ગાંધીવિચારને વરેલા પાયાની કેળવણી માટે પોતાનું જીવન સમર્પી દેનાર લોકવિજ્ઞાની ડૉ. અરુણ દવેનો જન્મ 26 જાન્યુઆરી 1950 – ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું એ જ દિવસે થયો. પિતા અને બે કાકાઓ ત્રણે સ્વાતંત્ર્યસૈનિક. બાળપણ નાનાભાઈ, દર્શક, મૂ.મો. ભટ્ટ અને નટવરલાલ બૂચ જેવા દાદાઓના ખોળામાં અને આંબલા–લોકભારતીના પરિસરમાં વીત્યું. પ્રિય વિષય વિજ્ઞાનમાં ડૉક્ટરેટ કર્યું. લોકભારતીમાં વિજ્ઞાનનું અધ્યાપન કર્યું અને ગ્રામીણ લોકો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમથી વિચારતા કરવા માટે કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર–લોક વિજ્ઞાન કેન્દ્ર ઊભું કર્યું, જેને ગુજરાત સરકારે ‘રિસૉર્સ સેન્ટર’ તરીકે માન્યતા આપી છે.
લોકભારતીના અધ્યાપક, ઉત્સવ વિભાગના વડા, ગૃહપતિ, મુખ્ય ગૃહપતિ અને નિયામકની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા ઉપરાંત તેમણે અનેક વિજ્ઞાનમેળા, સેમિનારો, વર્કશોપ, શિબિરો અને વ્યાખ્યાનો યોજ્યાં. વિવિધ અધ્યેતા કેન્દ્રી કાર્યક્રમોથી ગુજરાતની શાળાઓમાં ગણિત–વિજ્ઞાન–પર્યાવરણ વિષયને સરળ અને રસપૂર્ણ બનાવતા કાર્યક્રમો ઉપરાંત તેમણે 1,650 જેટલાં વ્યાખ્યાનો 150 રેડિયો વાર્તાલાપો, 25થી વધારે ટી.વી. પ્રસારણો, 500થી વધારે લેખો અને પંદરેક પુસ્તકો આપ્યાં છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂક્યા છે, 25 વર્ષ ‘વિજ્ઞાન દર્શન’ સામયિક ચલાવ્યું છે, લોકભારતીના મુખપત્ર ‘કોડિયું’ના તંત્રી છે, અનેક રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ–કમિટિઓના ઉચ્ચ હોદ્દેદાર છે, અનેક અવૉર્ડ પ્રાપ્ત કર્યા છે, 21 દેશોની જ્ઞાનયાત્રા કરી છે. તેઓ લોકભારતી અને ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા–મણારના મેનેજિંગ ટ્રસ્ટી છે અને લોકભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ છે. પુત્ર રવિના અકાળ મૃત્યુના આઘાતને પચાવી એની સ્મૃતિમાં રવિકૃપા ટ્રસ્ટ દ્વારા વિવિધ કલ્યાણકાર્યો કર્યાં છે. વિજ્ઞાન–અધ્યાત્મના સમન્વયથી શોભતું સાદું જીવન જીવી રહ્યા છે.
‘સદભિ: સંગ’માં દર્શકે લખ્યું છે, ‘મોર પીંછાંથી રૂડો લાગે તેમ સંસ્થા એના કાર્યકરોથી રૂડી લાગે છે. અરુણને આવનારા મહેમાનો કહે છે કે રસાયણવિજ્ઞાનના પ્રથમ પંક્તિના પીએચ.ડી. અહીં કેમ આવી પડ્યા છે? તમને તો બહાર પણ ઘણી તકો છે. અરુણ હસીને કહે કે હશે, પણ મને અહીં ફાવે છે.’
આ જ દર્શકે અરુણભાઈને મળેલા અવૉર્ડ વખતે લખેલું કે ‘અરુણે તો બીજી ઈનિંગ્સ પણ જીતી છે. તેને જે અવૉર્ડ મળ્યો તે મધર ટેરેસા અને બી.ડી. જત્તી જેવા મોટા માણસોને મળ્યો છે. એવા પુણ્યશ્લોક સાથે આપણું નામ જોડાય તો પણ આપણી સાત પેઢી તરી જાય … આ મનુભાઈ અને અરુણભાઈની સંસ્થાસેવાની એકનિષ્ઠ ભક્તિનું પરિણામ છે એમ હું માનું છું.’
ડૉ. અરુણભાઈ દવે અને લોકભારતી એકબીજાના પર્યાયો સમાં છે. અરુણભાઈને સમજવા હોય તો એમનાં માતાપિતા અને એમના બાળપણને સમજવાં જોઈએ, કેમ કે એમનાં માતાપિતા અને બાળપણ બંને અનોખાં અને વિશિષ્ટ છે.
અરુણભાઈના પિતા મનુભાઈ હરિરામ દવે. હરિરામના ચાર દીકરાઓ ત્રંબકભાઈ, ભાનુશંકર, બાલુભાઈ અને મનુભાઈ. ભાનુશંકર, બાલુભાઈ અને મનુભાઈ આ ત્રણે ભાઈઓ સ્વાતંત્ર્યસેનાની. ત્રણેએ ઘરબાર છોડી સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવી દીધેલું. સાબરમતી આશ્રમથી જે 79 સેનાનીઓને લઈને મહાત્મા ગાંધીએ દાંડીકૂચ શરૂ કરી હતી, તેમાં ભાનુભાઈ પણ હતા. દાંડીમાં જે સ્મારક બન્યું છે એમાં એમની પ્રતિમા પણ છે.
નાનાભાઈ ભટ્ટ 1938માં ભાવનગર છોડી આંબલા આવ્યા ત્યારે મનુભાઈ રાજકોટ ઢેબરભાઈની મદદમાં હતા. નાનાભાઈ ગામડામાં બેસવા તૈયાર થાય એવા યુવાનોની શોધમાં છે એ જાણીને ઢેબરભાઈએ મનુભાઈને કહ્યું, ‘આંબલા પહોંચી જાઓ.’ મનુભાઈ 1938-39માં જ આંબલા પહોંચી ગયા.
એ વખતે વાતાવરણ દેશપ્રેમ અને ગાંધીપ્રેમની ઊર્જાથી ધબકતું હતું. બાલુભાઈ દવે, મનુભાઈ પંચોળી, રતુભાઈ અદાણી, વજુભાઈ-જયાબહેન, મોરારજીભાઈ સૌ સાથે કામ કરતાં. વજુભાઈ અને દવે ભાઈઓનો તો પૂરો પરિવાર ગાંધીરંગે રંગાયેલો. બધા જ ગાંધીવિચાર અને ગાંધીકામોમાં ખૂબ ઓતપ્રોત એવા જિગરજાન મિત્રો કે કુટુંબના સભ્યો હોય એનાથી પણ વધારે નિકટતા. બાલુભાઈ ત્યારે ગુજરાતના એકમાત્ર આયુર્વેદ બૃહસ્પતિ, તેઓ મોરારજીભાઈ સહિત આ બધાની દવા કરે. પરિવારથી માંડીને દેશના પ્રશ્નો સૌ સાથે મળીને વિચારે. એટલે ઢેબરભાઈએ કહ્યું કે મનુને નાનાભાઈ પાસે મોકલો, અને મનુભાઈ જીવનભર નાનાભાઈ-મનુભાઈ(દર્શક) સાથે રહ્યા. નાનાભાઈના અવસાન પછી મનુભાઈ સળંગ લોકભારતીમાં જ રહ્યા. આંબલા, મણાર અને સણોસરાની આવનજાવન થતી અને 1962થી લોકભારતીમાં સ્થિર નિવાસ કર્યો.
મનુભાઈ પહેલેથી જ સંસ્થામાં ખૂબ વિશ્વસનીય બન્યા. એક વર્ષ દક્ષિણામૂર્તિ ભાવનગર જઈ બાળશિક્ષણની તાલીમ પણ લઈ આવ્યા. બાળગીતો ખૂબ સરસ ગાતા. નાનાભાઈના દીકરા તરીકે અને મનુભાઈના નાના ભાઈ તરીકે રહ્યા. રામચંદ્ર પંચોળીએ ‘કાકા’ કહેવાનું શરૂ કરતાં થોડા જ વખતમાં ‘દવેકાકા’ કેમ્પસ કાકા તરીકે ઓળખાવા લાગ્યા! મનુભાઈનાં પત્નીનું નામ પુષ્પાબહેન. પતિપત્ની વચ્ચે ઉંમરમાં 12-13 વર્ષનો ફેર. પુષ્પાબહેન ચુસ્ત બ્રાહ્મણ પરિવારનાં દીકરી.
આંબલા સંસ્થા નાતજાતમાં માને નહીં. આંબલાના બ્રાહ્મણોએ સંસ્થા સામે બહુ વિરોધ કરેલો. જે જમીન મળી હતી એમાં બ્રાહ્મણોનાં થોડાં ઝાડ જતાં હતાં, એ પણ વિરોધનું એક કારણ ખરું. થોડાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી પણ ખરી. એટલે નક્કી થયું કે દવેકાકાને ગામમાં રહેવા મોકલવા. દવેકાકા પાંચ વર્ષ ગામમાં રહ્યા ને સંસ્થાનું કામ કરતાં કરતાં ગામ અને સંસ્થા વચ્ચે સેતુ-સંબંધ ઊભો કર્યો.
શરૂઆતમાં લોકો વિરોધમાં હતા. ઘર પર સળગતાં છાણાં – ઢેખાળા ફેંકે, કૂવે પાણી ન ભરવા દે. આવું ઘણો વખત વેઠ્યું. આસપાસનાં ગામોમાં ડફેરોનો ત્રાસ હતો. લોકો ફરિયાદ લઈને નાનાભાઈ પાસે આવે, નાનાભાઈ મનુભાઈને સોંપે. ત્યારથી મનુભાઈ ‘ફોજદાર’ કહેવાયા. નાનાભાઈએ ઘોડી પણ લઈ આપેલી. આસપાસના 15-20 ગામોમાં ઘોડી લઈને જતા ને ટંટા પતાવી આપતા. ધીરે ધીરે લોકોને વિશ્વાસ બેઠો. ઝઘડા થાય તો બંને પક્ષ ‘કાકા કહે એમ કરશું’ કહેતા દવેકાકા પાસે આવે. દવેકાકા દવાની પેટી પણ રાખે. એ જમાનામાં ડૉક્ટરો-દવાઓનું ચલણ ઘણું ઓછું. દવેકાકા પોતાની પેટીમાં સાધારણ રોગો માટે દવાઓ રાખે અને લોકોને ઘેર ઘેર જઈ આપે. પાટાપિંડી કરી આપે. આમ ગામનો પ્રેમ મેળવ્યો. પુષ્પાબહેનનો એમાં ખૂબ સાથ રહ્યો. એમણે બહેનો માટે રાત્રિશાળા કાઢી. બહેનોને ભણાવે, શીખવે, સંસ્કાર આપે, આનંદ પણ કરાવે. ગામ અને સંસ્થા વચ્ચે વિશ્વાસ કેળવવામાં આ બંનેનો ખૂબ ફાળો રહ્યો.
1953માં લોકભારતી ઊભી કરવાની થઈ ત્યારે પણ આ જ મુશ્કેલી આવી. નાનાભાઈ કહે, ‘દવે છે ને, એ કરશે.’ ને દવેકાકા સણોસરામાં પણ પાંચેક વર્ષ રહ્યા. અહીં પણ પુષ્પાબહેનનો જાદુ ચાલ્યો. અહીંની બહેનોને તો તેઓ પ્રવાસે પણ લઈ જતાં. બહેનોએ ગામની બહારનું ભાગ્યે જ કંઈ જોયું હોય. રાત્રિશાળા પણ ચલાવતાં. ત્યારના ‘કોડિયું’ના અંકોના સંસ્થા-સમાચારમાં નાનાભાઈએ ‘પુષ્પાની રાત્રિશાળા’ની સહર્ષ નોંધ લીધેલી છે.
પછી મણારની સંસ્થા શરૂ થઈ. ત્યાં ખૂબ પ્રશ્નો આવ્યા. અસામાજિક તત્ત્વોનો ખૂબ ત્રાસ હતો. વાવેલું બધું ખેંચી કાઢે. દવેકાકાને બે ઘોડા અને બંદૂક આપી ત્યાં મોકલ્યા. પુષ્પાબહેન સૌથી વધુ હેરાન અને અપમાનિત અહીં થયાં. સંસ્થા બાબરવામાં, રહેવાનું મણારમાં. ત્યાં કૂવો નહીં, વીરડેથી પાણી ભરવાનું. પુષ્પાબહેનને ‘અભડાયેલાં’ ગણી વીરડેથી પાણી ન ભરવા દે. સૌથી છેલ્લો જે વીરડો હતો, છેક ત્યાં જઈ પાણી ભરવાનું. પોતે બ્રાહ્મણની દીકરી છતાં આવું અપમાન થાય. ઉંમર પણ નાની. છેવટે દવેકાકાએ પોતાનાં બહેનને મદદ માટે બોલાવ્યાં. વર્ષો જતાં અહીં પણ સંસ્થા અને ગામ વચ્ચે મીઠા સંબંધ બંધાયો ને ખેતી લહેરાતી થઈ.
આમ ત્રણે સંસ્થાની શરૂઆતનાં પાંચ-પાંચ વર્ષ દવેકાકા અને પુષ્પાબહેને ગામમાં રહી ગામ અને સંસ્થા વચ્ચેના સંબંધો સુધારવામાં સિંહફાળો આપ્યો. શાળાંત પાસ મનુભાઈ આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાના ઉપનિયામક બનેલા અને સણોસરા આવ્યા પછી સિહોર તાલુકા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ નિયુક્ત થયેલા. ફોજદારીનું, શિક્ષણનું અને વહીવટનું કામ કરી શકે તે નઈ તાલીમનો સાચો કાર્યકર! દવેકાકા આર્થિક બાબતોમાં પણ નિષ્ણાંત. ત્રણે સંસ્થાના ઈન્ટરનલ ઑડિટર તરીકે વર્ષો સુધી હિસાબો સંભાળ્યા. બધા હિસાબ તેમની નજર નીચે પસાર થાય અને હિસાબની બાબતમાં તેઓ કોઈનું રાખે નહીં. દર્શક કહેતા, ‘દવે હતા તો હું નિરાંતે સૂઈ શક્યો ને નિષ્ફિકર રહીને બહાર ફરી શક્યો.’
એ વખતે ગેસ્ટહાઉસ નહીં. જે પણ મહેમાનો આવે, દવેકાકાને ત્યાં રહેવા-જમવા-ચાનાસ્તો કરવા જાય. પુષ્પાબહેનની વ્યવસ્થાશક્તિ અને ચીવટ ખૂબ, છતાં આંબલામાં તો મહેમાનોની અવરજવર એટલી વધી પડેલી કે તાણ પડવા લાગી ને સૌથી મોટા ભાઈ ત્રંબકભાઈ બીમાર પડ્યા. એમની સારવારમાં હિસ્સો ન આપી શક્યા ત્યારે દુ:ખ થયું. નાનાભાઈને ખબર પડી એટલે 10 રૂપિયા પગારવધારો કરી આપ્યો અને દસ રૂપિયા મહેમાનખર્ચના બાંધી આપ્યા. ત્રંબકભાઈ મૃત્યુ પામ્યા પછી દવેકાકા નાનાભાઈ પાસે જઈને કહે, ‘દસ રૂપિયાનો પગારવધારો ભાઈને માટે લેતો હતો, તે હવે નહીં લઉં.’
આવા દવેકાકા અને પુષ્પાબહેનને ત્યાં 26 જાન્યુઆરી 1950ના દિવસે સવારે આઠ વાગ્યે અરુણભાઈનો જન્મ થયો. એ જ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું તેથી અરુણભાઈ કહે છે, ‘મારું તો બધું દેશની સાથોસાથ ચાલે છે.’ એ વર્ષોમાં આખા દેશ પર ગાંધીજીનો પ્રભાવ જબરદસ્ત. અરુણભાઈના તો પિતા અને બે કાકા ખાદીધારી સ્વાતંત્ર્યસૈનિકો તેથી ગાંધી અને ખાદી બંને એમને ગળથૂથીમાં મળ્યાં. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી ‘દર્શક’, મૂળશંકરભાઈ ભટ્ટ અને નટવરલાલ બૂચ જેવા જબ્બર દાદાઓના ખોળામાં રમવા મળ્યું. એ ગુરુવર્યોએ જ જાણે એમના પિંડને ઘડ્યો. ઘરમાં ગામડાંની, ગ્રામવિકાસની, દેશની, સમાજની વંચિતોની ને નઈ તાલીમની વાતો થયા કરે તે સાંભળતાં નાનો અરુણ મોટો થયો. કંઈક સારું કામ કરવાનું હોય તો બીજા લોકો મુહૂર્ત જોવડાવે, અહીં તો મનુભાઈ પંચોળી, વજુભાઈ અને જયાબહેનને ફાવશે કે કેમ એ પર દિવસ અને સમય નક્કી થાય. માતાપિતા સંસ્થા સાથે એટલા એકરૂપ કે આખી સંસ્થા ઘર જ લાગે. આસપાસના બધા અઠંગ ગાંધીપ્રેમીઓ. ભૌતિક સાધનોની એસીતેસી કરી ગ્રામકેળવણીમાં રચ્યાંપચ્યાં રહે. એમની સેવા એ સમાજ પરનો ઉપકાર નહોતી, જીવનનો એ સહજ ઉપક્રમ હતો.
અરુણભાઈનું પ્રાથમિક શિક્ષણ સણોસરા અને આંબલામાં થયું. સણોસરામાં રાષ્ટ્રપતિ એવૉર્ડવિજેતા દુર્ગાશંકરભાઈ એવા શિક્ષક કે ચિત્રો દોરીને જ ભણાવે. વર્તુળ દોરવું હોય તો ધોતિયાનો એક છેડો ખોલી તેના છેડે ચૉક બાંધી ધોતિયાનું પરિકર બનાવી વર્તુળ દોરે. બધા વિષયો વાર્તા સ્વરૂપે ભણાવતા જાય.
આંબલાની પ્રાથમિક શાળામાં મળ્યા નખશિખ નઈ તાલીમના શિક્ષક અનિલભાઈ ભટ્ટ. એમની પોતાના પર આજે પણ ગાઢ અસર હોવાનું અરુણભાઈ કહે છે. અનિલભાઈ પ્રવૃત્તિ દ્વારા જ બધા વિષય શીખવે. એકવાર ગામમાં ભવાઈ આવી. છોકરાઓ કહે, ‘અમારે ભવાઈ જોવા જવું છે.’ અનિલભાઈએ વહાલથી બેસાડ્યા, ‘ભવાઈમાં શું શું હોય, કહો તો!’ બધું વિદ્યાર્થીઓ પાસે જ બોલાવીને કહે, ‘આપણે જોવા જઈએ, એ કરતાં ભવાઈ આપણે જ ભજવીએ તો?’ છોકરાઓ તો કૂદી પડ્યા. ત્રણ મહિના સુધી પ્રોજેક્ટ ચાલ્યો. જેમના બાપા ધોતિયાં પહેરતા, એ છોકરાઓ ધોતિયાં લાવ્યાં. એમને સાંધીને લાંબો પડદો બનાવ્યો. પડદાની પાછળ થોડે દૂર પેટ્રોમેક્સ મૂક્યું. બન્નેની વચ્ચે પાત્રો આવે ને ખેલ કરે. પડદા પર છાયાચિત્રો પડતાં જાય. વાંસની હોડીમાં રામ-લક્ષ્મણ-સીતા બેસે ને હોડી તરતી હોય એવી અસર પણ ઊભી કરી. સાથોસાથ રામાયણની વાર્તાઓ કહેતા જાય. કોઈ ખર્ચ વગર વિદ્યાર્થીઓએ ભવાઈ ભજવી અને રામાયણ સાથે બીજું પણ કેટલું ય શીખી ગયા. આવું જ કંઈ કંઈ શોધીને વિજ્ઞાન, ગણિત ને ઇતિહાસ-ભૂગોળ બધું ભણવાનું. સાથે ખેતી, નળિયાં ચાળવાં, કાંતવું-વણવું વગેરે શીખતા જવાનું. સાતમા ધોરણમાં હતા ત્યારે અરુણભાઈને વણતાં અને નળિયાં ચાળતાં આવડતું હતું.
એ વખતે અંબરની બેલડીમાં પૂણી બનતી. એક છોકરો અનિલભાઈને કહે, ‘મારાં ફૈબાને ત્યાં આવી કોઠીમાં આઈસ્ક્રીમ બને છે, આમાં ન બને?’ અનિલભાઈ તો છોકરાને લઈને એની ફૈબાને ત્યાં સિહોર ઉપડ્યા. બધું સમજી લીધું અને આવીને બધાને ધંધે વળગાડ્યા. બેલડીમાં આઈસ્ક્રીમ બનાવ્યો ને સૌને ખવડાવ્યો.
આ હતું ત્યારનું ભણતર ને આવી હતી એ કેળવણી. બેલ વાગે નહીં, પિરિયડ બદલાય નહીં, પરીક્ષા લેવાય નહીં ને બધા બધું શીખી જાય. જો કે શિક્ષકો સભાન હોય. વિદ્યાર્થીઓની કક્ષા જાણી લે અને એમની ધાર કાઢે. એક વર્ષ થાય એટલે આગળના ધોરણમાં જવાનું. ભણીને થાકે ને છોકરાઓ કહે, ‘રમવું છે’ તો શિક્ષક પણ ભેગા ભેગા રમવા લાગે. વરસાદ આવે એટલે નહાવાનું, ને ધુબકાં ખાવા જવાનું. અરુણભાઈ કહે છે, ‘અમે મેટ્રિક સુધી ચણેલા વર્ગખંડોમાં ભણ્યા જ નથી. આંબા કે જાંબુડાંના ઝાડ નીચે બેસીને ભણવાનું. બાજુમાં ખેતર હોય. હવે ખેતર ફરતી જે વાડ હોય એમાં છીંડું પડ્યું હોય ને ગધેડાં ઘૂસી જતા હોય, તો બે-બે છોકરાનો વારો ગધેડાને હાંકવાનો. દોડીને ગધેડાને પકડવાનું, એના પર સવારી કરી બે ચક્કર મારવાના, એને છીંડામાંથી બહાર રવાના કરવાનું ને છીંડું સરખું કરી પાછા આવવાનું. આમ જે પણ કરીએ, મઝા જ આવવાની હોય. વર્ષો પછી સમજાયું કે દરેક વિષયના શિક્ષકો હતા, પ્રગતિનું ધ્યાન રાખતા અને નવું શીખવતા જતા; એવી રીતે કે વિસ્મય, કુતૂહલ, અંદરની ભૂખ આપોઆપ જન્મે ને સંતોષાય. ભણવામાં તો આનંદ જ કરવાનો હોય એવી સમજ વિકસે એટલે રસ વધતો જ જાય.’
આમ મેટ્રિક સુધી અરુણભાઈ આંબલા ભણ્યા. એ વર્ષ 1966નું હતું. એ વર્ષે બૅઝિક બૉર્ડની રચના થઈ અને મેટ્રિકની પરીક્ષા પહેલી વાર નઈ તાલીમના ઢાંચામાં લેવાઈ. પરિણામ સો ટકા આવ્યું. અરુણભાઈએ આપેલી મેટ્રિકની એ પરીક્ષા એમની જિંદગીની પહેલી પરીક્ષા હતી!
દવેકાકા ત્યારે લોકભારતી, સણોસરામાં હતા. એમના મનમાં એમ કે અરુણ હવે અહીં ભણશે. પણ અરુણભાઈને તો વિજ્ઞાન ભણવું હતું. દવેકાકાએ સમજાવ્યા, પણ અરુણભાઈ માને નહીં ને દુ:ખી દુ:ખી રહે. દવેકાકાએ એમને પોતાના ભાઈ બાલુભાઈ પાસે જામનગર મોકલ્યા, ‘આને સમજાવજો.’ બાલુભાઈ ગુજરાતના પ્રથમ ‘આયુર્વેદ બૃહસ્પતિ’ અને જામનગરની આયુર્વેદ કૉલેજમાં પ્રિન્સીપાલ હતા. આયુર્વેદના માધ્યમથી અધ્યાત્મને આત્મસાત કરવા પ્રયત્નશીલ. અરુણભાઈની વિજ્ઞાન ભણવાની હઠ જોઈ બાલુભાઈ એમને ડી.કે.વી. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.જે.બી. શાંડિલ્ય પાસે લઈ ગયા. માર્કશીટ જોઈ તેઓ કહે, ‘અલ્યા, આમાં તો વિજ્ઞાનના કોઈ વિષય જ નથી, તો તને પ્રવેશ કેવી રીતે આપું?’
અરુણભાઈ રડી પડ્યા, ‘સાહેબ, તમારી આ વિશાળ કોલેજ, મોટા વર્ગખંડો, આટલી બધી બેન્ચો – મને એક ખૂણે બેસીને શીખવા દો. મને સર્ટિફિકેટ કે ડિગ્રી ભલે ન આપો, પણ ક્લાસની છેલ્લી બેન્ચ પર બેસી ભણવાની તો છૂટ આપો. મારે વિજ્ઞાન ભણવું છે.’ આંસુ ને વિનંતી બંને સાચાં દિલનાં હતાં તે જોઈ શાંડિલ્ય સાહેબે કહ્યું, ‘જુઓ, હું મારા જોખમે અરુણને પ્રવેશ આપીશ, પણ યુનિવર્સિટી વાંધો પાડે તો તમારે એ સ્વીકારી લેવાનું.’ આમ ફિઝિક્સ-કેમિસ્ટ્રી કે બાયૉલોજી વગર અરુણભાઈને પ્રિ-સાયન્સમાં એડમિશન મળ્યું. પણ પછી પહેલી બે ઈન્ટરનલ ટેસ્ટમાં બધા વિષયમાં નાપાસ થયા. દરેક વખતે શાંડિલ્ય સાહેબ કહે, ‘જા.’ ને દવેકાકા અને દર્શકદાદા કહે, ‘આવતો રહે.’ પણ અરુણભાઈ ડગ્યા નહીં. પછીના ત્રણેય વર્ષમાં ફર્સ્ટક્લાસ લાવ્યા અને કેમિસ્ટ્રી સાથે બી.એસસી. થયા. એ વખતે બી.એસસી. પછી પણ મેડિકલમાં જવાતું. અરુણભાઈને એડમિશન મળતું હતું, પણ તેઓ સ્પષ્ટ હતા, ‘મારે ક્યાં ડૉક્ટર થવું છે, મારે તો વિજ્ઞાન ભણવું છે.’
અને પછી અરુણભાઈએ ભાવનગર યુનિવર્સિટીમાં એમ.એસસી.માં એડમિશન લીધું. યુનિવર્સિટી નવી હતી. કેમિસ્ટ્રી લેબમાં લાઈટ-પાણી-ગૅસનાં ફિટિંગ બાકી હતાં એટલે કૉલેજ શરૂ થઈ ત્યાં જ પંદર દિવસની રજા જાહેર થઈ. અરુણભાઈ એમના હૅડ પાસે ગયા, ‘તમે કહો તો આ કામ ચાર દિવસમાં કરી આપું.’ ‘એમ? શું લેશો?’ એમને એમ કે હું આ કામ કરતો હોઈશ. મેં કહ્યું, ‘મેં તો અહીં એમ.એસસી.માં એડમિશન લીધું છે, પણ આ બધું મને આવડે છે અને યુનિવર્સિટી પાસેથી ચાર્જ થોડો લેવાનો હોય?’ ‘પણ આવું કેવી રીતે આવડે?’ ‘આંબલામાં અમને આ બધું શીખવ્યું છે.’ અરુણભાઈએ સણોસરાથી બે મિત્રોને બોલાવી લીધા અને ખરેખર ચાર દિવસમાં લેબ શરૂ થઈ. ‘અરુણ દવે’ નામ સૌની જીભે રમવા લાગ્યું. એ વખતે અનુસ્નાતક કેન્દ્રોના સંયુક્ત જનરલ સેક્રેટરી રહેતા. અરુણભાઈ સર્વાનુમતે જી.એસ. નિમાયા.
પછી જે બન્યું તેને અરુણભાઈ ‘ધન્ય પ્રસંગ’ તરીકે વર્ણવે છે. યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ હતો. અતિથિવિશેષ હતા ડૉ.જે.બી. શાંડિલ્ય. તેઓ હવે કુલપતિ હતા. એ જ શાંડિલ્ય સાહેબ, જેમણે પોતાના જોખમે અરુણભાઈને બી.એસસી.માં એડમિશન આપેલું! જી.એસ. તરીકે અરુણભાઈ એમની બાજુમાં બેઠેલા. બંનેની આંખોમાં ભીનાશ હતી.
એમ.એસસીની પરીક્ષા આપી ત્યારે લોકભારતીમાં એમ.એસસી. અધ્યાપકની એક જગ્યા ખાલી પડી હતી અને કોઈ આવતું નહોતું. અરુણભાઈનું પરિણામ હજુ આવ્યું નહોતું, પણ એમને એ જગ્યા પર સંસ્થાએ લઈ લીધા – નહીં અરજી, નહીં ઈન્ટરવ્યૂ – સીધી નિમણૂંક. 1972ની સાલ. અરુણભાઈને થયું, એકાદ વર્ષ અહીં લોકભારતીમાં કામ કરી લઉં. એ વખતે લોકભારતીના તત્ત્વ અને સત્ત્વની એટલી સભાનતા-સમજણ નહીં, પણ દર્શકદાદા અરુણભાઈની જંગમ વિદ્યાપીઠ બની ગયા. લોકભારતીમાં વિદ્યાલય જેટલું જ, કદાચ સવિશેષ મહત્ત્વ છાત્રાલયનું. દર્શકદાદાએ અરુણભાઈને ગૃહપતિ બનાવ્યા. ત્યાં વિદ્યાર્થીઓ સાથે જે નાતો બંધાયો, જે પ્રેમ મળ્યો – અરુણભાઈ એવા તો લોકભારતીમય બની ગયા, કે બીજે ક્યાં ય જવાપણું રહ્યું નહીં.
લોકભારતીમાં દસ છાત્રાલયો. દરેકના ગૃહપતિ અને ગૃહમાતા. એ સૌનું સંકલન કરે તે મુખ્ય ગૃહપતિ. અરુણભાઈ સળંગ બાર વર્ષ મુખ્ય ગૃહપતિ રહ્યા. બધું સીધુંસરળ તો ન જ હોય. કસોટી કરે એવા પ્રસંગો પણ આવે. સહશિક્ષણના પ્રશ્નોમાં ક્યારેક આખી રાત જાગતાં વીતે એવો ઉચાટ જાગ્યો હોય. પણ એમને એક સત્ય લાધેલું કે અરસપરસ વિશ્વાસ પર જ બધું ટક્યું છે ને ટકશે. ‘મારો વિદ્યાર્થી કહે તે જ મારા માટે સાચું’ એ મંત્ર અપનાવી વિદ્યાર્થીઓના પ્રેમ અને વિશ્વાસને જ મૂડી માની એના આધારે અરુણભાઈ કસોટીઓમાંથી હેમખેમ નીકળી શક્યા.
આમ લોકભારતીની દિનચર્યા, પ્રવૃત્તિઓ, સ્વાતંત્ર્ય અને વિદ્યાર્થીઓના પ્રેમે અરુણભાઈને એવા વશ કર્યા કે એમણે પોતાનો આ જન્મ લોકભારતીને અર્પણ કરી દીધો. ‘હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે મારાં રસરુચિ, આજીવિકા, જીવન, પર્યાવરણ બધું એકરૂપ થયું. હું સમજતો ગયો કે ગૌશાળા, ખેતી, ભણવું, પ્રાર્થના, શિબિરો, પ્રવાસ આ બધું શિક્ષણનો જ ભાગ છે. જીવનનું આ અખંડ દર્શન છે. હું વિજ્ઞાનનો જીવ, પણ મનુદાદાએ પકડાવેલી ચોપડીઓને પરિણામે હું ક્યારે વિજ્ઞાનનાં વક્તવ્યોમાં ટાગોર કે ઉમાશંકરનાં કાવ્યો ટાંકતો થયો એની મને જ ખબર ન રહી.’ વર્ષો સુધી ઉત્સવ વિભાગ પણ સંભાળેલો. આથી સ્થાનિક અને મહેમાન તજ્જ્ઞ વક્તાઓનાં ભાષણો યજ્ઞાર્થે સાંભળવાનાં થયાં. આ ફરજે પણ અરુણભાઈને વિજ્ઞાન સિવાયના વિષયોમાં રસ લેતા કર્યા.
અરુણભાઈનું સ્વપ્ન કંઈ લોકભારતીમાં નોકરી કરવાનું ન હતું. 1972માં એમ.એસસી. કર્યા પછી એમને તો બહાર જવું હતું અને સંશોધન કરવું હતું. બાલુકાકાના માર્ગદર્શન નીચે આયુર્વેદની દવાઓની અસરકારકતાનાં કારણો પર કામ કરવું હતું. ફાકીથી ફાયદો થાય એ આપણે જાણતા હોઈએ, પણ એમાં રહેલાં કન્ટેન્ટ્સ, એની મેટાબોલિઝમ પર અસર આ બધું આપણે જાણતા હોતા નથી. આયુર્વેદમાં તો તમે એ ની એ વસ્તુઓ ક્લૉકવાઈઝ કે એન્ટિક્લૉકવાઈઝ ખાંડો કે પછી ધાતુમાં કે લાકડામાં જે પથ્થરમાં ખાંડો એનાથી પણ એની અસરમાં ફેરફારો થતા હોય છે. એ વખતે બાલુકાકા અને પ્રાગજીભાઈ જામનગરની અને જૂનાગઢની બંને આયુર્વેદ કૉલેજોની રિસર્ચ વિંગના વડા હતા. એમના માર્ગદર્શન નીચે સંશોધન કરવાનું અરુણભાઈનું તો સ્વપ્ન હતું. પણ લોકભારતીમાં જરૂર હતી તેથી તેઓ થોડા સમય માટે આવ્યા ને પછી રહી ગયા.
અરુણભાઈ લોકભારતીમાં રહી ગયા તેથી બે મનુભાઈની જોડી (ત્યારે કૉંગ્રેસનું નિશાન બે બળદની જોડી હતું!) દવેકાકા અને મનુદાદા બંને ખૂબ ખુશ હતા. પણ લગ્નની વય આવી એટલે મુશ્કેલી થઈ. ગામડામાં રહેવા કોઈ ઝટ તૈયાર ન થાય. બધા સલાહ આપે કે અરુણ ગામડું છોડે તો સારી છોકરી મળશે અને અરુણભાઈને તો પ્રતીતિ થઈ ચૂકેલી કે આ જ જીવન સાચું છે ને મારે અહીં જ જીવવું છે, મારો માંહ્યલો આ જ વાતાવરણમાં કોળશે. વિચાર કરતાં લોકભારતીના ગોપાલન વિભાગના શ્રેષ્ઠ કાર્યકર્તા કૃષ્ણલાલ શુક્લની અહીં જ જન્મી, ઉછરીને એમ.એસસી. થયેલી દીકરી અર્ચના અરુણભાઈના અને એમનાં વડીલોનાં મનમાં વસી, અર્ચના અને કૃષ્ણલાલ શુક્લ પરિવારનો પણ અનુકૂળ મત થયો અને અરુણ-અર્ચના લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. એ વાતને આજે અડધી સદી જેટલો સમય થયો. અરુણભાઈની પ્રવૃત્તિઓ, વિશાળ વર્તુળ અને વ્યવહારનાં; અરુણભાઈ કહે છે તેમ ‘બકાલુથી બેન્ક સુધીનાં’ બધાં જ કામોમાં અર્ચનાબહેનનો સતત સાથ રહ્યો છે.
અરુણભાઈની પ્રતિભા બહુમુખી – યુવાનીમાં અરુણભાઈને ત્રણ શોખ. સંગીત, પુસ્તકો અને ફોટોગ્રાફી. ત્રણે શોખ મોંઘા અને લોકભારતીનું તો ટૂંકું વેતન. અરુણભાઈએ સ્ટિરિયોફૉનિક સાઉન્ડ સિસ્ટમ અને ઍમ્પ્લીફાયર બનાવ્યાં. એસેમ્બલ કરીને દસ સેટ વેચ્યા અને ગ્રામોફોન ખરીદ્યું. પણ રેકૉર્ડ કેમ ખરીદવી? અરુણભાઈ આવાં સાધનો વેચતી એક દુકાનમાં જોડાયા. રજાના દિવસે ત્યાં કામ કરે ને પગારના બદલે એલપી રેકૉર્ડ લે. આમ સંગીતનું તો પત્યું. પણ પુસ્તકોનો શોખ પણ મોંઘો. એ ખરીદવા માટે અરુણભાઈએ વિજ્ઞાન-વિષયક લેખો લખવા માંડ્યા. ફૂલછાબ, નવનીત-સમર્પણ, જન્મભૂમિ પ્રવાસી વગેરેમાં એ છપાય ને પુરસ્કારના જે પૈસા આવે એમાંથી પુસ્તકો વસાવે. ફોટોગ્રાફીનો શોખ પોષવા તો તેઓ રીતસર ફોટોગ્રાફર બન્યા. કેમેરા લઈને સાયકલ પર જાય ને લગ્ન-પ્રસંગોની ફોટોગ્રાફી કરે. એ વિસ્તારમાં કલર ફોટોગ્રાફી કરનાર અરુણભાઈ પહેલા હતા. સણોસરાના ઘણા હીરા ઘસનારા એમને આજે પણ ફોટાવાળા અરુણભાઈ તરીકે ઓળખે છે!
હવે રહ્યો છું તો અહીં જ વિજ્ઞાનનું કંઈ કરું એવું એમને થતું. ગામડાં સુધી વિજ્ઞાન લઈ જઈએ, બાળકો, ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ આપીએ એવી વાત એમને દર્શકદાદા પાસે મૂકી. દાદા પરવાનગી ન આપે. ‘તને સોંપ્યું છે એ કર્યા કર. ખોટા ઉધામા ન કરીશ.’ અરુણભાઈએ વિનંતી કરી, ‘જે સોંપશો તે બધું જ કરીશ. પણ મને આ કરવા દો.’ દાદા માન્યા નહીં એટલે અરુણભાઈએ તો ઘરના બાગ-બગીચાથી સુશોભિત આંગણામાં કાથીની દોરીઓ બાંધી. કોથળા કે પૂંઠાં ટિંગાડી તેના પર ફોટા, મોડેલો, ચિત્રો મૂકવા માંડ્યાં. બૉર્ડ પર ચૉકથી નવી વિજ્ઞાનવાતો મૂકે. સુંદર બગીચો બનાવ્યો, ટેલિસ્કૉપ ગોઠવ્યું. બાળકો, મોટાઓ આવે ને રસથી જુએ. લોકભારતીમાં જોવાનું એક શૈક્ષણિક સ્થળ બની ગયું.
એ વખતે મોબાઈલ, ટી.વી. કશું નહીં એટલે લોકભારતીની લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ થતો. રવિવારે રાતે લાયબ્રેરી બંધ હોય એટલે સારસ્વત ભવન ખાલી હોય. ત્યાં ફિલ્મ બતાવવાની મંજૂરી મેળવી અરુણભાઈએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનની ફિલ્મો, સ્લાઈડો બતાવવા માંડી. બ્રિટિશ કાઉન્સિલ પાસેથી ‘ધ એસેંટ ઑફ મેન’, ‘લાઈફ ઑન ધ અર્થ’, ‘અવર લિવિંગ પ્લાનેટ’, ‘કોસમોસ’, ‘અવર મોર્ડન સિવિલાઈઝેશન’, ‘સેવ ધ પ્લાનેટ અર્થ’ જેવી વિજ્ઞાનફિલ્મો મગાવે, એનું ગુજરાતી કરે અને વિદ્યાર્થીઓને બતાવે. અમુક ફિલ્મો ચૌદ-ચૌદ કલાકની હોય, એટલે આખું અઠવાડિયું રોજના બે-બે કલાક બતાવે. આવાં અનેક વિજ્ઞાનફિલ્મસપ્તાહો ઉજવાયાં. ‘વિજ્ઞાનદર્શન’ નામનું સામયિક ખોટ ખાઈને પણ પિસ્તાલીસ વર્ષ ચલાવ્યું, અનેક કાર્યક્રમો કર્યા. વિજ્ઞાનકાર્યક્રમો લઈને દેશભરમાં તો ફર્યા જ, 25 જેટલા વિદેશોમાં પણ ગયા. વીસ વર્ષ સુધી વિજ્ઞાનનાં પાઠયપુસ્તકો બનાવવામાં માર્ગદર્શન આપ્યું. સોલાર એનર્જીમાં તો યુનિક કહી શકાય એવું કામ થયું. નાસાને પત્ર લખ્યો કે હું એવા વિસ્તારમાં છું જ્યાં વિમાન પસાર થાય તો લોકો માથાં ઊંચાં કરીને જોઈ રહે છે. આમને મારે સ્પેસ અને ટૅક્નૉલૉજી વિશે કેવી રીતે સમજાવવું તેનું માર્ગદર્શન આપો. નાસાએ ઉત્તરમાં થોકબંધ સાહિત્ય અને સ્લાઈડ્સ મોકલ્યાં. અમેરિકાની વિશ્વવિખ્યાત કાર્લસેગનની પ્લેનેટરી સોસાયટીએ સભ્ય પદ આપી નિમંત્રણ પાઠવ્યું.
પછી વિજ્ઞાન-ક્લબ ઊભી કરી. અનેક વિદ્યાર્થીઓ જોડાયા. સોમવારે રજા હોય એટલે બધા સાયકલ લઈને આસપાસના ગામડાઓમાં જાય. વિદ્યાર્થીઓને સાયકલનું ભાડું આપે. અરુણભાઈ પણ સાયકલ પાછળ અર્ચનાબહેનને બેસાડીને સાથે જાય. સાથે વિજ્ઞાનપેટી હોય. સ્થાનિક અને જાણીતાં સાધનોથી પ્રયોગો બતાવે. પચાસ ટકા રાહતદરે સરળ વિજ્ઞાન-પુસ્તિકાઓ વેચે. પ્રકાશકો પાસેથી શક્ય તેટલું વધારે કમિશન માગે અને ઘટતી રકમ બળવંતભાઈ પારેખ ભરી આપે.
એક તબક્કે લાગ્યું કે સમયના અભાવે બધી પ્રવૃત્તિઓ નથી થઈ શકતી એટલે હતો એટલો સ્ટોક વેચી પછી પુસ્તકવેચાણનું કામ બંધ કરવું એવો વિચાર કર્યો. ઝરિયા ગામની પ્રાથમિક શાળામાં પુસ્તકો પાથરીને બેઠા હતા. એક નાની છોકરી વારંવાર આવે, ‘રમતાં રમતાં વિજ્ઞાન-પ્રયોગો કરીએ’ એ પુસ્તિકા ઉપાડે, પાનાં ફેરવે ને પાછી મૂકી દે. અરુણભાઈ જોયા કરે. છેવટે એ છોકરી હિંમત ભેગી કરી અરુણભાઈ પાસે આવી, ‘ભાઈ, મારી પાસે આઠ આના જ છે. આ ચોપડીમાંથી આઠ આનામાં આવતા હોય એટલાં પાનાં ફાડીને આપો ને!’ અરુણભાઈ સ્તબ્ધ. છલકતી આંખે તેને તેડી લીધી અને આખી ચોપડી આપી, સાથે તેના આઠ આના પાછા આપ્યા. અર્ચનાબહેન તરત બોલ્યાં, ‘આ પ્રવૃત્તિ બંધ ન કરાય.’ આવી જિજ્ઞાસાવૃત્તિ ધરાવતાં બાળકો વચ્ચે જવાનું કેમ છોડાય?
આ બધાં કામો પૂરવેગે ચાલતાં હતાં, પ્રસિદ્ધિ પામતાં હતાં એમાં એક દિવસ મુંબઈના ઉદ્યોગપતિ બળવંતભાઈ પારેખ લોકભારતીમાં આવ્યા. ત્યારે ગ્રામદત્તક યોજના ચાલતી હતી. નિયામક કુમુદભાઈ એમને લઈને ઝરિયા જતા હતા. કાર અરુણભાઈના ઘર પાસેથી પસાર થઈ. એ વખતે લોકભારતીની પ્રાથમિક શાળા ખૂબ જાણીતી. અરુણભાઈ ઝાડની ડાળીએ બાળકોના હાથ પહોંચે તેમ પત્રિકાઓ, ચિત્રો વિગેરે લટકાવી રાખતા. કાર પસાર થઈ ત્યારે શાળામાંથી છૂટેલાં બાળકો આ વાંચતા હતા.
બળવંતભાઈ નિયામકને કહે, ‘આ વિભાગ તમે મને કેમ ન બતાવ્યો?’
કુમુદભાઈ કહે, ‘આ સંસ્થાનો વિભાગ નથી.’
બળવંતભાઈ કહે, ‘આ ચલાવનારને મારે મળવું છે.’ પાછા ફરતાં અરુણભાઈને ઘેર આવ્યા. બધું જોયું. અરુણભાઈને ખબર નહીં કે આ અબજોપતિ ઉદ્યોગપતિ છે – એમણે તો એમને રસ લેતા જોઈ બધું સરસ રીતે બતાવ્યું.
બળવંતભાઈ કહે, ‘પૈસાનું શું કરો છો?’
અરુણભાઈ કહે, ‘હું લેખો લખું છું, ફોટોગ્રાફી કરું છું, થોડી બચત થાય. એમાંથી ખર્ચો કાઢું છું.’
‘હવે શું કરવું છે?’
‘પ્રોજેક્ટર, વાહન, જગ્યા આ બધું હોય તો ઘણું કરી શકું.’
‘કેટલા રૂપિયા હોય તો થાય?’
‘દસેક હજાર.’
તરત પચીસ હજારનો ચેક આવ્યો. મનુદાદા ખિજાયા, ‘સંસ્થાના મહેમાન પાસેથી વ્યક્તિગત પૈસા લેવાય?’ અરુણભાઈએ તરત ચેક એમને આપી દીધો, ‘લો, પાછો મોકલી દેજો.’ કુમુદભાઈએ તોડ કાઢ્યો, ‘પાછો મોકલવો ઠીક નહીં. આ રૂપિયા વિજ્ઞાનના કામ માટે સંસ્થામાં જમા કરીએ. અરુણ જે ખર્ચ કરે તે વાઉચર બનાવી ઉધારી દઈશું.’
પછી તો જે કામો થયાં – અરુણભાઈ અનેક દેશમાં ગયા, દેશવિદેશની અનેક વિજ્ઞાનસંસ્થાઓ સાથે જોડાયા. યુનાઇટેડ કિંગ્ડમની ‘ચેનલ ફૉર સાયન્સ’ ક્લબ દ્વારા યુ.કે.નાં બાળકોને વિજ્ઞાન શીખવવા જવાનું થયું. અમેરિકાની કાર્લસેગન પ્લેનેટરી સોસાયટી’, લંડનની ‘ફિલ્મ સ્ટડી કાઉન્સિલ’, ફ્લૉરિડાની’ ચિલ્ડ્રન્સ ફંડ સોસાયટી’, અમેરિકાની ‘નેશનલ જોગ્રોફી સોસાયટી’ આમ યુરોપ અમેરિકાની અનેક સંસ્થાઓનાં આમંત્રણ આવ્યાં. ખૂટતો ખર્ચ બળવંતભાઈ આપે. સોલાર એનર્જી પર પણ ઘણું કામ થયું. આજે ગુજરાત રાજ્યના તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર મુખ્ય માર્ગદર્શક છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી (ગુજકોસ્ટ), ગુજરાત ઈકૉલૉજી કમિશન, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા) આ ત્રણે કમિટીઓમાં સ્થાપનાકાળથી જ સરકારે અરુણભાઈને મૂક્યા. અરુણભાઈએ એમને ખૂબ આઈડિયાઝ આપ્યા, નમૂના તૈયાર કરી આપ્યા.
સૂર્યશક્તિમાં પણ અદ્દભુત કામ થયું. આજે લોકભારતી આસપાસનાં જ નહીં, છેક કચ્છનાં ગામોમાં ખેડૂતો, મહિલાઓ, બાળકો, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો તેમના દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તાલીમ પામી સૂર્યશક્તિથી ચાલતાં સાધનોને પોતાના રોજિંદા જીવનમાં વાપરતાં થયાં છે. વિજ્ઞાન-પર્યાવરણ વિસ્તરણના આવા કાર્યક્રમોમાં અરુણભાઈ સૌને હસાવતાં હસાવતાં ખેતી-વિજ્ઞાનની અટપટી વાતો એવી રીતે મૂકે કે સૌને મઝા પડી જાય, ને ઘણુંબધું શીખી પણ જાય. અનેક વિજ્ઞાન-શિક્ષકોને પણ તેમણે ઘડ્યા છે. પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ અને ભાષાઓ સરળ, સચોટ, રસપ્રદ અને બિનખર્ચાળ રીતે ભણાવવા માટે અરુણભાઈએ એકલવ્ય સંસ્થા, હોશંગાબાદના આર્થિક સહયોગથી ગુજરાતમાં પ્રયોજેલી ‘અધ્યેતાકેન્દ્રી વિજ્ઞાન-શિક્ષણ કાર્યક્રમ’ – ‘અવિશિકા’ યોજનાએ ગુજરાતના સમગ્ર પ્રાથમિક શિક્ષણજગતને અનોખું પરિમાણ બક્ષ્યું છે.
આ બધાં કામોને કારણે અનેક અવૉર્ડ મળતા ગયા. એની અને કમિટીઓના ભાડાખર્ચ રૂપે મળતી રકમો બધું સંસ્થામાં જમા કરે. એમાંથી લોકભારતીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર – કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ થયું. એના વિજ્ઞાન-પ્રદર્શનમાં રોજના વપરાશની વસ્તુઓમાંથી બનેલાં સેંકડો રમકડાં છે જે બાળકોને પ્રવૃત્તિ દ્વારા વિજ્ઞાનશિક્ષણ આપે છે. માણસ જે પણ કામ કરતો હોય, એમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઉમેરાય તો એ વધારે સારી રીતે થાય એ અહીં સમજાવાય છે. ગૃહિણીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાને રસ પડે, એમનો વિજ્ઞાન-અભિગમ કેળવાય એ એનો હેતુ. ‘જે બાળકો ગણિત અને વિજ્ઞાનમાં 99 અને 100 ટકા માર્ક્સ લાવે એમને ઘરમાં કે રોજના જીવનમાં એનો શો ઉપયોગ છે તે ખબર ન હોય એ મને ખટકે – આ કેવું કે પરીક્ષા માટે ગોખવાનું ને પરીક્ષામાં ઓકવાનું – ખરી જરૂર તો વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની છે. જીવન સાથે ન જોડાય એ જ્ઞાનને નાનાદાદા ‘વાંઝિયું’ કહેતા; અને અબ્દુલ કલામ કહેતા કે દેશ વિજ્ઞાન-ગણિત વિષયશિક્ષણમાં હોંશિયાર છે, પણ વૈજ્ઞાનિક અભિગમની બાબતમાં ગરીબ છે – આ બન્ને વાત અરુણભાઈના હૃદયમાં ઊતરી ગયેલી. લોકભારતીના શિક્ષણમાં ઘુંટાયેલા જીવન સાથેના અનુબંધના તત્ત્વનો ઉપયોગ એમણે વિજ્ઞાનમાં પણ કર્યો અને પાંચ પાંચ વર્ષના પાંચ વિજ્ઞાન-કાર્યક્રમો કર્યા, જેમાંનો છેલ્લો ‘મોજીલું શિક્ષણ’ બેવડાઈને દસ વર્ષનો થયો.
ગાંધીજીએ વિજ્ઞાનના ‘વિવેકપૂર્ણ ઉપયોગ’ની જે વાત કરી તે લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રનો આદર્શ છે. લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રે તમામ વિજ્ઞાનદિન ઉજવ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ જેવી સુંદર-અર્થપૂર્ણ થીમ પર દેશભરમાં જે 75 સ્થળે આખું અઠવાડિયું વિજ્ઞાન-સપ્તાહ તરીકે ઉજવાયું, તેમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર પણ એક હતું. આ સપ્તાહ દરમ્યાન આ કેન્દ્રે ભાવનગર જિલ્લાનાં આઠ સ્થળે બ્રહ્માંડ અંગેનાં વ્યાખ્યાનો, આકાશદર્શન અને વિજ્ઞાનમેળા જેવા વિવિધ કાર્યક્રમો કર્યાં. હજારો વિદ્યાર્થીઓએ અને એમના શિક્ષકોએ ભાગ લીધો.
ગુજરાતમાં 32 લોકવિજ્ઞાન કેન્દ્રો છે. તેની એક રિવ્યૂ કમિટી છે, ગાંધીનગરના સાયન્સ સેન્ટરમાં એની મિટિંગો થાય છે. અરુણભાઈ 11 વર્ષથી તેના પ્રમુખ છે. લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર માર્ગદર્શક કેન્દ્ર તરીકે ગુજરાતના તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોને પોતપોતાના વિસ્તારમાં વિજ્ઞાનકાર્યો કરવા માટે માર્ગદર્શન આપે છે, નવાં લોકવિજ્ઞાન કેન્દ્રો ઊભા કરવા અને ચલાવવાનું માર્ગદર્શન પણ અહીં અપાય છે.
આજ સુધીમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રને કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘ભારતીય જ્ઞાન-વિજ્ઞાન જાથા’ અને ‘મંથન’ જેવા કાર્યક્રમો માટે યજમાન બનવાનું, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી, ગાંધીનગર દ્વારા કાર્યક્ષમ ગ્રામીણ લોકવિજ્ઞાન કેન્દ્ર તરીકેનો દરજ્જો આપવાનું, ગુજરાત ઇકૉલૉજી કમિશન તરફથી ભાવનગર જિલ્લાની મોડેલ એજન્સી બનવાનું, ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા, વડોદરા તરફથી બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનું નિદર્શન કેન્દ્ર બક્ષવાનું, દિલ્હી કોલકાતા અને અમદાવાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદમાં ખાસ આમંત્રણથી ભાગ લેવાનું, કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ ગાંધી પેયજળ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાની નિર્મળ જળ અને સુખાકારી પર્યાવરણની કામગીરી બજાવવાનું અને ભાવનગર જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા સિહોર તાલુકામાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
અરુણભાઈને સંસ્થા-વિકાસ સાથે ગ્રામ-વિકાસની ખેવના પણ સતત રહી છે. ભારતીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક મૂલ્યોના સંદર્ભે વિકાસ કરવો એ એમનો અભિગમ. ગ્રામાભિમુખ કેળવણીના પ્રચાર-પ્રસાર અને ગ્રામીણ ક્ષેત્રે ટૅક્નૉલૉજી અને વિજ્ઞાન-શિક્ષણના સફળ અમલીકરણ માટે અરુણભાઈએ અનેક પુરસ્કારો મેળવ્યા છે. એક સન્માન કાર્યક્રમમાં દર્શકે આશીર્વાદ આપતાં કહ્યું, ‘હવે તારું અભિવાદન લોકવિજ્ઞાની તરીકે થાય એમ હું ઈચ્છું છું.’ દેશનો અત્યંત પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ અવૉર્ડ મેળવી અરુણભાઈએ આ આશીર્વાદ સાર્થક કરી બતાવ્યાં.
જેમને તેમના માર્ગદર્શન નીચે કામ કરવાની તક મળી છે એ સૌ જાણે છે કે ઘડતર અને તાલીમની તેમની કેવી અનોખી કાર્યપદ્ધતિ છે. વિજ્ઞાન કેન્દ્રના ચોકમાં રેતી સરખી કરવા પોતે પંખાળી લઈ સરખું લેવલ કરે ત્યારે જ તેમને સંતોષ થાય. લોકભારતીને સુંદર બનાવવા કૂંડા ક્યાં મૂકવાથી લઈ કેવાં સુશોભનો મૂકવા સુધીની દરેક ઝીણી બાબત એમની દૃષ્ટિ આવરી લે. કાર્યક્રમનાં આયોજન, પૂર્વતૈયારી અને અમલ, ભોજનની સાત્ત્વિકતા, ગીતોની મધુરતા, ફૂલોની ગોઠવણી બધું ગુણવત્તાના ઊંચા માપદંડ સાથે કરે-કરાવે. વિદ્યાર્થીઓ સંસ્કારઘડતર, સાદાઈ, નૈસર્ગિક સુશોભન, કરકસરયુક્ત કલાના પાઠ સહેજે સહેજે શીખતા જાય. સાયંપ્રાર્થના અનુસંધાને પ્રાકૃતિક ઘટનાઓ કે સામાજિક પ્રવાહોની વાતો, જીવન સાથેનો તેનો સંબંધ, તેમાં વ્યક્તિની ભૂમિકા આ બધાના વિવરણથી વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તારે.
નાનાભાઈ ભટ્ટે ગ્રામાભિમુખ નઈ તાલીમનાં શ્રીગણેશ 1938માં આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા સ્થાપીને કર્યાં. આજે સૌરાષ્ટ્રમાં 75 લોકશાળાઓ કાર્યરત છે. એમને ગુણવત્તાસભર બનાવવા અને એના કાર્યકરોમાં ગાંધીવિચાર તેમ જ નઈ તાલીમ માટેની શ્રદ્ધાને બળવત્તર કરવા 1958થી કાર્યરત સૌરાષ્ટ્ર લોકશાળા સંઘના પ્રમુખ તરીકે અરુણભાઈ ઉલ્લેખનીય માર્ગદર્શન કાર્ય કરી રહ્યા છે. અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે આ લોકશાળાઓમાં નવા પ્રાણ ફૂંકવા અરુણભાઈ એમના જ ‘રવિકૃપા ટ્રસ્ટ’ની ‘દક્ષિણ’ પરિયોજના દ્વારા અનેક કાર્યક્રમો ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જ્ઞાનભૂખ જગાડવા રવિકૃપા ટ્રસ્ટ દ્વારા લાખો રૂપિયાનાં સંસ્કારી પુસ્તકો નિ:શુલ્ક આપવામાં આવ્યાં છે.
ગ્રામાભિમુખ ક્ષેત્રે અરુણભાઈએ આપેલા વિધિસરના યોગદાન જેટલું જ મહત્ત્વનું તેમનું અવિધિસરનું યોગદાન રહ્યું છે. ગામડાઓમાં ઊર્જા, પર્યાવરણ, કૃષિ-ગોપાલન, જળસંચય વગેરેના વ્યવસ્થાપનને મજબૂત કરવા અને કુદરતી સ્રોતોના સંરક્ષણ-સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધારવા અરુણભાઈનો અભ્યાસ અને તેમની સરળ-મૌલિક વાકછટાએ સુંદર પરિણામો આપ્યાં છે. પૂરી વૈજ્ઞાનિક દૃષ્ટિથી સ્થાનિક સ્રોતો, સંસાધનો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ટકાઉ અને લાંબા ગાળાના ઉપાયો સૂચવતા અરુણભાઈએ ગામડાને દેશના બાઈન્ડિંગ બ્લૉગ તરીકે વર્ણવ્યું છે. તેઓ કહે છે કે શરીરનું એક્મ કોષ અને દીવાલનું એકમ ઈંટ તેમ ભારતનું એકમ ગામડું છે. ગામડું સદ્ધર થશે તો દેશ સદ્ધર થશે. ગામડું વિકસશે તો શહેરીકરણ અટકશે અને અનેક પ્રશ્નો ઉકલી જશે.
2003થી 2005 દરમિયાન અરુણભાઈ ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર હતા. તેઓ નોંધે છે કે વ્યવસ્થાપન અને સંબંધો સાચવવાની કળા તેમને તેમનાં માતા પાસેથી મળી. મુખ્ય ગૃહપતિ તરીકેના કામમાં એ કેળવાયું. લોકભારતીના વહીવટી કામો અને જુદી જુદી જવાબદારીનો અનુભવ મળ્યો. એ વખતે ગૂજરાત વિદ્યાપીઠમાં નવા ટ્રસ્ટીઓ નીમાવાના હતા. ગોવિંદભાઈ રાવલ ટ્રસ્ટી હતા. સુદર્શનભાઈ, મોતીભાઈ વગેરે સાથે ગ્રામ ટૅક્નૉલૉજીના સંદર્ભે અરુણભાઈને વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળમાં લેવામાં આવ્યા. વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાં એ વખતે ખાસ્સો કૉમ્યુનિકેશન ગૅપ હતો. એવામાં એક કટોકટી ઊભી થઈ. કુલનાયકપદ કોણ સંભાળે એનો વિવાદ હતો. એમને કોઈ કલ્પના નહીં, લોકભારતીમાં પણ કોઈને જાણ કરેલી નહીં. પણ મિટિંગોમાં ચર્ચાઓ દરમ્યાન અરુણભાઈ સહજ રીતે મંતવ્ય મૂકતા અને તેમાં લોકભારતીના અનુભવો પરથી વ્યક્તિ, કુટુંબ ને સંસ્થાનું ટ્યૂનિંગ કેવું હોવું જોઈએ, કક્ષા કેવી જળવાવી જોઈએ એની જે વાત થતી એ જોઈ એ ધર્મસંકટમાં કુલનાયકપદ અરુણભાઈને સોંપવું એવું સૂચન આવ્યું. એમણે ના પાડી, પણ જુદા જુદા મત ધરાવતા મિત્રો પણ કુલનાયકપદે અરુણભાઈની પસંદગી બાબત સંમત હતા. એમના પર વિદ્યાપીઠનું હિત જાળવવાનું દબાણ આવ્યું. અંતે એમણે જીદ પડતી મૂકી અને વિદ્યાપીઠનું કુલનાયકપદ સ્વીકાર્યું.
વિદ્યાપીઠના અનુભવની વાત કરતાં અરુણભાઈ કહે છે, ‘મારા જવાથી ત્યાં સ્ટેબિલિટી આવી એવું વિધાન કદાચ આત્મશ્લાઘા કહેવાય, પણ એટલું ખરું કે મેં બધાને આદર આપ્યો, બધાને સાથે રાખ્યા અને સારું વાતાવરણ નિર્માણ કરવામાં નિમિત્ત બન્યો.’ પણ વિદ્યાપીઠ મોટી સંસ્થા, વહીવટી કામો પુષ્કળ. જ્યારે લોકભારતી નાની સંસ્થા, નાનાભાઈએ ઊભી કરેલી ને મનુદાદાએ 40 વર્ષ ચલાવેલી તેમાં વહીવટી કામ બને તેટલું ઓછું અને કામ કરવાનો, વિદ્યાર્થીઓ સાથેના સંબંધનો અવકાશ વધારે. વિદ્યાપીઠમાં એ નહીં, તેથી પ્રશ્નો ઉકેલાઈ ગયા પછી અરુણભાઈ વિદ્યાપીઠ છોડી લોકભારતીમાં આવી ગયા.
મનુદાદા સાથે જ્યારે અમેરિકા જવાનું થયું ત્યારે અમેરિકાની યુનિવર્સિટીમાં એમને કામ મળ્યું. યુનિવર્સિટીનો ઑર્ડર જોઈ મનુદાદાને ચિંતા થઈ ગઈ – અરુણ અહીં રહી જશે? રાત્રે ઊંઘી ન શકે. છેવટે અરુણભાઈને બોલાવીને કહે, ‘અરુણ, લોકભારતી છોડીને ક્યાં ય જવાનું નથી.’ અરુણભાઈએ ઑર્ડર એમની સામે જ ફાડી નાખ્યો, ‘ક્યાં ય નહીં જાઉં દાદા, તમે નિરાંતે સૂઓ.’ નાસા જેવી ઈન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત સંસ્થામાં કામ કરવાની તક પણ આ જ રીતે છોડી.
એનો એમને કદી કોઈ અફસોસ નથી થયો. મનુદાદા સાથે અમેરિકા ગયેલા ત્યારે કાર્લસેગન પ્લેનેટરી સોસાયટીમાંથી આવેલા આમંત્રણના અનુસંધાને ત્યાં જવાનું હતું. અમેરિકાના સ્થાનિક શુભેચ્છકોનું કહેવું હતું કે, ‘અરુણ, તું તો ગામડાનો છોકરો, તને કાર્લસેગનમાં કોણ બોલાવે છે?’ અરુણભાઈએ આમંત્રણપત્ર એમને બતાવ્યો ને ખાતરી કરાવી. મનુદાદા ક્યાંક બીજે જવાના હતા, અરુણભાઈને કાર્લસેગન પ્લેનેટરી સોસાયટીએ ઉતારી ગયા ને પાછા ફરતાં લેવા આવ્યા. ત્યાંના બેત્રણ વિજ્ઞાનીઓ અરુણભાઈને સડક સુધી વળાવવા આવેલા. અરુણભાઈએ કાર્લસેગનનું ટી-શર્ટ પહેર્યું હતું. હાથમાં થોકબંધ પુસ્તકો અને સીડીઓ. દાદા તો આનંદ-આશ્ચર્યથી અવાક! ઘેર આવીને કહે, ‘લાપસીના આંધણ મૂકો. આપણા અરુણને કાર્લસેગન સોસાયટીએ ટી-શર્ટ પહેરાવ્યું!’ આપણે શાલ ઓઢાડી સન્માન કરીએ તેમ ત્યાં ટી-શર્ટ પહેરાવે. યજમાન સોમાભાઈ પટેલે તો વહાલથી ઊંચકી લીધા!
પછી તો અરુણભાઈ 21 જેટલા દેશોમાં ફર્યા. પહેલીવાર ફ્રાન્સ ગયા અને બારડોલીના કિરણભાઈ વ્યાસને મળવા ગયા ત્યારે એમને ત્યાં એક શિબિર ચાલે. એમણે અરુણભાઈની ઓળખાણ કરાવી થોડું બોલવા કહ્યું. અરુણભાઈ ગુજરાતીમાં બોલું અને કિરણભાઈ એનું ફ્રેન્ચ કરતા જાય. ગોષ્ઠિ જામી ગઈ. ફિડબેક એવો સારો મળ્યો કે એ પછી ત્રણવાર એમના આમંત્રણથી અરુણભાઈ શિબિરોમાં ભાગ લેવા માટે ફ્રાન્સ ગયા. એમાંના એક સભ્ય પાસે પોતાનું હેલિકૉપ્ટર. અરુણભાઈને કહે, ‘તમને મારા હેલિકૉપ્ટરમાં ફેરવું.’ અરુણભાઈ કહે, ‘તો મને હૉલેન્ડ બતાવો. એ દેશ દરિયાની સપાટીથી નીચે છે. આકાશમાંથી એ કેવું લાગતું હશે એ મારે જોવું છે.’ નજીકના યુરોપિયન દેશો જોવા-માણવાનો ભારે રોમાંચક લાભ આ આમંત્રણોમાં મળતો રહ્યો.
લોકસેવા મહાવિદ્યાલયના નિયામકપદે 15 વર્ષ યશસ્વી સેવા બજાવીને કુલ 38 વર્ષ લોકભારતી સંસ્થામાં જીવનનાં અમૂલ્ય નિજાનંદી વર્ષો વીતાવીને તા. 30-4-2010ના રોજ અરુણભાઈ સેવાનિવૃત્ત થયા. જોડાયા હતા એકાદ વર્ષ માટે પણ લોકભારતીએ તેમને ઓગાળી દીધા. આજે સિક્કાની એક બાજુ ‘લોકભારતી’ લખો તો બીજી બાજુ ‘અરુણ દવે’ લખેલું જ નીકળે!
અરુણભાઈને શહેરમાં રહેવા જવું જ નહોતું તેથી તેમણે આયોજન કરી રાખેલું અને આંબલા ખાતે ખંડેર પડેલા સઘનક્ષેત્ર યોજનાના સંકુલને ખરીદી લઈને ‘રવિકૃપા ટ્રસ્ટ’ નીચે ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ કરવા ઈચ્છતા હતા. બળવંત પારેખ અને કાંતિસેન શ્રોફ બે બેંકોમાંથી કોરા ચેક મળી ચૂક્યા હતા. જમીન પેટે બાનું પણ અપાઈ ગયેલું છતાં જીવનમાં સાવ જુદી જ ઘટના બની. તા. 6-6-2010ની મુંબઈ ખાતે યોજાયેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં સર્વાનુમતે અરુણભાઈની ટ્રસ્ટી તરીકે નિમણૂંક થઈ. બળવંતભાઈ, કાંતિસેનભાઈ, રઘુવીરભાઈ વગેરેએ તેમના ભરોસાપાત્ર પ્રિય અરુણ ઉપરના અધિકારોનો ઉપયોગ કરી એ જ બેઠકમાં અરુણભાઈને લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી જાહેર કર્યા. આંખમાં આંસુ સાથે અરુણભાઈએ સૌને વંદન કરીને એમની જિંદગીમાં ઈશ્વર જેટલી મદદ કરનાર વડીલોનો દબાણભર્યો આદેશ સ્વીકારી લીધો.
વર્ષોથી એક સંપન્ન સંસ્થા જેટલું વૈવિધ્યસભર અને પાયાનું કામ એકલે હાથે કરી બતાવનાર અરુણભાઈની સફળતાનો યશ તેમનાં પત્ની અર્ચનાબહેનને આપવો જોઈએ. એમ.એસસી., બી.એડ. થયેલાં અર્ચનાબહેને અરુણભાઈને ઘરની તમામ જવાબદારીઓમાંથી મુક્ત રાખ્યા, ‘વિજ્ઞાનદર્શન’નું સંપાદન કર્યું અને અરુણભાઈની વિજ્ઞાન પ્રસાર-પ્રચારની પ્રવૃત્તિઓમાં સમજપૂર્વક સાથ આપ્યો. સંસ્થા-સંચાલન ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓ અને બહોળા વર્તુળમાં વ્યસ્ત અરુણભાઈ સંતાનોને ઓછો સમય આપી શકતા, પણ તેમણે પણ સમજદારીથી કામ લીધું અને પ્રગતિ કરી.
1973માં લોકભારતીમાં રસાયણ્શાસ્ત્રના અધ્યાપક, ત્યાર બાદ લોકસેવા મહાવિદ્યાલયના નિયામક અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટના નિયામક તરીકે ફરજ બજાવીને 2010માં નિવૃત્ત થયા બાદ અરુણભાઈએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિયુક્ત થઈ સેવાઓ આપી છે.
અરુણભાઈના પ્રયત્નોથી લોકભારતીમાં હવે યુનિવર્સિટી બની છે, ‘લોકભારતી યુનિવર્સિટી ફૉર રુરલ ઈનોવેશન’. આ પગલાં પાછળ એક ઇતિહાસ છે.
લોકભારતીની સ્થાપના 1953માં થઈ. એ સ્વતંત્ર અને સ્વાયત્ત શિબણસંસ્થા હતી અને અહીં ભણનારને ‘લોકભારતી સ્નાતક’ એવી ડિગ્રી મળતી. 1967-68માં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની. તેના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડ લોકભારતીના સાચા હિતેચ્છુ હતા. તેમનો વિચાર એવો હતો કે યુનિવર્સિટીમાં લોકભારતી રુરલ ફેકલ્ટી તરીકે જોડાય. એમણે ‘યુનિવર્સિટી લોકભારતીની સ્વાયત્તતા અને સ્વતંત્રતા અકબંધ રાખશે’ એવી શરત સાથેનું આમંત્રણ મોકલ્યું. લોકભારતી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં જોડાઈ. પછી યુ.જી.સી. ટીમ જોવા આવી તો તેણે સામેથી લોકભારતીને ‘ઓટોનોમસ’ સ્ટેટસ આપ્યું. અને લોકભારતી ઑફિશ્યલી ગુજરાતની પહેલી ઓટોનોમસ કૉલેજ બની. ડોલરરાય માંકડ પછીના દરેક કુલપતિઓએ લોકભારતીને માન-સન્માન આપ્યું.
પછીના તબક્કામાં ભાવનગર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી જુદી પડી. ભાવનગર યુનિવર્સિટી પાસે કૉલેજો ઓછી હતી તેથી વિધાનસભાએ ખરડો પસાર કર્યો કે ભાવનગર જિલ્લાની બધી કૉલેજોએ ભાવનગર યુનિવર્સિટીમાં જોડાવું. સણોસરા ભાવનગર જિલ્લામાં, એટલે લોકભારતી ભાવનગર યુનિવર્સિટીમાં ગઈ, યુનિવર્સિટીની રૂરલ ફેકલ્ટી તરીકે. દરમ્યાન ગઢડામાં પણ રૂરલ કૉલેજ શરૂ થઈ હતી.
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિઓનો જોઈએ એવો સહકાર લોકભારતીને મળ્યો નહીં. પ્રશ્નો ઊભા થવા માંડ્યા. લોકભારતીને પ્રતીતિ થઈ કે યુનિવર્સિટી સાથે જોડાયા ન હોત તો સારું થાત. જો કે સો ટકા ગ્રાંટ મળવાથી કાર્યકરોના પગાર સારા થયા હતા. બી.આર.એસ.ને સો ટકા ગ્રાંટ મળવાથી રાતોરાત લોકભારતી જેવી બાવીસ ગ્રામવિદ્યાપીઠો ઊભી થઈ. દરેકે લોકભારતીનો જ અભ્યાસક્રમ બેઠો સ્વીકાર્યો. આ કૉલેજો સાથે રાજકીય લોકો પણ સંકળાયેલા હતા. એમણે પોતાના નામની કૉલેજો સ્થાપી.
ભાવનગર યુનિવર્સિટી સાથેનું લોકભારતીનું ટ્યૂનિંગ આ બધામાં ધીરે ધીરે બગડતું ગયું. લોકભારતીના વિચારો, લોકભારતીના કાર્યક્રમો સ્વીકારાતા નહીં. લોકભારતીત્વ ઘસાવા લાગ્યું. અરુણભાઈ સહિત લોકભારતીના અનેક કાર્યકરો દુ:ખી થઈ ગયા.
ત્રીજા તબક્કે સરકાર બદલાઈ. ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર આવી. એની નીતિ એવી કે ગાંધીવિચારને વરેલી સંસ્થાઓ બંધ થાય અથવા સુષુપ્ત થાય કે પછી સરકારના કબજામાં જાય. લોકભારતી પણ સીધી અને આડકતરી હેરાનગતિનો ભોગ બનવા લાગી. ભાવનગર યુનિવર્સિટીના કડવા અનુભવો પછી આ પરિસ્થિતિ બળતામાં ઘી હોમાવા જેવી બની. હેરાનગતિ એટલી વધી કે અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન ઊભો થયો. અસ્તિત્વ ટકાવવા માટે લોકભારતીની શિક્ષણપ્રણાલિનું બીજ ટકાવવા વિકલ્પ ઊભો કરવો પડે એમ હતું. સરકારથી અલગ થવું અને સરકારી ગ્રાંટમાંથી મુક્ત થવું એ વિકલ્પની શોધમાંથી પ્રાઈવેટ યુનિવર્સિટીનો વિચાર ઊભો થયો.
પણ વિચાર આવવાથી શું થાય? યુનિવર્સિટી બનવાની પ્રોસેસ તો અત્યંત અટપટી અને મુશ્કેલ હોય છે. અમે ખૂબ મહેનત કરી. આ વખતે સરકારી અધિકારીઓનો સાથ પણ સારો મળ્યો અને જુલાઈ 2022થી લોકભારતી યુનિવર્સિટી ફૉર રુરલ ઈનોવેશન કાર્યરત થઈ.
અરુણભાઈ કહે છે, ‘યુનિવર્સિટી દ્વારા અમારે ગ્રામ-અભ્યાસક્રમોમાં ફેરફાર લાવવો છે. રોજગારલક્ષી કૉર્સ ઉમેરવા છે. ગામડાંને સદ્ધર કરવાં હોય તો ખેતી અને ગોપાલન આ બે ક્ષેત્રોને મજબૂત કરવા પડે. એના કૉર્સ છે જ, પણ એની ઉત્પાદકતા હજી વધે એવા કૉર્સ ઉમેરવા છે. ટૅક્નૉલૉજીના મહત્તમ ઉપયોગથી કૃષિ-ગોપાલનક્ષેત્રનો વિકાસ અને ઉત્પાદકતાવૃદ્ધિ એ અમારું ધ્યેય છે. આ માટેનું શસ્ત્ર છે વેલ્યુ એડિશન. કાચો માલ (ખેતપેદાશ અને દૂધ) જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જ પાકો થવો જોઈએ. એગ્રીકલ્ચર પ્રોસેસિંગ પર પણ ભાર મૂકીશું. શહેર તરફની દોડ તો જ ઘટશે. આને લગતું સંશોધન પણ કરવું છે. ગામડું સદ્ધર થાય, ટકે અને શહેરીકરણ ઘટે તો ઘણા પ્રશ્નોનો ઉકેલ આવે.’
યુનિવર્સિટી દ્વારા અમારે કરવું છે તો એ જ, ગામડાં સદ્ધર કરવાનું કામ. અમારે રોજગારલક્ષી કૉર્સ ઉમેરવા છે. સાથે ટૅક્નૉલૉજીના મહત્તમ ઉપયોગથી કૃષિ-ગોપાલનક્ષેત્રનો વિકાસ કરવો છે. એગ્રીકલ્ચર પ્રોસેસિંગ પર પણ ભાર મૂકીશું. આને લગતું સંશોધન પણ કરવું છે. ગામડું સદ્ધર થાય, ટકે અને શહેરીકરણ ઘટે તો ઘણા પ્રશ્નોનો ઉકેલ આવે.
અરુણભાઈ કહે છે કે જવાબદારીઓ અને પડકારો તો પુષ્કળ છે. ગ્રામવિદ્યાપીઠના સંદર્ભે સરકારની ઉદાસીનતા જોઈ તેના વિકલ્પ તરીકે લોકભારતી યુનિવર્સિટી ઊભી તો કરી છે, પણ તેને સ્થાપિત કરવી તે આજની તારીખે સૌથી મોટો પડકાર છે. યુનિવર્સિટીના સરકારી નિયમો અને લોકભારતીની પરંપરા આ બે વચ્ચે મેળ પાડવો અઘરો છે અને લોકભારતીત્વ સાચવીને યુનિવર્સિટી ચલાવવી એ એનાથી પણ અઘરું છે. આ બંનેને સમજી શકે તેવા નિષ્ઠાવાન કાર્યકરો જોઈએ, જે મેળવવા પણ મુશ્કેલ છે. યુનિવર્સિટીને સ્વનિર્ભર કરવી હોય ટ્યૂશન ફી લેવી પડે. અમારા નીચલા મધ્યમવર્ગમાંથી ને શ્રમિક પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓને ટ્યૂશન અને છાત્રાલય બંનેની ફી પોષાય નહીં. છાત્રાલય વગરની નઈ તાલીમનો પ્રયોગ હવે કરવો પડશે એમ લાગે છે. યુનિવર્સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પગારધોરણ માટે મોટું ફંડ જોઈએ એ પણ મોટો પડકાર છે.
અરુણભાઈ શાંત મક્કમતાથી પડકારો ઝીલ્યે જાય છે. તેઓ માને છે કે કાળબળ અને નિયતિ પ્રમાણે જે પરિસ્થિતિઓ આવે છે તેને સહયોગ આપવો અને પૂરી શક્તિ આપી સમર્પિત થઈ જવું. નિષ્ફળતા ગમે તેટલી મળે પણ અંદરનો જુસ્સો ન ઘટવો જોઈએ, તો જ બેપાંચ વર્ષે સફળ થવાય.
તેમના અંગત અને સંસ્થાગત જીવનમાં આપઘાત કરવાનું મન થઈ જાય તેવા દિવસો પણ આવ્યા છે, પણ તેઓ ચૂપચાપ ધીરજ રાખી કામ કર્યે ગયા છે. લોકોએ આક્ષેપો કર્યા ત્યારે પણ જવાબ આપવા નથી ગયા. આજે એ જ લોકો એમને ઊંચકીને ફરે છે, ત્યારે પણ સ્વસ્થ અને સ્થિર છે. તેઓ પોતાને જબરદસ્ત મજૂર કહે છે. જિંદગીમાં થાક્યા વિના, દૃઢતાથી ને શ્રદ્ધાથી ખૂબ શ્રમ કર્યો છે, તેને પરિણામે 18-19 ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે અને ઘણાં સમાજોપયોગી કામો તેમને હાથે થયાં છે.
આજે વિદ્યાપીઠ સહિત અનેક મોટી સંસ્થાઓને સરકાર નડી છે તેમાં લોકભારતીને સૌથી ઓછી નડી છે, તેની પાછળ અરુણભાઈએ કેળવેલા સંબંધો છે. બધા વિઘ્નોની વચ્ચે આજે સંસ્થા અડીખમ ઊભી છે અને નઈ તાલીમની સંસ્થાને 3-4 વર્ષમાં 20 કરોડ અપાવી શકાયા છે. તેઓ કહે છે, ‘લોભલાલચના રાજકારણને આપણે સુધારી શકવાના નથી, પણ આપણે બગડીએ નહીં અને આપણી હયાતીમાં સંસ્થાને એને કબજે જવા દઈએ નહીં તો ભયો ભયો.’
છાત્રાલયના અનુભવો
અહીં મુલાકાતે આવતા ઘણાખરાના મનમાં પ્રશ્ન હોય છે કે નિવાસી સંસ્થા તરીકે લોકભારતીએ ખૂબ સારાં પરિણામ આપ્યાં છે. અહીં તૈયાર થયેલા, ગુજરાતભરમાં ગ્રામાભિમુખ કાર્યોમાં સફળ નીવડેલા અને આજે તો પ્રૌઢ કે વયોવૃદ્ધ થયેલા સૌ કોઈનો એક અનુભવ સમાન છે – આ બધા જ છાત્રાલયનિવાસના આત્મીય અનુભવોથી ભર્યાભર્યા, સમૃદ્ધ છે. તો લોકભારતીની આ અનોખી ગુરુશિષ્ય સ્નેહની પરંપરા શું છે? અરુણભાઈનો ગૃહપતિ તરીકેનો દીર્ઘ અનુભવ કહે છે કે કેળવણી બે પ્રકારની હોય છે, વિદ્યાલયની અને છાત્રાલયની. શિક્ષણને બે પાંખ છે, વિદ્યાર્થી અને સમાજ. એક વખત એવો હતો જ્યારે સમાજ જ કેન્દ્રમાં હતો અને હવે બાળક જ કેન્દ્રમાં છે.
નઈ તાલીમમાં બેઉ પાંખને સરખું મહત્ત્વ આપવાનું છે. ઉપયોગી પરંપરા બાળકમાં ઊતરે અને અનુપયોગીને એ છોડી પણ શકે એટલે એક બાજુ નિયમન અને બીજી બાજુ સ્વતંત્રતા એમ ઘડતર થવું જોઈએ. ભારતીય સમાજને ઊંચનીચનો ભેદભાવ અને શ્રમની સૂગ આ બે બાબતો પાછો પાડે છે. આ બે બાબતોને પરિણામે દેશ હાર્યો છે, ગુલામ થયો છે. ભેદભાવ અને શ્રમની સૂગ નહીં જાય તો સ્વતંત્રતા પણ નહીં ટકે. નઈ તાલીમને આ બેઉ અનિષ્ટોથી મુક્ત એવો નાગરિક ઘડવો છે. એટલે જ છાત્રાલયનિવાસ એ નઈ તાલીમનો પ્રાણ છે. લોકભારતીના અભ્યાસક્રમમાં એથી શિક્ષણ વત્તા સમાજરચના એ ઉદ્દેશ છે.
હવે વાત કરીએ આત્મીયતાની, તો એક સમય એવો હતો જ્યારે મોબાઈલ વગેરે હતા નહીં. લોકભારતીમાં છાત્રાલયોની રચના એવી કે ગૃહપતિનિવાસ છાત્રાલયોની વચ્ચે જ હોય અને સાંજ પડે વિદ્યાર્થીઓ ગૃહપતિઓના ઘરોમાં જતા હોય. ઘરના દીકરાની જેમ કામ કરે, વાતે વળગે, નાસ્તાપાણી કરે. દરેક શિક્ષક પાસે આઠદસ વિદ્યાર્થી જ હોય એટલે એ દરેકના પરિવારની બધી વાત શિક્ષક જાણતા હોય અને ભણાવવા સાથે એનું માણસ તરીકે સંસ્કારઘડતર કરતા જતા હોય.
અરુણભાઈ પાસે આવા છાત્રાલયનિવાસના ઢગલાબંધ અનુભવો છે. અહીં નમૂના દાખલ બેચાર અનુભવો મૂકેલા છે.
· એક વિદ્યાર્થીના પિતા ખૂબ માંદા હતા. આ તરફ અહીં પરીક્ષા ચાલે. છેલ્લું પેપર હતું ને ઘેરથી સંદેશો આવ્યો, ‘બાપાનું મોઢું જોવું હોય તો આવી જા.’ વિદ્યાર્થી મૂંઝાયો. શિક્ષક અને ગૃહપતિને ખબર પડી એટલે કહે, ‘તારે જવું જોઈએ.’ ‘હા, પણ ગૌશાળામાં કામ કરી કરીને ફીનો વેંત કર્યો હતો. પેપર નહીં આપું તો વરસ બગડશે.’ ‘અરે ગાંડા, પેપરની ચિંતા અત્યારે કરાય? આ લે.’ કહીને ટાંચણી ભરાવેલા કવરમાં પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપ્યાં. ‘જો, તને શાંતિનો વખત મળે ત્યારે એક ઠેકાણે બેસી, ઘડિયાળ જોઈ પેપર લખી નાખજે, બસ? હવે જા.’ અને એને મોકલ્યો. એની જ વાટ જોતા હોય એમ પિતાએ દેહ છોડ્યો. અંતિમ ક્રિયા પૂરી થઈ પછી બીજી સાંજે વિદ્યાર્થીએ ઘરના એક ખૂણે બેસી પેપર લખ્યું. અરસપરસ આ વિશ્વાસે એને સંબંધોની જડીબૂટી પણ ભણાવી દીધી.
· એક વાર એક પરીક્ષા દરમિયાન અરુણભાઈ સુપરવિઝન કરતા હતા. એમણે જોયું કે એક વિદ્યાર્થી થોડી થોડી વારે હથેળીમાં જોયા કરતો હતો. પરીક્ષા પૂરી થતાં એમણે તેને ઘેર બોલાવ્યો અને પૂછ્યું, ‘હથેળી કેમ જોયા કરતો હતો? સૂત્રો લખેલાં કે?’ એ વિદ્યાર્થીએ હથેળી ખોલીને બતાવી તો એમાં ઢીમચાં, ઉઝરડા ને બેત્રણ લોહીના ટશિયા! ‘અરે, આ શું? આવા હાથે પરીક્ષા આપી?’ ‘હા ભાઈ, પૈસાની સગવડ નહોતી, રજા લઈને ઘેર ગયો ત્યારે બા-બાપુજી સાથે પથ્થર ફોડવા જતો. પરીક્ષા હતી એટલે પાછો આવ્યો, તો ય 500 રૂપિયા બાકી રહ્યા. થોડીક રાહ જોવા વિનંતી છે.’ અરુણભાઈ લખે છે, ‘હું શરમાયો. જાત પર ઘૃણા થઈ આવી. તેને હસાવીને છાત્રાલય મોકલ્યો. ઑફિસે જઈ તેના ખાતામાં મેં 500 રૂપિયા જમા કરાવ્યા ને પહોંચ એને મોકલી. આખો દિવસ મને ચેન ન પડ્યું. બીજે જ દિવસે આકાશવાણીમાંથી અર્ચનાને ગ્રીનહાઉસ ઈફેક્ટ પર ટૉક આપવાનું આમંત્રણ આવ્યું. એમાં લખેલું કે રૂપિયા 515 મળશે … એક શંકાશીલ સુપરવાઈઝરનું વિઝન સંપૂર્ણ થયું.’
· અરુણભાઈ મુખ્ય ગૃહપતિ હતા ત્યારે એક દીકરીએ ત્યાં ભણતા છોકરા સાથે કૉર્ટ મેરેજ કરી લીધાં. વાત માબાપ સુધી પહોંચી. અડધી રાત્રે માબાપ આવીને કહે, ‘અમારી છોકરી આપો.’ અરુણભાઈ એમને છાત્રાલયમાં લઈ ગયા. છોકરી ત્યાં જ હતી ને તેણે અરુણભાઈના માથા પર હાથ મૂકી સોગંદ ખાધા કે તેનાં લગ્નની વાત સાચી નથી. બેત્રણ મહિનામાં ફરી આવો બનાવ બન્યો અને અરુણભાઈ પર પસ્તાળ પડી. અરુણભાઈએ શાંતિથી કહ્યું કે હું તો વિદ્યાર્થી પર વિશ્વાસ રાખીશ. વિગતો જાણી ત્યારે બુચદાદા આવીને આભિનંદન આપી ગયા – છાત્રાલય તો અરસપરસ વિશ્વાસથી જ ટકે.
· એક વિદ્યાર્થી ગૃહપતિનાં બાળકોનાં નાસ્તામાં હંમેશાં ભાગ પડાવે. બાળકોનાં દાદી ચિડાય એ જોઈ એને વધારે શૂર ચડે. રક્ષાબંધન પર પાછો એની દીકરી પાસે રાખડી બંધાવે. પછી તો બધા મોટાં થયાં. દીકરીના સંતાનના લગ્ન થવાનાં હતાં ત્યારે આ વિદ્યાર્થી લોકભારતીમાં જ ભણેલી એની પત્ની સાથે મામેરું લઈને ગયો. દીકરી કહે, ‘જુઓ, આ મારો સગો ભાઈ હોય એમ આવીને ઊભો રહ્યો.’ ત્યારે દાદી ડગુમગુ ચાલે આવી, એ વિદ્યાર્થીની પીઠ થાબડતાં કહે, ‘તે આવીને ઊભો તો રહે જ ને, ઊભા ગળે તારા નાસ્તા ખાઈ જતો હતો તે?’ બધાંની આંખો છલકાતી હતી.
· એક વર્ષે દક્ષિણ ભારતમાંથી ચાર છોકરા લોકભારતીમાં ભણવા આવ્યા. બધા પાદરી થવાના હતા. એમાંનો એક વેકેશનમાં ઘેર ન જાય. બહુ દૂર પડે અને ઘણું ખર્ચાળ પણ થાય. રજાઓ પડી એટલે એ છોકરાને લોકભારતીમાં જ ભણતી એક છોકરી કહે, ‘મારે ઘેર ચાલ.’ એ છોકરો અચકાય. જેને જેને ખબર પડી એ પણ આશ્ચર્ય પામે. એક છોકરી એના સહાધ્યાયી વિદ્યાર્થીને રજાઓ ગાળવા પોતાને ઘેર લઈ જવા માગે છે? છેવટે એ છોકરીએ કહ્યું, ‘રક્ષાબંધનમાં મારે એને રાખડી બાંધવાની આવી હતી. ત્યારથી એ મારો ભાઈ છે. ભાઈ બહેનને ત્યાં ન જાય શું?’ સૌ અવાક, ભાવભીનાં.
· એક વિદ્યાર્થી ખૂબ તોફાની. આડો જ ચાલે. ‘નહીં ભણું, નહીં માનું’ એમ નક્કી કરીને બેસી ગયેલો. એક વાર ગૌશાળાની એક ગાય વિયાવાની હતી. વાછડું આડું હતું, ગાય ખૂબ કષ્ટાતી હતી. અરુણભાઈ ગૌશાળામાં જઈને બેઠા અને એને પણ બોલાવ્યો. આવીને તરત બોલ્યો, ‘તમારી સારી સારી વાતો નથી સાંભળવાનો.’ અરુણભાઈ કહે, ‘દોસ્ત, તું બેસ તો ખરો.’ અને એ જ ખાટલા પર પોતાની સાથે બેસાડ્યો. ગૌશાળાના કાર્યકરો ઊંચા જીવે દોડાદોડી કરતા હતા. બેત્રણ જણે તો બાધા લઈ લીધી. ગાયને હેમખેમ પ્રસૂતિ થઈ એટલે બધાએ શાંતિનો શ્વાસ લીધો. આ વિદ્યાર્થીએ બધું જોયું અને એ દિવસ પછી એ ડાહ્યો થઈ ગયો! એની શક્તિઓ હવે સર્જનાત્મક કામમાં વળી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : “નવનીત-સમર્પણ”, ફેબ્રુઆરી 2023