કેવો હતો મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો?
મુંબઈના કોટની એકાદ ઈંટ પણ આજે જોવા મળતી નથી
મજૂર અહીં સો પચાસ ઘણ કોશ કોદાળી લૈ
મથે, પરમ જીર્ણ તોય હજી વક્ષ તારે દૃઢે
ઝીંકે સતત ઘા ઉસાસભર ખિન્ન અંગાંગમાં.
જરા ખણણ, ધૂળગોટ, ગબડે તૂટેલી ઇંટો,
અને ઢગ બની ઢળે યુગયુગો ઊભેલી કથા;
પસાર સહુ થાય હ્ંયાથી, નહિ જ આજ કોને વ્યથા.
ગાંધીયુગના એક અગ્રણી કવિ સુન્દરમ્ની સોનેટમાલા ‘એક કિલ્લાને તોડી પડાતો જોઇને’ની આ પંક્તિઓનો સાચો અર્થ પામવો હોય તો મુંબઈના કોટ વિસ્તારમાં લટાર મારવી. નામ ભલે કોટ કે ફોર્ટ, પણ આજે અહીં એ કિલ્લાની એકાદ ઈંટ પણ શોધી જડે તેમ નથી. કારણ જે અંગ્રેજોએ આ કિલ્લો બાંધ્યો એ જ અંગ્રેજોએ વખત જતાં એને તોડી પાડ્યો. એ કિલ્લા પર અગાઉ એક તકતી ચોડેલી હતી. તેમાં જણાવ્યું હતું કે મુંબઈના આ કિલ્લાની દીવાલ ૧૭૧૬ના જૂન મહિનાની પહેલી તારીખે પૂરેપૂરી બંધાઈ રહી હતી. ચાર્લ્સ બૂન એ વખતે બોમ્બેના ગવર્નર હતા.
કિલ્લાના ત્રણ દરવાજા. દરિયા વાટે આવ-જા કરતા સૌ કોઈ એપોલો બંદરે ઊતરીને મુંબઈની ધરતી પર પગ મૂક્યા પછી સૌથી પહેલાં જોતા તે એપોલો ગેટ. માત્ર જોતા એટલું જ નહિ, તેમાંથી પસાર થઈને કોટમાં દાખલ થતા. હા, કોટમાં દાખલ થતાં પહેલાં બહુ ઊંડી નહિ અને બહુ છિછરી પણ નહિ એવી ખાઈ પસાર કરવી પડતી. કોટ બંધાઈ રહ્યા પછી ખ્યાલ આવ્યો કે માત્ર દીવાલો મુંબઈનું રક્ષણ કરી શકે તેમ નથી. એટલે કોટની બહાર ખાઈ બનાવી. તેમાં બારે માસ પાણી રહેતું, પણ ગંદુ, ગંધારું. અને એટલે મચ્છરોની વસતી માણસો કરતાં વધુ. દિવસ દરમ્યાન દરવાજા બહાર ખાઈ ઉપર લાકડાનો ‘ડ્રોપ ગેટ’ રહેતો જેના દ્વારા ખાઈ પસાર કરવી પડતી.
સેન્ટ થોમસ કેથીડ્રલ અને કોટન ગ્રીન
કિલ્લાની વધુ વાતો કરતાં પહેલાં ટકોરા મારીએ બીજા ગેટ ચર્ચ ગેટનાં બારણાં પર. મુંબઈના કોટના ત્રણ ગેટમાંથી આ સૌથી વધુ જાણીતો. આજે બીજા ગેટની જેમ આ ગેટ પણ નથી રહ્યો, છતાં તેનું નામ જળવાઈ રહ્યું છે. આ ચર્ચ તે સેન્ટ થોમસ કેથીડ્રલ, જે આજના હોર્નિમન સર્કલ પર આવેલું છે. એનો પાયો તો નખાયો હતો ૧૬૭૬માં, પણ તેની પ્રતિષ્ઠા થઈ છેક ૧૭૧૮માં. કારણ વચમાં વચમાં જૂદાં જૂદાં કારણોને લીધે તેનું બાંધકામ અટકી ગયું હતું. કોટ વિસ્તારમાં આવેલું આ પહેલું એન્ગ્લિકન ચર્ચ. આજે એની ગણના આખા દેશનાં જૂનામાં જૂનાં ચર્ચમાં થાય છે. કિલ્લાના જે દરવાજાથી શરૂ થતો રસ્તો સીધો આ ચર્ચ તરફ લઈ જતો હતો તે દરવાજાનું નામ પડ્યું ચર્ચ ગેટ. એ ગેટમાંથી બહાર નીકળ્યા પછી વિશાળ મેદાન આવતું અને તેમાં હતી એક મસ મોટી પવન ચક્કી. આજે જ્યાં વિદેશ સંચાર નિગમની બહુમાળી ઇમારત આવેલી છે એ જગ્યાએ પહેલાં રાણી વિક્ટોરિયાનું ખૂબ સુંદર પૂતળું હતું. ૧૮૭૨ના એપ્રિલની ૨૯મી તારીખે તે પૂતળું મૂકાયું તે પહેલાં એ જગ્યાએ આ પવન ચક્કી હતી. પવન ચક્કીથી થોડે દૂરથી દરિયા કિનારો શરૂ થતો. આ તરફ જતો એક રસ્તો, આજે તો કેડી લાગે એવો, એનું નામ પડ્યું ચર્ચ ગેટ સ્ટ્રીટ. પછી લગભગ એ રસ્તાને છેડે બંધાયું બી.બી.સી.આઈ. – બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે – નું સ્ટેશન. એનું નામ પણ પડ્યું ચર્ચ ગેટ સ્ટેશન. એનું નામ બદલવાનું ભૂત વચમાં વચમાં ધૂણવા લાગે છે, પણ હજી સુધી તો અસલ નામ બચી ગયું છે. પણ હા, ચર્ચ ગેટ સ્ટ્રીટનું નામ બદલાઈને થયું છે વીર નરીમાન રોડ.
મુંબઈનો કોટ, ૧૮૫૫માં કોલાબા તરફથી જોતાં
પણ આપણે પાછા સેન્ટ થોમસ પાસે જઈએ. મુંબઈના વિકાસનું સપનું જોનાર જ નહિ, આપણા આ શહેરના ઘડતર અને ચણતરમાં ઘણી દિશામાં પહેલ કરનાર મુંબઈના ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆરે આ ચર્ચ બાંધવાની પહેલ કરી. આ વિસ્તાર ત્યારે કોટન ગ્રીન તરીકે ઓળખાતો. ચોમાસાને બાદ કરતાં ઇન્ગ્લન્ડ મોકલવા માટે અહીં રૂ કહેતાં કપાસની લાખો ગાંસડીઓ ખુલ્લામાં પડી રહેતી એટલે આ જગ્યાનું નામ પડ્યું કોટન ગ્રીન. પોર્ટુગીઝોએ બાંધેલો બોમ્બે કાસલ પણ નજીકમાં. ચર્ચ બાંધવાનું શરૂ તો કર્યું પણ એ બંધાઈ રહ્યું ચાલીસ વરસ પછી. ૧૭૧૫થી બાંધકામ પૂર જોશમાં શરૂ થયું અને ૧૭૧૮માં પૂરું થયું. ૧૭૧૮ના નાતાલના દિવસે તેમાં ‘સર્વિસ’ શરૂ થઈ. ૧૮૩૭ના જુલાઈમાં તેને કેથેડ્રલનો દરજ્જો આપવામાં આવ્યો અને મુંબઈમાં પહેલા બીશપ તરીકે થોમસ કારની નિમણૂક થઈ. ૧૮૩૮માં અસલ ઈમારતમાં ટાવર અને કલોક (ઘડિયાળ) ઉમેરાયાં. ૧૮૭૦માં કાવસજી જહાંગીર રેડીમનીએ આ ચર્ચને એક સુંદર ફુવારો ભેટ આપેલો જે આજે પણ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જોઈ શકાય છે. દાયકાઓ સુધી આ ચર્ચને મુંબઈનું ‘ઝીરો પોઈન્ટ’ ગણવામાં આવતું. એટલે કે આ ચર્ચને ઝીરો માનીને તેનાથી દૂર માહિમ સુધી કુલ ૧૬ માઈલ સ્ટોન મૂકવામાં આવેલા. આ ૧૬માંથી ૧૧ની ભાળ મળી છે.
મુંબઈનો કોટ – દરિયા તરફ તાકેલી તોપો
બોમ્બેનો ફોર્ટ બંધાઈ રહ્યા પછી, અને ૧૭૯૦ પહેલાં ક્યારેક, કિલ્લા બહારનો પહેલો મોટો રસ્તો બંધાયો. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી મુંબઈના ગવર્નર રહી ચૂકેલા વિલિયમ હોર્નબીના માનમાં એ રસ્તાને નામ અપાયું હોર્નબી રો. આ ‘રો’ શબ્દ ‘રોડ’નો સમાનાર્થી. મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામ સાથે પણ ‘રોડ’ને બદલે ‘રો’ વપરાતો. જેમ કે રામપાર્ટ રો, ક્રૂકશેંક રો. પણ પછી અહીંના લોકોને આ ‘રો’નો અર્થ પલ્લે ન પડતાં ‘રો’ની જગ્યાએ ‘રોડ’ મૂકાતું થયું. અસલમાં આ રસ્તો કર્નાક બંદર આગળથી શરૂ થતો અને બોરી બંદર આગળ પૂરો થતો. પછી ધીમે ધીમે તેને પહેલાં ચર્ચ ગેટ સ્ટ્રીટ સુધી, અને પછી એપોલો બંદર સુધી લંબાવવામાં આવ્યો. આજે આ રોડના જુદા જુદા હિસ્સાને જુદાં જુદાં નામ અપાયાં છે. તેમાં એક મોટા હિસ્સાનું નામ ડોક્ટર દાદાભાઈ નવરોજી રોડ.
અને ત્રીજો દરવાજો તે બઝાર ગેટ. બીજા બે કરતાં કદમાં લગભગ બમણો. અહીં વચમાં એક મોટો દરવાજો અને તેની બંને બાજુ એક-એક નાના દરવાજા હતા એટલે ‘દેશી’ લોકો તેને ત્રણ દરવાજા તરીકે પણ ઓળખતા. બોરી બંદરથી શરૂ થઈને એલ્ફિન્સ્ટન સર્કલ (આજનું હોર્નિમન સર્કલ) સુધી જતા રસ્તાનું નામ પણ હતું બઝાર ગેટ સ્ટ્રીટ. અને અહીં લોકોનો આવરોજાવરો પણ ઘણો વધારે. એક જમાનામાં અહીંની બજાર એ મુંબઈની સૌથી મોટી બજાર. દિવસ દરમ્યાન આ દરવાજામાંથી વેપારીઓ અને ઘરાકોની આવનજાવન સતત ચાલુ.
એક જમાનામાં અવિનાશ વ્યાસનો આ ગરબો ખૂબ જાણીતો થયેલો :
અલી ઓ રે, બજાર વચ્ચે બજાણિયો,
જોને બજાવે ઢોલ,
કેમ સહ્યું જાય રે લોલ!
એ ગરબાની જેમ આજે બજાર ગેટ પણ ભૂલાઈ ગયો છે. તેના પરથી નામ પડેલું તે સ્ટ્રીટનું નામ પણ બદલાઈ ગયું છે. હા, આ લખનાર જેવા જૂના જમાનાનાં લોકો હજી વાતચિતમાં ‘બજાર ગેટ સ્ટ્રીટ’ બોલે ખરા!
ત્રીજો દરવાજો – બજાર ગેટ
ત્રણ દરવાજાનાં તો નામ પણ બચ્યાં છે, લોકોની યાદદાસ્તમાં. પણ બોમ્બેના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજનાં તો નામ સુદ્ધાં હંમેશ માટે ભૂલાઈ ગયાં છે. તેમાંનાં કેટલાંક નામ : ફ્લાવર ટ્રી બેસ્ટિયન, બ્રેબ ટ્રી બેસ્ટિયન, ફ્લેગ સ્ટાફ બેસ્ટિયન. આ ત્રણે અસલ પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલના ભાગ હતા જે પોતે બાંધેલા કિલ્લામાં અંગ્રેજોએ સમાવી લીધા હતા. તેમાં બ્રેબ ટ્રી સાથે એક રોચક વાત સંકળાયેલી છે. બ્રેબ ટ્રી એટલે તાડ કે ખજૂરનું ઝાડ. અસલ કિલ્લામાં આ જગ્યાએ આવાં ઘણાં બધાં ઝાડ હતાં, અને ખાસ્સાં ઊંચાં હતાં. એ વખતે અહીં દીવા દાંડી નહોતી. પણ દરિયામાં દૂર દૂરથી પણ ઝાડનું આ ઝુંડ દેખાતું. એટલે એ દેખાય કે તરત ખલાસીઓ સમજી જતા કે હવે બોમ્બેનો કિનારો નજીકમાં જ છે. અંગ્રેજોએ બાંધેલા કિલ્લાના કેટલાક બેસ્ટિયન કહેતાં બુરજનાં નામ : રોયલ, માલબરો, સ્ટેનહોપ, ચર્ચ (ચર્ચ ગેટ નજીક), મૂર, બનિયન (વડનું ઝાડ), પ્રિન્સિસ, ટેંક (તળાવ), ફ્લેગ સ્ટાફ, અને નોર્થ-ઈસ્ટ બેસ્ટિયન.
પણ કાંઈ ફક્ત કિલ્લો બાંધવાથી શહેરનું રક્ષણ થોડું થાય? એ માટે કિલ્લા પર ઠેર ઠેર તોપ ગોઠવવી પડે. આ રીતે જ્યાં બે કે તેથી વધુ તોપ ગોઠવી હોય તેને લશ્કરની પરિભાષામાં ‘બેટરી’ કહે છે. પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો પૂરો થાય અને અંગ્રેજોએ બાંધેલો શરૂ થાય ત્યાં પહેલી હતી હોર્નબીઝ બેટરી. બીજી બેટરી હતી ડોક બેસ્ટિયનની સાથે. ત્રીજી બેટરી તે ટેંક બેટરી. આ ત્રણે બેટરી પર સંખ્યાબંધ તોપો રહેતી. એ ઉપરાંત આખા કિલ્લાની રાંગ ઉપર તો ઠેર ઠેર તોપ ગોઠવેલી હતી જ. પણ દારૂગોળા વગરની તોપ તો શોભાના ગાંઠિયા જેવી! એટલે બધી તોપો માટેનો જરૂરી દારૂગોળો અને બીજો શસ્ત્ર-સરંજામ સંઘરવા માટે કિલ્લામાં એક મેગેઝીન, કહેતાં દારૂખાનું પણ હતું. કિલ્લાના બોરી બંદર નજીકના છેડા પર આવેલું હતું. એ વિસ્તારની એક જગ્યા આજે પણ ‘દારૂખાના’ તરીકે ઓળખાય છે, જ્યાં મુંબઈનું સૌથી મોટું ભંગાર બજાર આવેલું છે જે ચોવીસે કલાક ઉઘાડું રહે છે.
કિલ્લાના આ બધા ભાગો પરથી કેટલાક રસ્તાનાં નામ પણ પડેલાં. જેમ કે બેસ્ટિયન રોડ, બેટરી સ્ટ્રીટ, રેવલીન સ્ટ્રીટ, રામપાર્ટ રો, વગેરે. માંડવી બંદરથી એપોલો બંદર સુધીના દરિયાના કાંઠે કાંઠે કોટની દીવાલ અડીખમ ઊભી હતી. તોપોનાં મોઢાં દરિયા તરફ અને જમીન તરફ એમ બંને બાજુ તાકેલાં રહેતાં.
પણ મુંબઈનો આ કિલ્લો બાંધવાનાં ફદિયાં આવ્યાં ક્યાંથી? એ વખતે હિન્દુસ્તાનમાં રાજ હતું કંપની સરકારનું. અને એ હતી વેપારી કંપની. હજારો માઈલ દૂર આવેલા મુંબઈ માટે ગાંઠનાં ગોપીચંદન એ કંપની શું કામ કરે? ૧૭૦૪ના જાન્યુઆરીની ૧૨મી તારીખે લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ કિલ્લો બાંધવાની માત્ર મંજૂરી આપી, પણ એ બાંધવા માટે કાણી કોડી ય નહિ. મુંબઈવાળા કહે : પૈસા વગર કિલ્લો બાંધીએ કઈ રીતે? લંડનવાળા કહે, અમે તમને છ ટકા વ્યાજે પૈસા આપશું. પણ ૧૫ વરસમાં તમારે એ વ્યાજ સાથે પાછા આપવાના. મુંબઈવાળા કહે, અમારે એ માટે ખાસ વધારાનો એક ટકો ટેક્સ નાખવો પડશે. ૧૭૧૦માં આ ટેક્સ નાખવાની લંડનથી મંજૂરી મળી. ૧૭૧૬માં કિલ્લો બંધાઈ રહ્યો ત્યાં સુધી મુંબઈના લોકોએ આ એક ટકો વધારાનો ટેક્સ ભર્યો. પણ એટલાથી કામ પૂરું થાય એમ નહોતું. એટલે મુંબઈ સરકારે વેપારીઓ પાસેથી ‘સ્વૈચ્છિક’ ફંડફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. અહીંના વેપારીઓએ કહ્યું કે પરદેશથી જે કાંઈ માલસામાન દરિયાઈ માર્ગે આયાત થાય તેની કિંમતના બે ટકા જેટલો ટેક્સ અમે સરકારને આપશું. સરકાર બી રાજી, અને વેપારીઓ બી રાજી.
સરકારનું તો જાણે સમજ્યા. પણ વેપારીઓ? એની વાત, અને મુંબઈના કોટની બીજી પણ કેટલીક મજેદાર વાતો હવે પછી.
e.mail: deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 એપ્રિલ 2024)