સેબૅસ્ટિયન ફોક્સની આ કથા વધતા જતા ભૌતિકવાદ, ધર્મઝનૂન અને તીવ્ર મહાત્ત્વાકાંક્ષાથી નીપજતા નૈતિક અધ:પતનના સંર્દભે સામાજિક નિસબત અને અંતરના અવાજને ઓળખવાની, સ્વને પામવાની પ્રક્રિયાની રોમાંચક ગાથા છે. અહીં પરસ્પર બદલાતી જિંદગીઓનાં દુષ્પરિણામો ચકાસાયાં છે.
સેબૅસ્ટિયન ફોક્સે પોતાના પાત્રોને એક એવાં બ્રિટનમાં કલપ્યાં છે, જે કોઈને ય ગમે એવું નથી.અકળાવી મૂકે એવા સંજોગો, આર્થિક મંદી, આતંકવાદ, ધાર્મિક માનયતાઓ અને આંધળી ઝનૂની પ્રતિક્રયાઓ, પ્રક્રિયાઓ જેવા અનૈચ્છિક વાતાવરણમાં પરાણે હડસેલાઈ ગયેલાં માણસોની વાત છે. ઇ.સ. 2007ના ડિસેમ્બર મહિનાનું એક અઠવાડિયું પસંદ કરાયું છે. સમગ્ર કથામાં પાત્રોની રોજિંદી જિંદગી સમસ્યાઓનું વૃત્ત નિરુપાયું છે. એમના સંઘર્ષ અને વ્યવહારો એકબીજા સાથે સંકળાયેલા છે.
જહોન વિલ્સન, પાંચ મોબાઈલ ઉપરાંત પુસ્તકો પાછળ ખાનગી ડ્રોઅર રાખતો અનૈતિક હેજ ફંડ મેનેજર, એની દુખિયારી, શરાબમાં આશરો શોધતી પત્ની વૅનેસા, નશામાં જીવનનો અર્થ પામવા મથતો દીકરો ફીનબાર, અંડરગ્રાઉન્ડ ટ્રેઇન ડ્રાયવર જૅની, એનો અરમાન ભાઈ ટોની, અને બેરિસ્ટર ગેબ્રિયલ, અલ રશીદ પરિવાર, પત્ની નસીમ, આતંકવાદી વિચારોમાં રંગાયેલો લંડનમાં બોમ્બ બ્લાસ્ટની યોજના કરતો દીકરો હસન, માતા પિતાના આંતરદેશીય લગ્નની છાયામાં વિકસતી સાંસ્કૃિતક, માનસિક સામાજિક વિટંબણાઓ વેઠતી શાહલા હાજિયાની, મીડિયોકર સમાલોચક સૅડલી એલેકઝાન્ડર, ફૂટબોલ ખેલાડી ટાઝવુડ, સાંસદ લાન્સ ટોપીંગની પાર્ટીઘેલી પત્ની સૉફી ટોપીંગ. આ સહુની ગાથામાં વિકસતાં આવે છે માણસની ભલાઈમાં સતત શંકા કરતાં જુદા જુદા ચરિત્રો અને વર્તણૂક. ‘ડીકેન્શિયન’(ચાર્લસ ડિકન્સના પથગામી?)નું બિરુદ મેળવેલા સેબૅસ્ટિયન ફોક્સની નવલકથા વાંચતા અમેરિકન ટી.વી. સિરિયલ ‘ધ વાયર’નું સહેજે સ્મરણ થાય છે. આ સિરિયલમાં ગેરકાનૂની નશાના દ્રવ્યોનો વેપાર, સી—પોર્ટ બંદરગાહની રીતિ–નીતિઓ, સ્થાનિક નોકરશાહી, શાળાઓનું વયવસ્થાતંત્ર, સમાચાર સંસ્થાઓ અને અમેરિકન શહેરી જીવન પધ્ધતિમાં એકઠાં થઈ જિવાતા જીવનની તેમ જ સંસ્થાઓ અને ઉદ્યોગો વ્યક્તિ – સમાજ પર કેવી રીતે અસર કરે છે એની ચિત્રાત્મક કથા આલેખાઈ હતી.
‘એ વીક ઇન ડિસેમ્બર’માં નાણાકીય મંદી, માનસિક બિમારી, ફૂટબોલ, ઈમીગ્રેશન, ખાનગી ગેરકાયદે સટ્ટાબાજી અને દંભી આચરણ, ગેરમાર્ગે એકઠો કરાતો પૈસો, કાયદો અને વ્યવસ્થા, મીડિયાની નૈતિકતા, ઈસ્લામિક ધર્મઝનૂન સઘળું વણાતું આવે છે. એક એવી ઝીગ્ઝેગ બાંધણીની ભાત લઈ ફોક્સ સિધ્ધહસ્તતાપૂર્વક સર્જનનું પોત વણે છે. સમકાલીન કથાવસ્તુને એવા રસાળ પ્રવાહથી વણ્યું છે જે ભાવકને જકડી લે છે.
ફોક્સ વાચકની સામે પડકાર મૂકે છે. વિચારવા માટે બધ્ધ કરે છે. ધર્મઝનૂન કોઈ નવી વાત નથી. બે વિશ્વયુદ્ધોમાં મર્યા એના કરતાં ય વધારે માણસો ધર્મના નામે મર્યા છે. નીતિ વગરના ભ્રષ્ટ માણસોની ય નવાઈ નથી રહી. ‘એ વીક ઇન ડિસેમ્બર’માં રચાતા સંજોગો જે રીતે આચરણ ફેર કરાવે છે, મનુષ્ય જાણતો, જોતો હોવા છતાં ઈન્દ્રિય બધિર, ચિંતન બધિર બનીને વર્તે છે એના મૂળમાં જવાનો સર્જકનો પ્રયાસ છે.
બિગ બ્રધર કે ભારતના બિગ બોસ નામના ટી.વી શોમાં કોઈએ સૂચવેલી પ્રવૃત્તિઓ કરતાં, પ્રત્યેક ક્ષણની જાહેર (જિંદગી) જીવતા માણસો કેવાં કાવા દાવા જૂઠ કપટ કરે છે?
કઈ માનસિક અવસ્થામાં એ એવું કરતાં હશે?
સમાજજીવનને મૂલ્યો છે, નીતિ છે તો માણસને લોભ, લાલચ અને મહાત્ત્વાકંક્ષા છે. ધર્મ કે રાજ્ય કે બોધ સંહિતાઓ વિરુદ્ધ જઈ માણસ જે રીતે વર્તે છે એના ફલ:સ્વરૂપ સમાજ જે વેઠે છે એનો અહીં હિસાબ ચિતરાયો છે. સહેજ આગળ જઈ કહું તો સમયનો ઇતિહાસ રજૂ કરાયો છે.
આપણી ભાષામાં વજુ કોટકે ‘શહેરમાં ફરતાં ફરતાં’માં કોમિક કે હાસ્ય શ્રેણીમાં આવાં દુરિતો તપાસ્યાં છે. જો કે એ સઘળું સરકતી લેખણે આવ્યું છે. તો, ભગવતીકુમાર શર્મા ‘અસૂર્યલોક‘માં પરંપરા, સમાજ અને મનુષ્યનું વર્તણૂક સંસ્કાર અને અપેક્ષાના સંઘર્ષની કથા આલેખાઈ છે. કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓમાં ઉચ્ચ વર્ગની ભ્રષ્ટ નીતિમત્તા, સ્વાર્થી જીવન શૈલી અને એની અસરો આલેખાઈ છે. મનુષ્યના બદલાંતા મૂલ્યો તપાસાયાં છે.
અિશ્વની ભટ્ટની ફાંસલોમાં થ્રીલરની પછીતે ગરીબાઈ, શિક્ષિત બેરોજગારી, યુવા વર્ગની ક્ષુબધતા, મનોવ્યથા અને આક્રોશના પરિપાકથી સર્જાતા પરિણામની વાત મૂકાઈ છે.
જો કે મૂળે તો સેબેસ્ટિયનને જે કહેવું છે એ યથાતદ્દ સ્વરૂપે રામાયણ અને મહાભારતમાં મળે છે.
રામાયણ આપણે શું કરવું એ શીખવે છે અને મહાભારત શું ના કરવું એની સમજણ આપે છે. દૂરિત, રાજ્યસત્તા આર્થિક સત્તા અને અંગત મહત્ત્વાકાંક્ષા બન્નેમાં સાવ છેડાની રીતે નિરુપાયા છે. રામાયણના ધોબી અને રાલ્ફ ટેન્ટરમાં કશો પાયાગત ફરક નથી. તો દુર્યોધન અને જહોન વિઅલ્સ કે કર્ણ અને હસનમાં તાત્ત્વિક ભેદ નથી, હા કારણભેદ છે સાથે સાથે સમર્પણભાવ તપાસવા જેવો છે.
રઘુવીર ચૌધરીની કથાત્રયી ઉપરવાસ, સહવાસ ને તરવાસમાં છેદાયેલા રાજકારણ, અર્થકારણ અને સમાજના પ્રશ્નો સેબેસ્ટિયને જે રીતે મૂક્યા છે એથી તદ્દન જુદી તરાહે નિરુપાયા હોવાં છતાં એકે ય લેખકની નિસબત જુદી હોય એમ મનાતું નથી. જેમ સેબેસ્ટિયનને સમયનો ઇતિહાસ આપવો છે, એમ પન્નાલાલ પટેલને પણ ‘માનવીની ભવાઈ’માં મનુષ્યના દુરિતને ચકાસવો છે. એની સચ્ચાઈ ને પ્રેમ સાથે સાથે સંયોગોદત્ત લાચારીની વિષમતા મૂલવવી છે.
હું આ સઘળું એક સપાટીએ દેખું છું. સમગ્ર સંસ્કૃિત નગર કે ગ્રામ્ય … જાણે એક સચ્ચાઈથી વિખૂટી પડી છૂટી છવાયી કે છેવાડાની જિંદગી જીવતી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. એમાં સેબેસ્ટિયન જ નહિ, ભગવતીકુમાર શર્મા, કાજલ વૈદ્ય, પન્નાલાલ ને આપણે સહુ એક પ્રકાશની શોધમાં છીએ. બસ,પેલો સતયુગી અણુ મળી જાય કે તરત ઝળહળ સૂર્ય આ અંધકારને મીટાવી શકશે.
* *
(‘સીટીરીડ 2013′ અંતર્ગત, હેરો લાયબ્રેરીઝ અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સંયુક્ત ઉપક્રમે, આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ના, 24 જુલાઈ 2013ના રોજ, હેરો વિલ્ડસ્ટોન લાઇબ્રેરીમાં, એક વાર્તાલાપ યોજાયેલો. તેમાં રજૂ થયેલું પ્રમુખ વિવેચન.)
e.mail : anilnvyas@yahoo.co.uk