મણિપુર વહેરાયેલું છે, મણિપુર લોહીલુહાણ છે, મણિપુર એકલું છે.
ભારતના રાજ્ય મણિપુરમાં ગુજરાતની ‘વિશ્વગ્રામ’ સંસ્થાના 18 કાર્યકરો ગયા પંદર દિવસથી કાર્યરત છે. તેઓ હિંસાનો ભોગ બનેલા નાગરિકો માટેની રાહત શિબિરો – relief campsમાં આશ્રિતોનાં આરોગ્ય અને બાળકો માટે સેવા આપી રહ્યાં છે. ‘વિશ્વગ્રામે’ ગયા પચીસેક વર્ષમાં ભારતભરમાં અનેક કુદરતી અને રાજકીય આપત્તિગ્રસ્તો માટે ગાંધીવિચારને હૈયે રાખીને, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિથી અળગા રહીને નોંધપાત્ર કામ કર્યું છે. વિશ્વગ્રામે આદરેલી મણિપુરની સંવેદન-પહેલ વિશેનો આ લેખ સંજય-તુલા સાથે ટેલિફોન પર વાત કરીને લખ્યો છે.
વિશ્વગ્રામના કુલ 18 ગુજરાત-નિવાસી કાર્યકર્તાઓની બે ટુકડીઓ (જેમાં સાત બહેનો છે) અત્યારે 16 રાહત છાવણીઓમાં કાર્યરત છે. રાહત છાવણીઓ ચાળીસેક કિલોમીટરના વિસ્તારમાં આવેલા ચાર જિલ્લાઓમાં છે : ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિશ્નુપુર અને થૌબલ. આ બધી છાવણીઓમાં કુલ 6,400 જેટલા આશ્રિતો છે જેમાં ત્રીજા ભાગનાં બાળકો છે. મણિપુરની અંદાજિત પાંચ લાખની વસ્તીમાંથી 60 હજાર લોકો મે મહિનાની શરૂઆતથી રાહત શિબિરોમાં છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે શિબિરના આશ્રિતોનાં ઘર લૂંટાયાં છે, સળગાવાયાં છે, કુટુંબો વિખરાયાં છે, મહિલાઓ અપમાનિત થઈ છે, બાળકો નોંધારા થયાં છે. આ બધાં પીડિતો માટેની શિબિરો શાળાઓ, કૉલેજો, ટ્રેડ સેન્ટર, કમ્યુનિટી હૉલ, ખુલ્લાં મેદાનોમાં પ્રિફૅબ્રિકેટેડ મટિરિયલથી ઊભા કરવામાં આવેલાં ઓરડા જેવી જગ્યાએ છે. દરેક કૅમ્પના રહીશોની સંખ્યા અલગ અલગ છે, જે સોથી સવા સાતસોની વચ્ચે છે. સંતોષકારક ન જ કહી શકાય તેવી આ શિબિરો હિંસાને રોકવામાં લગભગ નિષ્ફ્ળ નિવડેલી સરકારે ઊભી કરેલી છે.
વિશ્વગ્રામની મેડિકલ ટીમમાં 5 ડૉક્ટર્સ અને બે પેરામેડિકલ સહાયકો છે. સંપૂર્ણ તબીબી ટુકડી વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટીની મેડિકલ કૉલેજના સેવાભાવીઓની છે. દવાઓ અને સાધનોનો સંપૂર્ણ સહયોગ પણ આ વિશ્વવિદ્યાલયનો છે. બાળકો માટેની ટીમમાં શાળા-કૉલેજનાં શિક્ષક-શિક્ષિકાઓ, મહિલાઓ અને યુવાનો છે.
સુઆયોજિત સમય પત્રક મુજબ કામગીરી ચાલે છે. બંને ટુકડીઓ મોટી કારમાં બેસીને દરરોજ એક જિલ્લાના ચાર કૅમ્પસની મુલાકાત લે છે. સવારે સાડા દસથી બપોરે એકના સમયમાં બે કૅમ્પ્સ અને દોઢથી સાંજે સાડા ચાર સુધીમાં બીજા બે. ઇમ્ફાલમાં આવેલા બેઝ કૅમ્પથી સવારે આઠના સુમારે જમીને વાહનમાં નીકળવાનું અને સાંજે પાંચના સુમારે ત્યાં અંધારું થાય એ ટાણે પાછાં આવવાનું.
મેડિકલનું કામ એટલે ફૅમિલી ડૉક્ટરનું. તમામ પ્રકારના દરદીઓની સારવાર, દરદીને માટે જરૂર જણાય તો કૅમ્પના સરકારી સંચાલકને હૉસ્પિટલની ભલામણ કરવાની. અઘરા કેસ પણ આવે. એક દરદીને ચાર દિવસથી નહીંવત પેશાબ થાય. તેનો કેઇસ હિસ્ટરી તેના ઘર સાથે બળી ગયો હતો. હાઇપર ટેન્શન, ભૂખ ન લાગે, ઊંઘ ન આવે અને ચિંતા (anxiety) થાય એવા માનસિક વ્યાધિઓ ધરાવતા શિબિરવાસીઓની સંખ્યા ઘણી મોટી છે. આરોગ્યલક્ષી સ્વચ્છતા (hygiene)ના અભાવે ચામડીના રોગ વધ્યા છે.
