
રવીન્દ્ર પારેખ
ન્યાયતંત્ર જોખમમાં છે કે ન્યાયતંત્ર પર રાજકીય ને વ્યાવસાયિક દબાણ વધારવામાં આવી રહ્યું છે, એ મતલબનો એક પત્ર 600થી વધુ વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(સી.જે.આઈ.)ને લખ્યો ને તેની રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી. આ પત્ર ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મનન મિશ્રા ઉપરાંત બીજા અનેક વકીલોની સહીથી સી.જે.આઈ. ડી.વાય. ચંદ્રચૂડને 26 માર્ચે લખાયો છે. વકીલોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે કે અમે વકીલો કાયદાનાં રક્ષણ માટે સક્રિય છીએ, ત્યારે ન્યાયિક અખંડિતતાને નબળી પાડવાની કોશિશો કરવામાં આવી રહી છે. એવે વખતે સાથે મળીને અવાજ ઉઠાવવાની જરૂર છે, જેથી સંતાઈને હુમલો કરનારાઓને પડકારી શકાય. એ ખરું કે કોર્ટ લોકશાહીનો આધારસ્તંભ છે ને તે કોઈ પણ મેલી મુરાદોથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત થવું જોઈએ. પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક વિશેષ જૂથ ન્યાયતંત્રને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યું છે. એ જૂથ કયું છે તેનો ફોડ પાડવામાં આવ્યો નથી, પણ રાજકીય એજન્ડા હેઠળ આરોપો લગાવીને એ જૂથ, કોર્ટને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે એવું તો પત્રમાં કહેવાયું છે. પત્રનો હેતુ ન્યાયતંત્ર સાથે જોડાયેલી સંવાદિતા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાય નહીં તેટલું જોવાય એવું સૂચવવાનો પણ છે.
કોઈ રાજનેતા પર ભ્રષ્ટાચારનો આરોપ હોય, ત્યારે રાજકીય રીતે અનેક યુક્તિ-પ્રયુક્તિથી કોર્ટ પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન થાય એ અક્ષમ્ય છે, કારણ એવી પદ્ધતિ લોકશાહી માળખાને જોખમમાં મૂકી શકે છે. એ કયું ગ્રૂપ તેનું નામ નથી દેવાયું, પણ તે વિશેષ ગ્રૂપ વિષે એવું કહેવાયું છે કે તે કોર્ટના સોનેરી ભૂતકાળનો ઉલ્લેખ કરીને આજને સંદર્ભે તેની તુલના કરે છે. આ તુલના એ પ્રકારની હોય છે જે નિર્ણયોને પ્રભાવિત કરી શકે ને એ દ્વારા રાજકીય હિત અને હેતુ સાધી શકાય. પત્રમાં એવા વકીલોનો પણ ઉલ્લેખ થયો છે જે દિવસે એવા ભ્રષ્ટ રાજકારણીને બચાવવા કેસ લડે છે ને રાત્રે એ હેતુથી મીડિયામાં રહે છે જે દ્વારા કોર્ટના નિર્ણયો પ્રભાવિત કરી શકાય ને એમાં બેન્ચ ફિક્સિંગની થિયરી પણ આવી જાય. આમ કરવાથી તો કોર્ટનો અનાદર જ થાય છે તે કહેવાની જરૂર નથી. કોર્ટની ગરિમા એથી જોખમાય છે એ પણ એટલું જ સાચું. પત્રમાં જજો પર થતા હુમલાની નોંધ પણ લેવામાં આવી છે ને તે સાથે કોર્ટોની સરખામણી એવા દેશો સાથે કરવામાં આવી છે, જ્યાં કાયદાનું કોઈ શાસન નથી. બીજી તરફ રાજકારણીઓ ચુકાદો પોતાની તરફેણમાં આવે તો ન્યાયની સરાહના કરે છે ને ચુકાદો વિરુદ્ધમાં આવે છે તો કોર્ટની ટીકાઓ કરે છે કે વાત મીડિયામાં ચગાવે છે. આ બધાંની સામાન્ય માણસો પર અસર થયા વગર રહેતી નથી તે ખરું કે કેમ?
પત્રમાં એવા લોકોનો ઉલ્લેખ પણ છે જે સોશિયલ મીડિયા પર એવા જજોની ટીકા કરે છે જે તેમના કેસ સાથે જોડાયેલા છે. એ દ્વારા તેમનો હેતુ તે જજો પર દબાણ લાવીને નિર્ણય પોતાની તરફેણમાં લાવવાનો હોય છે. એનાથી કોર્ટની પારદર્શિતા પર જોખમ ઊભું થાય છે. આવું 2018-‘19ની ચૂંટણી વખતે થયું હતું ને હવે 2024ની ચૂંટણી નજીકમાં છે ત્યારે પણ થઈ રહ્યું છે તે દુ:ખદ છે.
આ પત્ર 600 વકીલોની સહી સાથે સી.જે.આઈ.ને લખાયો છે. આ વકીલોએ જૂથ, વિશેષ જૂથ એમ કહ્યું છે, પણ તે કયું જૂથ તેનું નામ પાડ્યું નથી. એ કયું જૂથ તેનો સંકેત કોઈને મળે પણ ખરો. એનાથી બધા જ અજાણ હોય એમ ન પણ બને. વળી પત્ર કઈ વ્યક્તિને ઉદ્દેશીને લખાયો છે તે પણ સ્પષ્ટ છે, તો તેમનાથી જૂથનું નામ છુપાવવાનું કયું કારણ હતું તે નથી સમજાતું. આટલા વકીલો પાસેથી તો આટલી નૈતિક હિંમતની અપેક્ષા સ્વાભાવિક જ સૌને હોય. જૂથનું નામ ન આપવામાં અટકળોને મોકળું મેદાન મળે એવું નહીં? એમ બને કે એ જૂથ કોઈ વકીલોનું હોય તો બધાનાં નામ દેવાનું શક્ય ન હોય, પણ જૂથ કોઈ રાજકીય હોય તો તેને વિષે બોલવામાં વકીલો અવઢવમાં ન હોય એ અપેક્ષિત છે.
આમ તો વકીલોના એક સમૂહને ઉદ્દેશીને પત્રમાં કહેવાયું હોવાની સંભાવના વધુ છે ને રાજકીય જૂથનો તો ફોડ પડાયો જ નથી, છતાં વડા પ્રધાનને એ ખબર પડી ગઈ કે કાઁગ્રેસને ઉદ્દેશીને જ એ પત્ર લખાયો છે એમને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. ગયા મંગળવારે પત્ર લખાયો ને ગુરુવારે તો વડા પ્રધાને ધોકાવવા જ માંડ્યું કે બીજાને ડરાવવા એ કાઁગ્રેસની જૂની સંસ્કૃતિ છે. લગભગ 50 વર્ષ પહેલાં તેમણે વધુ પ્રતિબદ્ધ ન્યાયતંત્રની વાત કરી હતી. કાઁગ્રેસ માટે તેમણે એમ પણ કહ્યું કે તેઓ બેશરમીથી પોતાના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા ઈચ્છે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કોઈ પણ પ્રતિબદ્ધતાને તેઓ ટાળે છે. એ જ કારણે 140 કરોડ ભારતીયો તેમને એટલે કે કાઁગ્રેસને નકારે એમાં નવાઈ નથી. વડા પ્રધાન માને છે કે આખો દેશ કાઁગ્રેસને નકારે છે. જો કે, તેમણે એવું કહ્યું નથી કે 140 કરોડ ભારતીયો ભા.જ.પ.ને સ્વીકારે છે. એ કદાચ તેમણે 140 કરોડ ભારતીયો પર છોડ્યું હોય એમ બને. વડા પ્રધાનનો આ સંયમ કાબિલે તારીફ છે, પણ એથી કાઁગ્રેસ તો ચૂપ ન રહેને ! એણે તો ન્યાયયાત્રા પણ કાઢી છે !
