પ્રશ્નોત્તરી સંસદીય કાર્યવાહીનો મહત્ત્વનો હિસ્સો છે. ભારતની સંસદીય કાર્યવાહીમાં પ્રશ્નોત્તરીનો સમાવેશ બ્રિટનની સંસદીય પરંપરાનું અનુકરણ છે. ચૂંટાયેલા સભ્યોને સંસદ અને રાજ્યોના ધારાગૃહોમાં લોકમહત્ત્વના પ્રશ્નો પૂછવાનો સંસદીય અધિકાર છે.
મુખ્યત્વે તારાંકિત અને અતારાંકિત એમ બે પ્રકારના પ્રશ્નો હોય છે. તારાંકિત પ્રશ્નો સંસદ કે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પૂછાય છે. તેના લેખિત ઉપરાંત મૌખિક જવાબ મળે છે. તારાંકિત પ્રશ્નો પર પૂરક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના પર ચર્ચા થાય છે. સરકારને જવાબમાં ન માત્ર આશ્વાસન, ખાતરી પણ આપવી પડે છે. સંસદ અને રાજ્યોના ધારાગૃહોમાં આરંભનો એક કલાક તારાંકિત પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે. અતારાંકિત પ્રશ્ન ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે પણ પૂછી શકાય છે તેના માત્ર લેખિત જવાબ મળે છે, કોઈ મૌખિક જવાબ, પૂરક પ્રશ્ન કે ચર્ચા થઈ શકતી નથી.
સરકાર અને મંત્રીઓ માટે પ્રશ્નોત્તરી કસોટીનો કલાક ગણાય છે એટલે અનિવાર્ય કારણો સિવાય સંસદના પ્રશ્નકાળમાં વડા પ્રધાન, રાજ્યોના ધારાગૃહોમાં મુખ્ય મંત્રી અને સિનિયર મંત્રીઓ પણ ઉપસ્થિત રહે છે. વહીવટી તંત્ર, સરકારી યોજનાઓ અને લોકોની સમસ્યાઓ અંગે માહિતી માંગતા પ્રશ્નો પૂછાય છે, ચર્ચાય છે એટલે સરકારને પ્રજાજીવનના ધબકાર પ્રશ્નકાળ દરમિયાન જાણવા મળે છે. સત્તા પક્ષના સભ્યો અને મંત્રીઓ પોતાની વાહવાહી માટે તો વિપક્ષો સરકારને ભીંસમાં લેવા કે મૂંઝવવા પ્રશ્નોત્તરી સમયનો ઉપયોગ કરતા હોય છે. પ્રશ્નકર્તા સભ્ય અને ઉત્તરદાતા મંત્રી વચ્ચેના સંવાદ-વિવાદ, વ્યંગ્ય-વિનોદ અને હાજરજવાબીપણાને કારણે પ્રશ્નકાળ રસપ્રદ બની રહે છે.
વર્તમાન ચૌદમી ગુજરાત વિધાનસભા(૨૦૧૭થી ૨૦૨૨)ના સભ્યો વિશેનો અહેવાલ, “પરફોર્મન્સ રિપોર્ટ ઓફ એમ.એલ.એ. ઑફ ગુજરાત”, તાજેતરમાં પ્રગટ થયો છે. ‘એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ અને ‘માહિતી અધિકાર ગુજરાત પહેલ’ દ્વારા તૈયાર થયેલ આ અહેવાલમાં ગુજરાત વિધાનસભાના ૨૦૧૮થી ૨૦૨૧ના ચાર વરસો દરમિયાન પુછાયેલા તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોની વિશ્લેષણાત્મક વિગતો છે.
અહેવાલ મુજબ ચાર વરસોના નવ વિધાનસભા સત્રો પૈકી આઠ સત્રોમાં વિધાનસભા સચિવાલયને ૩૮,૧૨૧ તારાંકિત પ્રશ્નો મળ્યા હતા. તેમાંથી ૨૭,૯૭૯ પ્રશ્નો સ્વીકારાયા હતા. જ્યારે ૮,૯૦૫ પ્રશ્નો (૨૩.૩૫ટકા) સ્વીકારવામાં આવ્યા નહોતા. સ્વીકૃત પ્રશ્નોમાંથી ૬૨૩ રદ્દ કરવામાં આવ્યા હતા. તારાંકિત પ્રશ્નોના મૌખિક જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે. પરંતુ આ રિપોર્ટ મુજબ રાજ્યના ૫૬ વિભાગોના મંત્રીઓના વારા પ્રમાણે અપાયેલા જવાબો ૬૫૭ જ છે. એટલે બહુ જ થોડા તારાંકિત પ્રશ્નોની વિધાનસભામાં મૌખિક ચર્ચા થઈ છે. તારાંકિત પ્રશ્નોની તુલનામાં લગભગ ચોથા ભાગના (૧૦,૨૨૪) જ અતારાંકિત પ્રશ્નો ચાર વરસોમાં પૂછાયા છે. મતલબ કે ચાર વરસોમાં કુલ ૧૧૫ દિવસ વિધાનસભાનું કામકાજ ચાલ્યું હતું. તે દરમિયાન ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો માટે જ વિશેષ સક્રિય રહ્યા છે.
તારાંકિત-અતારાંકિત પ્રશ્નો પૂછવાના, તેના અસ્વીકાર અને રદ્દ કરવાના પણ ચોક્કસ નિયમો છે. દોષારોપણ, ચારિત્ર હનન, ન્યાયાધીન બાબત, પુનરાવૃતિ, દોઢસો કરતાં વધુ શબ્દોનો પ્રશ્ન, મિત્ર દેશ કે રાજ્ય અંગે અવિનય, વહીવટની સામાન્ય બાબતો અને સરકારની નિયમિત કામગીરી જેવા મુદ્દે પ્રશ્નોનો અસ્વીકાર કરવામાં આવે છે. બીજી તરફ પ્રશ્નોત્તરી દરમિયાન સરકારને ઘણું છૂપાવવાનું હોય છે એટલે મંત્રીઓ લાંબાલચ્ચક, ભળતાસળતા, ઉડાઉ કે સાવ ટૂંકા અને સંદર્ભહીન જવાબો આપી માહિતી છૂપાવતા હોવાની ફરિયાદ વિપક્ષોની રહે છે. તેથી સભ્યોને સંતોષપ્રદ જવાબો મળતા નથી. અને પ્રશ્નોત્તરીનો મૂળ હેતુ સરતો નથી. મંત્રીઓ મુદ્દાસર જવાબ આપતા ન હોવાથી ઘણીવાર સંસદ કે ધારાગૃહોના અધ્યક્ષો તેમને ઠપકો પણ આપે છે.
અસ્વીકૃત કે રદ્દ થતા પ્રશ્નો બાબતે સંસદ કે ધારાગૃહોના સચિવાલય અને અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે. તે અંગે કોઈ વિવાદ કે કોર્ટકચેરી થઈ શકતી નથી. જો કે ઘણા સભ્યો આ અંગે જાહેર ચર્ચા કરતા હોય છે. જૂન ૨૦૨૦માં ભારત-ચીન સરહદે લદ્દાખની ગલવાન ઘાટી પર હિંસા થઈ હતી. તેમાં ૨૦ ભારતીય અને ૫ ચીની સૈનિકોના મોત થયા હતા. લોકસભા સચિવાલયે રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો આગળ ધરીને આ અંગેના ૧૭ સવાલો નકાર્યા હતા. સંરક્ષણ, ગૃહ અને વિદેશ મંત્રાલય તથા વડા પ્રધાન કાર્યાલયને પૂછાયેલા આ પ્રશ્નો મુખ્યત્વે વિપક્ષી સાંસદોના હતા. પરંતુ ખુદ ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો સવાલ પણ અસ્વીકૃત થયો હતો. સ્વામીએ સરકારને પૂછ્યું હતું કે, “શું ચીની સૈનિકોએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી હતી ? વડા પ્રધાને સર્વપક્ષીય બેઠકમાં ચીને એલ.એ.સી.(લાઈન ઓફ એકચુઅલ કન્ટ્રોલ) પાર કર્યાનો ઈન્કાર કર્યા પછી પોતાના જ પક્ષના સભ્યનો પ્રશ્ન નકારે અને તેને રાષ્ટ્રીય હિત સાથે સાંકળે ત્યારે સરકાર કશું છૂપાવી રહ્યાનો અંદેશો રહે છે.
