Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—248

દીપક મહેતા|Opinion - Opinion|18 May 2024

આ વાત છે મુંબઈને આંગણે ઉજવાયેલા એક અનેરા ઓચ્છવની    

સ્થળ : બોમ્બે કહેતાં મુંબઈ

તારીખ-વાર : ગુરુવાર, ૨૭ માર્ચ, ૧૯૫૨

આવો દિવસ મુંબઈના લોકોએ અગાઉ કદિ જોયો નહોતો. છેલ્લા કેટલા ય વખતથી માત્ર મુંબઈમાં જ નહિ, આખા દેશમાં એક બેનમૂન ઓચ્છવ મંડાયો હતો. મુંબઈ શહેરમાં આ દિવસે એ ઓચ્છવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. કિયો હતો એ ઓચ્છવ? એ ઓચ્છવનું પગેરું કોઈ પંચાંગ જોવાથી મળશે નહિ. કારણ એ કોઈ એક સમુદાયનો, જાતિનો, ધર્મનો ઓચ્છવ નહોતો. એ તો હતો ઇન્ડિયા કહેતાં ભારતના નાગરિકનો ઓચ્છવ. ૨૧ વરસ કરતાં વધુ ઉંમરના એકેએક નાગરિકને આ ઓચ્છવમાં ભાગ લેવાનો અધિકાર હતો. ભાગ લેવો તે તેની ફરજ પણ હતી.

તે દિવસે રોજ કરતાં વધુ ખટારા બોમ્બેના રસ્તાઓ પર દેખાતા હતા. પણ તેમાં માલ-સામાનને બદલે માણસો ભર્યા હતા. મુખ્ય રાજકીય પક્ષો પોતપોતાના મતદારોને તેમના ઘરેથી ખટારામાં બેસાડીને મતદાન મથક સુધી લઈ જતા હતા. સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ રસ્તા પર ઠેર ઠેર પીવાનાં પાણીની અને ચાની પણ વ્યવસ્થા કરી હતી. પાછા ફરતાં દરેક જણ પોતાની આંગળી પરનું લાંછન અભિમાનપૂર્વક બીજાને બતાવતા હતા.

૧૯૫૨ની ચૂંટણી  — મત એક અને મત પેટી અનેક

પણ આ ઓચ્છવનું નામ? ચૂંટણી કહેતાં ચુનાવ કહેતાં ઇલેક્શન. આઝાદી પછી પહેલી વાર આખા દેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ૧૯૫૧ના ઓક્ટોબરથી શરૂ થયેલો ચૂંટણીનો ઓચ્છવ ૧૯૫૨ના ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. એ સમય દરમ્યાન ૬૮ દિવસે જૂદા જૂદા પ્રદેશોમાં એની ઉજવણી થઇ હતી. આખો દેશ ચૂંટણીમાં મતદાન કરે એવો આ પહેલવહેલો પ્રસંગ હતો. અગાઉ સ્થાનિક સ્વરાજ્ય મળ્યા પછી ૧૯૩૬-૧૯૩૭માં મુંબઈ, મદ્રાસ, બંગાળ, જેવાં ‘અ’ વર્ગનાં ૯ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. પણ મત કોણ આપી શકે એ અંગે દરેક રાજ્યની પોતાની અલગ જોગવાઈ હતી. પરિણામે કુલ વસતિના માત્ર ૧૪ ટકા લોકોને મતાધિકાર મળ્યો હતો. જ્યારે ૧૯૫૨ની ચૂંટણીમાં ૨૧ વરસની ઉપરની હરેક વ્યક્તિને મતનો અધિકાર અપાયો હતો. (૧૯૮૯થી આ ઉંમર ઘટાડીને ૧૮ વરસની કરવામાં આવી.) બંધારણ ઘડાઈ રહ્યું હતું ત્યારે બંધારણ સભામાં કેટલાકે આવા સાર્વત્રિક મતાધિકારનો જુદાં જુદાં કારણોસર વિરોધ કર્યો હતો. એ સૌને જવાબ આપતાં હંગામી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે સાર્વત્રિક મતાધિકાર એ આપણા દેશ માટે Act of Faith છે. તેના વગર લોકોના મોટા ભાગ માટે આઝાદીનો કશો મતલબ નહિ રહે. મતાધિકાર આપીને આપણે સામાન્ય માણસની સૂઝ-બૂઝ અને સમજમાંની આપણી શ્રદ્ધા પ્રગટ કરીએ છીએ.

