આ સાથે જે ચિત્ર છે તે ભાઈનું નામ રિચાર્ડ મોર્ગન છે. અથવા, તેમને ભાઈ નહીં અને સિનિયર સિટીઝન કહીએ તો પણ ચાલે. તેઓ 93 વર્ષના છે, પણ એ ભાઈ જેવા વધુ અને સિનિયર સિટીઝન જેવા ઓછા દેખાય છે. ઇન ફેક્ટ, વિજ્ઞાનીઓએ તેમને ‘45’ વર્ષના ગણાવ્યા છે. મેડિકલ વિજ્ઞાન માટે રિચાર્ડ મોર્ગન એક પડકાર છે. 93 વર્ષનો એક માણસ કેવી રીતે તેની ઉંમરને ‘ખાઈ’ જાય? આયર્લેન્ડમાં રહેતા રિચાર્ડે 70 વર્ષની ઉંમર પછી શરીરની કસરત શરૂ કરી હતી અને 20 વર્ષમાં ઘડપણને માત આપી છે.
ઘડપણને લઈને બાયોલોજીમાં ઘણા પ્રશ્નો અનુત્તર છે. જેમ કે – શરીરમાં કણના સ્તરે જીર્ણતાની બુનિયાદી પ્રક્રિયા શું છે? અલગ અલગ પ્રજાતિઓમાં અને માણસો-માણસોમાં આવરદાનો ગાળો અલગ કેમ છે? ઘડપણ સંબંધી રોગોને જો રોકી શકીએ તો, ઘડપણની ગતિ ઓછી થઇ જાય? દવાઓ અને થેરાપિઓથી ઘડપણ અટકાવી શકાય? ઘડપણની ગતિમાં સામાજિક અને માનસિક પરિબળોની ભૂમિકા છે અને કેવી છે? અને એક સૌથી અગત્યનો પ્રશ્ન : માંસપેશીઓ જીર્ણ થાય છે એટલે ઘડપણ આવે છે, કે પછી ઘડપણ આવે છે એટલે માંસપેશીઓ જીર્ણ થાય છે.
આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર મોર્ગનભાઈએ આપ્યો છે અને વિજ્ઞાનીઓ હવે તેમને મોડેલ બનાવીને એ તપાસી રહ્યા છે કે મોર્ગને વ્યાયામ કરીને કેવી માંસપેશીઓને યુવાન બનાવી છે અને ‘રિવર્સ એજિંગ’ સિદ્ધ કર્યું છે. રિચાર્ડ મોર્ગનની વાર્તા વૈજ્ઞાનિક તપાસનો વિષય તો છે જ, આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાદાયી પણ છે.
અમેરિકન ફીઝિયોલોજીક્લ સોસાઈટીના સામાયિક, જર્નલ ઓફ એપ્લાઇડ ફીઝિયોલોજીના અંકમાં, રિચાર્ડ મોર્ગનના વ્યાયામ, ડાયેટ અને ફીઝિયોલોજીનો અભ્યાસ પ્રગટ થયો છે. રિચાર્ડ મોર્ગન આયર્લેન્ડના રહેવાસી છે.
વ્યવસાયે તેઓ બેકરી ચલાવે છે પણ શોખથી રમતવીર છે અને ચાર વખત ઇન્ડોર રોવિંગ (નૌકાયાન) વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યા છે. તેઓ રોવિંગ મશીન પર દસ વખત દુનિયાનાં ચક્કર મારી ચુક્યા છે.
અગત્યની વાત એ છે કે 70 વર્ષ સુધી તો તેઓ તેમના નિયમિત વ્યવસાયમાં વ્યસ્ત હતા. ત્યાં સુધી તો તેમને વર્કઆઉટ કરવાની જરૂરિયાત મહેસૂસ થઇ નહોતી. મોટાભાગના લોકોનું પણ એવું જ હોય છે. આપણે કામો અને જવાબદારીઓથી એટલા લદાયેલા હોઈએ છીએ કે આપણી તંદુરસ્તી આપણી પ્રાથમિકતા નથી રહેતી.
મોર્ગનને નિવૃત્તિ પછી અચાનક ખાલીપો લાગવા માંડ્યો હતો. નવરાશના કારણે તેઓ તેમના પૌત્ર સાથે રોવિંગની પ્રેક્ટિસમાં જતા હતા. ત્યાં કોચે તેમને રોવિંગ મશીન પર હાથ અજમાવાનું કહ્યું હતું અને તેમાંથી તેમની ‘જવાની’ની સફર શરૂ થઇ હતી. “મેં તો શૂન્યથી શરૂઆત કરી હતી અને અચનાક મને લાગ્યું કે આમાં તો બહુ મજા આવે છે,” એમ મોર્ગન કહે છે.
વ્યાયામથી સમયની ઘડિયાળ ઊંધી તો ન ચાલે, પરંતુ શરીરને ચુસ્ત રાખવાનું એક રૂટિન વૃદ્ધત્વની સાથે આવતી અમુક અસરોને નિશ્ચિતપણે અટકાવી શકે છે. મોર્ગનના કિસ્સામાં એવું થયું હતું.
મોર્ગન એક દિવસમાં આશરે 40 મિનિટ માટે અને અઠવાડિયામાં સરેરાશ 18.5 માઇલ રોવિંગ કરે છે. મોર્ગન વજન ઊંચકવાની તાલીમ પણ લે છે અને સ્નાયુઓની તાકાત વધારવા માટે ઓછી તીવ્રતા અને ઉચ્ચ-તીવ્રતાવાળાં વર્કઆઉટ્સ કરે છે. ઉપરાંત, મોર્ગન પ્રોટીનથી ભરપૂર આહાર લે છે, જે સ્નાયુ નિર્માણ અને ચયાપચયને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે.
હકીકતમાં, 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ કરનારા 65 અને તેથી વધુ ઉંમરના લોકોમાં કસરત ન કરતા લોકો કરતાં મૃત્યુ થવાનું જોખમ 28% ઓછું હોય છે. વધુમાં, 2022ના એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં 75થી 149 મિનિટની કસરતમાં ભાગ લેનારા પુખ્ત વયના લોકોમાં મૃત્યુ થવાનું જોખમ 19% ઓછું હતું. તે જ અભ્યાસમાં, જે લોકો અઠવાડિયામાં 150થી 299 મિનિટ માટે મધ્યમ વ્યાયામ કરતા હતા તેમનામાં મૃત્યુનું 21%થી 23% ઓછું જોખમ હતું.
93 વર્ષે, મોર્ગનનું વજન 74 કિલો છે અને તેમાં 80 ટકા જેટલું વજન સ્નાયુઓનું છે. આ ઉંમરે આવા શક્તિશાળી સ્નાયુઓનાં કારણે જ સંશોધકોને તેમનામાં રસ પડ્યો હતો.
સંશોધકોએ તેમને આયર્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ લિમેરિક ખાતે ફિઝિયોલોજી લેબમાં બોલાવ્યા હતા. તેમની ઊંચાઈ, વજન, શરીરના રેશિયો માપવામાં આવ્યો હતો અને તેમના આહારની પણ વિગતવાર માહિતી લેવામાં આવી હતી. તે સાથે, તેમના મેટાબોલિઝમ, હૃદય અને ફેફસાંની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને રોઇંગ મશીન પર 2,000 મીટર દોડવાનું કહેવામાં આવ્યું અને તેમના હૃદયના ધબકારા, સ્નાયુઓ અને ફેફસાં પર નજર રાખવામાં આવી હતી.
