માતૃભાષાના મુદ્દે ગુજરાતમાં અને દેશમાં પ્રવર્તતી સ્થિતિ ઝાઝા રંજ, રમૂજ અને રોષ તો થોડો આનંદ જન્માવનારી છે. જૂન-૨૦૨૩ના આગામી શૈક્ષણિક વરસથી ગુજરાતમાં બે નવા પ્રારંભ થવાના છે. એક, ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતે પસાર કરેલા ધ ગુજરાત કમ્પલસરી ટીચિંગ એન્ડ લર્નિંગ ઓફ ગુજરાતી લેંગ્વેજ બિલ, ૨૦૨૩ ને કારણે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓના વિધ્યાર્થીઓ એક ભાષા તરીકે તબક્કાવાર રીતે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરશે (શીખશે). અને બે, ધોરણ બાર સાયન્સ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરીંગ અને અન્ય ઉચ્ચ અભ્યાસ અંગ્રેજીમાં કરવામાં મુશ્કેલી પડતી હોઈ ગુજરાત સરકાર આ વરસથી જ પ્રથમ વરસ એમ.બી.બી.એસ.નો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની છે. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના મુદ્દે અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યને એની સ્થાપનાનાં ત્રેસઠ વરસો બાદ માતૃભાષાની જે ખેવના જાગી છે તે થોડો આનંદ અને વધુ રોષ જન્માવે તેવી છે.
માતૃભાષા કે દૂધભાષા એટલે ‘મા’ની ભાષા. બાળક જન્મના એકબે વરસો પછી બોલતા શીખે છે પરંતુ જન્મની સાથે જ તે સાંભળે તો છે જ. બાળક શિશુ અવસ્થામાં માતા અને સંપર્કમાં આવનારા અન્ય વ્યક્તિઓ દ્વારા સાંભળીને અને પછી અનુકરણથી જે ભાષા બોલતા શીખે અને મોટપણે પ્રત્યાયન કરે છે તથા ભાવ અને વિચારની અભિવ્યક્તિ કરે છે તે માતૃભાષામાં હોય છે. વ્યક્તિ અને સમાજ બેઉના વિકાસમાં માતૃભાષાની મહત્ત્વની ભૂમિકા છે. એટલે વ્યક્તિના શિક્ષણનું માધ્યમ તેની માતૃભાષામાં હોય તે ઉપકારક છે. ૧૯૬૪થી ૧૯૬૬ના એજ્યુકેશન કમિશનના ચેરપર્સન ડી.એસ. કોઠારીએ તો કહ્યું હતું કે, “ભારત સિવાયના દુનિયાના કોઈ પણ દેશમાં બાળકની ભાષા અને તેના શિક્ષણની ભાષા અલગ અલગ નથી.” ચીન, જાપાન , જર્મની અને ઈઝરાયેલમાં બાળકોને તેમની જ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.
એક અભ્યાસ પ્રમાણે વિશ્વના સૌથી અમીર વીસ દેશોની સરકારી કામકાજની ભાષા તરીકે તેમના દેશની ભાષા છે. જ્યારે સૌથી ગરીબ વીસ પૈકીના ઓગણીસની ભાષા વિદેશી છે. ગુજરાત રાજ્યની રચનાના બીજા જ વરસે રાજ્યના સરકારી વહીવટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા અંગેનો ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ ઘડાયો હોવા છતાં રાજ્યના વહીવટમાં હજુ સંપૂર્ણ ગુજરાતી દાખલ થઈ નથી. દેશના ચાર જ રાજ્યોની વડી અદાલતોનું કામકાજ રાજ્યની સ્થાનિક ભાષામાં થાય છે. ગુજરાત સહિત એકવીસ રાજ્યોની વડી અદાલતોનું કામ આજે ય અંગ્રેજીમાં જ ચાલે છે. બ્રિટિશ શાસનને કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થયું હતું. પરંતુ અંગ્રેજ શાસનથી મુક્તિના પંચોતેર વરસો બાદ પણ દેશ શિક્ષણ, વહીવટ, અદાલત સહિતના ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજીના પ્રભાવ હેઠળ છે. જાણે કે આપણે રાજકીય આઝાદી છતાં ભાષાકીય સામ્રાજ્યવાદથી હજુ મુક્ત થયાં નથી.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ભા.જ.પા. સરકારે ૨૦૧૭માં હિંદી માધ્યમની પાંચ હજાર પ્રાથમિક શાળાઓને અંગ્રેજી માધ્યમમાં ફેરવી દીધી હતી. જ્યાં તેલુગૂ અસ્મિતાનું ગૌરવ લેવાતું હતું તે આંધ્ર પ્રદેશમાં હાલના સત્તાનશીન પ્રાદેશિક પક્ષ વાય.એસ.આર. કાઁગ્રેસે તમામ તેલુગૂ મીડિયમની પ્રાથમિક શાળાઓને અંગ્રેજી મીડિયમમાં તબદિલ કરી નાંખી છે. હદ તો રાજસ્થાનની કાઁગ્રેસ સરકારે કરી છે. જે ગાંધીજીએ, “જો મારા હાથમાં તાનાશાહી સત્તા હોય તો પળના ય વિલંબ કે પાઠયપુસ્તકોની તૈયારીની પણ રાહ જોયા વિના અંગ્રેજી માધ્યમમાં અપાતું શિક્ષણ બંધ કરી દઉં”, એમ કહેલું, તેમના નામે રાજ્યના પાંચ હજારથી વધુ વસ્તીના ગામોમાં ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરી છે. ગુજરાતમાં ૪,૫૨૦ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓને નવા કાયદાનો અમલ કરી ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે પણ ગાંધીગિરા ગુજરાતીને બદલે રાજ્યમાં આટલી બધી અંગ્રેજી મીડિયમ પ્રાઈમરી સ્કૂલો કેમ એવો સવાલ ઉઠતો નથી.
વૈશ્વિક સંપર્કભાષા કે જ્ઞાનભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર સૌ કોઈ પોતાની ગરજે કરે છે. પરંતુ તેના આંધળા મોહમાં માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓની ઉપેક્ષા એ હદે થઈ રહી છે કે તે બચાવવાની અને ટકાવવાની ઝુંબેશો કરવી પડે છે. સરકારો વાલીઓની માંગ અને વાલીઓ રોજગાર કે બજારની માંગનો હવાલો આપીને અંગ્રેજી મીડિયમની જરૂરિયાત જણાવે છે. તાજેતરમાં એક બ્રિટિશ સાંસદે બ્રિટનની સરકારને ગુજરાતી સહિતની દક્ષિણ એશિયન ભાષાઓ શીખવવા માટેનું રોકાણ વધારવા માંગણી કરી છે. કેમ કે તે બજારની જરૂરિયાત છે. નવા ઉભરતા બજાર તરીકે દક્ષિણ એશિયામાં વ્યાપાર કરવો હશે તો સ્થાનિક ભાષાઓ આવડવી અનિવાર્ય છે. દલિત-વંચિતને પણ તેમના પછાતપણાનું મૂળ અંગ્રેજી શિક્ષણનો અભાવ લાગે છે. એટલે કેટલાક દલિત બૌદ્ધિકો અંગ્રેજીમાતાના મંદિરો ચણાવે છે અને મેકોલેનો જન્મદિન મનાવે છે !
મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, અસમ, તેલંગાણા અને જમ્મુ-કશ્મીરમાં પહેલા ધોરણથી જ સ્થાનિક ભાષા ભણાવવાના સરકારી નિયમો છે. હવે તેમાં ગુજરાતનું ઉમેરણ થયું છે. અગાઉ તા. ૧૩.૦૪.૨૦૧૮ના સરકારી પરિપત્રથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા જણાવાયું હતું. પરંતુ તેનો અમલ થતો નહોતો. માતૃભાષા અભિયાનની જાહેરહિતની અરજી પરની હાઈકોર્ટની ફટકાર પછી સરકારે કાયદો ઘડ્યો છે. એટલે તેનો કડક અમલ આવશ્યક છે.
દેશના ૫૭ ટકા કે ૬૯.૧૫ કરોડ લોકોની પહેલી ભાષા હિંદી છે. જેમની પ્રથમ ભાષા અંગ્રેજી છે તેવા ભારતીયો તો માત્ર ૨.૬ લાખ જ છે પરંતુ અંગ્રેજી બોલનારા ૧૨.૮૫ કરોડ (૧૧ ટકા) લોકો ભારતમાં છે. એટલે પ્રાદેશિક ભાષાઓનો દબદબો અને બહુમતી છતાં વર્ચસ અંગેજીનું છે. જે સૌને આંજી નાંખે છે અને તેના તરફ ખેંચે છે. પચરંગી સમાજમાં આપણને બહુભાષી થયા વિના ચાલવાનું નથી. અનેક ભાષાઓ અને બોલીઓ વિલુપ્ત થઈ ગઈ છે કે વિલુપ્તિની કગાર પર છે. એટલે સવાલ પ્રાદેશિક કે માતૃભાષાઓના મહિમાગાનનો જ ફક્ત નથી અંગ્રેજીની લ્હાયમાં એકેય ભાષા ઢંગથી ના આવડતી હોય તેનો ય છે.
‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફાર ખાને તેમની આત્મકથા ‘માય લાઈફ, માય સ્ટ્રગલ’ માં લખ્યું છે કે, “કોઈપણ રાષ્ટ્ર તેની માતૃભાષાના વિકાસ વિના પ્રગતિ સાધી શકે નહીં.” પરંતુ દેશમાં માતૃભાષા કે પ્રાદેશિક ભાષાઓની અવહેલના થતી જોવા મળે છે. આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. જેવી દેશની ટોચની સિવિલ સર્વિસની યુ.પી.એસ.સી. એકઝામમાં વરસોથી પ્રાદેશિક ભાષાઓ દાખલ કરી છે પરંતુ કેન્દ્ર સરકારની વર્ગ-૩ની ભરતી પરીક્ષા લેતી સૌથી મોટી એજન્સી સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષાઓ હવે આ વરસથી ગુજરાતી અને બીજી બાર પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે.
જેમ સમાજસુધારા એકલા કાયદાથી ના થઈ શકે તેમ ભાષા પણ સરકારી નીતિનિયમો કે કાયદાથી ના બચે. ગુજરાતમાં આજે માતૃભાષાના ફરજિયાત શિક્ષણનો માર્ગ ખૂલ્યો છે તો કદાચ આવતીકાલે માતૃભાષામાં શિક્ષણનો માર્ગ પણ ખૂલશે. તે માટેના પ્રજાકીય પ્રયાસો જારી રહેવા જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com.