આજે પલ્લવી ત્રિવેદીના એક કાવ્યનો અનુવાદ. અઠંગ પ્રકૃતિપ્રેમી કવિને તમે અહીં પણ વાંચી શકશો : kuchehsaas.blogspot.com
•
કીડી અનાજ ભેગું કરે છે
ઊંટ પાણી સંઘરે છે
પાઈ પાઈ કરીને ગૃહિણી ભેગા કરે છે સિક્કા
અને પ્રેમિકાઓ એકઠો કરે છે
પ્રેમીની આંખોમાંથી ઝરતો સ્નેહ, પોતાના કઠિન સમય માટે.
પૃથ્વી યુક્તિઓ કરે છે થોડીક લીલપ બચાવી રાખવાની
આકાશ થીગડું દેવાની કારીગરી શીખે છે
એના પહેરણના એક મોટા કાણાને રફૂ કરવા માટે
સૌથી ખરાબ દિવસો માટે હું પણ
એક લાલ ડબ્બીમાં એકઠી કર્યે રાખું છું
થોડીક વસ્તુઓ
જેમ કે પક્ષીના ગાનનો કલરવ, સપ્તરંગી હાસ્ય બાળકોનું ,
કોમળ સ્પર્શ ખિસકોલીના પંજાનો, ઘેરી ઉદાસીભરી સંધ્યાઓ
કોઇ થાબડતું હોય એવું સંગીત
કલેજું ચીરી નાખતા વ્યાકુળ પોકાર
અને યાદો, એ લોકોની.
જેમની પાસેથી ક્ષમા અને પ્રેમ મળ્યા,
બિનશરતી.
ખરાબ સમયની વ્યાખ્યાઓ તો ઢગલાબંધ છે
દરેકનો ખરાબ સમય બેહદ પોતીકો હોય છે.
જ્યારે પણ મારી અંદરની માનવતાને શ્વાસ ભરાવા લાગે છે
ત્યારે શરૂઆત થાય છે મારા ખરાબ સમયની.
બહુ ઉમદા હવાઈ છત્રી છે મારી લાલ ડબ્બી
કાયમ અણીના સમયે ખૂલી જ જાય છે
ને એવી રીતે દર વખતે હું બચી જાઉં છું
ને આ પૃથ્વી પણ.
ડબ્બીઓ આવી ભરેલી રહે,
સલામત રહીએ આપણે બધાં.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર