કવિપ્રતિભા અને આલોચકની રાજશેખરે કરેલી ચર્ચામાં એમણે બે પ્રકારની પ્રતિભા વર્ણવી છે. એક છે, કારયિત્રી પ્રતિભા, જેની સત્તાએ સર્જનનું કાર્ય સમ્પન્ન થાય છે. ને બીજી છે, ભાવયિત્રી પ્રતિભા, જેની સત્તાએ ભાવનનું કાર્ય સમ્પન્ન થાય છે. હું એ ચર્ચા આ પછીના લેખમાં માંડીશ.
પણ આજે, ભાવન અને ભાવયિત્રી પ્રતિભા સાથે સંકળાયેલા એક નૉંધપાત્ર પ્રશ્નની અને તેના ઉત્તરની વાત કરવી છે.
એક ભાવકનો પ્રશ્ન છે : બધા રસ ભલે આનન્દ આપી શકે, પણ કરુણ રસ આનન્દ શી રીતે આપી શકે?
મેં બે દિવસ પછી ઉત્તર આપ્યો તેનું વિસ્તૃત વિવરણ નીચે મુજબ છે. એ વિવરણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશાના અન્ય અધ્યયનકારોને પણ કામ આવશે એમ આશા છે.
સૌ પહેલાં એ જાણી લઈએ કે આ પરત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર શું કહે છે.
કાવ્યશાસ્ત્રનાં ગમ્ભીરતાપૂર્વક થયેલાં અધ્યયનોમાં ગાઈ-વગાડીને કહેવાયું છે કે કોઈપણ રસ આનન્દાત્મક છે – ‘આનન્દરૂપતા સર્વરસાનામ્’.
કહેવાયું છે કે ચાવવાથી રસ જનમે છે ને રસ વ્યક્તિને આનન્દ આપે છે. સાહિત્યકલારસની પણ ચર્વણા થતી હોય છે અને અન્તે એ રસનું આનન્દમાં પર્યવસાન થાય છે. કરુણ રસની પણ ચર્વણા થતી હોય છે, કરુણ રસ પણ આનન્દપર્યવસાયી છે.
શાસ્ત્ર એમ કહે છે કે આઠ રસ છે. એમ ઉમેરાયું છે કે નવમો રસ શાન્ત છે. કહેવાયું છે કે કરુણ રસ રૌદ્ર રસમાંથી ઉત્પન્ન થયેલો છે; જેમ શૃંગારમાંથી હાસ્ય રસ, વીરમાંથી અદ્ભુત, અને બીભત્સમાંથી ભયાનક.
શૃંગાર રસરાજ ગણાયો છે. પણ ભવભૂતિ કહે છે કે એક માત્ર કોઈ રસ હોય તો તે કરુણ છે. શાસ્ત્ર એમ પણ જણાવે છે કે શૃંગારનું ‘અનુકરણ’ હાસ્ય રસ છે. દાખલો આપું : નાયક-નાયિકાની પ્રેમચેષ્ટાના ચાળા પાડતાં રંગલોરંગલી આપણને હસાવે છે. વીર રસનું ‘કર્મ’ અદ્ભુત રસ છે. દાખલો આપું : કલાકૃતિમાં બે બાહુબલિ દ્વન્દ્વ યુદ્ધ કરતા હોય તો એમની એ પ્રવૃત્તિનું દર્શન થતાં આપણી આંખો એને તાકતી રહી જાય છે, ને મુખ આશ્ચર્યથી જરા ખુલ્લું અવાક્ રહી જાય છે. વીરરસનું એ કર્મફળ છે. બીભત્સનું ‘દર્શન’ ભયાનક છે. દાખલો આપું : વાર્તામાં ચીતરાયેલા શહેરના ગંદા વિસ્તારો, ઝૂંપડપટ્ટી, વગેરે જોઈને ડરી જવાય છે. રૌદ્રનું ‘કાર્ય’ કરુણ રસ છે. દાખલો આપું : નવલકથામાં યુદ્ધથી બન્ને તરફ નરસંહાર થઈ રહ્યો હોય, એ દૃશ્ય આપણને કરુણ રસે ‘રસે’ છે, મીન્સ, કરુણ પ્રગટે છે. જો કરુણ રૌદ્રનું કાર્ય છે, એટલે કે, ફન્કશન, તો કરુણ આનન્દ આપી શકે એવી આશા રાખવી વ્યર્થ છે.
કાવ્યશાસ્ત્રમાં કહેવાયું છે કે ધનપ્રાપ્તિ વા પુત્રપ્રાપ્તિથી થતો આનન્દ લૌકિક છે, પણ કલાનો આનન્દ એવો લૌકિક નથી, તે અ-લૌકિક છે. (એ શાસ્ત્રીઓને પુત્રીપ્રાપ્તિ નથી યાદ આવી – જો કે એ જુદી વાત છે).
આ પ્રકારે આનન્દ અ-લૌકિક છે – ત્યાં લગીની એની લાક્ષણિક ઓળખ મળે છે.
++
Questioning person
Pic courtesy : CanStockPhoto.com
જીવન અને કલા વચ્ચેનો ચિરકાલીન ફર્ક સમજી રાખવો જરૂરી છે : જીવનમાં થતા રહેતા અનુભવો ઍક્ચ્યુઅલ હોય છે – ખરા. પણ સાહિત્યકલાના વિશ્વમાં જે સૃષ્ટિ અનુભવવા મળે છે તે વર્ચ્યુઅલ હોય છે – આભાસી. દાખલા તરીકે, માથાભારે માણસ આપણી આસપાસમાં મળી આવે, પણ દશાનન રાવણ રામાયણમાં જ મળે. એ સૃષ્ટિને માણવા તેમ જ પ્રમાણવા માટેના માપદણ્ડ પણ જુદા, કલાપરક હોય છે. એ સૃષ્ટિને જો ઍક્ચ્યુઅલના માપદણ્ડથી માપીશું, તો કલાના ગુણ નહીં વસે, દોષ દેખાશે.
મારી દૃષ્ટિએ ઍક્ચ્યુઅલ – વર્ચ્યુઅલ ભેદની વાતને કાવ્યશાસ્ત્ર જરા જુદી રીતે ચીંધે છે, એમ કહી શકું.
કાવ્યશાસ્ત્ર અનુસાર, કલાનું સત્ય ચિત્રતુરગ-સમું છે. ચિત્રિત ઘોડો, ‘છે’ પણ ખરો અને ‘નથી’ પણ ખરો. કલાનું એવું મિશ્ર સત્ય છે. ચિત્રને જોનાર વ્યક્તિ જીવનમાં જોવા મળતા ઍક્ચ્યુઅલ તુરગને – ઘોડાને – શોધવા જશે, તો નિરાશ થશે. પણ એ જો ચિત્રમાં જોવા મળતા વર્ચ્યુઅલ ઘોડાને ઘોડા રૂપે જોઈ શકશે તો નિરાશ નહીં થાય.
અને, મહત્ત્વની વાત એ છે કે કલાના એવા મિશ્ર સત્યને પ્રમાણી શકાય છે, તો તે પણ, કલાનાં ધૉરણોથી; એથી આગળ, ભાવકનો રસાનુભવ છે જ વિ-લક્ષણ; એથી પણ આગળ, એ અનુભવ જ તેનું પ્રમાણ છે. “રસગંગાધર”-ના રચયિતા જગન્નાથ આ જ સંકેતાર્થો આપે છે. આનન્દને તેઓ ‘જાતિવિશિષ્ટ’ અને ‘અનુભવસાક્ષીક’ કહે છે, એટલે કે, આનન્દનો પ્રકાર વિશિષ્ટ છે અને તેનો અનુભવ એ જ તેનું પ્રમાણ છે.
++
મનુષ્યના જિવાતા જીવનની ભૂમિકાએ ઘટતા અપહરણ, બળાત્કાર, હત્યા કે મૃત્યુ જેવા પ્રસંગોમાં માણસ શોક નામના ભાવને અનુભવે છે. ત્યારે પ્રતિભાવ રૂપે સહાનુભૂતિ, અનુકમ્પા, કરુણા કે દયા અનુભવે છે, પણ એમ નહીં કહેવાય કે આનન્દ અનુભવે છે. મનુષ્યજીવનની એ ભૂમિકા દુ:ખાત્મક છે. એ ભૂમિકામાં સ્થળ કાળ વ્યક્તિ વગેરે તત્ત્વો માણસને વળગેલાં હોય છે, તેનો પરિહાર નથી થયો હોતો.
પણ એ જ ઘટનાઓ કે પ્રસંગો સાહિત્યકલામાં સરજાયાં હોય તો આનન્દ આપી શકે છે.
પણ તેની બે શરત છે, એક સર્જક પક્ષે, બીજી ભાવક પક્ષે.
સર્જકે શોકના ભાવનું કરુણ રસમાં રૂપાન્તર કરવું જોઈશે. “નાટ્યશાસ્ત્ર”ના રચયિતા ભરત દર્શાવે છે એમ વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવનો સંયોગે કરીને શોક નામના સ્થાયી ભાવની રસનિષ્પત્તિ થવી જોઈશે. કહેવાયું છે કે ત્યારે સ્થળ કાળ વ્યક્તિ વગેરે વિશિષ્ટ તત્ત્વોનો સમાહાર થયો હોય છે. વળી, તે -તેનાં સાધારણીકૃત રૂપો રજૂ થયાં હોય છે. દુષ્યન્ત-શકુન્તલા દુષ્યન્ત-શકુન્તલા લાગે ખરાં પણ તે કાન્ત-કાન્તા રૂપે સાધારણીકૃત હોય છે, પર્ટિક્યુલર છતાં યુનિવર્સલ.
