અમેરિકાની એક યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર જ્યોર્જ જેમ્સ, એકવાર ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ જિલ્લામાં રહેતા ‘ચિપકો’ અંદોલનના પ્રણેતા (જેમાં વૃક્ષને કપાતું બચાવા માટે તેને વળગીને ઊભા રહી જવાનું) સુંદરલાલ બહુગુણાને મળવા આવ્યા હતા. પ્રોફેસરે તેમને પૂછ્યું હતું કે, “મને જીવનની ફિલોસોફી અને જીવનની ગતિવિધિઓ પાછળની પ્રકૃતિની ફિલોસોફીમાં રસ છે. પર્યાવરણ માટે લડવાની પ્રેરણા તમને શેમાંથી મળે છે?”
“મારું સમગ્ર ચિંતન,” સુંદરલાલે આંગળીના વેઢા ગણતાં જવાબ વાળ્યો હતો, ” ત્રણ ‘એ’ અને પાંચ ‘એફ’ પર ટકેલું છે. પહેલો ‘એ’ ઑસ્ટેરિટી (કરકસર) માટે છે. પૃથ્વી પર આપણે સરળતાથી જીવવું જોઈએ. બીજો ‘એ’ એટલે ઑલ્ટર્નટિવ (વિકલ્પ) : કરકસર શક્ય ન હોય તો વિકલ્પો શોધવા જોઈએ. ત્રીજો ‘એ’ અફોરેસ્ટેશન (વનીકરણ) માટે છે. પાંચમો ‘એફ’ આપણા જીવન માટે અનિવાર્ય તત્ત્વો માટે છે, જે આપણને વૃક્ષો આપે છે; ફૂડ (ખોરાક) ફોડર (ઘાસ), ફ્યુઅલ (ઇંધણ), ફર્ટીલાઈઝર (ખાતર) અને ફાયબર (રેશા).”
પ્રોફેસરે તો પછી સુંદરલાલ સાથે વર્ષો સુધી નિયમિત વાતો કરી હતી. એમાંથી 2013માં એક સુંદર પુસ્તક આવ્યું, જેનું નામ હતું; ઇકોલોજી ઈઝ પર્મેનન્ટ ઈકોનોમી (પર્યાવરણ કાયમી અર્થતંત્ર છે). સુંદરલાલ વર્ષોથી કહેતાં આવ્યા હતા કે પર્યાવરણનું તંત્ર દેશના અર્થતંત્રથી ઓછું મહત્ત્વનું નથી, બલકે પર્યાવરણ હશે તો અર્થતંત્ર હશે. આજે દુનિયાને ભાન થવા લાગ્યું છે કે વધતું તાપમાન, દરિયાઓની વધતી સપાટી અને આન્ત્યાંતિક હવામાન વિશ્વના દેશોની સંપત્તિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માનવીય સ્વાસ્થ્ય અને ઉત્પાદન ક્ષમતાને હાનિ પહોંચાડી રહ્યું છે. પરિણામે તેની અસર અર્થતંત્ર પર પડી રહી છે.
માણસની એક તાસીર છે; તેને લાંબા ગાળાના નુકસાનની અપેક્ષાએ ટૂંકા ગાળાના ફાયદામાં વધુ રસ હોય છે. માણસને ખબર છે કે કોઇપણ પ્રકારનું વ્યાસન હાનિકારક હોય છે, છતાં તે વ્યસન અપનાવે છે, કેમ? કારણ કે તેને એ પણ ખબર છે કે વ્યસનનું નુકસાન ભવિષ્યમાં થવાનું છે, પણ તત્કાળ તો મજા જ મજા છે. વ્યસનીનો વ્યસન નથી છોડી શકતા તેનું કારણ જ એ છે કે તેમને એક સિગારેટ કે દારૂના એક પેગમાં નુકસાન નથી દેખાતું. “આજે પી લઉં, કાલે છોડી દઈશ” એવી ચતુરાઈમાં તેનું નુકસાન વધતું જાય અને પછી ડોક્ટરની શરણે જવાનો વારો આવે, ત્યારે મોડું થઇ ગયું હોય.
કંઈક આવું જ પર્યાવરણ અને જળવાયુ-પરિવર્તનના ક્ષેત્રમાં થઇ રહ્યું છે. દાયકાઓથી પૂરી દુનિયામાં તેનું એટલું નુકસાન થઇ રહ્યું છે છતાં માનવજાત પાસે ન તો તેને લઈને ગંભીર ચિંતા છે અથવા કોઈ નક્કર સમાધાન.
