મતદાતાઓના ઉત્સવમાં ઉત્સાહ ઘટી રહ્યો છે, લોકશાહી સંકોરાઇ રહી છે કારણ કે જેનું પરિણામ ખબર હોય એ મેચમાં કોઇને રસ નથી હોતો.

ચિરંતના ભટ્ટ
જ્યારે પણ કોઇ સ્પર્ધા યોજાય, એ દોડની હોય કે પછી ચિત્રની હોય કે પછી સંગીતની હોય કે આપણને બધાને ટી.વી. સામે ખોડી રાખતી ક્રિકેટ મેચ હોય – એની ખરી મજા ત્યારે આવે જ્યારે તેનાં પરિણામની આતુરતા હોય. કોઇ સ્પર્ધા, તંદુરસ્ત એટલે ‘હેલ્ધી કોમ્પિટિશન’ ત્યારે કહેવાય જ્યારે રસાકસીનો જંગ જામે, કોણ જીતશે, સામેના પ્રતિસ્પર્ધીને કોણ કેવી રીતે માત આપે છે, તેની વ્યૂહરચના શું છે એવા વિચારોનું મંથન સતત ચાલતું રહે. ચૂંટણી પણ આવી જ એક સ્પર્ધા છે, એક એવી મેચ છે જેનાં પરિણામમાં રાષ્ટ્રનાં કરોડો નાગરિકોનું ભવિષ્ય રહેલું છે. કમનસીબે કહો કે સદ્નસીબે કહો, આપણને આ સ્પર્ધામાં જાત-ભાતના ખેલ જોવા મળે છે. કાવા-દાવા, આક્ષેપો, દળ-બદલુઓનું ચલક-ચલાણું પેલે ઘેર ભાણુંની રમત વગેરે વગેરે. આટલો બધો રસાકસી ભર્યો જંગ થવાનો હોય, દેશનું સુકાન કોના હાથમાં જશે એ નક્કી થવાનું હોય એટલે સ્વાભાવિક છે કે તેનાં પરિણામો અંગેની ઉત્સુકતા જબરદસ્ત હોય અને હોવી જ જોઇએ કારણ કે મજાની વાત એ છે કે આ ખેલના દર્શકોને કારણે ખેલનું પરિણામ બદલાઈ જવાની પૂરી શક્યતા રહે છે. મતદાતાઓ – આ ખેલના દર્શકોના હાથમાં જ આ રમતનું સૌથી મોટું શસ્ત્ર રહેલું છે. મતદાન એ કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું શસ્ત્ર તો છે જ પણ લોકશાહીની ગાડીને પાટે રાખનારું સૌથી મોટું પરિબળ છે.
આટલી લાંબી કથા કરવા પાછળનો ખરો આશય તો એ સવાલ કરવાનો છે કે શું તમને લાગે છે કે 2024ની ચૂંટણીમાં આવી ‘હેલ્ધી’ સ્પર્ધા છે? ‘આયેગા તો મોદી હી …’ વાળું રટણ જાણે ચૂંટણીના રસાકસીના ખેલનો રસ ચુસીને એવો ઘોંઘાટ કરે છે કે હવે માથમાં વાગે છે. મોદી સરકાર આવે, ન આવે, 400 બેઠકો સાથે ન આવે – કંઇ પણ થઇ શકે છે, મુદ્દો એ છે કે ચૂંટણીનો માહોલ એક તરફી બની ગયો છે, બનાવી દેવાયો છે અને એટલે જ બૂમ-બરાડા પાડતા કે ચર્ચામાં ઉગ્ર થઇ જનારા લોકો ભલે કોઇની પણ તરફેણમાં હોય પણ કોઇને પણ ચૂંટણની પ્રક્રિયામાં પહેલા જેટલો રસ રહ્યો નથી. હવે સુરતની જ વાત કરીએ તો 7મી મેએ ત્યાં મતદાનની તારીખ છે પણ શહેરને તો વગર ચૂંટણીએ સાંસદ મળી ગયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભા.જ.પા.ના મૂકેશ દલાલ મત ગણતરીના છ અઠવાડિયા પહેલા 2024ની ચૂંટણીના સૌથી પહેલા વિજેતા જાહેર કરાઇ દેવાયા છે. કાઁગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના મામલે જે થયું એ જગ જાહેર છે. ગાયબ, હાજર, રદ્દ જેવા શબ્દોથી આ કિસ્સાઓ વણાયા છે. સુરતના નવ ઉમેદવારોમાંથી આઠ જણાએ પોતાના નામ પાછા ખેંચી લીધા અને ભા.