ભાવક વ્યક્તિ સામાન્ય જન હશે તો નહીં ચાલે બલકે કલાને તન્તોતન્ત માણી-પ્રમાણી શકે તેવી તે સ-હૃદય હોવી જોઇશે. કહેવાયું છે કે રસાનુભવ દરમ્યાન ભાવકના વેદ્યનું – જ્ઞાનનું – વિગલન થઈ ગયું હોય છે. ત્યારે એના સુખદુ:ખાદિ ભાવો એના રસાનુભવમાં વિઘ્નરૂપે કશી દખલ નથી કરી શકતા, કેમ કે એની સંવિત્ અવિઘ્નાસ્વરૂપ થઈ ગઈ હોય છે.
++
આમ, રસાનન્દની મીમાંસા સર્જક અને ભાવક બન્ને પક્ષે શરતી દીસે છે.
++
મને થયેલો પ્રશ્ન એ છે કે આપણે ‘આનન્દ’-ના સંકેતાર્થને બદલી શકીએ કે કેમ. એ સંદર્ભે હું ત્રણ શાસ્ત્રકારોનાં મન્તવ્યોને તેમ જ ઍરિસ્ટોટલે રજૂ કરેલી કૅથાર્સિસની વિભાવનાને આગળ કરું છું :
રામચન્દ્ર અને ગુણચન્દ્ર રસને આનન્દપર્યવસાયી ગણવાને સ્થાને સુખદુ:ખાત્મક ગણે છે. એ બન્ને કાવ્યશાસ્ત્રીઓની દૃષ્ટિએ શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાન્ત રસ સુખાત્મક છે. રૌદ્ર અને તેના કાર્ય રૂપે પ્રભવેલો કરુણ તેમ જ ભયાનક અને બીભત્સ દુ:ખાત્મક છે. એમ જાણીને મને પ્રશ્ન કરનાર પેલા ભાવકને ‘આનન્દ’ જરૂર થયેલો.
અભિનવ ગુપ્ત રસને તત્ત્વ રૂપે લક્ષમાં લે છે અને આનન્દને સ્થાને શાન્તતાનો નિર્દેશ કરે છે. કહે છે કે ‘સર્વે રસા શાન્તપ્રાયા’.
રસના સ્વભાવને – એની પ્રકૃતિને – શાસ્ત્રકારોએ માનસિક પ્રતીતિનો દરજ્જો આપ્યો છે. તેથી સમજાય છે એમ કે ભાવકો પોતાની માનસિકતા અનુસાર રસાનુભવ મેળવવાના. બને કે એમના નિજસુખાદિ ભાવો એમના રસાનુભવમાં વિઘ્નકર નીવડે. દેખીતું છે કે એમને કરુણ રસની કૃતિ કે એવાં દૃશ્યો આનન્દ ન આપી શકે. પણ એમને સંલગ્ન પાત્રો પ્રત્યે સહાનુભૂતિ, અનુકમ્પા, કરુણા કે દયા થાય. સરવાળે, દુ:ખ પણ થાય. જો કે કલાકૃતિ કરુણને એની અતિ માત્રામાં અને એના પ્રખર સ્વરૂપમાં રજૂ કરે તો ઍરિસ્ટોટલ કહે છે એ કૅથાર્સિસનો પણ એને અનુભવ થાય. કૅથાર્સિસ એટલે વિરેચનથી મળતો આરામ, એક ખાસ સ્વરૂપનું વિશોધન.
આમ, આનન્દને ‘સુખ’ કે ‘શાન્તતા’-ના સંકેતાર્થો રૂપે ઘટાવીએ તો વાત સરળ થઈ જાય છે. અને, આનન્દને ‘અ-લૌકિક’ કહેવાનું અને એને ‘બ્રહ્માનન્દ સહોદર’ કહેવાનું ફાલતુ ભાસે છે – રીડન્ડન્ટ !
એ મન્તવ્યો, મને પ્રશ્ન કરનાર ભાવકના પ્રશ્નનું સમર્થન કરે છે, તેથી પણ એને ‘આનન્દ’ થયેલો. રામચન્દ્ર અને ગુણચન્દ્ર કરુણને દુ:ખાત્મક કહે છે તે તેમ અવશ્ય હોઈ શકે છે. નવલકથામાં નિરૂપણ પામેલા બળાત્કાર કે સામૂહિક બળાત્કારના દૃશ્યથી અરેરાટી છૂટે છે, જીવ દુ:ખી દુ:ખી થઈ જાય છે. ભાવયિત્રી પ્રતિભા ધરાવતો સમર્થ સહૃદય પણ ડગી જાય છે. અભિનવ ગુપ્ત તો રસ અને ધ્વનિ બન્ને તત્ત્વોના પ્રકાણ્ડ શાસ્ત્રવેત્તા છે. જો તેઓ બધા રસને શાન્તપ્રાયા ગણે છે, અને મને યાદ આવે છે કે આનન્દવર્ધને પણ મહા યુદ્ધની કથા “મહાભારત”-માં ય શાન્તરસ ભાળ્યો છે, તો વાત સ્વીકાર્ય બની જાય છે.
અને, સાહિત્ય કે કલામાત્ર છેવટે તો શાન્તતા અર્પે છે. શાન્ત રસને નવમો રસ ભલે ગણો, બધા રસ ત્યાં જઈને મળે છે.
= = =
(April 29, 2023 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર