સવાલ શાસનનાં શીલ અને શૈલીનો
આપણું આમુખ સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની વાત બહુજ સંક્ષેપમાં અને એટલી જ સચોટ રીત મૂકી આપે છે. નવા ને ન્યાયી સમાજ સારુ આપણી પ્રજાકીય મથામણના શિવસંકલ્પ રૂપે 26મી નવેમ્બર ઉજવાય એથી રૂડું શું.
હમણાં જ ધ્યાનમાં આવ્યું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને શિક્ષણ સંસ્થાઓને સૂચના આપી છે કે, ભારત સરકારે 2015ના વરસમાં 125મી આંબેડકર જયંતીથી વિધિવત્ નક્કી કર્યું છે તે પ્રમાણે 26મી નવેમ્બરે ‘બંધારણ દિવસ’ ઉજવાય છે. એને અનુલક્ષીને કોઈ ને કોઈ કાર્યક્રમ, ખાસ તો બંધારણના અમુખનો સંદેશ સૌને પહોંચે એ રીતે યોજાય તે જોશો. યુ.જી.સી.ના આ પરિપત્ર વિશે જાણ્યું ત્યારે સ્વાભાવિક જ થઈ આવેલું સ્મરણ પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની એક માર્મિક ટિપ્પણીનું હતું. થોડાં વરસ પર 26મી જૂનના કટોકટી દિવસે બોલતાં એમણે કહ્યું હતું કે, 1975ના જૂનમાં લદાયેલી કટોકટી ફરી વાર ન લાદી શકાય તે માટે આપણે 1977-1979ના જનતા કાળમાં જરૂરી બંધારણીય ને કાનૂની જોગવાઈ કરી છે એ સાચું, પણ તેમ છતાં એવા કાળા દિવસો વળી કોઈ રીતે પાછા નહીં જ આવે એમ હું કહી શકતો નથી.
અડવાણી ત્યારે જે દોરમાંથી ગુજરી રહ્યા હતા (અને આજે ‘વન્સ અપોન અ ટાઈમ’ જેવા થઈ ગયા છે) તે અનુભવધક્કાનાં એમના આ ઉદ્દગારો પાછળ ફાળો હોય તો પણ તટસ્થપણે જોતાં આપણે અઘોષિત કટોકટી જેવો અનુભવ કરીએ છીએ એ વાત નકારી શકાય એમ નથી. હજુ થોડા દિવસ પર જ દેશના વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કાયદાના અર્થઘટનમાં મતભેદોને અવકાશ હોય, કાળાન્તરે અમુક બાબતોમાં વિશેષ મહત્ત્વ આપવાપણું લાગે છે કે ઓછું મહત્ત્વ અપાય, એ બની શકે છે. પણ, છેવટે તો, બંધારણીય નૈતિકતા એ કાયમી મદ્દો છે તે ભૂલવા જેવું નથી.
બંધારણ વિશે નાગરિક માત્રમાં સભાનતા રહે અને એક પા આણ ને ધોરણે સરકારની જવાબદેહી નક્કી થતી રહે એ જરૂરી છે. હવે બેત્રણ દિવસ પછી બંધારણ દિવસ ઉજવાતો હશે ત્યારે એના ઘડતરમાં અગ્રભૂમિકા અદા કરનાર આંબેડકરના બંધારણ સભામાંના એ શબ્દો બેલાશક યાદ અપાવા જોઈશે કે બંધારણ ગમે એટલું સારું હોય તો પણ એના સારાપણાનો વાસ્તવિક આધાર એનો અમલ કરનારાઓ પર રહે છે.
આંબેડકરે, 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ પસાર થયું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસથી તે અમલમાં આવવાનું હતું એ ગાળામાં આપણી સામેના વાસ્તવિક એજન્ડામાં એકદમ ઉજાસમાં મૂકી આવ્યો હતો : કાયદાથી, નાગરિકને નાતે આપણે સૌ રાજકીય સમાનતાના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. પણ આ દેશનું જે દુર્દૈવ વાસ્તવ છે તે તો એ છે કે આર્થિક-સામાજિક વિષમતા જોતાં રાજકીય સમાનતા ઓછી અને પાછી પડે છે. જે-તે પક્ષની રાજ્ય સરકારો, ગૃહમાં વિધિવત કોઈ ખરડો પસાર કરે તે પછી રાજ્યપાલની સહી સાથે એ કાયદાનું રૂપ લે. પણ કેન્દ્ર સરકારના કાચા રાજ્યપાલો વિપક્ષી સરકાર હસ્તક વિધાનગૃહમાં પસાર થયેલ ખરડા પર સહી ન કરતાં બબ્બે – ત્રણ ત્રણ વરસ ચપ્પટ બેસી રહે છે, અને હવે સર્વોચ્ચ અદાલતે તે વિશે તાકીદ કરવાની નોબત આવી છે.
ખરું જોતાં આ તો લોકશાહી ધારાધોરણમાં અપેક્ષિત સામાન્ય વાત છે, અને ધારાગૃહ – કારોબારી – ન્યાયતંત્ર અંગે સત્તાવિશ્લેષનો અનુભવાડાવ્યો સાદો સિદ્ધાંત સૌ જાણે છે. આ સહજ સંવૈધાનિક શીલ વાસ્તે આપણે ઊહાપોહ કરવો પડે, એ ક્યાંનો ન્યાય? ખરેખર તો બંધારણ દિવસે આવી કાયદાકાનૂની જોગવાઈની ખટપટમાં ખોવાયા વગર, વધુ પાયાની વાત કરવી જોઈએ પણ રાજ્યસંસ્થાને પક્ષે જવાબદેહી ન હોય ત્યારે આવી વાતો ઉઠાવવી પડે છે. બાકી, એક ગુલામ દેશમાંથી આપણે સ્વાધીન મુલક તરીકે બહાર આવ્યા ત્યારે બંધારણનો ખરિતો આપણે સારુ નવો ને ન્યાયી સમાજ શક્ય બને તો માટેની રાજ્યરચના વાસ્તે હતો અને છે.
આપણું આમુખ સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની વાત બહુ જ સંક્ષેપમાં અને એટલી જ સચોટ રીત મૂકી આપે છે. નવા ને ન્યાયી સમાજ સારુ આપણી પ્રજાકીય મથામણના શિવસંકલ્પ રૂપે 26મી નવેમ્બર ઉજવાય એથી રૂડું શું.
—————
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 22 નવેમ્બર 2023