ભલે આ ‘ડેમેજ ક્ન્ટ્રોલ‘ની કોશિશ ને કારવાઈ હોય, કે પછી પાછલા દોરમાં મતદાનની રુખ પોતાની તરફેણમાં સુધરી રહ્યાની ગણતરીએ ડાહ્યા દેખાવાનો ખયાલ હોય; પણ કોમી પેચપવિત્રાને રુખસદ અપાય એથી રૂડું શું.
બે રીતે જોઈ શકો તમે એને. કાં તો એ ઘોડાને ધરાર ભાગી છૂટવાની સોઈ આપ્યા પછી તબેલે તાળું દેવાની નકો નકો ડેમેજ કન્ટ્રોલ કોશિશ છે કે પછી ઘટતા શોર ને વળી ગાજાવાજા સાથે એક ઓર પ્રતિમાનિખાર પેરવી છે.
પહેલાં પેલા જે ઘોડાને ધરાર છૂટા મેલાયા હતા એની વાત. એ 21મી એપ્રિલ હતી ને ભા.જ.પ.ના સ્ટાર પ્રચારક વડા પ્રધાન મોદી એ દિવસે બાંસવાડામાં પ્રચારભાષણ કરતે કરતે રણરંગમાં તો ઠીક પણ રંગમાં જરૂર આવી ગયા હતા. એમણે સુજ્ઞ શ્રોતાજનોને અજબ જેવી માસુમિયતથી ચેતવ્યા હતા કે કાઁગ્રેસ તમારી વારસાગત સંપત્તિ લઈ લેશે અને વહેંચી મારશે. ‘કોને’ એવું પુછાય તે પહેલાં એમણે ખુલાસો કર્યો હતો કે ‘પેલાઓ’ને, જે વધારે છોકરા પેદા કરે છે, ઘૂસપેઠિયા છે, એમને – એટલે કે મુસલમાનોને. સ્ત્રીવર્ગને ચેતવી હતી કે તમારાં મંગલસૂત્ર જઈ રહ્યાં છે. (આગળ ચાલતાં, અન્ય કોઈ સ્થળે કિસાનોને એમની ‘ભેંસ’ લઈ વહેંચી દેવાશે તે વિશે પણ સાવચેત કર્યા હતા.)
કેમ કે સીધા પ્રસારણનો જમાનો છે, દેશ આખો આ ધન્ય ઉદ્દગારો જોતો સાંભળતો હતોઃ ચૂંટણીપંચ ચાહે તો આચારસંહિતાને ધોરણે (કોમી ઉશ્કેરણીના મુદ્દે) તત્કાળ સુઓમોટો કારવાઈ લાયક કેસ બનતો હતો. પણ આપણી આ સ્થિરમતિ સંસ્થા ખાસા ચારપાંચ દિવસે હાલી – અને હાલી ત્યારે વળી એવી હાલી કે એણે વડા પ્રધાનને નહીં પણ પક્ષપ્રમુખને ખુલાસો પૂછ્યો!
બાંસવાડા ભાષણને ખાસાં ત્રણ અઠવાડિયાં (અને લટકામાં એક-બે દહાડા) વીતી ગયાં પછી મંગળવાર (14મી મે) એ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરવાનું હતું એની સાથે જુગલબંધી સરખી બે ઘટના બનીઃ પક્ષપ્રમુખ નડ્ડાએ ચૂંટણીપંચને લાંઆંઆંબી તપાસ પછી જણાવ્યું કે વડા પ્રધાને કોઈ કોમી ઉશ્કેરણીની તકરીર કરી જ નથી .. ઊલટાનું, કાઁગ્રેસે પોતાના ઢંઢેરામાં મુસ્લિમ લીગવાળી કરી છે. તે સાથે મંગળવારે જ ન્યૂસ 18એ વડા પ્રધાન સાથેની મુલાકાત પ્રસારિત કરી જેમાં એમણે કહ્યું કે હું કદી રાજકારણમાં હિન્દુ-મુસ્લિમવાળી કરતો નથી. એવું કરું તો હું જાહેર જીવન સારુ ગેરલાયક ગણાઉં. એવું ન કરવું એ જ મારો સંકલ્પ છે.
ખબર નથી, આ સમાચારમાંથી પસાર થતાં કોઈ કોઈ વાચકોને ગુજરાતના મુખ્ય મંત્રીના સપ્ટેમ્બર 2002ના બહુચર્ચિત ઉદ્દગારો યાદ આવ્યા હશે કે કેમ. ત્યારે એમણે ગૌરવયાત્રા કાઢી હતી. કોનું ને શેનું ગૌરવ તે જિજ્ઞાસુઓને સમજાયું નહોતું પણ એમાં નેતૃત્વનો વાંક નહીં કાઢી શકાય. સવાલ આપણી સમજની પહોંચ કે મર્યાદાનો, ખરેખર તો પહોંચની મર્યાદાનો છે. ખેર, સપ્ટેમ્બર 2002ના ત્રીજા અઠવાડિયામાં ગૌરવ યાત્રા બેચરાજી પહોંચી ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી રાહત છાવણીઓ પર અક્ષરશઃ ઉડ્યા હતા – અમારે શેને માટે આવા કેમ્પ ચલાવવા? ‘અમે પાંચ અને અમારા પચીસ’ માટે? ગોધરા-અનુગોધરા એ નિઃશાસન અને દુઃશાસનનો દુર્દૈવ દોર હતો. જેમણે આશરો લેવો પડ્યો એમને અંગે આ પ્રકારના ઉદ્દગાર તત્કાલીન વડા પ્રધાન વાજપેયીની ‘રાજધર્મ-શીખ’થી વિપરીત હતા. જો કે, પછી જાહેર ખુલાસો આવી પડ્યો હતો કે મુખ્ય મંત્રી કુટુંબનિયોજનની જરૂરત પર ભાર મૂકવા માગતા હતા.
બાંસવાડા ભાષણ વખતે એવું લાગતું તું કે મતદાન સત્તાપક્ષ તરફે થાય તે માટે પ્રચારઝુંબેશને કોમી મરોડ આપવો અનિવાર્ય લાગ્યું હશે. હવે એવી આશા રાખી શકાય અગર કલ્પના કરી શકાય કે કદાચ જે દોર પસાર થઈ ગયા એનું આકલન સુધરી સત્તાપક્ષે આશા જગવતું હોય એ સંજોગોમાં કોમી મરોડથી પરહેજ કરવું સલામત ને શોભીતું રહેશે. જો એમ હોય તો ભલે એમ હોય, નાગરિક છેડેથી આપણે કોમી પ્રચાર અટકવા બાબતે રાહતનો દમ અનુભવીશું અને બાકી દોરમાં મુક્ત ને પુખ્ત મતદાનની આશા સેવીશું. જો કે આ આશાને કારણે ન તો આપણને કે ને તો એમને કોઈ વાતે ઘેનગાફેલ રહેવાનો પરવાનો મળે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 16 મે 2024