મહાન વ્યક્તિના સમકાલીન હોવાનો આપણને મોકો ન મળ્યો હોય. પરંતુ, મહાન વ્યક્તિના સમયમાં જન્મેલા, મહાન વ્યક્તિ પાસે ઊછરેલા કે મહાન વ્યક્તિનાં પગલે ચાલવાનો જેમણે પ્રયાસ કર્યો હોય અને પોતાના જીવન થકી અનેકને તે પગલે ચાલવા પ્રોત્સાહિત કર્યા હોય એવી વ્યક્તિને મળવાનો આનંદ ઓછો તો ન જ હોય ને !
ગાંધી-વિનોબાના સમયમાં ઊછરેલા અને એમના પગલે ચાલનારા દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રયોગશીલ સમાજ-સેવકોનાં નામ કિશોર અવસ્થામાં પપ્પા પાસેથી સાંભળેલાં. એ પૈકીનું એક સન્માનીય નામ એટલે, જ્યોતિભાઈ દેસાઈ. પછી તો પરણીને જે પરિવારમાં આવી ત્યાં જ્યોતિભાઈ, એમનાં જીવનસંગિની માલિનીબહેન અને દીકરી સ્વાતિબહેન તો સ્વજન જ. તેઓનું સુરત રોકાણ હોય ત્યારે અમારે ઘરે રાત્રે વાર્તાની મહેફિલ જામે. જ્યોતિભાઈની વાર્તાઓ સાંભળવી તો ગમે જ. પણ, તેઓને વાર્તા કહેતા જોવા એ પણ એક લ્હાવો જ. બાલવાડીનો શિક્ષક આખે આખો એમાં ઝળકે. બાળકોનાં ‘તોફાની જ્યોતિદાદા’ વાર્તા કહેતી વખતે બાળકો જેવાં અને બાળકો જેવડાં જ બની જાય ! હાથ લાંબા ટૂંકા કરી, વાર્તામાં આવતા દરેક પાત્રનો અભિનય કરે. પ્રાણીઓના અવાજો કરે. મોઢાના હાવભાવ એવા કરે કે, જીવનના નવે નવ રસ બરાબર ઓળખી શકાય.
જ્યોતિભાઈનું વ્યક્તિત્વ પારદર્શક. દેશ હોય કે વિદેશ, પોતાના નિશ્ચિત સિદ્ધાંતોમાં ક્યાં ય બાંધછોડ ન કરે. જે જેવું લાગે તેવું કહે. જે યોગ્ય ન લાગે તેનો વિરોધ કરે. અને જે વાત એક વખત સમજાઈ જાય તેનો વિના સંકોચ તરત જ સ્વીકાર કરે. જ્યોતિભાઈ, પોતાને જે કંઈ સમજાયું તે જીવવા સતત પ્રયત્નશીલ રહ્યા. એક શિક્ષકમાં જોઈએ એવા નીડરતા, સમાનતા, સંવેદનશીલતા, કાર્યશીલતા, મૌલિકતા, સર્જનશીલતા, સ્વતંત્રતા જેવા ગુણોને જીવનારા જ્યોતિભાઈના સંપર્કમાં આવનારા વિદ્યાર્થીઓને આ પારસમણિનો સ્પર્શ થયા વગર રહેતો નહીં. એમના કોઈ ને કોઈ એક કે એકથી વધુ ગુણોનો વિકાસ જે તે વિદ્યાર્થીના જીવનમાં થયો. વિદ્યાર્થીઓમાં રહેલા માનવતાનાં બીજનો વિકાસ પણ જ્યોતિભાઈના સંપર્કથી થતો રહ્યો. જે દ્વારા સમાજ કે રાષ્ટ્રને ઉપયોગી કાર્યોમાં એ વિદ્યાર્થીઓ પ્રવૃત્ત થયા. આવા પારદર્શક પારસમણિ જ્યોતિભાઈના વ્યક્તિત્વનું ઘડતર કેવી રીતે થયું અને તેઓએ શું કામગીરી કરી એ જાણવાની સહેજે ઉત્કંઠા જાગે જ. અહીં, એક સતત પ્રવૃત્ત અને પ્રયોગશીલ વ્યક્તિત્વની ઝાંખીનો પ્રયાસ છે.
વર્ષ 1926ના મે માસની પાંચમી તારીખે મુંબઈમાં માતા ઉર્મિલાબહેન અને પિતા કનૈયાલાલ દેસાઈને ત્યાં જન્મ. બાળપણમાં બાળસહજ તોફાનો અને યુવાવયે મનમાં ઊભરતી સંવેદનાઓને સથવારે, આસપાસના વાતાવરણમાં ચાલતી વૈચારિક, સામાજિક કે રાષ્ટ્રીય ચળવળમાં આગળ પડતા રહી જ્યોતિભાઈ રાજકારણના ઉંબરે પહોંચી ગયા હતા. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હોત તો આ દેશને એક સારો રાજકારણી મળ્યો હોત એમાં કોઈ શંકા નથી. પરંતુ, સ્વાતંત્ર્યસેનાની માતાપિતા તરફથી મળેલ નિસ્પૃહ સેવાભાવનાના ગુણવિકાસ થકી તેમ જ સ્વામી આનંદ જેવા ઉત્તમ સાક્ષરનો સ્પર્શ પામેલા જ્યોતિભાઈના હાથે એક શિક્ષક તરીકે અનેક સત્કાર્યો થવાનાં હતાં. તેથી, મુંબઈના એ વખતના મુખ્ય મંત્રી બાળાસાહેબ ખેરના ગ્રામોત્થાન માટેના માર્ગદર્શન તેમ જ ‘આદર્શ બાળમંદિર’ની સ્થાપક બેલડી પ્રભુભાઈ અને ધનુબહેનના સંપર્કથી જ્યોતિભાઈ ગામડાં તરફ વળ્યા. અને આદિવાસીઓ માટે જીવન સમર્પિત કરી દીધું. મુંબઈ તથા આસપાસનાં અન્ય અનેક શહેરો તરફથી સ્થાયી થવા માટે જ્યોતિભાઈને એ વખતે અને એ પછી પણ ઘણાં આમંત્રણો મળ્યાં. પરંતુ શહેર અને તેના વ્યવહારોની મર્યાદાઓ તેમ જ શોષણ વિશે સજાગ થઈ ચૂકેલા જ્યોતિભાઈને ગામડું એવું તો વળગ્યું કે તેઓએ ગૂંદીથી શરૂ કરીને કોસબાડ, લોકભારતી સણોસરા અને અંતે ઘણો લાંબો સમય જુગતરામભાઈ દવેની વેડછી સંસ્થામાં જ રહીને સ્વનું અને સંપર્કમાં આવનાર સર્વનું જીવન સમૃદ્ધ કર્યું.
નવલભાઈ શાહના કહેવાથી જ્યોતિભાઈ ધોળકા તાલુકામાં આવેલા સંતબાલજીના ગુંદી આશ્રમમાં જોડાયા. લંડનથી બી.એડ. કરીને આવ્યા પછી દહાણુ નજીક કોસબાડ ટેકરી પર સ્થિત સ્વામી આનંદ સાથે રહેવાનું બન્યું. આમ તો સ્વામીદાદા આજીવન જ્યોતિભાઈના ઘડવૈયા રહ્યા. પરંતુ, ખાસ કરીને પ્રથમ મિલનથી જ ઉભય પક્ષે જે બાપ-બેટાનો અનોખો નાતો બંધાયો હતો તે નાતે જ્યોતિભાઈના મનમાં ઊઠતા વિવિધ વિચારો, લાગણીઓ કે રાષ્ટ્રહિત માટેની માંગણીઓને સ્વામીદાદા જોતા, સમજતા, મઠારતા અને સતત ઘડતા રહ્યા. લોકભારતી સણોસરા સંસ્થામાં જરૂરિયાત ઊભી થતાં સ્વામીદાદા જ્યોતિભાઈને સણોસરા મૂકવા ગયેલા. એ વખતે, પોતે પંદર દિવસ સાથે રહેશે, એ સમય દરમિયાન નાનાભાઈએ જ્યોતિભાઈની કસોટી કરી લેવાની; એ વાતનો ઉત્તર આપતાં નાનાભાઈ ભટ્ટે કહ્યું, ‘તમે લાવેલ ભાઈની કસોટી કરનાર હું કોણ ?’ ચોકસાઈ અને સમયપાલનના આગ્રહી સ્વામીદાદા તો ગાંધીજીને પણ ‘નવજીવ’નના તંત્રીલેખ અંગે તાકીદ કરતા ! આવા સ્વામી આનંદ પાસે ઘડાયેલા જ્યોતિભાઈએ સણોસરામાં 1959થી 1967 સુધી અધ્યાપક, નિયામક તરીકેની બેવડી જવાબદારી ઘણી સરસ રીતે નિભાવી. સ્વામીદાદા ઉપરાંત, એ સમયના મહાનુભાવો પૈકી રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ, પ્રભાવતી દીદીનો સ્નેહ સ્પર્શ પણ જ્યોતિભાઈને મળ્યો. તેમ જ દેશ વિદેશનાં અનેક વ્યક્તિત્વોનો સંપર્ક કોઈ ને કોઈ કારણે થયા કર્યો. જે દ્વારા જ્યોતિભાઈના જીવન ઘડતરને ઇજન મળતું રહ્યું.
સ્વાતંત્ર્યની લડત વખતે 1942માં ગાંધીજીએ ભારત છોડોની ચળવળ શરૂ કરી. એ સમયે રાષ્ટ્રભરમાં સ્વતંત્રતાનો જુવાળ અને જુસ્સો એવા હતા કે અનેક લોકો અને નવલોહિયા યુવાનો એમાં જોડાયેલા. જ્યોતિભાઈ પણ એ વખતે જેલમાં ગયેલા. જેલમાંથી છૂટીને ગાંધીજીને જોવાની ઇચ્છા. મુંબઈમાં દરિયાકિનારે ગાંધીજી દરરોજ ફરવા નીકળે એ તેમને ખબર એટલે એક વખત પોતાના પિતરાઈઓ સાથે પહોંચી ગયા જૂહુને કિનારે. ગાંધીજી આગળ અને બંધુટોળી પાછળ. ગાંધીજીનો પગ ઊપડે એટલે એ પગલામાં યુવા જયોતિભાઈ પગ મૂકે ! જરા વારે ગાંધીજીને અણસાર આવતાં પાછળ ફરી જોયું. જાણે, ‘મારા પેગડામાં પગ ઘાલવો સહેલો નથી’ એમ કહેતા ન હોય ! પણ, સ્નેહ અને હિંમતથી સભર ‘જ્યોતિ’ નામક આ યુવક અનેક નાની-નાની ચળવળોને પોતાની સૂઝ, સમજ અને પ્રયાસ દ્વારા ન્યાય અપાવવાનો છે, એવી ભાવિના ગર્ભની કોઈને ક્યાં ખબર હતી ?!
