“ભૂમિપુત્ર”વાળા’ રજની દવે, ઉર્ફે ‘રસાંશ’ ઉર્ફે ‘રાજુ રૂપપૂરિયા’ ઉર્ફે ‘રેવારજ’ આજે પંચોતેરમાં વર્ષમાં પ્રવેશે છે.
રજનીભાઈ વીસ-બાવીસ વર્ષ પહેલાં “ભૂમિપુત્ર” પરિવારમાં જોડાયા તે પૂર્વે આઠ વર્ષ રાજપીપળાના આદિવાસી વિસ્તારમાં ‘ઇજનેરો, વિજ્ઞાનીઓ અને જાગૃત નાગરિકોના મંચ’ એવા ‘માનવીય ટેક્નોલોજી ફોરમ’ સાથે હતા. એ તબક્કા પરની એક સુંદર નોંધ મળી :
નવસારી, સુરત અને અમદાવાદની ટેક્સ્ટાઇલ મિલોમાં કુલ સત્તર વર્ષની મેઇન્ટેનન્સ એન્જિનિયર તરીકેની કામગીરી છોડીને એક ઇજનેર નર્મદા કાંઠાના નાનકડા ગામમાં આવીને વસે છે. શા માટે? પોતાનાં જ્ઞાન અને કૌશલ્યનો ગ્રામજનો માટે ઉપયોગ કરવાના હેતુથી.
આ ઇજનેર એક પછી એક ગ્રામોચિત સાધનો અને લઘુયંત્રો બનાવતો જાય છે. ક્ષેત્ર એમના માટે નવું, પણ એમની કાર્યરીત નિરાળી. જેમ કે, તુવેર માંગરોળ વિસ્તારમાં પાકે તેથી તુવેરદાળ પાડવાની મશીનરી વિકસાવી હતી. આવાં કામ માટે નિષ્ણાતોને મળે, ભૂતકાળનો ઇજનેરી અનુભવ કામમાં લે, ગ્રામજનોને મળે, તનમન કસે. આખરે ગ્રામજનોને માફક આવે તેવી સસ્તી, હાથે ચાલતી અને કાર્યદક્ષ યંત્રસામગ્રી બનાવે, જાતે વાપરી જુએ. કંઈ ખામી જણાય તો દૂર કરીને પછી ગ્રામજનોને પહોંચાડે. કામ પરવારી રાત્રે વહેલાં સુએ, દોઢ વાગ્યે ઊઠે અને ઇશ્વર સાથે ગોઠડી યોજે. એકાદ-બે કલાક ધ્યાનમાં બેસે.
રજનીભાઈ ગાંધી, વિનોબા, જયપ્રકાશ, અરવિંદ અને વિમલાતાઈના ચાહક. ગ્રામોચિત મશીનરી બનાવવામાં ખંતીલો આ ઇજનેર અંત:કરણને વિશુદ્ધ, નિર્મળ અને સદા ચેતનવંતું રાખવામાં પણ કાબેલ. આંતરિક સાધનાનો, મૌનનો સેવક. માનવીને, પશુ-પંખીને આત્મીયભાવથી નીરખે, પ્રેમથી પોષે.
ભાવજગત અને ઇજનેરી જગતના અનેકવિધ કામ રજનીભાઈએ જે જે ગામડાંમાં ગયા ત્યાં બધે જ કર્યા. માનવીય ટેકનોલૉજી ફોરમ રચાયા પછી તેમણે અમદાવાદ રિલાયન્સ ટેક્સ્ટાઇલ મિલ છોડી, અને શહેરોના મોટાં કારખાનાં-મિલોનાં કામને પણ તિલાંજલી આપી. ફોરમના મિત્રો તેમને એન્ટેના કહેતા. એમના ચિત્તમાં ગમે ત્યાંથી જાણકારી આવી જાય. ટેક્નોલૉજીને લગતી પૉલીસી વિશેની વાત હોય કે તેના અમલ વિશેની, કુદરત અને લોકજીવન પર તેની શી અસર થશે તેવા મુદ્દા પણ હોય – એમના એન્ટેનામાં બધું આવી જાય. વિપરિત અસર કરનારી નીતિ સામે તેમના દિમાગનો જ્વાળામુખી ફાટે. કુદરત-વિરોધી, લોકવિરોધી રીતિનીતિને અટકાવવા માટે લોકમત ઊભો કરવા તે જિગરજાનથી મચી પડે. વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયકારી, સુકોમળ હૃદયના આ ઇજનેર કાર્યકર છે અને સાધક પણ છે. તે બહાર-ભીતર વિશુદ્ધ બને તે માટે જીવી રહ્યાં હોય એવું લાગે છે.
પંચોતેરમાં વર્ષે પણ ગોળમટોળ બાળક જેવું નિર્દોષ, નરવું, પ્રસન્નકારક વ્યક્તિત્વ. શક્ય એટલા બધા પ્રગતિશીલ જાહેર કાર્યક્રમોમાં હાજરી જ નહીં, પણ પૂરો સમય બેસીને શાળાનાં બાળકોની નોટમાં નોંધ લેવાનું કામ. જળ-જંગલ-જમીન અને સરવાળે માનવજાત પર આવતી જતી આસમાની-સુલતાનીના સતત અભ્યાસ પછી પણ સિનિસિઝમ અને હતાશા વિના જળવાઈ રહેલી સ્વસ્થતા. અંગ્રેજી-હિન્દી-ગુજરાતીમાં બહોળું વાચન, :ભૂમિપુત્ર”માં લેખન-સંપાદન. દેખાડા વિનાનો સહજ પુસ્તકપ્રેમ. ‘યજ્ઞ’ પ્રકાશન દ્વારા ગુજરાતીમાં ભાગ્યે જ કોઈ સાહસ કરે એવા – અન્યાયકારી સ્થાપિત વ્યવસ્થા-વિરોધી – અનેક પુસ્તકોનાં પ્રકાશન. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવનાથી નાગરિક સમાજને સાંકળીને વિવિધ કાર્યક્રમો / ઉપક્રમો હાથ પર લઈ તેને હસતાં-રમતાં પાર પાડવાનું કૌશલ. આ બધામાં હું-પણું ન ડોકાય.
‘યજ્ઞ’ અને ‘સર્વોદય મંડળ’ સાથે કામ પાડવાની કુનેહ. બધાંને સાથે લઈને ચાલે, સંગાથ કરે એટલા ખરા, અને પછી તો એકલા ચાલો રે. આઘા રહેલા માટે નહીં ડંખ, નહીં દ્વેષ. આમે ય એ કોઈના માટે ક્યારે ય નહીં. મહા પ્રેમાળ. લાગણીથી ગળગળા થઈ જાય. પીડ પરાઈ જાણે, હાથ આપે, સાથ આપે. ભૂલ સ્વીકારી લે, ટીકા વેઠી લે. એક જમાનામાં કુસ્તીમાં કેળવાયેલું શરીર. એષારામનો અભરખો નહીં. સ્વાદ-સગવડ ગમે, અગવડને મચક ન આપે. દુ:ખમાં એમની હાજરીથી ઉષ્મા અનુભવાય, સુખમાં ઉજાસ.
રજનીભાઈ 2018માં જે બે અગત્યનાં અંગ્રેજી પુસ્તકો ગુજરાતીમાં લાવ્યા છે કે જે અન્ય કોઈ લેખક કે પ્રકાશક થકી કદાચ ક્યારે ય ન આવ્યાં હોત. ઝુઝારુ પત્રકાર રવીશકુમારના The Free Voice પુસ્તકની તેમણે ‘વાત રવીશકુમારની’ નામે ‘રજૂઆત’ કરી છે. એવા જ સ્વરૂપનું પુસ્તક ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીઓની કરુણ દાસ્તાન’ છે. તેમાં The Burning Forest : India’s War in Bastar પુસ્તકની રજૂઆત મળે છે. દિલ્હીના કર્મશીલ અધ્યાપક નંદિની સુંદરે સવા ચારસો જેટલાં પાનાંમાં છત્તીસગઢના બસ્તરમાં સત્તાધારીઓએ આદિવાસીઓ પર ચલાવેલા દમનચક્રનો હૃદયદ્રાવક ચિતાર મળે છે, જેનો રજનીભાઈએ દોઢસો પાનાંમાં સાર આપ્યો છે. બંને પુસ્તકો તેમની “ભૂમિપુત્ર”ની લેખમાળા પરથી બનેલાં છે. અંગ્રેજી પુસ્તકોમાંથી પૂરપૂરા પસાર થવાનું બન્યું છે એટલે રજનીભાઈની અગન અને મહેનત વંદનીય લાગે છે.
રજનીભાઈએ યજ્ઞ પ્રકાશન દ્વારા જે પુસ્તક-પ્રવૃત્તિ કરી છે તેના માટે ગુજરાત તેમનું વિશેષ ઋણી રહેશે. તેમનાં સંપાદનો અચૂકપણે ખૂબ પ્રસ્તુત અને મહત્ત્વનાં છે. ‘જળ-જંગલ-જમીન પર આધારિત જીવનશૈલી પર ઉદ્યોગોનો ભરડો’ વિષય પરનું સંપાદન ‘રૂંધાઈ રહ્યો છે ભારતનો આત્મા’ અસ્વસ્થ કરનારું છે. ‘સરદાર સરોવર યોજના : પ્રક્રિયા, પરિણામ, વિશ્લેષણ અને સૂચનો’ પુસ્તક યોજનાનાં બધાં પાસાં અંગે ‘સ્વસ્થ ચિંતન’ કરવાનો છે, પણ તેમાં નર્મદા યોજના વિશેના અનેક ક્રિટિકલ લેખો પણ હિમ્મતભેર છાપવામાં આવ્યાં છે. ‘વિશ્વીકરણ એટલે વિશ્વબજાર નહીં વિશ્વકુટુંબ’ વિષય પરનું સંપાદન છે ‘મૂડીવાદનું રૂપાંતર કરીને આવો નવી દુનિયા બનાવીએ’. કિસાન આંદોલન પર એકમાત્ર ગુજરાતી પુસ્તક પ્રકાશિત કરવાનો શ્રેય યજ્ઞને જાય છે. અઢીસો જેટલાં પાનાંના આ પુસ્તકનું સંપાદન રજનીભાઈએ સર્વોદય કર્મશીલ પારુલબહેન અને સ્વાતિબહેનની સાથે મળીને કર્યું છે. ‘કોરોના મહામારી અંગે વૈજ્ઞાનિક, સામાજિક, રાજકીય અને વ્યાવહારિક જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારતું પુસ્તક’ રજનીભાઈએ ડૉ. કિરણ શીંગ્લોત અને પારુલબહેન સાથે તૈયાર કર્યું છે. નોંધીએ કે આ બંને પુસ્તકોનું કામ મહામારીના દિવસો દરમિયાન ચાલ્યું હતું.
કિસાન આંદોલન તેમ જ કોરોના પરનાં સંપાદનોની સાથે યજ્ઞ પ્રકાશને વિવિધ વિષયો પરના ઉત્તમ નિર્માણ ધરાવતાં તેર પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. તેનો એક આખા દિવસનો ભરચક કાર્યક્રમ ગયા વર્ષે 27 માર્ચે ગૂજરાત વિદ્યાપીઠના અહિંસા શોધ ભવનમાં કર્યો. “ભૂમિપુત્ર”એ આ પુસ્તકોનો સંગ્રાહ્ય વિશેષાંક પણ કર્યો. કોઈ વ્યાવસાયિક કે સમાજસેવી સંસ્થા ભાગ્યે જ હાથ પર લે તેવાં પુસ્તક-સંસ્કૃતિની રીતે ખૂબ આનંદદાયક પ્રકાશન ઉપક્રમની નોંધ લગભગ ક્યાં ય ન લેવાઈ, તેમાં આ લખનારનો પણ હિસ્સો ખરો. આ ઉપક્રમ માટે આખા ય “ભૂમિપુત્ર” પરિવારની મહેનત કાર્યક્રમ દરમિયાન સતત દેખાતી હતી. તેના સહુ માટે ઉચિત આદર-કદર સાથે પણ એમ થાય કે રજનીભાઈ જેવા મોવડી ન હોત તો આ થઈ શક્યું હોત ખરું?
રજનીભાઈએ માનવીય ટેકનોલૉજી ફોરમ માટે જે માતબર કામ કર્યું છે તેમાં ફોરમના મુખપત્રના છ વિશેષાંકો અને પુસ્તકોનાં સંપાદનનો સમાવેશ થાય છે. તેમણે ધરતીકંપ અને નવનિર્માણ, સજીવ વિકાસ, ઉર્જા, માનવીય ટેક્નોલૉજી દર્શન,નદીજોડાણ યોજના અને ઊર્જાપથ વિષયો પર વિશેષાંકો તૈયાર કર્યા છે.
ફોરમે પ્રકાશિત કરેલાં, રજનીભાઈ સહસંપાદિત પુસ્તકોમાં ‘ક્લાઇમેટ ચેન્જ – ક્લાઇમેટ ક્રાઇસિસ’, ગ્રામોચિત ટેક્નોલૉજી (ગ્રામ ઇજનેરી હૅન્ડબુક) અને ‘પર્યાવરણ અને કૅન્સર’નો સમાવેશ થાય છે. આમાંથી પહેલાંમાં તેમણે ચાર અભ્યસપૂર્ણ લેખો લખ્યા છે : ગ્લોબલ વૉર્મિન્ગ અને જળ સમસ્યા, ભારતમાં ઉર્જા ક્ષેત્રે કાર્બન કટની અફાટ શક્યતા, અણુમુક્ત-કાર્બનમુક્ત ઉર્જાપથ, ભાવિ વિકાસની ધરી : ક્લાઇમેટ ચેઇન્જ-ગ્લોબલ વૉર્મીન્ગ. કૅન્સર પરના પુસ્તકનું તેમનું ટૂંકું સંપાદકીય નોંધપાત્ર છે.
અત્યારે રજનીભાઈ “ભૂમિપુત્ર”ના જે અંકોનું સંપાદન કરે છે તેમાં મોટે ભાગે ત્રીજા હિસ્સાના એટલે કે ચોવીસમાંથી આઠ કે ક્યારેક તેથી વધુ પાનાં રજનીભાઈ પોતે જ લખે છે. આ પાનાંમાં રજનીભાઈ ‘રસાંશ’ ઉપનામથી નવાં પુસ્તકો વિશે વાચકોપયોગી નોંધો લખે છે. આવું તો હવે ભાગ્યે જ જડે. નાનાંવિધ પુસ્તકોની પસંદગી બાબતે સંપાદકના રુચિઔદાર્યનો પાર નહીં. કેટલીક વાર તો જે પુસ્તકોની ક્યાં ય ધ્યાનપાત્ર નોંધ ન લેવાઈ હોય તે રસાંશે પ્રાપ્તિસ્થાનની ચોકસાઈ સાથે લીધી હોય. રાજુ રૂપપૂરિયા પર્યાવરણના પ્રશ્નો અંગે અભ્યસલેખો લખતા રહે છે. વળી આ રાજુભાઈ દેશભરના અંગ્રેજી/હિન્દી અખબારોમાંથી જાહેરજીવનના બનાવો અંગેના, આપણા માધ્યમોએ પડતાં મૂકેલા અગત્યના કેટકેટલા સમાચાર વાંચી-સારવીને આપણા વાચકને માટે સરસ રીતે સારવીને મૂકે ! સમાજ વાંચવા જેવું વાંચતો થાય તે માટે આવી ઊંડી આસ્થા હમણાંથી વિરલ બની છે !
રજનીભાઈએ વિકસાવેલું બે પાનાંનું સેન્ટરસ્પ્રેડ ધ્યાનાકર્ષક હોય છે. તેમાં ઘણી વખત કોઈ લોકઆંદોલન કે મહત્ત્વના જાહેર પ્રશ્ન પરના કાર્યક્રમનો અહેવાલ કે કોઈ અગ્રણી વ્યક્તિ પરનો વિશેષ લેખ હોય છે. ઘણીવાર તેમાં રેવારજ ઉપનામથી ‘વિનોબા જીવન અને દર્શન : ઇતિહાસના ઓછાં વંચાયેલાં પાનાં’ નામની દર અંકે ચારથી છ પાનાંમાં અનેક ફોટા સાથે છપાતી લેખમાળાના પહેલાં બે પાનાં આવે છે (પહેલાં આ લેખમાળા સેન્ટર-સ્પ્રેડ સિવાય અન્યત્ર મૂકાતી હતી). ફેબ્રુઆરીના બીજા અંકમાં તેનો 39મો ભાગ આવ્યો. વિનોબા ભાવે 11 સપ્ટેમ્બર 1895માં જન્મ્યા હતા. એટલે 2019નું વર્ષ ‘વિનોબા સવાસો’નું વર્ષ ગણાય જેને અનુલક્ષીને રજનીભાઈએ 16 સપ્ટેમ્બર 2019ના અંકથી આ લેખમાળા શરૂ કરી. તેનો હેતુ ‘અમરત્વની ખોજ કરનારા વિનોબાજી અંગે વધુ વિગતો’ મેળવવાનું છે. લેખમાળામાંથી પસાર થતાં એમ ધારી શકાય કે તે જ્યારે પુસ્તક તરીકે આવશે ત્યારે તે વિનોબા પરનું ગુજરાતીમાં એકમાત્ર નહીં પણ વિશિષ્ટ પુસ્તક હશે.
ઉમાશંકર જોશીએ એક જાણીતા લેખક માટે લખ્યું છે કે સાહિત્યને એમના જેવા ‘મંગલમૂર્તિ’ની જરૂર હોય છે. અમંગલથી ઘેરાયેલા આપણા સમાજમાં રજનીભાઈ જેવા મંગલમૂર્તિ છે એ સધિયારો છે.
તેમને આજના દિને શુભેચ્છા : ‘જીવન કા હર પલ મંગલ હો …’
▪ તસવીર સૌજન્ય : લંકેશ ચક્રવર્તી ▪ માહિતી સૌજન્ય : પારુલ દાંડીકર, પાર્થ ત્રિવેદી
13 એપ્રિલ 2023
e.mail : sanjaysbhave@yahoo.com