કાઁગ્રેસ અધ્યક્ષે પણ વડા પ્રધાન મોદીને સંભળાવવામાં કૈં બાકી નથી રાખ્યું. એમાં વકીલો તો બાજુ પર રહ્યા, વડા પ્રધાન અને કાઁગ્રેસ અધ્યક્ષ સામસામે આવી ગયા. કાઁગ્રેસ અધ્યક્ષે ટોણો મારતા કહ્યું કે પ્રધાન મંત્રીશ્રી, તમે ન્યાયતંત્રની વાત કરો છો? એ ભૂલી ગયા કે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠતમ જજોએ અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરવા અને લોકતંત્રના ખાત્મા વિરુદ્ધ ચેતવણી આપવા મજબૂર થવું પડ્યું હતું અને એ તમારા શાસનકાળમાં થયું હતું? એક જજને તમારી સરકારે રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. એ પણ ભૂલી ગયા કે આ લોકસભા ચૂંટણીમાં તમારી પાર્ટીએ બંગાળમાં હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશને મેદાનમાં ઉતાર્યા છે? આ ઉમેદવારી તેમને કેમ સોંપાઈ? કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ એ પણ પૂછ્યું કે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (એન.જે.એ.સી.) કોણ લાવ્યું હતું ને સુપ્રીમ કોર્ટે એને કેમ ખારિજ કર્યું હતું? ખડગેએ રોકડું પૂછ્યું – મોદીજી, સંસ્થાનોને ધમકાવવામાં તમારા તરફથી આવે છે ને એને માટે જવાબદાર કાઁગ્રેસને ઠેરવવામાં આવે છે તે યોગ્ય નથી. તમે લોકતંત્ર સાથે છેડછાડ કરવામાં અને સંવિધાનને હાનિ પહોંચાડવામાં કાબેલ છો. બાકી હતું તે કાઁગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ ઠીકરું ફોડતાં કહ્યું કે ન્યાયતંત્રનાં રક્ષણને નામે ન્યાયતંત્ર પર હુમલો કરવામાં વડા પ્રધાનનું પાખંડ પરાકાષ્ઠાએ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને અસંવૈધાનિક જાહેર કર્યા એ પરથી હવે એ સાબિત થઈ ગયું છે કે ભા.જ.પ.ને ફાળો અપાવવા માટે, તે ડરાવવા, ધમકાવવાનું એક સાધન માત્ર હતું. જો કે, જયરામ રમેશની આ ટિપ્પણી ભા.જ.પ. પરનું દોષારોપણ છે, કારણ ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા મેળવવામાંથી કોઈ પક્ષ બાકાત રહ્યો નથી, તો માત્ર ભા.જ.પ.ને બદનામ કરવાનો અર્થ નથી. કમાણી ભા.જ.પ.ને જ થઈ છે, એવું નથી, કમાયા તો અન્ય પક્ષો પણ છે.
એ વાતનું આશ્ચર્ય જ છે કે પત્રમાં કોઈ પક્ષ કે વકીલ જૂથનું નામ દેવાયું નથી ને છતાં વડા પ્રધાને તે કાઁગ્રેસ સંદર્ભે જ લખાયો છે એમ માનીને કાઁગ્રેસની ધોલાઈ કરી અને તેથી છંછેડાઈને કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ અને કાઁગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ ટિપ્પણીઓ કરીને મૂળ મુદ્દાને હાંસિયામાં ધકેલ્યો. ન્યાયતંત્ર કોઈક પ્રકારનાં દબાણ હેઠળ હોવાનું બીજા કોઈકને તો ઠીક, ખુદ વકીલોને, તે પણ એક બે નહીં, છસોથી વધુને લાગે છે, તે એટલે પણ કે આટલા મોટા વકીલ સમૂહની કોઈનું પણ નામ ફોડવાની હિંમત થઈ નથી. આ સ્થિતિ હોય તો ન્યાયતંત્ર તો ઠીક, લોકશાહી પણ ખતરામાં છે એમ માનવું પડે, પણ કરુણતા એ છે કે સૌને ખતરાની હોવી જોઈએ એના કરતાં અખતરાની ચિંતા વધુ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 એપ્રિલ 2024