સરકારી તબીબ અઠવાડિયામાં બે વાર વત્તા-ઓછા સમય માટે સરકારી રાહે આવે અને જાય. એટલે વિશ્વગ્રામની મેડિકલ ટીમની જવાબદારી વધી જાય. ભાષાની ખૂબ મુશ્કેલી ખરી, પણ તે સારવારના મામલે ચલાવી ન લેવાય.
ભાષાનો અવરોધ આખા ય કામમાં કેટલેક અંશે ઓછો થયો છે તેનું કારણ એકતા પરિષદ નામે જળ-જંગલ-જમીન માટે દેશભરમાં કામ કરતા મંચની મદદ છે. પી.વી. રાજગોપાલની રાહબરી નીચેના આ મંચના મણિપુરના છ સ્થાનિકો કાર્યકરો સતત મદદ કરે છે. તે બધાં સેવાભાવી ડૉ. રિશીભાઈ અને વિદ્યાબહેનની દોરવણી હેઠળ કામ કરે છે.
બાળકો માટે કૅમ્પમાં જઈને ખંજરી વગાડતાં બધે ફરવાનું, આગગાડી બનીને ચક્કર મારવાનું અને બાળકોને ભેગાં કરવાનાં. વિશ્વગ્રામને અનેક આપત્તિઓ પછીની રાહત શિબિરોનો બહોળો અનુભવ છે. તેમણે બાળ-કિશોરો માટે સોળ પ્રકારની પ્રવૃત્તિઓ ઘડી છે. તેમાં ઓરિગામી ઉપરાંત ગ્રીટીંગ કાર્ડસ, ચિત્રો તેમ જ જાતે ઓછા ખરચે રમકડાં બનાવવા, કાગળની સાત પ્રકારની ટોપીઓ તૈયાર કરવા જેવી અનેક સર્જનાત્મક બાબતોનો સમાવેશ થાય છે. ક્રિકેટ, ફૂટબૉલ, વૉલિબૉલ, બૅડમિન્ટન જેવાં રમતોનાં સાધનોની કિટ પણ બનાવીને આપવામાં આવી રહી છે. બાળકોએ દોરેલાં ચિત્રોમાં કાળો સૂરજ, બળી જતાં ઘર, બંદૂકની ગોળી છોડતો માણસ જેવાં ચિત્રો હોય છે. નવમા ધોરણની એક કિશોરીને તેના ઘર-ગામ-શાળા વિશે પૂછતાં તે ખૂબ રડી.
રાહત છાવણીઓમાં રહેતાં લોકો નીચલા મધ્યમવર્ગના નાના વેપારીઓ અથવા સીમાંત ખેડૂતો છે. આખા પરિવારો રહે છે. છાવણીઓનાં પૂરવઠા અને વહીવટમાં ઘણી શિથિલતા છે. ટૉઇલેટ્સ અપૂરતાં છે. ખોરાકમાં ભાત-દાળ-શાક. કેટલીક જગ્યાએ તો ખોરાક જોઈને આંખમાં પાણી આવી જાય. વિશ્વગ્રામના કાર્યકરો પોતાના માટે બેઝ કૅમ્પ પર બધાં જોડાઈને રસોઈ બનાવે છે, પણ સીધું ત્યાંના બજારમાંથી ખરીદવું પડે છે. બજાર આમ નૉર્મલ લાગે પણ શહેરની સરહદો અને ધોરીમાર્ગો જડબેસલાક બંધ હોય છે. છડેચોક સેંકડોની સંખ્યામાં બંકરો હોય, જ્યાં યુવાનો બંદૂક લઈને બેઠા હોય. મઈતિ સમુદાયોના વિસ્તારો/ગામોમાંથી કૂકી સમુદાયોના વિસ્તારો/ગામોમાં ન જઈ શકાય, અને સામે પણ એવું જ. કાર્યકરો કલકત્તા સુધી રેલવેમાં ગયાં અને ઇમ્ફાલ સુધી વિમાનમાં. ખરચો ગમે તેટલો બચતો હોય તો પણ રોડ માર્ગે જવાનું જોખમ ન લઈ શકાય. વિશ્વગ્રામના શિરસ્તા મુજબ મોટા ભાગના પોતાના ખરચે જ આવવા-જવાનું રાખે છે. ઇમ્ફાલમાં વિશ્વગ્રામના બેઝ કૅમ્પની ઉત્તમ વ્યવસ્થા કૉટેજવાળા ફાર્મહાઉસમાં મણિપુરના ભાવનાશાળી રાજ્યપાલ અનસૂયાબહેન થકી થઈ છે. તદુપરાંત, આ સળગતા રાજયમાં ખાસ જરૂરી એવી તમામ પ્રકારની સરકારી મંજૂરીઓ પણ રાજ્યપાલને કારણે કંઈક સરળતાથી મળી શકી છે.