જ.પા.ને બગાસું ખાતા પતાસું આવ્યું. હવે આ મામલે વિગતોનું પિષ્ટપેષણ નથી કરવું પણ સવાલ એમ થાય કે માળું મેચ રમાય એ પહેલાં વિજેતા ટીમ જાહેર થઇ જાય તો પછી આખા ખેલની પ્રક્રિયા કેટલી નકામી થઇ પડે. વળી આમાં સાચું નુકસાન હારેલી કે જીતેલી ટીમનું નથી પણ જે લોકો મેચની ટિકિટ લઇને બેઠા હતા એમનું છે એટલે કે નાગરિકોનું – આવામાં મતદાતાઓનું મહત્ત્વ શું અને કેટલું? વળી રમ્યા વગર જીતની ખુશી મનાવવાની ચૂંટણીના ઉમેદવારને પણ કેટલી મજા આવશે?
લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણીની મહત્તા ઘટતી દેખાય એનાથી મોટી ખતરાની ઘંટી બીજી કોઇ હોઇ જ ન શકે. વળી છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું પણ થયું છે કે લોકોએ મત આપીને ચૂંટેલી સરકાર હોવા છતાં ય સરકારો તોડી પાડવામાં આવી હોય. આ વર્ષની શરૂઆતમાં જ આપણે જોયુ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતદાન અધિકારીએ હરીફ ઉમેદવારના મત ભા.જ.પા.ના ઉમેદવાર માટે ચોર્યા હતા. કેજરીવાલ પણ જેલમાં બેઠા છે. આ પહેલાં આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભા.જ.પા. વિરોધ પક્ષ ટકે જ નહીં એવી રીતે કામ કરે છે.
ઇંદિરા ગાંધી પણ માથા ભારે નેતા હતાં અને સરમુખત્યાર અભિગમ ધરાવતાં હતાં પણ તેમની સામે લડત આપનારા પ્રતિસ્પર્ધીઓ મજબૂત હતા, તેમને ખોખલા કરવા માટે રાજકારણીઓ છેલ્લે પાટલે જઇને નહોતા બેઠાં. મતદાન કેટલું થશે, મતોનો ઝૂકાવ જોવાની આતુરતા – ચૂંટણી વખતે એક અલગ પ્રકારની તાણ સર્જાતી. હવે તો સત્તા પક્ષે પોતાની જીત થવાની જ છે એમ ધારી લીધું છે. મોદીએ દક્ષિણમાં પોતાનો સિક્કો જમાવવા મહેનત કરી જ છે, એ કોઇ નકારતું નથી પણ માળું જેનું પરિણામ ખબર છે એ મેચની કોઇ ટિકિટ શું કામ લે? લોકો પોતાના મતને હળવાશથી લઇ રહ્યા છે એમ લાગે છે. વળી મતદાનની પ્રક્રિયાના પ્રશ્નો પણ છે. કોઇનું યાદીમાં નામ છે તો ફોટો કોઇ બીજાનો છે, કોઇનું નામ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવાનું આવે તો ધીરજની કસોટી લેવાઇ જાય, યાદીમાં નામ હોવા છતાં મત આપવા જાય તો એ નામે મત અપાઇ ગયો હોવાનું પણ ગઇ ચૂંટણીમાં બન્યુ જ છે. ઇ.વી.એમ.ને લઇને નવા સવાલો છે. આ બધા ગુંચવાડાઓની વચ્ચે માળા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ છે. આ નિશાની છે કે ધીરે ધીરે ચૂંટણીનું મહત્ત્વ ઓછું થઇ રહ્યું છે. I.N.D.I.A. ગઠબંધનમાં ભેગાં થયેલા પક્ષ જ્યારે એમ દાવો કરે કે તેમને ડર છે કે 2024ની ચૂંટણી કદાચ ભારતની છેલ્લી ચૂંટણી હશે ત્યારે તેમની ઠેકડી ઉડાડવાને બદલે એકવાર તો આ વાત પર ગંભીરતાથી વિચાર કરવો જ જોઇએ.
માળું આ રશિયા જેવું ન થવું જોઇએ. દર વર્ષે ચૂંટણી થાય ખરી પણ પુતિનની જીત નક્કી જ હોય. મોટા ભાગના વિપક્ષી નેતાઓ ત્યાં કાં તો જેલમાં છે કાં તો તેમને દેશ નિકાલ કરવામા આવ્યા છે, કોઇની પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મુકાયો છે તો કોઇ ઉમેદવારનું તો મૃત્યુ જ થઇ ચૂક્યું છે. તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં પુતિન 87 ટકા મત મેળીને જીત્યા અને પુતિનના સૌથી આકરા ટીકાકાર એલેક્સી નવલ્ની રહસ્યમય સંજોગોમાં જેલમાં મૃત્યુ પામ્યા.
એક તરફ રશિયામાં પુતિને પોતાની જાતને કાયમી પ્રમુખ જાહેર કરી દીધા છે બીજી તરફ 2024ની ચૂંટણી હજી પતી નથી અને સભાઓમાં નરેન્દ્ર મોદીએ 2047ની વાત કરવાની શરૂ કરી દીધી છે. ભા.જ.પા.ની નારેબાજી, પ્રચાર સામગ્રી બધામાં એક જ વ્યક્તિ કેન્દ્રમાં છે. મોદીના ટેકેદારો કે સમર્થકો પોતાની જાતને ગર્વથી ભક્ત ગણાવે છે. વ્યક્તિ પૂજાથી ચાલતા રાજકારણમાં લોકશાહી નથી બચતી. જો કે મારા મતે આ માટે મોદીનો વાંક કાઢવાને બદલે એ લોકોનો વાંક કાઢવો જોઇએ જે સત્તા પર બેસનારાઓને સવાલ કરવાનું છોડી દે છે. જે પોતાના મતાધિકાર, પોતાની લોકશાહીને હથેળીમાંથી રેતીની માફક સરકવા દે છે. કોઇ આટલું મોટું માથું બન્યું છે કારણ કે આપણે આવું થવા દીધું છે. આપણે આપણા રાજકારણીઓને, આપણા સત્તાધીશોની ચૂંટીએ છીએ એ ભૂલી જઇને ‘વાંસળીવાળો’ વાર્તામાં જેમ હતું એમ જે ધૂન સંભળાય છે એને સ્વીકારી લઇએ છીએ અને તેની પાછળ ચાલવા માંડીએ છીએ. ભૂલ આપણી છે પણ એ સમજવા માટે આંખ ખુલવાને હજી કેટલી હદે લોકશાહીનું પતન જોવું પડશે એ એક મોટો સવાલ છે. આમ થવા પાછળ ભા.જ.પા. કે નરેન્દ્ર મોદી કરતાં કંઇક ગણો વધારે વાંક આપણો, મતદાતાઓનો છે. આપણે ઘણું બધું ચલાવી લીધું છે, ચલાવી લઇએ છીએ, સવાલ કરવાની જરૂર નથી લાગતી.
લોકશાહીને માત્ર ચૂંટણી સાથે લાગેવળગે છે એમ નથી. લોકશાહીનું મૂલ્ય છે કારણ કે એ એકમાત્ર એવી સરકાર રચે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયની ખાતરી આપી શકે છે. આ ત્રણ પાસાં ત્યારે જ સમાજમાં સ્થપાઇ શકે જ્યારે સત્તા પર પણ મર્યાદાઓ લદાઇ હોય. લોકોનું શાસન બંધારણ થકી થતું હોય છે, થવું જોઇએ – જેમાં તેમના મૂળભૂત હકો સચવાતા હોય છે. ચૂંટાયેલા નેતાઓને તેમના વહેવાર માટે જવાબદાર ઠેરવવામાં આવે છે – પછી તે સારો હોય કે ખરાબ. કમનસીબે અત્યારે આપણી પાસે આપણા મત સિવાય કશું જ બચ્યું નથી. આપણે નક્કી કરવું પડશે કે ભારતીયોને અગ્રિમતા આપતા સત્તાધીશો ચૂંટવા કે પછી ધ્રુવીકરણના રાજકારણને પસંદ કરતા સત્તાધીશો પસંદ કરવા.
વડા પ્રધાને મુસલમાનો વિશે જે પણ કંઇ સભામાં કહ્યું એ કોઇ પણ રાષ્ટ્રના પ્રમુખને શોભે એવું નહોતું જ. બીજી બાજુ વિદેશમાં તેમને ભારતની લોકશાહીની સ્થિતિ વિશે પુછાય છે ત્યારે તે ભોંઠા પડે છે. કાઁગ્રેસના મુદ્દાઓમાં દમ છે પણ ત્યાં મજબૂત ચહેરો નથી જેની પર લોકો વિશ્વાસ મૂકે. આપણી લોકશાહીની ઓળખ સમો એક મહત્ત્વનો પ્રસંગ – ઉત્સવ કસ વગરનો, નિરસ થઇ ગયો છે. આપણો વોટ આપણું લોકતાંત્રિક શસ્ત્ર છે. શસ્ત્ર વાપરીએ, સારા ઉમેદવારને જીતાડીએ. એવા પક્ષ કે વ્યક્તિઓને આગળ કરીએ જે સમાજમાં સમાનતા અને સ્વતંત્રતાને પ્રાધાન્ય આપતા હોય.
બાય ધી વેઃ
ભા.જ.પા.એ સામે પક્ષે કોઇ બચે એવું કંઇ બહુ રાખ્યું નથી ત્યારે નાગરિકો કરતાં પોતાને ઉચ્ચ ગણતા પક્ષ અને સત્તાધીશોને મતાધિકારની શક્તિ બતાડવી જરૂરી છે. પડકારો ઓછા નથી પણ એનો અર્થ એવો પણ નથી કે પ્રતિકૂળ સંજોગોને વિસ્તરવા દેવાના. મતદાતાઓ પોતાનો મત કોઇને કેમ આપે છે એ એમણે પોતાની જાતને પૂછવાનો વખત આવી ગયો છે. તમારે એવી મેચના હિસ્સા કેમ થવું છે જેનું પરિણામ પહેલેથી જ ફિક્સ હોય. આપણી પાસે આ ખેલ બદલવાની ક્ષમતા છે તો તેનો ઉપયોગ કરવો જ જોઇએ. લોકશાહી તાજ છે, ગજવામાં મુકવાની પાવતી નથી. સત્તાને હાથવગી ગણનારા રાજકારણીઓને એ યાદ કરાવવાનો વખત આવ્યો છે કે તેમની જીતનું કારણ આપણે છીએ, તેમનો અહમ્ નહીં. મોંઘવારી, બેરોજગારી, ગરીબી આ પ્રશ્નોના નક્કર ઉકેલ મળવા જરૂરી છે, ધર્મને નામે દેકારા કરીશું તો સમસ્યાઓ નહીં ઉકેલાય – કોઇ વાદથી જવાબો કે ઉકેલ નથી મળતા માત્ર સમયનો વ્યય થાય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024