પહેલા ચીફ ઈલેક્શન કમિશનર સુકુમાર સેન

નિષ્પક્ષ અને વ્યવસ્થિત રીતે ચૂંટણી યોજાય તે માટે સૌથી પહેલું કામ કરવાનું હતું તે ચીફ ઈલેક્શન કમિશનરની નિમણૂંક કરવાનું. રાષ્ટ્રપતિ દ્વારા ૧૯૫૦ના માર્ચની ૨૧મી તારીખે સુકુમાર સેન(૧૮૯૮-૧૯૬૩)ની નિમણૂંક જાહેર થઈ. ૧૯૫૮ના ડિસેમ્બરની ૧૯મી તારીખ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. એટલે ૧૯૫૭ની બીજી ચૂંટણી પણ તેમની રાહબરી નીચે જ યોજાઈ હતી. તેમણે કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં અને પછીથી યુનિવર્સિટી ઓફ લંડનમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. યુનિવર્સિટી ઓફ લંડનમાં ગણિતશાસ્ત્ર માટેનો સુવર્ણ ચંદ્રક પણ તેમને મળ્યો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. ચીફ ઈલેક્શન કમિશનર થયા પછી જવાહરલાલ નેહરુની બને તેટલી જલદીથી ચૂંટણી યોજવા માટેની અધીરાઈનો તેમણે કુશળતા અને કૂનેહપૂર્વક સામનો કર્યો હતો. નેહરુના વિચારોનો તેઓ પૂરેપૂરો આદર કરતા હતા, પણ તેમનામાં રહેલો ગણિતશાસ્ત્રી નેહરુને ધીરજ ધરવા કહી રહ્યો હતો. એ વખતે દેશમાંના ૨૧ વરસ કરતાં વધુ ઉંમરના નાગરિકોની સંખ્યા હતી ૧૭ કરોડ ૬૦ લાખ. તેમાંના ૮૫ ટકા લોકો નિરક્ષર હતા. તેઓ પોતાના મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ સરળતાથી કરી શકે એવી પદ્ધતિ ઊભી કરવાની હતી.

સુકુમાર સેને ઊભી કરેલી પદ્ધતિ થોડાઘણા ફેરફારો સાથે વર્ષો સુધી ચાલુ રહી હતી. ૧૯૮૨માં કેરળની એક પેટા ચૂંટણીમાં પહેલી વાર EVMનો ઉપયોગ થયો. પણ તેના ઉપયોગ સામે સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ થયો. ચુકાદો આવ્યો કે ચૂંટણી અંગેના કાયદામાં ‘બેલેટ પેપર’નો જ ઉલ્લેખ છે, બીજી કોઈ પદ્ધતિનો નહિ. એટલે EVMનો ઉપયોગ ગેરકાનૂની છે. ૧૯૮૯માં આ કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો અને તેથી EVMનો ઉપયોગ કરવા માટેનો માર્ગ મોકળો થયો. પહેલાં રાજ્ય વિધાન સભાઓની ચૂંટણીમાં અને પછી લોકસભાની ચૂંટણીમાં પ્રાયોગિક ધોરણે મશીનનો ઉપયોગ થયો. ૨૦૦૪માં પહેલી વાર આખા દેશમાં લોક સભાની ચૂંટણી માટે EVMનો ઉપયોગ થયો જે આજ સુધી ચાલુ છે.

૧૯૫૨ – મત પેટીની સુરક્ષા કરતા મુંબઈ પોલીસના સિપાઈ

પહેલી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી બોમ્બે શહેર આખું ધમધમવા લાગ્યું હતું. (યાદ રહે, એ વખતે આપણા આ શહેરનું સત્તાવાર નામ ‘બોમ્બે’ હતું અને તે બોમ્બે સ્ટેટનું પાટનગર હતું.) આજના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના ઘણાખરા ભાગોનો સમાવેશ બોમ્બે સ્ટેટમાં થતો હતો. એ વખતે જુદા જુદા રાજકીય પક્ષો પાસે પ્રચાર માટેનાં સાધનો ટાંચાં હતાં. અખબારો અને સામયિકો, સભા-સરઘસ, ઠેર ઠેર લગાડાતાં પોસ્ટર્સ. નહોતું ટી.વી. કે ઇન્ટરનેટ, નહોતું સોશિયલ મીડિયા. હા, સરકારી ઓલ ઇન્ડિયા રેડિયો હતો. જુદા જુદા રાજકીય પક્ષોને રેડિયો પરથી પ્રચાર કરવાની સગવડ આપવી કે નહિ, એ અંગે ખાસ્સી લાંબી ચર્ચા ચાલી હતી. છેવટે કોઈ પક્ષને આવી સગવડ આપવી નહિ એમ ચૂંટણી પંચે ઠરાવ્યું. એટલે ચૂંટણીની પ્રક્રિયા સમજાવવા માટે ચીફ ઈલેક્શન કમિશનર અને રાજ્યોના કમિશનરોએ આપેલા વાર્તાલાપો સિવાય પ્રચાર માટે રેડિયોનો ઉપયોગ થયો નહોતો.

મતદાનના દિવસ પહેલાં કેટલાયે દિવસ સુધી આપણું આ બોમ્બે શહેર સભાઓ અને સરઘસોથી ગાજતું રહ્યું હતું. સરઘસો માટે મુખ્ય વાહન હતું ખટારા. બે-પાંચ-સાત ખટારા એક પછી એક લાઈનમાં ગોઠવાય. પહેલા ખટારામાં જે-તે રાજકીય પક્ષનું ચૂંટણી-ચિહ્ન અને રાષ્ટ્રધ્વજ હોય. ના, બે-ત્રણને બાદ કરતાં બીજા રાજકીય પક્ષો એ વખતે પોતાનો અલગ ધ્વજ વાપરતા થયા નહોતા. બીજા ખટારામાં હારતોરા પહેરેલા ઉમેદવાર ઊભા હોય, સાથે તેમના મુખ્ય ટેકેદારો. પછીના ખટારામાં ઉમેદવારના ટેકેદાર સ્ત્રી-પુરુષો હોય. એક ખટારામાંથી દેશભક્તિનાં ગીતોના સૂરો અને મત આપવા માટેની અપીલ મોટા ભૂંગળા જેવા લાઉડ સ્પીકરોમાંથી ફેલાતાં હોય. પછી આવે લેઝીમ પથક. આ લેઝીમ એ બોમ્બે રાજ્યના મરાઠીભાષી પ્રદેશની એક આગવી ઓળખ. અને લેઝીમ પછી ચાલતા હોય આ લખનાર જેવા સામાન્ય લોકો.

૧૯૫૨ – જવાહરલાલ નેહરુ મુંબઈમાં

કાઁગ્રેસ પક્ષનો પ્રચાર કરવા માટે વડા પ્રધાન નેહરુ મુંબઈ આવેલા અને આવા સરઘસમાં જોડાયા હતા. રસ્તાની બંને બાજુથી લોકો તેમના પર હાર અને ફૂલો ફેંકતા. નેહરુ એક-બે હાર રાખી બાકીના હાર-ફૂલ રસ્તાની બંને બાજુએ ઊભેલા લોકો – ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓ – પર સામા ફેંકતા. એ વખતે પણ સરકાર અને વિરોધ પક્ષો એવી બે બાજુ તો હતી જ. પણ વાતાવરણ એટલું તંદુરસ્ત હતું કે વડા પ્રધાન આ રીતે હાર કે ફૂલોની આપ-લે કરે તેમાં સરકારને ‘સિક્યોરિટી’ની સમસ્યા નડતી નહોતી.

બે-ત્રણ કલાકે સરઘસ કોઈ નાના કે મોટા હોલ પાસે કે લગ્નની વાડી પાસે, કે કોઈ સ્કૂલ કોલેજના ગ્રાઉન્ડ પાસે પહોચતું અને સભા બની જતું. મોટાં મેદાનોમાં આવી સભાઓ ભરવાનું હજી શરૂ થયું નહોતું. ભાષણોમાં વિરોધી પક્ષના ઉમેદવારોની અંગત ટીકા કે મશ્કરી ભાગ્યે જ થતી. હા, મતભેદની વાત જરૂર થતી.

૧૯૫૨ – ૧૨ રાષ્ટ્રીય પક્ષોનાં ચૂંટણી ચિહ્ન

જ્યાં લગભગ ૮૫ ટકા મતદારો અશિક્ષિત હોય ત્યાં એ પક્ષનું કે ઉમેદવારનું નામ વાંચે કઈ રીતે, અને વાંચ્યા વગર મત આપે કઈ રીતે? એટલે પહેલી જ ચૂંટણીથી ‘ચૂંટણી ચિહ્ન’ની પ્રથા શરૂ થઈ. એ વિચાર પણ ચીફ ઈલેક્શન કમિશનર સેન સાહેબનો. કુલ બાર પક્ષોને ‘રાષ્ટ્રીય પક્ષ’નો દરજ્જો અપાયો હતો અને તે દરેકને એક-એક ચૂંટણી-ચિન્હ ફાળવવામાં આવ્યું. જેમ કે ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસને બે બળદની જોડી, કિસાન મઝદૂર પ્રજા પાર્ટીને ‘ઝૂંપડી’, જનસંઘને ‘દીવો’, રામરાજ્ય પરિષદને ‘ઊગતો સૂર્ય’, વગેરે. આ ઉપરાંત બીજા નાના-મોટા પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો માટે પણ અલગ ચિહ્નોની વ્યવસ્થા કરી હતી. આજે તો હવે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધ્યું છે, છતાં ચૂંટણી ચિહ્નની આ પ્રથા ચાલુ રહી છે, એટલું જ નહિ એ માટે હરીફ પક્ષો છેક સુપ્રિમ કોર્ટ સુધી ધા નાખે છે.

દેશમાં હજી ટાઈપ રાઈટરનો ઉપયોગ પણ મર્યાદિત હતો, ત્યાં EVMની તો  કલ્પના પણ ક્યાંથી આવે? એટલે શરૂઆતથી ઘણાં વરસ સુધી બેલેટ પેપર અને બેલેટ બોક્સનો ઉપયોગ થતો રહ્યો. આ મતપેટી કેવી હોવી જોઈએ તેની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરીને ચીફ ઈલેક્શન કમિશનરે એવી પેટીઓ બનાવવા માટે ટેન્ડર બહાર પાડેલાં. ‘ચલ મન મુંબઈ નગરી’ને માટે આનંદ અને ગર્વની વાત એ છે કે દેશની પહેલી ચૂંટણી માટે સ્ટીલની મતપેટી બનાવવાનો ઓર્ડર આમચી મુંબઈની પ્રખ્યાત ગોદરેજ એન્ડ બોઈસ કંપનીને મળ્યો હતો. સ્ટીલનાં કબાટ, તિજોરીઓ, ફર્નિચર વગેરે બનાવવા અને વેચવા માટે આ કંપની દેશભરમાં મશહૂર. ઓર્ડર મળ્યા પછી કંપનીએ નક્કી કર્યું કે બીજી વસ્તુઓના ઉત્પાદનમાં સહેજ પણ ઘટાડો કર્યા વગર વિક્રોલી ખાતેના તેના કારખાનામાં ૧૨ લાખ ૮૩ હજાર મતપેટીઓ સરકારે નક્કી કરેલા સમયમાં બનાવી આપવી. અને મતપેટી દીઠ સરકાર કંપનીને રૂપિયા પાંચની ‘જંગી રકમ’ ચૂકવવાની હતી. આવક ખાતર નહિ, પણ દેશને જરૂર હતી એટલે કંપનીએ રોજની ૧૫ હજાર મતપેટી બનાવવાનું શરૂ કર્યું. કબાટ, તિજોરી, તાળાં વગેરેનું ઉત્પાદન તો હંમેશ મુજબ ચાલુ જ. એટલું જ નહિ, ચૂંટણી પંચે જે ડિઝાઈન નક્કી કરી હતી તે પૂરેપૂરી સલામત નથી એમ કંપનીને લાગ્યું. એટલે તેના એક કારીગર નાથાલાલ પંચાલે મતપેટીનું ઢાંકણું અંદરથી બંધ થાય એવી ડિઝાઈન તૈયાર કરી. ચૂંટણી પંચે તે સ્વીકારી, અને બધી મતપેટી તે રીતે જ બનાવવા કહ્યું. ત્યાં તો વળી નવી મુસીબત. ટેન્ડરના જવાબમાં જેમની અરજીઓ આવી હતી તેમાંની કેટલીક કંપનીને પણ મતપેટી બનાવવાનો ઓર્ડર મળેલો. પણ કામ શરૂ કરતાં પહેલાં જ ઘણીખરી કંપનીએ પોતાને મળેલ ઓર્ડર પ્રમાણેની મતપેટી બનાવવાનું કામ ગોદરેજ કંપનીને આપી દીધું! એટલે બીજી કંપનીઓ માટે મતપેટી બનાવવાનું પણ ગોદરેજને માથે આવ્યું.

એ વખતના માલિક પીરોજશાહ ગોદરેજ રોજ બપોરે ત્રણને ટકોરે ફેક્ટરી પહોંચી જાય અને કારીગરોને – માત્ર મેનેજરોને નહિ – પૂછીને કામ બરાબર ચાલે છે કે નહિ એની ખાતરી કરી લે. ૧૯૫૨ના ફેબ્રુઆરી સુધીમાં બધી મતપેટી તૈયાર થઈ ગઈ. દરેકની ચકાસણી થઈ. અને પછી સીધી ૨૨ રાજ્યોને મોકલી દેવામાં આવી. ફેક્ટરીથી વિક્રોલી સ્ટેશન બહુ દૂર નહિ. એટલે મજૂરો અને અફસરો પણ ફેક્ટરીથી ચાલીને મતપેટીઓ સ્ટેશને લઈ જાય અને ભારખાનાના ડબ્બામાં ગોઠવે! રાતે પણ મશાલના અજવાળામાં આ કામ ચાલુ!