મે મહિનાથી મણિપુરની પરિસ્થિતિને માધ્યમોમં જોતાં જોતાં સંજય હલી ઊઠ્યા હતા. તેમણે 3-7 ઑક્ટોબર દરમિયાન મણિપુરની રાહત શિબિરોની મુલાકાત લીધી. તેને લગતો તેમનો અત્યંત હૃદયાસ્પર્શી લેખ ‘અકાલ પુરુષ’, ‘કોડિયું’, ‘ભૂમિપુત્ર’ અને ‘વિશ્વવિહાર’ના આ મહિનાના અંકોમાં પ્રસિદ્ધ થયો છે, જે ખાસ વાંચવા જેવો છે. તેમાં નોઆખલી અને બી. પ્રસાદના એક કાર્ટૂનનો સંદર્ભ આપીને સંજય લખે છે : Shall we go, Bapu ?’
લેખની લિન્ક આ છે https://drive.google.com/file/d/1a5jbdhvqvL9w7I8EK5Zw1- TrePiN3m2Z/view?usp=sharing
વિશ્વગ્રામના કામનું પ્રબળ ભાવનાત્મક પાસું છે. સંજયની વાત સાંભળતા અનેક વખત આંખ ભરાઈ આવે. એક જગ્યાએ બહુ બધાં બાળકોને કિલ્લોલતાં, મોટેરાઓને ખુશ થતાં જોઈને કોઈએ કહ્યું : ‘આટલા બધા લોકોને એક સાથે હસ્યા હોય એવી આ પહેલી ઘટના છે.’
સંજયભાઈને ભારે રંજ છે કે મણિપુરની પડખે દેશમાંથી અત્યારે કોઈ નથી, ગાંધીના ગુજરાતમાંથી પણ કોઈ નથી.
વિશ્વગ્રામ તેના સેવાકાર્યોમાં બૅનરનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. સંજય કહે છે : ‘મને એ બહુ અપમાજનક લાગે છે. આપણી દીકરી કે દીકરીના ઘરે જઈએ, કામ કરીએ એમાં બૅનર લગાવીએ છીએ ?’ સંસ્થાના સંસાધનો ટાંચાં છે. કૅમ્પ્સમાં જવા માટેનું એક મોટરનું રોજનું ખર્ચ પાંચ હજાર રૂપિયા છે, બીજો કોઈ વિકલ્પ નથી. બધાના નહીં પણ કેટલાકનું તો વિમાન ભાડું સંસ્થાએ આપવું પડે છે. અત્યારે પ્રકાશ ભગવતી અને રાજેશ ભટ્ટ સંચાલિત સંસ્થા ‘સ્વપથ’નો મુખ્ય આર્થિક ટેકો છે. વિશ્વગ્રામની અત્યારની પહેલી ટુકડી 30 નવેમ્બરે પાછી આવશે અને બીજી ટુકડી પહેલી ડિસેમ્બરથી વીસ દિવસ માટે કામ કરશે. તે બધાને મદદની જરૂર પડશે. વિશ્વગ્રામને સહાય કરીએ.
વિશ્વગ્રામના સહુ નિષ્ઠાવાન કાર્યકરોને ધન્યવાદ. અત્યારના કૅમ્પના કાર્યકરો આ મુજબ છે. મેડિકલ ટીમ : સર્વશ્રી ડૉક્ટર નમ્રતાબહેન, ખ્યાતિબહેન, હેમાબહેન, જિજ્ઞાસાબહેન, સાહિલભાઈ ; મેડિકલ ઇન્ટર્ન્સ દાનિશભાઈ અને જિગરભાઈ; શિક્ષકો : દિપ્તિબહેન, ભારતીબહેન, હિમાંશુભાઈ, ગૌરાંગભાઈ, મેહુલભાઈ, ઇલિયાસ મન્સૂરી; વિદ્યાર્થી : અજયભાઈ; વિશ્વગ્રામના પૂરા સમયના કાર્યકર્તા : દર્શનભાઈ; ટીમ લીડર્સ : તુલાબહેન, ઇલિયાસ ડાભલાવાલા અને સંજય.
બાળકો માટે પુસ્તકો કે સ્પોર્ટસ કિટ માટે ,કે અન્ય કોઈ રીતે સહયોગ આપી શકીએ.
સંપર્ક : તુલા-સંજય 94262388234 vishwagrambasna@gmail.com
[તસવીરો : વિશ્વગ્રામ, કોલાજ સૌજન્ય : નીતિન કાપુરે, લિંક સૌજન્ય : પાર્થ ત્રિવેદી]
24 નવેમ્બર 2023
[1,000 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com