ક્યારેક સરકાર મેટર સબજ્યુડીસ હોવાનો હવાલો આપીને પણ પ્રશ્નો નહીં સ્વીકારવા જણાવે છે. પેગાસસ જાસૂસીને લગતા પ્રશ્નો પણ આ રીતે સંસદમાં દાખલ થઈ શક્યા નહોતા. ગુજરાત વિધાનસભામાં કોરોના કાળમાં કેટલીક હોસ્પિટલોમાં લાગેલી આગ અને જાનહાનિના સવાલો આ કારણથી જ પ્રશ્નોતરીમાં દાખલ થવા દીધા નહોતા. પૂર્વે અધ્યક્ષોએ ન્યાયાધીન બાબતો પણ વ્યાપક જનહિતની હોય તો તેની ચર્ચા જરૂરી હોવાના ચુકાદા આપી પ્રશ્નો દાખલ કર્યા છે. પરંતુ મોટે ભાગે પ્રશ્નના અસ્વીકાર અંગે સંસદ કે ધારાગૃહોના સચિવાલયોનું વલણ સરકારના સંબંધિત વિભાગના અભિપ્રાયને સ્વીકારી લેવાનું હોય છે. એટલે સરકારને અણગમતા સવાલો દાખલ જ થઈ શકતા નથી.
રાજ્યસભાના તૃણમૂલ કાઁગ્રેસના સાંસદ શાંતા છેત્રીએ ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ભારતને ખામીયુક્ત લોકતંત્રની શ્રેણીમાં મૂકવા અંગે સવાલ પૂછ્યો તો ભારત સરકારના કાયદા મંત્રાલયે આ પ્રકારના સવાલને ખૂબ જ “સંવેદનશીલ પ્રકૃતિ”નો ગણાવી દાખલ થવા દીધો નહોતો. ખેડૂત આંદોલન દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં પૂછેલા પ્રશ્નમાં ત્રણ મુદ્દા હતા. પરંતુ સરકારે તેના પહેલા બે મુદ્દા, કિસાન આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂત પરિવારોને વળતર અને એમ.એસ.પી.ની કાનૂની ગેરન્ટીનો જવાબ ગૂપચાવી દીધો હતો. રાજ્યસભામાં કાઁગ્રેસના કે.સી. વેણુગોપાલનો એક સ્વીકૃત પ્રશ્ન છેક ચર્ચાના દિવસે રદ્દ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે સરકાર પાસેથી એવી માહિતી માંગી હતી કે એરપોર્ટ પર કોઈ એન.આર.આઈ. સાથે ખરાબ વર્તન કરી, તેમને પરત મોકલી દેવાયાની અને તેઓ ખેડૂત આંદોલનને કોઈ મદદ કરશે નહીં તેમ સરકારે જણાવ્યાની ઘટના સાચી છે ?
લોકતંત્રનો પ્રાણ સવાલ-દાર નાગરિક અને જવાબ-દાર સરકાર છે. પરંતુ અહીં તો જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સવાલો જ નકારાય છે. લોકશાહી માટે આ સ્થિતિ ઈચ્છનીય નથી.
e.mail : maheriyachandu@gmail.com