સંશોધકો માટે તે એક અવિસ્મરણીય અનુભવ હતો. મોર્ગનનું શરીર 80% સ્નાયુ અને માત્ર 15% ચરબીનું બનેલું હતું, જે દાયકાઓ નાના વ્યક્તિ માટે પણ તંદુરસ્ત માનવામાં આવે છે. રેસ દરમિયાન, તેમના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 153 ધબકારા સુધી પહોંચી ગયા હતા, જે તેમની ઉંમર માટે અપેક્ષિત મહત્તમ હૃદયના ધબકારા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
મોર્ગનના કિસ્સા પરથી સંશોધકોએ ચાર મહત્ત્વની બાબતો તારવી છે :
સાતત્ય : મોર્ગનના રૂટિનમાં સાતત્યની ભૂમિકા મોટી છે. આ રોવિંગ ચેમ્પિયન દરરોજ 40 મિનિટ માટે કસરત કરે છે. સંશોધકોનું માનવું છે કે કસરત પ્રત્યે આ સમર્પણથી જ મોર્ગનને ઘરડે ઘડપણ જવાની મળી છે.
વૈકલ્પિક ટ્રેનિંગ : મોર્ગનની અલગ અલગ રીતની ટ્રેનિંગ પણ તેમની સફળતામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું. આખું અઠવાડિયું, તેમણે તેમના વર્કઆઉટ્સની તીવ્રતાને વારાફરતી બદલી હતી. લગભગ 70% વર્કઆઉટ્સ સરળ હતા, લગભગ 20% મુશ્કેલ પરંતુ સહન કરાય તેવા હતા, અને અંદાજે 10% મહત્તમ પ્રયત્નોથી કરવામાં આવ્યા હતા. નાનાં-નાનાં પણ તીવ્ર વર્કઆઉટ્સથી ઓક્સિજનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ મળી, ખાસ કરીને તેમના કાર્ડિયો-શ્વસન સ્વાસ્થ્યને ફાયદો થયો.
વેઇટ ટ્રેનિંગ : વજન ઊંચકવા અને અદુકડા ઊઠવા-બેસવા(સ્કેટિંગ)ની ટ્રેનિંગથી સ્નાયુઓની તાકાતમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. મોર્ગને અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ સ્નાયુઓ થાકી જાય ત્યાં સુધી ડમ્બબેલ્સના ત્રણ સેટ્સ પૂરા કર્યા હતાં.
ઉચ્ચ પ્રોટીનવાળો આહાર : મોર્ગનનો આહાર પ્રોટીનથી ભરપૂર છે. તેઓ દરરોજ તેમના શરીરના વજનના પાઉન્ડ દીઠ આશરે 1 ગ્રામ પ્રોટીન ખાય છે, જે તેમના કદના વ્યક્તિ માટે સામાન્ય આહાર કરતાં વધારે છે. સ્નાયુ બનાવવામાં અને અસાધ્ય રોગોને અટકવવા માટે પ્રોટીન એક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ છે.
આ અભ્યાસ દર્શાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ નિયમિત કસરત હૃદય, સ્નાયુઓ અને ફેફસાંને મજબૂત કરી શકે છે અને યુવાનની જેમ તંદુરસ્ત રહેવું શક્ય છે. જો કે સંશોધકોનું કહેવું છે કે મોર્ગનમાં કેટલાક આનુવંશિક ફાયદા હોઈ શકે છે, પણ એ વાત નક્કી છે કે 93 વર્ષની ઉંમરે આટલું સારું શરીર તેમની તંદુરસ્ત દિનચર્યાને આભારી છે.
આનો અર્થ એ થયો કે મોર્ગનની જેમ તમે કોઈ પણ ઉંમરે કસરત શરૂ કરી શકો છો અને ઉચ્ચ પ્રોટીનવાળો આહાર લો, તો તમે તંદુરસ્ત રહી શકો છો. મોર્ગનની વાર્તા આપણને શીખવે છે કે ઉંમર એક સંખ્યા માત્ર છે અને સ્વાસ્થ્યની સંભાળ લેવાનું શરૂ કરવામાં ક્યારે ય મોડું થતું નથી.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર