
રમેશ ઓઝા
દેશનાં જાહેરજીવનમાં, ધર્મ અને ધર્મિક જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં આટલી બધી નિર્લજ્જતા અને નિર્દયતા કેમ જોવા મળી રહ્યાં છે, અને એ પણ ભારત જેવા દેશમાં? મારા એક મિત્રએ મને આ સવાલ કર્યો હતો અને મને ખાતરી છે કે તમે પણ મનોમન આવો પ્રશ્ન કરતા હશો. બે દાયકા પહેલાં જો કોઈએ આવી કલ્પના પણ કરી હોત તો આપણે કહેત કે આવું પાકિસ્તાન જેવા મજહબમાં અટવાઈ ગયેલા અને પરિણામે નિષ્ફળ નીવડેલા દેશમાં બને અથવા અમેરિકા જેવા ભોગવાદી દેશમાં બને, ભારતમાં આવું ન બને. ભારત મર્યાદાઓમાં માનનારો દેશ છે અને એ રીતની ભારત ખ્યાતિ ધરાવે છે.
ઈ.ડી. અને ઈ.બી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈલેક્ટોરલ બોન્ડ્સ)નાં કારનામાં બહાર આવી રહ્યાં છે. પહેલા શિકાર પસંદ કરવામાં આવે. એ પછી ઇ.ડી. અથવા સી.બી.આઈ. દરોડા પાડે, કેસ દાખલ કરે, ધરપકડ કરે. થોડા દિવસ પછી એ શિકાર ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદે અને બી.જે.પી.ને આપવામાં આવે. અંતે શિકારને જવા દેવામાં આવે. ધરપકડ કરી હોય તો છોડી મૂકવામાં આવે અને કેસ નબળો પાડવામાં આવે. થોભો, ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદીને જે માણસ છુટ્યો હોય તેનો પાછો રાજકીય હરીફ સામે ઉપયોગ કરવામાં આવે. છૂટવા માટે તેણે એ પણ કહેવું જરૂરી છે કે તેણે ફલાણા પક્ષની ફલાણી વ્યક્તિને લાંચ આપીને લાભ મેળવ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા તેમ જ સંજય સિંહ સામેની કારવાઈ આનું ઉદાહરણ છે. માત્ર આ ત્રણ નહીં, બીજા અનેક લોકો આ રમતના શિકાર છે. ઈલેક્ટોરલ બોન્ડ્સ આપીને જે માણસ છૂટે તેનો બીજાને ફસાવવા માટે ઉપયોગ કરવામાં આવે.
મંગળવારે સર્વોચ્ચ અદાલતના એક ખંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન પર છોડવાને લગતો કેસ ચાલતો હતો અને બીજા ખંડમાં બાબા રામદેવ સામે વારંવારની ચેતવણી છતાં લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરખબરનો કેસ ચાલતો હતો. દિનેશ અરોરા નામના એક માણસે ઇ.ડી. સમક્ષ કબૂલ કર્યું હતું કે તેણે દારૂનો ઠેકો મેળવવા બે કરોડ રૂપિયા સંજય સિંહને આપ્યા હતા. આ દિનેશ અરોરા હમણાં કહી એવી રમતનું પ્યાદું છે. મંગળવારની સુનાવણીમાં સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ત્રણ પ્રશ્ન ઉઠાવ્યા જેને સર્વોચ્ચ અદાલતના જજોએ સ્વીકાર કરીને ઈ.ડી.ના વકીલોને કહ્યું કે આ ત્રણ સવાલોના જવાબો લંચ પછી સુનાવણી શરૂ થાય ત્યારે આપવામાં આવે. પહેલો સવાલ એ કે સંજય સિંહ છ મહિનાથી જેલમાં છે. હવે કઈ ચીજની પૂછતાછ કરવાની બાકી રહી ગઈ છે? બીજો સવાલ એ કે સંજય સિંહે બે કરોડ રૂપિયા દારૂના ઠેકેદાર પાસેથી લીધા હતા તો તેમાંથી કેટલા રૂપિયા હાથ લાગ્યા? આરોપી છ મહિનાથી તમારા કબજામાં છે તો ઓકાવી તો શક્યા જ હશો. ત્રીજો સવાલ એ કે દિનેશ અરોરાની કુલ નવ વખત પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પહેલી આઠ પૂછપરછમાં એક પણ વાર સંજય સિંહનું નામ કોઈ જગ્યાએ આવતું નથી અને છેલ્લી નવમી પૂછપરછમાં કેવી રીતે આવ્યું અને એ પણ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી એની પહેલાં? કેમ આઠ વખત સંજય સિંહનું નામ નહોતું લેવાયું? ધરપકડ કરવા માટે નામ ઉમેરવામાં આવ્યું? લંચ પછી અદાલત પાછી બેઠી અને ઇ.ડી.ના વકીલે માત્ર એક જ વાક્ય કહ્યું કે સંજય સિંહને જામીન આપવામાં આવે તેની સામે ઇ.ડી.ને કોઈ વાંધો નથી. ઈ.ડી. પાસે આ ત્રણ પ્રશ્નોનો જવાબ નહોતો. બોલતી બંધ થઈ ગઈ.
બાબા રામદેવના કાંડ વિષે તો હું આ કોલમમાં લખી ચૂક્યો છું. ખોટા દાવાઓ કરતી અને એ રીતે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરતી પતંજલિની જાહેરખબરો આપવાનું બંધ કરી દેવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ આ સંન્યાસી માનતો નહોતો. સર્વોચ્ચ અદાલતના આદેશની ઐસીતૈસી! એલોપથી છેતરપિંડીનું શાસ્ત્ર છે એમ જાહેરમાં અને જાહેરખબરોમાં કહેવામાં આવે પણ કેન્દ્ર સરકાર ચૂપ. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે તો પછી એલોપથીનું શિક્ષણ શા માટે આપવામાં આવે છે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થાઓ શું કામ ચલાવો છો? માત્ર બાબા નહીં, સરકાર પણ ચૂપ! અને તમને ખબર તો હશે જ કે આ જ બાબા રામદેવના ભાગીદાર બાલકૃષ્ણને હ્રદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એલોપથીનો ઈલાજ કરવામાં આવ્યો હતો.
વારંવારની ચેતવણી પછી પણ બાબા સર્વોચ્ચ અદાલતને ગણકારતા નહોતા. મંગળવારે બાબાને સમજાઈ ગયું કે હવે સર્વોચ્ચ અદાલતની ધીરજ ખૂટી ગઈ છે એટલે તેમણે અદાલતમાં માફી માગી હતી. હસતા હસતા કોઈ માણસ માફી માગે એવું દૃશ્ય તમે આ પહેલા ક્યારે ય નહીં જોયું હોય. ક્યાંથી આવે છે આવી નિર્લજ્જતા અને કોણ પોષે છે એને?
સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ કોઈની મનફાવે એ રીતે ધરપકડ કરવામાં આવે, કોઈના બેંક એકાઉન્ટ સ્થગિત કરવામાં આવે, કોઈ પર ટેક્સની વસૂલીની નોટિસ મોકલવામાં આવે છે, જેમના પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા તેને બી.જે.પી.માં પ્રવેશ આપવામાં આવે છે, ભૂંડી ઘટના બને તો મોઢું ફેરવી લેવામાં આવે છે અને કેટલાક તો તેનો બચાવ કરે છે વગેરે તમે રોજ જુઓ છો. હવે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ, અમેરિકાએ અને જર્મનીએ ભારતની ટીકા કરી છે અને ભારતનાં લોકતંત્રના ભવિષ્ય વિષે ચિંતા કરી છે. હા, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના શાસકોએ ભારતના શાસકોની નિંદા નથી કરી. ઇન્ડિયા ઈઝ ઇન અ ગૂડ કંપની.
પણ સવાલ એ છે કે આવી નિર્લજ્જતા ક્યાંથી આવે છે અને કોણ પોષે છે?
જવાબ બહુ સરળ છે. પાણી માપવામાં આવી રહ્યું છે. દેશની જનતાનું કે તે કેટલી હદે મૂર્ખ છે અને મુસ્લિમની પીડામાં કેટલી હદે સુખનો અનુભવ કરે છે. પાણી દેશની લોકતાંત્રિક સંસ્થાઓનું માપવામાં આવી રહ્યું છે કે તેમાં બેઠેલા લોકો કેટલી હદે ઝૂકે છે, ડરે છે અને વેચાય છે. પાણી મીડિયાનું અને હરીશ સાળવે જેવા લાભાર્થીઓનું માપવામાં આવી રહ્યું છે કે તેઓ કેટલી હદે બુટ ચાટે છે. પાણી વિશ્વસમાજનું માપવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના આર્થિક સ્વાર્થને ધ્યાનમાં રાખીને કેટલી હદે ભારતમાં લોકશાહીના પતનને સ્વીકારે છે. જો બહુ વાંધો ન આવે તો ત્રીજી મુદ્દતમાં હજુ નીચે જવાનું સાહસ કરી શકાય. અને પાણી માપનારાઓમાં શાસકોનો, પાળીતા ઉદ્યોગપતિઓનો અને ધર્મગુરુઓનો એમ ત્રણેયનો સમાવેશ થાય છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઍપ્રિલ 2024