આ પહેલી ચૂંટણીમાં વપરાયેલી મતપેટી હતી કેવી? ૨૦ ગેજના સ્ટીલની બનેલી, ૮ ઇંચ ઊંચી, ૯ ઇંચ લાંબી, અને ૭.૫ ઇંચ પહોળી. ઢાંકણામાં ૨ ઇંચ લાંબો કાપો, તેમાંથી મતપત્ર પેટીમાં નાખવાનું. ઘણાંખરાં રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથોસાથ હતી. એટલે લોકસભા માટેની મતપેટી ઘેરા લીલા રંગની, વિધાનસભા માટેની ઘેરા બ્રાઉન કલરની. એ વખતે સ્ટીલના ફર્નિચરમાં મુખ્યત્ત્વે આ બે રંગો જ વપરાતા. દરેક મતદાર વિભાગમાં જેટલા ઉમેદવાર હોય તેટલી મતપેટી દરેક મતદાન કેન્દ્રમાં રાખવાની. એક મતપેટીમાં એક હજાર મતપત્ર સમાઈ શકે એમ હતું, એટલે વધારાની મતપેટી પણ રાખવાની. તે વખતના બોમ્બે સ્ટેટમાં કુલ ૧,૮૫,૬૪૩ મતપેટી વપરાઈ હતી. સૌથી વધુ, ૫,૪૪,૮૦૦, ઉત્તર પ્રદેશમાં, અને સૌથી ઓછી, ૬૮૦, બિલાસપૂરમાં. (દેશી રાજ્યો ભારતીય સંઘમાં ભળી ગયા પછી પણ કેટલોક વખત તેનું અલગ રાજ્ય રહ્યું હતું. બિલાસપુર આવું એક રાજ્ય.) આખા દેશ માટે ૨૪,૭૩,૮૫૦ મતપેટી બનાવાઈ હતી. અને તે માટે કુલ ૮૧૬૫.૪૫ ટન સ્ટીલ વપરાયું હતું. ન કરે નારાયણ, ને કોઈ મુશ્કેલી ઊભી થાય તો વાપરવા માટે લાકડાની બનેલી ૧,૧૧,૦૯૫ મતપેટી તૈયાર રખાઈ હતી. સંજોગવશાત તેમાંની મોટા ભાગની મદ્રાસ રાજ્યમાં વાપરવી પડી હતી.

૧૯૫૨ – લોકસભા અને હૈદરાબાદ રાજ્યની વિધાન સભાની ચૂંટણી માટેના મતપત્ર

મતપેટીની જેમ મતપત્રકો પણ બે જાતના હતા. બંનેનો રંગ એક જ હતો પણ લોકસભા માટેના મતપત્રક પર ઉપરથી નીચે ઘેરા લીલા રંગનો પટ્ટો છાપ્યો હતો. જ્યારે વિધાન સભા માટેના મતપત્રક પર ઘેરા બ્રાઉન રંગનો પટ્ટો છાપ્યો હતો. આખા દેશ માટેના બધા જ મતપત્ર છાપવાનું કામ મુંબઈ રાજ્યમાં નાસિકમાં આવેલા સિક્યોરીટી પ્રેસને સોંપાયું હતું, જ્યાં દેશની ચલણી નોટો પણ છપાતી હતી. મતપત્રક પર રાજ્યના નામના પહેલા બે અક્ષર (જેમ કે બોમ્બે સ્ટેટ માટે BO અને સિરિયલ નંબર સિવાય બીજું કશું જ છાપવામાં આવ્યું નહોતું. કરન્સી નોટમાં વપરાય છે તેવો વોટર માર્કવાળો કાગળ વપરાયો હતો. અને આછા ગુલાબી રંગમાં આખા મતપત્રક પર ઝીણા અક્ષરે ELECTION COMMISSION OF INDIA છાપ્યું હતું.

પછી તો ચૂંટણી પૂરી થઈ, મત ગણતરી થઈ, પરિણામો બહાર પડ્યાં, અને દેશમાં પહેલી વાર લોકો દ્વારા ચૂંટાયેલી સરકારે સત્તા સંભાળી. પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ : The rest is history.

ખુલાસો : ડોંગરીના કિલ્લાની બાકી રહેલી વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ “ગુજરાતી મિડ-ડે”; 18 મે 2024)

Loading

18 May 2024 દીપક મહેતા
← તપાસ કરો
ફાઇવ આય્ઝ અલાયન્સનો ભારતને આડકતરો સંદેશઃ માપમાં અને સાથમાં હશો તો સલામત રહેશો →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 
  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved