‘ફાર્બસ ગુજરાતી સભા’ના “ત્રૈમાસિક”ના 76માં પુસ્તકમાં, અંક : 1માં, ચિત્તપોથીનું વાંચન અંતર્ગત ‘સાંભરી આવે બા…’ના ટાઇટલ સાથે અશોકભાઇ મેઘાણીએ (ઝવેરચંદ મેઘાણીના દીકરા) રજૂ કરેલી વાત …..
====================
પ્રસિદ્ધ અને લોકપ્રિય નામ સાથેના જોડાણમાં એક મોટું જોખમ રહે છે. કોઇ નવી ઓળખાણ થાય અને સવાલ આવે. ‘તમે ફલાણાના કાંઇ સગા?’ શરમાવે એવા બીજા સવાલ પણ આવે. ‘સગા દીકરા?’ કાંઇ લખો છો કે નહીં? એ તો તમારા લોહીમાં જ હોવું જોઇએ.’ આ બધાથી ટેવાયા વગર તો છૂટકો જ નહીં, પણ એક વાત કહેવાનું મન થાય છતાં કહેવાતી નથી. લોહીના જે સંસ્કારની આશા દર્શાવાતી હોય છે એ કાંઇ એક જ બાજુથી આવી શકે એવું થોડું છે?
મારાં બાનો જન્મ નેપાળના એક બ્રાહ્મણ કુટુંબમાં પંડિતશિરોમણિ પિતા અને વિદુષી માતાને ત્યાં 1910માં થયો. જ્યેષ્ઠ એ પુત્રીનું નામ પડ્યું ચિત્રાદેવી. પિતા નેપાળનો રાજદરબાર છોડી મુંબઇ આવી વસેલા. બાર-તેર વરસની ઉંમરે લગ્ન થયાં પછી ચિત્રાદેવી બે જ વરસમાં વિધવા થયાં. થોડાં વર્ષો પછી, 24 વર્ષની ભરયુવાન વયે એ મારા વિધુર પિતાના પરિચયમાં આવ્યાં અને 1934માં લગ્નગ્રંથિથી જોડાયાં. વિધવા પુત્રીનું એક વણિક સાથેનું પુનર્લગ્ન એ સમયના નેપાળી બ્રાહ્મણસમાજને અસ્વીકાર્ય હશે. અને પિયરે તરછોડેલાં બા બધું જ છોડીને સાવ નવા સમાજ અને કુટુંબમાં પ્રવેશ્યાં. એ છેદ એવો થયો કે બાને પોતાને કે એમનાં પાંચ સંતાનોમાંથી અમને કોઇને અમારું મોસાળનું ઘર જોવા નથી મળ્યું. લગ્ન પછી 20-22 વરસે, કદાચ જૂની પેઢીના ગયા પછી અને રૂઢિનાં બંધનો ઢીલાં થતાં, અમારા બે મામાઓ ભાવનગર બાને મળવા આવેલા અને એક તો બે ત્રણ મહિના રોકાયેલા પણ ખરા. પણ મારા મનથી મોસાળ એટલે લોહીની કોઇ જ સગાઇ વગરના પણ ખરા વડિલ ‘ખારાસાહેબ’નું ભાવનગરનું ‘ખારા નિવાસ’ જ રહ્યું છે.
1947માં મારા બાપુજીના અકાળ અવસાને 37 વર્ષના બાને બીજી વાર વૈધવ્ય આપ્યું. તેર વર્ષના એ લગ્નજીવન દરમ્યાન જન્મેલાં અગિયાર અને અઢી વરસ વચ્ચેની ઉમરનાં પાંચ બાળકોને એકેલે હાથે ઉછેરવાનું કામ બાને માથે આવ્યું. હું ત્યારે હજી ચાર વરસનો પણ નહતો. પણ બાએ એ પછી જે અસામાન્ય સ્વમાન સાથે અને હિંમતથી અમને મોટા કર્યા એનો હું સાક્ષી છું. આજના જમાનાની ‘એકલ માત’ને ભોગવવી પડતી મુશ્કેલીઓની વાત સાંભળું ત્યારે હું 62 વર્ષ પહેલાંના ગુજરાતમાં યુવાન વિધવા બાની શી કપરી હાલત હશે એની કલ્પના પણ કરી શક્તો નથી.
બાપુજીના બહોળા સંબંધો એમના અવસાન પછી પણ બાએ ઘણી કાળજીથી સાચવ્યાનો મને ખ્યાલ છે. બાપુજીનાં ખૂબ નજીકનાં સ્નેહીઓ રવિશંકર રાવળ અને વિજ્યાબહેન-દુર્લભજીભાઇ પરીખ સાથે જિંદગીભર સંપર્ક રાખ્યો અને જ્યારે તક મળી ત્યારે એમને પોતે મળવા અને પ્રસંગોપાત અમને મેળવવાનું પણ બા ચૂક્યાં નથી. ખૂબ આત્મીયતાથી એમની રસોઇના અને પોતાની માનીતી વાનગી પૂરણપોળીનાં નામ દઇને વખાણ કરતા ઉમાશંકર જોશીને પણ સાંભળ્યાની સ્મૃતિ છે.
કોઇને પાસે હાથ લાંબો કરવાનું તો એમના સ્વભાવમાં નહોતું. બાપુજીના મૃત્યુ પછી જન્મભૂમિ ટ્રસ્ટે બાળકોના ભણતર માટે મહિને રૂ.100ની વ્યવસ્થા કરેલી. પણ એ સિવાયની એકમાત્ર આવક એ બાપુજીનાં પુસ્તકોની રૉયલ્ટીનો પોતાના ભાગે આવતો હિસ્સો. એમાંથી છ માણસનું ઘરખર્ચ ચલાવવું અશક્ય જ હશે એમ હું માનું છું. એ ખોટને પહોંચી વળવા આવકનાં બીજાં સાધનો ઊભાં કરવાનાં પ્રયત્નો કર્યા. પરંપરાગત સોરઠી ભરત – ચાકળા, તોરણ વગેરે ‘સોરઠી શણગાર’ એવા નામથી વેચવાનો બાપુજીની હયાતીમાં શોખથી શરૂ કરેલો પ્રયત્ન હવે ધંધાદારી રીતે ઘણા વખત સુધી ચાલુ રહ્યો. લોકભરતનાં એ કામની અસલિયત જાળવવા બોટાદનાં એક કુંભારણ બહેનને ભાવનગર બોલાવી સળી અને શાહીથી હાથી, મોર સહિતની પરંપરાગત ડિઝાઇન એમને હાથે આલેખાવતાં. એના પર સૂતર અને હીરના દોરાનું ભરત ભાવનગરની બહેનો પાસે પોતાની રંગની ઊંડી સમજ વાપરીને તૈયાર કરાવતાં. દિલ્હીના કૉટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પોરિયમ સુધી પહોંચાડતાં. થોડો સમય અથાણાં બનાવીને મોટા સ્ટોરમાં પહોંચાડવાનો અસફળ પ્રયત્ન પણ કરેલો.
આવી સામાન્ય આર્થિક હાલત છતાં અમને પાંચે સંતાનોને અમે જે, જેટલું અને જ્યાં ભણવાને શક્તિમાન હતા તે કરવાની તક બાએ ગમે તેમ કરીને પણ પૂરી પાડી. બોટાદનું ઘર આ બધી જરૂરિયાતોને પહોંચી વળવા વેચેલું એવો ખ્યાલ છે. બાની એ મદદ વગર હું એન્જિનિયર બની શક્યો જ ન હોત. મારી સમજ પ્રમાણે એ માટેની બાની અણકહી શરત એક જ હતી – સંતાનોએ પોતે જ પસંદ કરેલ ક્ષેત્રના ભણતરમાં એક વરસની પણ નાપાસી સદંતર અસ્વીકાર્ય હતી.
જન્મજાત સંસ્કાર વિશેની ખૂબ પ્રચલિત માન્યતા મેં કદી સ્વીકારી નથી. સંસ્કારી મા-બાપનાં અસહ્ય સંતાનો આપણે બધાએ ઘણાં જોયા હશે. સંતાનનું ખરું ઘડતર મા-બાપે પોતે જ બેસાડેલા દાખલા વગર થઇ ન શકે એવી મારી નમ્ર માન્યતા છે. અમારા ઘડતરમાં બાપુજીની પરોક્ષ અસર જરૂર હશે. પણ પ્રત્યક્ષ અને સતત અસર તો એક બાની જ. સાચા-ખોટાની સમજણ મળવાની શરૂઆત બાને ખોળે બેસીને સાંભળેલી ‘મહાભારતનાં પાત્રો’ની – ખાસ કરીને ભીષ્મની – વાતોમાંથી મળી અને પછી એમની દેખરેખ નીચે જ આકાર પામી. બાએ પોતાના વર્તનથી કે વાણીથી ખોટી કેળવણી આપી હોય એવું મને યાદ નથી. એટલું જ બસ ન હોય તેમ અમારાથી જાણવા છતાં ખોટું કાંઇ થાય તો બા પાસેથી શારીરિક શિક્ષા પણ મળી છે. સંસ્કાર આપવામાં એમણે કદી પાછી પાની નથી કરી. એમણે આપેલાં શિક્ષણની જ્યાં જાળવણી નથી થઇ એ તો મારી પોતાની નબળાઇનું પરિણામ હશે.
બા શિસ્તનાં મોટાં આગ્રહી હતાં. શરૂઆતમાં અમે પાંચે ભાઇ-બહેનો એક-બીજાને ‘તું’ કહીને બોલાવતાં. એક દિવસે બાએ નક્કી કર્યું કે નાનાએ મોટાને ‘ભાઇ’ કે ‘બહેન’ના પ્રત્યય સાથે ‘તમે’ જ કહેવાનું. થોડા દિવસ અને બાની થોડી ‘સક્રિય’ સહાય પછી આજ લગી એ ધારો ચાલુ રહ્યો છે. બાળકોની પોતાની માને ‘તું’ કહીને બોલાવવાની કે વાત વાતમાં ઉતારી પાડવાની આજે પણ ઘણાં ઘરોમાં જોવા મળતી વર્તણૂક અમારા ઘરમાં શક્ય જ નહોતી. અમે પાંચ સાવ જુદી જુદી પ્રકૃતિનાં બાળકોએ બાને હેરાન કરવામાં કાંઇ જ બાકી નહોતું રાખ્યું. પણ પાયાની અમુક શિસ્ત તો એમણે દાખલ કર્યે જ છૂટકો કર્યો.
દીકરી અને દીકરા સાથેના વર્તનમાં કોઇ જ ફેર ન રાખવાનો દાખલો પણ એમણે જ બેસાડ્યો. આશા અને મારા પહેલા બાળકની રાહ જોવાતી હતી ત્યારે એ તો દીકરો – પોતાનો પહેલો પૌત્ર – જ હશે એમ જોરશોરથી કહેતાં. પણ પુત્રીનો જન્મ થતાં વેંત બેલા એમની આંખની કીકી બની ગઇ. અને નિરાશા જો થઇ હોય તો એનો અણસાર પણ કદી જોવા મળ્યો નહીં.
એમનું સહુથી બળવાન લક્ષણ તે કદાચ એમનો સ્વમાની સ્વભાવ હશે. સાચા કારણ વગરનો કોઇ પણ અન્યાય એમણે મૂંગે મોઢે સહન કર્યો નથી. અને ન્યાય જ્યારે પોતાના પક્ષે ન હોવાની ખાતરી થાય ત્યારે ભોગ આપવાની તૈયારી પણ એમની રહેતી. હું છઠ્ઠા કે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષાનું એક જવાબપત્ર ભૂલથી ઘરે લઇ આવેલો. સાંજે શાળાનો પટાવાળો એ લેવા માટે અમારા ઘરે આવ્યો ત્યારે જ મને અને બાને મારી એ ગંભીર ભૂલની જાણ થઇ. બીજે દિવસે હેડમાસ્તરને મળીને કહ્યું કે ‘અશોક મારો દીકરો છે. એ ચોરી કરે જ નહીં પણ અજાણતાં કરેલી આ ભૂલ માટે તમારા નિયમ પ્રમાણે એનું જો એક વરસ બગડે તો મને કબૂલ છે.’ મારે એ વિષયની ખાસ પરીક્ષા ફરી આપવાનો હેડમાસ્તરનો નિર્ણય થયો.
એમના સ્વામાની અને સ્વંતંત્ર સ્વભાવનો મારે મનથી મોટામાં મોટો દાખલો પુત્રનાં લગ્ન સમયે એમણે દર્શાવેલી આ ઇચ્છા છે – ‘દીકરાને જુદા થાઓ એવું કહેવું ન ગમે. પણ રહો તો હું તમારી સાથે નહીં પણ તમે મારી સાથે રહો છો એ સમજીને રહેજો.’ એ જ ખુમારીથી બા પોતાનું આખું જીવન જીવ્યાં.
બિનગુજરાતી તરીકે ઊછરેલાં બાને વાંચવાનો અનન્ય શોખ. અમારા ઘરનાં સાહિત્યિક વાતાવરણની અસરથી કે ગળથૂથીના સંસ્કારે એ તો રામ જાણે. પણ બા અઠવાડિયાનાં સરેરાશ ચાર પુસ્તકો વાંચતાં. ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીના પ્રથમ વર્ગના સભ્યોને એક્સાથે ચાર પુસ્તકો લઇ જવા મળતાં. બા અને હું અઠવાડિયે એક વાર ત્યાંની મુલાકાતે – મારે મન જાત્રાએ જતાં. અમે બન્નેએ બાર્ટન લાઇબ્રેરીના નવલકથા મોટા ભાગનાં પુસ્તકો (બા એમને ‘ઉપન્યાસ’ કહેતાં) વાંચી નાખ્યાં હશે. એમાં ડિટેકટીવ હરનામસિંહથી માંડીને ‘શ્રી મહાભારત’ સુધીનું, અંગ્રેજી-ફ્રેન્ચ-હિન્દી-મરાઠી-બંગળીમાંથી અનુવાદો સહિતનું બધું જ વાર્તા-સાહિત્ય આવી જાય. અમારાં બન્નેનાં માનીતાં ‘ધ કાઉંટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’, ટારઝન-શ્રેણી, ‘ચૌલાદેવી’ અને ‘શ્રીકાંત’, વગેરે વારંવાર વાંચ્યાનું સ્મરણ છે. જે કાંઇ પણ હાથમાં આવે તે હળવું વાંચન – ખાસ કરીને જાસૂસી ઉપન્યાસ – વાંચવાનો મારો આજે પણ જીવંત શોખ એ મને એકને જ બાએ આપેલો ખાસ વારસો છે.
પણ ગુજરાતી સાહિત્યના આટલા ઘનિષ્ઠ પરિચય પછી પણ બાની બોલચાલમાં એમના બિનગુજરાતી ઉછેરની અસર સ્પષ્ટ રહી. નાની બહેન મુરલી અને હું હજી પણ બાના રિતુ (ઋતુ), મામ્સ (માંસ), ચાબલઇ (ચાગલાઇ), હંસતાં હસતાં વગેરે ઉચ્ચારો-શબ્દપ્રયોગો યાદ કરીને ‘હંસીએ’ છીએ.
પચાસેક વરસની ઉંમરે બાને વિધિસર હિંદી શીખવાનું મન થયું. ‘પ્રારંભિક’થી શરૂ કરીને ધીમે ધીમે કરતાં ‘કોવિદ’ પાસ થયાં. ઘરનું બધું કામ થઇ જતાં જાડાં પાઠ્યપુસ્તકો (‘ઉપન્યાસ’ નહીં) સાથે પથારીમાં ઊંઘા પડી વાંચતાં-લખતાં અને મોડી રાત સુધી ‘રત્ન’ની પરીક્ષાની તૈયારી કરતાં બા આજે પણ નજર સામે તરવરે છે. દુ:ખની વાત એ છે કે ભણવા-શીખવાનું જ જેમનું કામ હતું એવા ઘરના અમે કોઇએ એમનો દાખલો લઇ એવી મહેનત કદી કરી નહીં.
બાના એક પાસા વિશે એમને જાણતા લોકોમાં બે મત નથી. બાની રસોઇ એક અસાધારણ દરજ્જાની થતી. ગુજરાતી – ખાસ કરીને કાઠિયાવાડી – રસોઇ તો એમની વખણાતી જ. પણ બાએ પોતાની રીતે જાત જાતના અખતરા કરીને નવીન વાનગીઓ પણ તૈયાર કરી. એમના એ અખતરા જિંદગીભર ચાલુ રહ્યા. આજે આટલાં વરસે પણ બાની લસણ-મસાલા ભરપૂર રસોઇથી બગડેલી મારી જીભ મિત્રોની મશ્કરીનું નિશાન બની રહેલ છે.
મારાં બા એક સંત હતાં કે એમનામાં કોઇ ખોડખાંપણ હતી જ નહીં એવું કહેવાનો મારો કોઇ આશય નથી. સ્વતંત્ર મિજાજની દરેક વ્યક્તિમાં હોય એ બધા દોષ એમનામાં જરૂર હશે જ. છંછેડાતાં પ્રગટ થતો ઉગ્ર સ્વભાવ, પારદર્શક હાવભાવ, અમુક બાબતોમાં બાંધછોડ નહીં જ કરવાનો સ્પષ્ટ આગ્રહ બીજી તામસી પ્રકૃતિ બામાં જરૂર હતાં. કહેવાનું ફક્ત એટલું જ કે એમની એ કરડી બાજુ ખોટા કારણે ભાગ્યે જ ડોકિયું કરતી. એમને છાતીફાટ રડતાં એક જ વાર જોયાં છે- પોતાના જ એક સંતાનના અસહ્ય વર્તનના દુ:ખથી.
કોઇનું ખરાબ જેણે ઇચ્છેલું પણ નહીં એવી આ વ્યક્તિના છેલ્લા દિવસો બહુ જ યાતનામાં ગયા. 63 વર્ષે બાને કૅન્સર થયું. રેડિકલ મૅસ્ટેક્ટોમી અને રેડિએશન લીધાં પછી એમની હાલત ઘણી આશાસ્પદ હતી. પણ થોડા મહિને એ જીવલેણ દર્દે શરીરમાં બીજે દેખા દીધી જેની કોઇ જ સારવાર શક્ય નહોતી. એમના છેલ્લા અંધારા દિવસોમાંની એક માત્ર સુવર્ણરેખા બા પોતાના પહેલા પૌત્ર નીરજને જોઇ શક્યા તે હતી. 1974માં એમના અંત સમયે હું હાજર નહોતો પણ એના બે-ત્રણ દિવસ પહેલાંના ફોટા જોયા પછી મેં કૅન્સરે સર્જેલી એ હોનારતી સ્થિતિનાં બાને જોવાની ઇચ્છા ફરી ક્દી નથી રાખી. કર્મનો સિદ્ધાંત ગમે તે કહે, પણ આવું દુ:ખ આપનાર જો ઇશ્વર હોય તો ઇશ્વરી ન્યાય પર મને ઝાઝો ભરોસો એ પછી નથી રહ્યો.
જે બાએ મને આટલો પ્રેમ આપ્યો અને સારી-ખરાબ મારા ઘડતર પર બધાથી વધારે અસર કરી, એ બાની એક જાજરમાન છતાં વહાલસોયી છબિ મારા મનમાં છે. તે હંમેશ માટે એમની એમ જ સાબૂત રહે. એમનો એ પ્રસન્ન અને ‘હંસતો’ ચહેરો જ મારા સંભારણામાં રહે.
[સૌજન્ય : ફેઈસબૂકની દીવાલેથી હરતુંફરતું અહીં સાદર લેવાયું]