આ સંદર્ભમાં, આ અઠવાડિયે શર્મ અલ-શેખ(ઈજિપ્ત)માં મળી ગયેલી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરસ (COP27- કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ઓફ ધ યુ.એન.એફ.સી.સી.સી.), જળવાયુ પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં સીમાચિન્હરૂપ સાબિત થવાની છે. તેમાં 190 દેશોના 90 વડાઓ અને 35,000 પ્રતિનિધિઓ ઉપસ્થિત હતાં. આ કોન્ફરન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘની નિશ્રામાં 1992થી કાર્યરત છે. આ કોન્ફરન્સની રચના પૃથ્વી પર વિવિધ માનવીય પ્રવૃતિઓમાં ઇંધણો બળવાથી પેદા થતાં ગ્રીનહાઉસ ગેસ એમિશન પર કાબૂ મેળવવા માટે કરવામાં આવી હતી.
શર્મ અલ-શેખની કોન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતિ તરીકે, 190 દેશો ‘લોસ એન્ડ ડેમેજ’ની જોગવાઈ પર સહમત થયા છે. તે અનુસાર, ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનના કારણે આવનારી પ્રાકૃતિક આફતોથી ગરીબ દેશોમાં થનારા જાનમાલનું નુકશાન ભરપાઈ કરવા માટે ધનિક દેશો વૈશ્વિક ફંડ ઊભું કરવા સહમત થયા છે. આ ક્રાંતિકારી જોગવાઈ છે. વૈશ્વિક અર્થતંત્રની ખરાબ હાલત છે અને રશિયા-યુક્રેન યુદ્ધે નવા પડકારો ઊભા કર્યા છે તેમાં છતાં તમામ દેશો એક થઈને ભાવિ આપદામાં કરોડો લોકોની મદદે આવવા તૈયાર થયા છે.
કોન્ફરન્સની નિષ્ફળતા ગણાવવી હોય તો તે એ છે કે જીવાશ્મ ઇંધણ(ફોસિલ ફ્યુઅલ)નો ઉપયોગ બંધ કરવાના લક્ષ્ય પર સમજુતી ન થઇ શકી. આરોપ એવો છે કે ઇંધણના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓએ બહુ મોટું લોબિંગ કર્યું હતું અને એમાં તે સફળ નીવડી હતી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં પૃથ્વીનું તાપમાન જેટલું હતું, તેને 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધવા ન દેવાનો આ કોન્ફરન્સમાં ફરીથી સંકલ્પ લેવાયો હતો, પરંતુ સામાજિક કાર્યકરો કહે છે કે તાપમાન વધવાનું કારણ કાર્બનની પેદાશ છે અને તે સૌથી વધુ જીવાશ્મ ઇંધણમાંથી આવે છે. એટલે તેનો ઉપયોગ ન ઘટે તો વૈશ્વિક તાપમાનને રોકવું શક્ય નથી. તાપમાન જો 1.5 ડિગ્રીથી આગળ જાય તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.
વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન માત્ર 2.2 ટન છે, જે તેની સમકક્ષ દેશો જેવા કે અમેરિકા અને યુરોપિયન યુનિયન કરતાં ઘણું ઓછું છે. ઉત્સર્જન રિપોર્ટ 2022 અનુસાર, ભારત સહિતના પ્રમુખ દેશો જેમ કે ચીન, યુરોપિન યુનિયન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક છે.
જળવાયુ પરિવર્તનની ભારત પર ગંભીર અસરનું અનુમાન છે. આઈ.આઈ.ટી.-ગાંધીનગરના એક રિસર્ચ પ્રમાણે, ભારતમાં ગરમીની મોસમમાં લૂ અને ચોમાસામાં પૂર આવવા જેવી ઘટનાઓમાં ઘણો વધારો થવાની શક્યતા છે. એક અન્ય રિપોર્ટ અનુસાર, પૂરા વિશ્વમાં 2015થી 2022નાં વર્ષો ઘણાં ગરમ રહ્યાં હતાં અને આવનારા વર્ષોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેની વરવી અસર જોવા મળશે. પાકિસ્તાનમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં રેકોર્ડ તોડ ગરમી હતી, જેના પગલે તેની ખેતી ખરાબ થઇ ગઈ હતી અને તેણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. એવી જ રીતે ભારતે ચોખાની નિકાસ અટકાવી હતી. આ પ્રતિબંધોના કારણે આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારમાં જોખમ ઊભું થયું છે.
