ વ્યવસ્થા માટે જોખમકારક નથી.
સહુથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે જ્યારે દમનકારી સરકારનું પતન થાય ત્યારે જરૂરી હોય તેવું માળખું રચનાત્મક કાર્યો પૂરું પાડે છે. ઘણી જુલ્મી સરકારોને સ્થાનભ્રષ્ટ કરવામાં બળવાખોરો સફળતા મેળવતા હોય છે, પણ, એની જગ્યાએ બીજી એવી જ જુલ્મી સત્તા એ સ્થાન લઇ લેતી જોવા મળે છે.
એક ઉપયોગી નિયમ અનુસરવા લાયક છે : જ્યાં શક્ય હોય ત્યાં રચનાત્મક બનો, જ્યાં જરૂરી હોય ત્યાં અવરોધક બનો.
સિદ્ધાંત 3. દૂરના ભવિષ્યનો વિચાર કરો :
અહિંસક પગલાં હંમેશાં સકારાત્મક પરિણામ લાવે છે, ક્યારેક આપણા ધાર્યા કરતાં પણ વધુ. 1950ની સાલમાં જ્યારે ચીન દુષ્કાળની કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે યુ.એસ.ની ફેલોશીપ ઓફ રીકન્સીલિએશન શાખાએ વધારાની ખોરાક સામગ્રી ચીન મોકલવા માટે રાષ્ટ્રપ્રમુખ આઇઝન હોવરને પત્રો લખવાની ઝુંબેશ આદરી હતી. લગભગ 35,000 અમેરિકનોએ તેમાં ભાગ લીધેલો. રાષ્ટ્રપ્રમુખને પાઠવેલો અમારો સંદેશો આઈઝાયાના સરળ શિલાલેખમાંથી લીધેલો હતો : “જો તમારા દુ:શ્મનો ભૂખે મરતા હોય તો તેમને ખોરાક પૂરો પાડો.” તેમના તરફથી અમને કોઈ પ્રતિભાવ ન સાંપડ્યો. પરંતુ અમને 25 વર્ષ પછી જાણવા મળ્યું કે કોરિયા અને ચીન વચ્ચેની લડાઈ સમયે ચીન પર બોમ્બ વર્ષા થતી અમે અટકાવી હતી. મુખ્ય અધિકારીઓની મિટીંગમાં પ્રમુખ આઇઝનહોવરે જાહેર કર્યું: “આદરણીય શ્રોતાજનો, 35,000 અમેરિકન લોકો ઈચ્છે કે આપણે ચીનના લોકોને ખોરાક પૂરો પાડીએ, તો આ સમય તેના પર બૉમ્બ વરસાવવાનો નથી.”
હિંસા ક્યારેક સફળ થાય છે, તે એ અર્થમાં કે તે અમુક પ્રકારનો બદલાવ લાવવાની ફરજ પાડે છે, પરંતુ લાંબે ગાળે એ વધુ કંગાલિયત અને અરાજકતા તરફ દોરી જાય છે. આપણને આપણા કર્મ પર કોઈ કાબૂ નથી હોતો, પણ આપણે કયાં સાધનો વાપરીએ તેના પર કાબૂ હોય છે, ખુદ આપણી લાગણીઓ અને મનની સ્થિતિ પર પણ અંકુશ રાખી શકીએ. આ નુસખો હાથવગો રાખવા જેવો છે : હિંસા ક્યારેક ‘કામ આવે છે’, પણ એ કોઈ પરિસ્થિતિ કે સંબંધો સુધારવામાં ક્યારે ય સફળ નથી થતી. અહિંસા ક્યારેક ‘કામ આવતી’ જણાય છે, અને હંમેશાં સફળતા અપાવે છે.
હંમેશાં સ્પષ્ટ ધ્યેયને નજર સામે રાખો. માનવીની ગરિમા જેવા પાયાના મુદ્દાઓને વળગી રહો અને તમારા સિદ્ધાંતો વિશે ચોકસાઈપૂર્વક ધ્યાન આપો, પણ, તે સિવાયની બાબતો માટે યુક્તિઓ બદલવા કે સમાધાન કરવા તૈયાર રહો. યાદ રહે કે તમારા પ્રતિવાદીઓ ભલે એમ માનતા હોય છતાં તમે સત્તાની સાઠમારીમાં નથી સામેલ થયા. તમે ન્યાય અને માનવ ગરિમા જાળવી રાખવા જેવા સહિયારા લક્ષ્ય સાધવા માટે વાટાઘાટ કરી રહ્યા છો. અહિંસક લડાઈમાં તમે બધા યુદ્ધ હારી જાઓ, છતાં તમામ લડાઈ જીતતા રહો એ સંભવ છે!
સિદ્ધાંત 4. બંને પક્ષને જીત મળે તેવો ઉપાય શોધો
તમે સંબંધોને ફરી બાંધવા માગો છો, નહીં કે ‘જીત’નો આંક વધારવા. આપણે માનીએ છીએ કે સંઘર્ષની સ્થિતિમાં એક પક્ષને જીતવા માટે બીજા પક્ષે હારવું જરૂરી છે, જે સાચું નથી. આથી આપણે વિજેતા થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે બીજા પર સવાર થવાની કોશિશ ન કરવી જોઈએ, આપણે બોધપાઠ શીખીને બધા માટે લાભદાયી હોય તેવો માર્ગ શોધો છો.
મોન્ટગોમરી – અલાબામામાં શ્વેત-અશ્વેતને અલગ રાખવાના કાયદાઓ પર ચાલતી વાટાઘાટો દરમિયાન માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરે એક નિરીક્ષણ કર્યું, જે પોતાના પુસ્તક ‘Stride Toward Freedom – The Montgomery Story’માં નોંધ્યું છે. એ શહેરની બસ કંપનીના એટર્ની, કે જેણે આફ્રિકન-અમેરિકન લોકોની વિપૃથક્કરણ કરવાની માગને રોક લગાવી હતી તેણે પોતાના વિરોધ પાછળનું ખરું કારણ છતું કર્યું : “આપણે જો નીગ્રો પ્રજાની આ માગણીનો સ્વીકાર કરીશું તો તેઓ શ્વેત પ્રજા પર અશ્વેત પ્રજાએ જીત મેળવી એવું અભિમાન ધરાવતા થશે; અને આપણે એવું કદી નહીં સહી લઈએ.”
આ ઘટના ઉપર વિચાર કરતાં ડૉ. કિંગે ચળવળમાં ભાગ લેનારાઓને ક્રૂર આનંદ ન માણવાની અને અભિમાન ન કરવાની સલાહ આપેલી અને યાદ અપાવ્યું : “અહિંસા દ્વારા આપણે વિજેતાઓની માનસિકતા ભોગવવાની લાલચથી બચવા માંગીએ છીએ.” ‘વિજેતાઓની માનસિકતા’ મારા વિરુદ્ધ તમે એવા પુરાણા ચાલક બળ પર આધારિત છે, પરંતુ અહિંસક વ્યક્તિ જીવનને સહિયારી ઉત્ક્રાંતિ તરીકે જુએ છે જે પ્રેમભર્યા સમાજની રચના કરે છે જેમાં બધાનો સમાન વિકાસ થાય. વિજયનો ક્રૂર આનંદ મેળવવાની વૃત્તિ સંઘર્ષને અંતે જે કંઈ સારું પ્રાપ્ત થયું હોય તે ગુમાવી દે છે.
સિદ્ધાંત 5. તાકાતનો કાળજીપૂર્વક અમલ કરો.
આપણે, ખાસ પશ્ચિમના લોકો એમ માનવને ટેવાયેલા છીએ કે “તાકાત બંદૂકના નાળચામાંથી પેદા થાય છે.” ધમકી અને ક્રૂર અમાનવીય શક્તિથી એક પ્રકારની તાકાત જરૂર ઊભી થાય છે, પણ આપણે જો તેને વશ થવાનો ઇન્કાર કરીએ તો એ તદ્દન શક્તિવિહીન થઇ જાય. શાંતિ વિષય પર સંશોધન કરનાર કેનેથ બોલ્ડીંગ લખે છે કે શક્તિને ત્રણ મુખ હોય છે, તાકાત ઉપરાંત બીજા બે છે તે ‘વિનિમયની તાકાત’ અને ‘સમન્વયની તાકાત’ અથવા અહિંસાની તાકાત.
આ ત્રીજા પ્રકારની શક્તિ સત્યમાંથી પેદા થાય છે. માની લો કે તમે અન્યાય દૂર કરવા માટે અરજી કરી રહ્યા છો. કદાચ તમે તમારી માગ સંતોષવા મક્કમ, પણ વિનંતીપૂર્વક અરજી કરી હોય, અને છતાં સામો પક્ષ તેનો જરા પણ પ્રતિભાવ ન આપતો હોય. ત્યારે ગાંધી કહે છે તેમ, “માત્ર દિમાગ સાથે વાત ન કરો, પણ હૃદય બદલવા તરફ આગળ ધપો” અન્યાયી વ્યવસ્થાથી ભોગવવી પડતી યાતનાઓ પોતે સહન કરીને અન્યાયને સ્પષ્ટ રીતે છતો કરી શકીએ. એ આપણને સત્યાગ્રહ અથવા તો સત્યની તાકાતને અમલમાં મુકવા માટે પ્રવૃત્ત કરે છે. કેટલાક આત્યંતિક કિસ્સાઓમાં પોતાના જીવનના ભોગે પણ આ પગલું ભરવું પડે, અને તેથી જ તો આપણા લક્ષ્ય માટે સ્પષ્ટ દર્શન હોવું અત્યંત આવશ્યક છે. આ તાકાતનો અમલ કાળજીપૂર્વક કરવો રહ્યો.
ઇતિહાસ અને આપણા પોતાના અનુભવો પણ સાક્ષી પૂરે છે કે અહિંસક પગલાં દ્વારા આપણે આપણા પ્રતિવાદી પર જબરદસ્તી નથી કરતા, છતાં આવા પ્રકારની સમજાવટ આપણા પ્રતિવાદીની આંખો ઉઘાડે છે. આમ છતાં કેટલાક એવા સંયોગો ઊભા થતા હોય છે, જ્યારે કોઈ પ્રકારની જબરદસ્તીનો ઉપયોગ કરવો પડે. જેમ કે કોઈ સરમુખત્યાર પોતાના પદનો ત્યાગ કરવા અનિચ્છા દર્શાવે. એ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરીને મોટી સંખ્યામાં લોકોને જે યાતના આપી રહ્યો હોય તેનો અંત લાવવા તરત પગલાં ભરવાં જોઈએ. આમ છતાં આ કાર્યને પાર પાડવા યુક્તિપૂર્વકનું આયોજન અને અહિંસક પદ્ધતિનો ઉપયોગ કરવાની કાળજી રાખવી જોઈએ. પરંતુ જો સમય અનુકૂળ હોય, તો આપણે ધૈર્ય અને સમજાવટની તાકાતનો સહન કરવા માટે, નહીં કે જખમ પહોંચાડવા માટે ઉપયોગ કરવો જોઈએ. સમજાવટ મારફત જે પરિવર્તન આવે છે કાયમ ટકી રહે તેવું હોય છે : જેમને સમજાવટથી બદલવામાં આવે છે તેઓ હંમેશાં સમજપૂર્વક કામ કરશે, જ્યારે જેમના પર જબરદસ્તી કરવામાં આવે છે તેઓ કાં તો ફરી એ જ માર્ગે પાછા જવાની અથવા બદલો લેવાની તકની રાહ જોતા જ ઊભા હોય છે.
સિદ્ધાંત 6. આપણા વારસાની દેણગીનો હક્ક જાળવો.
અહિંસા એક એવી તાકાત છે જે હંમેશાં અસ્તિત્વ ધરાવતી આવી છે; ગાંધીએ કહ્યું છે તેમ એ “આ પર્વતો જેટલી પુરાણી” તાકાત છે. તમે જ્યારે હિંમતપૂર્વક, દૃઢ નિશ્ચયથી અને સ્પષ્ટ પૂર્વયોજિત યોજનાથી તેનો ઉપયોગ કરશો, ત્યારે તમારા ધ્યેયને તાત્કાલિક સિદ્ધિ ન મળે તો પણ તમે મોટે ભાગે સફળ થશો એટલું જ નહીં (તાજેતરના અભ્યાસ મુજબ અહિંસક ચળવળની સફળતા બે ગણી વધુ શક્યતા ધરાવે છે) પરંતુ તમે આપણા ભવિષ્યનો જેના પર આધાર છે એવા માનવ સંબંધોનું રૂપાંતર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હશે એ નિશ્ચિત છે.
આ છ સિદ્ધાંતો એ માન્યતા પર રચાયા છે કે આખી જીવસૃષ્ટિ એકબીજા સાથે સંલગ્ન છે, અને તે એક સંપૂર્ણ એકમ છે. જ્યારે આપણને આપણી ખરી જરૂરિયાતોનું ભાન થાય છે ત્યારે અહેસાસ થાય છે કે આપણે કોઈ સાથે પ્રતિસ્પર્ધામાં નથી ઉતરવાનું. માર્ટિન લ્યુથર કિંગે કહેલું તેમ, “હું કદી પણ જેવો છું તેવો ન થઈ શકું જ્યાં સુધી તમે જેવા છો તેવા ન થઇ શકો. અને તમે જેવા હોવા જોઈએ તેવા ન થઈ શકો જ્યાં સુધી હું જેવો હોવો જોઈએ તેવો ન બની શકું.”
e.mail : 71abuch@gmail.com