ગ્રામસેવાની રીતસરની કોઈ તાલીમ જ્યોતિભાઈએ લીધી નહોતી. ગ્રામસેવાનું કોઈ કામ આગોતરા આયોજનથી ઉપાડ્યું પણ નહોતું. પરંતુ, જ્યોતિભાઈ શિક્ષક એટલે મૂળે ન્યાય અને મૂલ્યોની સાચવણી સાથે માનવ-ઘડતરનો સહજ સ્વભાવ. તેથી, જે તે સંસ્થામાંથી જ્યારે, જ્યાં, જે કાર્યમાં, જે જરૂરિયાત ઊભી થઈ તેમાં, જ્યારે જે સૂઝ્યું કે જ્યારે જે યોગ્ય કરવાની જરૂરિયાત જણાઈ તે કરતા ગયા. ગ્રામસેવાનું કામ સહેલું તો નહોતું જ પરંતુ સત્ય, અહિંસા, શ્રમ, સ્વાશ્રય, સાદગી જેવાં મૂલ્યો ગાંઠે બાંધેલાં હોવાથી જ્યોતિભાઈએ ભોગાવા ગામ પાસે ટ્રેન પર થયેલ ધાડપાડુઓની ધાડ વખતે, ભાલ વિસ્તારના દુષ્કાળ વખતે, કર્ણાટકની નદી તુંગભદ્રામાં ફેલાતા પ્રદૂષણ સામેની લડત વખતે કે ત્રિપુરામાં આવતાં બાંગ્લાદેશી શરણાર્થીઓના વ્યવસ્થાપન જેવા અનેક પ્રસંગોએ ઝડપી અને યોગ્ય નિર્ણયો લીધા. અયોગ્ય કાર્યપદ્ધતિનો વિરોધ કર્યો. મૂલ્યોને કારણે વહોરેલી આપત્તિનો હિંમતથી સામનો કર્યો. આમ, જાતે જીવીને સાથીઓ અને વિદ્યાર્થીઓને, નીડરતા અને હિંમત દાખવી સચ્ચાઈને પક્ષે રહેવાનું ઉદાહારણ પૂરું પાડતા રહ્યા.
આ ઉપરાંત, ઝેરનું મારણ ઝેરના નાતે, કશે કોઈ હથિયારનો ઉપયોગ કર્યા વગર જ, વાટાઘાટો કે જનસમુદાયનો સાથ લઈ જનસામાન્યને પડતી તકલીફો માટે પ્રશાસનને એવી જ તકલીફોનો અહેસાસ કરાવીને ઇચ્છિત ઇલાજ માટે અહિંસક લડત આપી. આ ઉપરાંત, ગુજરાતમાં નર્મદા બચાવો આંદોલનમાં જ્યોતિભાઈએ સક્રિય ભાગ ભજવેલો. અને એ વખતે પાંચ વખત જેલમાં પણ ગયેલા !
જ્યોતિભાઈના એક શિક્ષક તરીકેના વ્યક્તિત્વની વાત કરું એ પહેલાં એમના વિદ્યાર્થી તરીકેના લંડન યુનિવર્સિટીમાં થયેલા અનુભવ અને સમજણ વિકાસની વાત મૂકવી યોગ્ય લાગે છે. જ્યોતિભાઈ લંડન યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કરવા ગયા ત્યારે એમના મનમાં ફોરેન લેંગ્વેજ તરીકે અંગ્રેજી સારું ભણાવી શકાય એ માટે મુખ્ય વિષય વિજ્ઞાન સાથે ગૌણ વિષય તરીકે અંગ્રેજી વિષય રાખવો એમ હતું. પરંતુ, કોઈ નિયમાનુસાર એ વિષય તેઓથી રાખી શકાય એમ નહોતો. એ વાતનો જ્યોતિભાઈએ વિરોધ કર્યો. તેઓ યુનિવર્સિટી ડાયરેક્ટર પ્રોફેસર રીડને મળ્યા. પ્રોફેસર રીડે જ્યોતિભાઈને પૂછ્યું, “તું વિષય બાબતે શા માટે માથાકૂટ કરે છે ? ‘તું કોણ છે ?’ તે તારે જાણવું છે કે નહીં ?” જ્યોતિભાઈ વિચારમાં પડી ગયા. અને પછી તો એ બાબતે જ્યોતિભાઈ એવા જાગૃત થયા કે લંડન યુનિવર્સિટીમાં સહુના માનીતા વિદ્યાર્થી બની ગયા. એટલું જ નહીં, આ સ્વની શોધની ધૂન એમણે દેશમાં આવીને પોતાના વિદ્યાર્થીઓ કે શિબિરાર્થીઓને પણ લગાડી !
શિક્ષણ એટલે પુસ્તકમાં લખાયેલ વાંચવું, ગોખવું અને ઓકવું એમ નહીં, ખરું શિક્ષણ તો અનુભવોથી મળે. ગાંધી વિદ્યાપીઠ, વેડછીમાં જીવનલક્ષી શિક્ષણ અપાતું, વિવિધ પ્રયોગો થતા. પ્રત્યક્ષ કાર્ય અને અનુભવ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થતું. જીવન ઉપયોગી તમામ કાર્યો જાતે કરવાનાં રહેતાં. તેથી, કોઈ કામનો છોછ ન રહેતો. શાળા, કૉલેજનું સંચાલન પણ વિદ્યાર્થીઓ જ મળીને કરતા. તેથી દરેક વિદ્યાર્થીની આયોજન શક્તિનો વિકાસ થતો અને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધતો. વિદ્યાર્થીઓને આવું જીવનલક્ષી શિક્ષણ આપનારા શિક્ષકોમાં જ્યોતિભાઈ ખરા પ્રયોગવીર. એટલે જ રાષ્ટ્રીય ચળવળના અગ્રણીઓ પણ એમના પર પસંદગી ઉતારતા.
મધ્ય પ્રદેશમાં જયપ્રકાશજીની સમક્ષ જે બાગીઓએ સમર્પણ કરેલું તે તમામને ગ્વાલિયર શહેરની મોટી જેલમાં રખાયા હતા. આ બાગીઓ સમાજમાં સહજતાથી ભળી શકે એ માટેના પ્રયાસો શરૂ કરેલા ત્યારે પણ કાશીનાથજીએ જ્યોતિભાઈને મદદ માટે બોલાવેલ. આ કાર્યમાં જુગતરામકાકા પાસેથી શીખેલા આશ્રમ સર્જનના પાઠને જ્યોતિભાઈએ વિદ્યાર્થીઓને સાથે રાખીને જેલમાં પણ અમલમાં મૂક્યો. અને જેલમાં બબલભાઈ મહેતાના સથવારે કાંતણ, વણાટ, ઉદ્યોગ, સ્વચ્છતા જેવાં કાર્યો સરસ રીતે કર્યાં. શહેરમાં જ્યાં તેઓનું પોતાનું રહેઠાણ હતું એ ધર્મશાળાને પણ સ્વચ્છ અને સમારકામ કરીને સરસ બનાવી દીધેલી. પરિણામે સ્થાનિકોનો સહકાર સારી રીતે મળ્યો. ‘સારા કાર્યને સૌનો સાથ મળે’ એ વાત અહીં સાચી ઠરી.
ભાર વગરનું ભણતર, પ્રત્યક્ષ શિક્ષણ વગેરે શબ્દો આજે સંભળાય છે ખરા, પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં આ પ્રકારનું શિક્ષણ અપાતું દેખાય છે. અથવા તો આજે આ શબ્દો વિશેની સમજ બદલાઈ છે. એટલે, જે કંઈ થાય છે તે જીવનચાલક બને છે પણ જીવનલક્ષી જણાતું નથી. જે સમયે નઈ તાલીમ વિષયક પ્રયોગો થઈ રહ્યા હતા તે સમયે જ્યોતિભાઈ એ પ્રયોગોના સાક્ષી અને વિશેષ કરીને પ્રયોગકર્તા રહ્યા છે. વિદ્યાર્થીને શું અને કઈ રીતે આપવું તે જ્યોતિભાઈ બહુ સારી રીતે જાણતા હતા. ‘શીખવાની પ્રક્રિયા આનંદદાયક હોય’ એ વિચારને જ્યોતિભાઈ અમલમાં મૂકીને વિદ્યાર્થી પાસેથી જોઈતું કાર્ય કરાવતા. અહીં મધ્ય પ્રદેશના ટવલાઈ ગામની જીવન શાળાના વાર્ષિક ઉત્સવનો પ્રસંગ યાદ આવે છે. વાર્ષિક ઉત્સવો એ શીખવાની પ્રક્રિયાનો જ એક પ્રકાર હોય છે. એ શાળાના વાર્ષિક ઉત્સવમાં જ્યોતિભાઈએ શાળાનાં ત્રણથી સાત એમ તમામ ધોરણનાં તમામ બાળકો ભણે એવી ગોઠવણ કરી ત્રણ ટુકડી પાડી. બજારુ વસ્તુ નહીં, પર્યાવરણને નુકસાન નહીં અને ટુકડી સામૂહિક નિર્ણય લ્યે, એવી ત્રણ શરતો મૂકીને શાળા અને શાળા પરિસરના શણગારની જવાબદારી એ ત્રણેય ટુકડીઓને સોંપી. અને જે કાર્ય થયું તેમાંથી વિદ્યાર્થીઓમાં મૈત્રી વધી, વિદ્યાર્થીઓની નિર્ણય શક્તિ વધી તેમ જ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં રહેલી સૂઝ અને કાર્યશક્તિનો પરિચય થયો. પરિણામે એ પછીનાં વર્ષોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથેની કામગીરી અને સમન્વયમાં સરળતા રહી.
વિદ્યાર્થીઓ સમજે, વિચારે, પૂછે, ચર્ચા કરે અને એ દ્વારા જે કંઈ શીખે તે પ્રક્રિયા એટલે જ કેળવણી. જ્યોતિભાઈ આવી કેળવણીના હિમાયતી તો ખરા જ. અને દૃઢપણે માનતા હતા કે, વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ ખીલવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રશ્ર્ન પૂછતા થાય, એ પ્રશ્ર્નો અંગે જાતે વિચારતા થાય, પરસ્પર ચર્ચા કરે અને જાતે જ જે સમજાય એ પરથી ઉકેલ શોધે. શિક્ષક કહે તે જ કરવું એમ નહીં, વિદ્યાર્થીને પોતાને જેમાં રસ પડે તે કરે, જે ગમતું હોય તે જાતે શીખે. એવી શિક્ષણ પદ્ધતિ જ યોગ્ય ગણાય. જ્યોતિભાઈ, વર્ગખંડમાં કેળવણીની આવી વિવિધ પ્રક્રિયાઓનો અમલ કરતા. જો કે, જેમ ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ કે મૂલ્યોને આદર્શરૂપે સ્વીકારાય છે પરંતુ એનો અમલ કરવામાં આંખ આડા કાન થાય છે; તે જ રીતે, કેળવણીની આ યોગ્ય પ્રક્રિયાના જ્યોતિભાઈના સાહસ કે પ્રયોગનો પણ ક્યાંક, ક્યારેક વિરોધ થતો.
જ્યોતિભાઈના હૈયે વિદ્યાર્થીઓનું હિત મોખરે રહેતું. તેથી એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રેમ આપતા તો સાથે સાથે ચોક્સાઈનો આગ્રહ પણ રાખતા. વેડછી સંસ્થામાં અનેકવિધ શિબિરો થતી. ક્યારેક તો બહારથી એટલે કે વિદેશથી પણ ઘણાં મહેમાનો આવતાં. જ્યોતિભાઈ આ તમામની વ્યવસ્થાની જવાબદારી વિદ્યાર્થીઓ કે બહારથી આવેલ શિબિરાર્થી સ્વયં-સેવકોની સહાયથી સારી રીતે પાર પાડતા. આ સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ કે સ્વયંસેવકોને જ્યોતિભાઈ પાસેથી આતિથ્યભાવની સાથે સાથે નિયમિતતા, સજાગતા/સતર્કતા અને ચોક્સાઈના પાઠ શીખવા મળતા. જે તે સમયે એ વિદ્યાર્થીઓ કે બહારથી આવેલા શિબિરાર્થી સ્વયંસેવકોને જ્યોતિભાઈ કઠોર લાગતા પણ તેમની પાસેથી શીખવા મળેલ ગુણો જ્યારે જીવનમાં ઉપયોગી સાબિત થયા, એ કારણે તેઓને આજે પણ બહુ માનપૂર્વક યાદ કરે છે.
જ્યોતિભાઈએ શિક્ષણ વિષયક પ્રયોગો કર્યા. એ વિષયક ઘણું વાંચ્યું, 7 પુસ્તકો અને અનેક સામયિકોમાં અનેક લેખોમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી એમ ત્રિવિધ ભાષાઓમાં ઘણું લખ્યું. શિક્ષણના જ વિવિધ વિષયો પર પ્રવચનો આપીને ઘણું સમજાવ્યું પણ ખરું. આ ઉપરાંત, વાચનના શોખીન જ્યોતિભાઈ નવલકથા, પર્યાવરણ, રાજનીતિ કે ઇતિહાસનાં પુસ્તકો આજે પણ વાંચતા રહે છે.
જ્યોતિભાઈ પોતાને સમજાયું એ રીતે પોતાનું જીવન જીવ્યા અને આજે 97 વર્ષે પણ નવું નવું શીખતા, સમજતા મોજથી જીવન જીવી રહ્યા છે. એમના નિર્ણયો કે પ્રયોગોમાં એમનાં પત્ની માલિનીબહેન કે જેઓ પોતે પણ શિક્ષક હતાં, સ્નેહભાવ જેમની આગવી ઓળખ હતી, તેઓએ સ્નેહથી સાથ આપ્યો છે. જ્યોતિભાઈ અને માલિનીબહેનની સેવાભાવના, હિંમત, સ્વતંત્રતા, જીવમાત્ર પ્રત્યેની સંવેદનશીલતા અને સેવાભાવ દીકરી સ્વાતિમાં ઊતર્યા છે.
પોતાના જીવનનો નિર્ણય જાતે જ લઈ શકે એવો એમનો ઉછેર મા-બાબાના જીવન દ્વારા સહજ જ થયો. સ્વાતિબહેન, ડેડિયાપાડાના આદિવાસી વિસ્તારમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.
સદીના આરે પહોંચેલા જ્યોતિભાઈ કે જેમનું શરીર વૃદ્ધ દેખાય છે પણ મનથી તો આજે પણ યુવાનો જેવો તરવરાટ છે. એમની કોઈ એક જ બાબત વિશે વાત કરવી હોય તો હું એમની હકારાત્મકતાને પસંદ કરું. સામાન્ય રીતે, ‘અમારા જમાનામાં’ એમ કહીને વાતની શરૂઆત કરતાં વડીલો પાસેથી બાળકો અને યુવાનો છટકવાનો રસ્તો જ શોધતાં હોય. પરંતુ, આ મસ્તીખોર જ્યોતિદાદાને મળવા તો આબાલવૃદ્ધ સહુ કોઈ ઇચ્છે. કારણ ? કારણ એ જ કે, એમને આજના સમય, આજની ટેકનોલોજી કે આજનાં યુવાનો માટે કોઈ ફરિયાદ નથી. બલકે, આજની ટેકનોલોજીનો ઉપયોગ તેઓ કરે છે. તેમ જ આજનાં યુવાનોમાં રહેલી ભરપૂર શક્તિનું તેઓ સન્માન કરે છે. આજે પણ જ્યોતિભાઈને મળનાર સહુ કોઈને એમના પારદર્શક પારસમણિ વ્યક્તિત્વનો સ્પર્શ થયા વગર રહેતો નથી. આવા વ્યક્તિત્વને ઈશ્વરે અમરત્વ આપવું જોઈએ.
વિરમું …
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જૂન 2023; પૃ. 06-08