આ કારણોથી જ ભારત આંતરરાષ્ટ્રીય જળવાયુ કોન્ફરન્સોમાં ઘણું સક્રિય છે. જેમ કે શર્મ અલ-શેખમાં, ભારત એ બાબતે અગ્રેસર હતું કે કાર્બન ઉત્સર્જનને લઈને કોઈ સમજુતી સધાય, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશ કાનૂની પેચમાં ફસાવા માંગતા નથી એટલે વિરોધ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના જૈર બોલસોનારો જેવા નેતાઓ તો જળવાયુ પરિવર્તનને ગપગોળો ગણે છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે 192 દેશોએ કરેલી પેરિસ સંધિમાંથી ટ્રમ્પ વખતે અમેરિકા ખસી પણ ગયું હતું.
ભારતમાં 2021ની સરખામણીમાં કોલસા અને તેલની ખપતમાં છ ટકાનો વધારો થયો છે, જ્યારે સૌથી વધુ કાર્બન પેદા કરતાં દેશ ચીનમાં ગયા વર્ષમાં ઉત્સર્જનનો દર એક ટકા ઘટ્યો છે. ત્યાં કોલસાની ખપતમાં પણ વધારો થયો નથી. વૈજ્ઞાનિકો કહે છે કે કોલસાનાં કારણે થતા ઉત્સર્જનમાં એક ટકાનો પણ વધારો થશે તો તે એક રેકોર્ડ હશે.
વિશ્વમાં હજુ પણ 80 ટકા ઉર્જા જીવાશ્મ ઇંધણમાંથી આવે છે. એનો અર્થ એ થયો કે ઉત્સર્જનમાં વધારો થશે જ. એટલે ઉત્સર્જન ઘટવાની આશા કરવી વ્યવહારુ નથી. અક્ષય ઉર્જા (રિન્યૂએબલ એનર્જી) અને સ્વચ્છ ઉર્જા (ક્લીન એનર્જી)ના વિકલ્પનું હજુ બાળપણ ચાલે છે. એનો ઉપાય એ છે કે જે દેશોની વસ્તી ઓછી છે ત્યાં અક્ષય ઉર્જાના વપરાશમાં વધારો કરી શકાય, પરંતુ મોટી વસ્તીવાળા દેશો માટે વૈકલ્પિક ઉર્જાનું સપનું દાયકો દૂર છે. ભારત તો સૌર અને પવન ઉર્જાના મામલે પણ પાછળ છે.
ભારતે શર્મ અલ-શેખમાં એટલા માટે જ કહ્યું હતું કે અમીર દેશો તેમની જીવન શૈલી બદલીને કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં સહયોગ કરતાં નથી અને વિદેશોમાં સસ્તાં સમાધાનો શોધી રહ્યાં છે. ભારતે કહ્યું કે વિકસિત દેશો કૃષિ ક્ષેત્રને નાના કરવાની હિમાયત કરે છે તે કૃષિ આધારિત દેશો માટે નુકશાનકારક છે.
કુલ મળીને, જળવાયુ પરિવર્તનની વૈશ્વિક લડાઈમાં, ભારતે પોતાના તરફથી ત્રણ મહત્વના વાયદા કર્યા છે:
1. ભારત 2005ના સ્તરની સરખામણીએ તેની જી.ડી.પી.થી થનારા ઉત્સર્જનને 2030 સુધી 45 ટકા ઓછું કરશે.
2. વર્ષ 2030 સુધી ભારત તેના કુલ વીજળી ઉત્પાદનનું 50 ટકા ઉત્પાદન સ્વચ્છ ઉર્જાથી મેળવશે
3. વધારાનાં વૃક્ષો અને જંગલ બનાવીને ભારત 2.5થી 3 અબજ ટન જેટલો વધુ કાર્બનનું શોષણ કરશે.
4.
અમેરિકાના પ્રોફેસર જ્યોર્જ જેમ્સને પેલા ઇન્ટરવ્યૂમાં સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું, “ભારતની પરંપરામાં દરેક ચીજમાં દિવ્યતા છે. દિવ્યતા માત્ર સ્વર્ગમાં નહીં, પણ પંખીઓમાં, પશુઓમાં, નદી-ઝરણાંમાં, પહાડોમાં અને જંગલનાં વૃક્ષોમાં છે. હવે ચારે બાજુ ટેકનોલોજી છે. આપણે ડેમ બનાવવા માટે નદીઓને મારી નાખી છે, અને આ બધું માણસની લાલચને સંતોષવા માટે. ગાંધીએ એક જ વાક્યમાં સમજાવ્યું હતું : સૌની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિમાં પૂરતું છે, પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.”
લાસ્ટ લાઈન :
“અત્યારે આપણે ભવિષ્યને લૂંટીએ છીએ, વર્તમાનમાં તેને વેચીએ છીએ અને તેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ કહીએ છીએ.”
— પોલ હોવકેન, અમેરિકન પર્યાવરણવાદી
પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 27 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર