
પ્રવીણકાન્ત શાસ્ત્રી
“હની, આર યુ હેપ્પી?”
“વેરી વેરી હેપ્પી માય ડિયર સ્નેહુ. આઈ એમ વેરી લકી. મેં ખરેખર ગયા જન્મમાં ખૂબ પૂણ્ય કર્યું હશે કે તારા જેવો પ્રેમાળ પતિ મળ્યો.”
ગાર્ગીનું માથું સ્નેહલના ખભા પર ઢળેલું હતું. મુંબઈથી ઉપડેલું પ્લેઈન સ્થિર ગતિથી આકાશના અંધકારમાં ન્યુયોર્કની દિશામાં ઊડી રહ્યું હતું. સ્નેહલ અને ગાર્ગી પચ્ચીસમી લગ્ન જયંતી ભારતમાં ઉજવી અમેરિકા પાછા ફરી રહ્યાં હતાં. જે બેંક્વેટ હોલમાં લગ્ન થયા હતા એ જ બેન્ક્વેટ હોલમાં પચ્ચીસમી લગ્ન જયંતી ઉજવાઈ હતી. અલ્બત્ત ભવ્યતા અલગ જ હતી. જેઓ એ પા સદી પહેલાં લગ્નમાં હાજરી આપી હતી તેઓને શોધી શોધીને આમંત્રણ અપાયા હતા. આશરે વીશ પચ્ચીસ મહેમાનો તો અમેરિકામાં રહેતા હતા જેઓ ભારતમાં વેકેશન ગાળવા આવ્યા હતાં તે મિત્રોએ પણ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. પચ્ચીસ વર્ષ પહેલાં માઉન્ટ આબુ પર જે હોટલમાં હનીમૂન માણ્યું હતું તે જ હોટલમાં સંકોચ વિહીન રંગીન મધુરજની ઉજવાઈ હતી.
ગાર્ગી એક હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. સુંદર હતી. કલામંદિર દ્વારા ભજવાતા નાટકોની હિરોઈન હતી. સંગીત અને નૃત્ય શીખી હતી. નાટકોમાં બનતો પ્રેમી અને પતિ વ્રજેશ વાસ્તવમાં પણ ગાર્ગીનો પતિ બનવા ઈચ્છતો હતો. કદાચ ગાર્ગીના પિતાના મિત્રનો પુત્ર સ્નેહલ જો અમેરિકાથી ભારત ન આવ્યો હોત તો ગાર્ગી ચોક્કસ વ્રજેશ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ હોત. ગ્રાર્ગી અને વ્રજેશે જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. સ્નેહલ સાથેના લગ્નજીવનથી તેને સંતોષ હતો. સ્નેહલ ‘કેરિંગ હસબંડ’ હતો.
દશ વર્ષ પહેલાં વ્રજેશને પણ અમેરિકા આવવાની તક મળી. સ્નેહલે એને સ્થાયી થવામાં ઘણી મદદ કરી. વ્રજેશ, સ્નેહલ ગાર્ગીનો એક મિત્ર બની રહ્યો હતો. વ્રજેશ પણ આ જ સમયે ભારત આવ્યો હતો. વ્રજેશે પણ ગાર્ગીના વેડિંગ એન્નીવર્સરીમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો અને જૂના મિત્રોના આગ્રહથી ગાર્ગી સાથે જૂનું ફિલ્મી સોંગ ગાયું હતું.
ગાર્ગી અને સ્નેહલનું દાંપત્ય જીવન સુખી હતું. એક દીકરી ઉષ્મા યુનિવર્સિટીમાં ભણતી હતી. સ્નેહલનો બિઝનેશ ધમધોકાર ચાલતો હતો. ગાર્ગી એક ગૃહિણી બની બધી ફરજો બજાવતી હતી. સ્નેહલ આખો દિવસ એના બિઝનેશમાં રોકાયલો રહેતો. માત્ર રવિવારની સાંજ ગાર્ગીના આખા અઠવાડિયાના દાંપત્ય જીવનને બાગ બાગ બનાવી દેતી.
લાંબા સમય પછી સ્નેહલે ગાર્ગી સાથે આટલું લાંબુ વેકેશન માણ્યું. બધું સુખ હતું પણ સ્નેહલને સમયનો અભાવ સાલતો હતો. ગાર્ગીને પણ જે જે ખોટ સાલતી હતી તે સ્નેહલે પચ્ચીસમી લગ્ન જયંતી વેકેશનમાં પૂરી કરી હતી. એઓ આનંદ યાત્રાની પૂર્ણાહુતિ કરીને બન્ને ન્યુ યોર્ક પાછા જઈ રહ્યાં હતાં. સ્નેહલે ગાર્ગીને પૂછ્યું હતું; “હની, આર યુ હેપ્પી?” અને સંતૃપ્ત પત્ની ગાર્ગીએ ઉત્તર વાળ્યો હતો, “વેરી વેરી હેપ્પી, માય ડિયર સ્નેહુ. આઈ એમ વેરી લકી. મેં ખરેખર ગયા જન્મમાં ખૂબ પૂણ્ય કર્યું હશે કે તારા જેવો પ્રેમાળ પતિ મળ્યો.”
“સર, એની ડ્રિન્ક્સ?” એરહોસ્ટેસે હળવો પ્ર્શ્ન કર્યો.
સ્નેહલે બન્ને માટે લાઈમ ગાર્નીસ જીન એન્ડ ટોનિકનો ઓર્ડર આપ્યો. સાથે નટ્સના પેકેટ્સ હતા. ત્યાર પછી ડિનર સર્વ થવાનું હતું.
‘હની ,ઈફ આઈ ડાય ટુ મોરો, હાવ યુ વીલ લીવ? હુ વીલ ટેઇક કેર ઓફ યુ?’
‘યુ શટ અપ. ડોન્ટ ઈવન થીંક.’ ગાર્ગીએ સ્નેહલના હોઠ પર એના હોઠ ચાંપી જ દીધા. એને વળગી રહી. એરહોસ્ટેસ ત્યાંથી ધ્યાન આપ્યા વગર પસાર થઈ ગઈ. બિઝનેશ ક્લાસમાં આવાં દૃશ્યોની એમને નવાઈ નથી હોતી.
‘ગાર્ગી હું બિઝનેસમેન છું. ધારેલું થાય એના કરતાં ન ધારેલું થાય એની ગણત્રી આગળથી રાખવી એ મારી ધંધાકીય નીતિ રહી છે. અને એટલે જ હું સફળ પણ થયો છું. દીકરી પણ ગ્રેજ્યુએટ થશે. અત્યારથી જ બોયફ્રેંડ પણ શોધી રાખ્યો છે. બન્ને પરણી જશે. જો હું મરી જાઉં તો તારું કોણ? હજુ આપણે ઘરડાં થયા નથી. આર્થિક ચિંતા નથી. પણ સથવારાનું શું? આપણે અમેરિકામાં છીએ. તારે બીજા લગ્ન કરવા જોઈએ. જો તું લગ્ન કરે તો કોની સાથે કરે?’
‘આઈ ટોલ્ડ યુ ટુ શટ અપ. એન્જોય યોર ડ્રિન્ક્સ, હેવ યોર ડિનર એન્ડ ગો ટુ સ્લીપ. યુ આર ટાયર્ડ. એટલે વગર પીધે લવારા સૂઝે છે. કાલથી તારો બિઝનેશ શરૂ થશે અને સવારે નવ વાગ્યાથી રાત્રે બાર એક વાગ્યા સૂધી બીઝી અને બીઝી જ રહેશે. આઈ લવ યુ, તારા સિવાય હું કોઈ બીજા મેનની કલ્પના પણ નથી કરી શકતી.’
‘ના, કલ્પના કરવી જરૂરી છે. કલ્પના વાસ્તવિકતા બને તે પહેલાં દીર્ઘદૃષ્ટિ પૂર્વકનું આયોજન કરવું પણ જરૂરી છે. આપણે આપણી કાલ્પનિક સલામતી માટે જાતજાતના ઈંસ્યુરન્સ લઈએ છીએ. શા માટે? હું ના હોઉં તો તારી કાળજી કોણ લેશે. પૈસા છે, ધંધો છે; એ બધું કોણ સંભાળશે? આઈ એમ વેરી સિરિયસ.’
‘એક વાત પૂછું? મારા સબ્ટિટ્યૂટ તરીકે આપણો મિત્ર વ્રજેશ ચાલે? ડિવોર્સી છે. ભલો માણસ છે. તારો વર્ષો જૂનો દોસ્ત છે. તને તો મારો નવો પ્રોજેક્ટ ખબર છે. સાંડિયેગોમાં નવી ઓફિસનું કામ ચાલે છે. સ્ટિફનીને ત્યાંની જવાબદારી સંભાળવા ત્યાં મોકલી છે, પણ આપણે ઇંડિયા ગયાં તે પહેલાં એક મહિનામાં છ વાર દોડવું પડ્યું હતું. તારી ચિંતા ન હોત તો ત્યાંનું કામ હું સારી રીતે સંભાળી શક્યો હોત. હવે મારે ન્યુયોર્કની ઓફિસ કદાચ સાંડિયેગોથી સંભાળવી પડશે. મેં મારી ગેરહાજરીમાં વ્રજેશને તારી સંભાળ રાખવા સૂચવ્યું છે. મારે એ પણ જાણવું છે કે મારી હયાતી ના હોય તો તું સુખથી રહી શકે કે કેમ.’
‘તો મારી હયાતી બાદ તારા સુખનું શું? છે કોઈ?’
‘દુનિયાદારી સમજ. હું પુરુષ છું. મારે માટે તો ઘણાં વિકલ્પો હશે. પણ ડાર્લિંગ તને કંઈ થશે તો હું પાગલ થઈ જઈશ.’
‘પગલા કહીંકા.’
સ્નેહલ પર ડ્રિન્ક્સ અને ડિનરની અસર હતી. એ તો તરત ઊંઘી ગયો; પણ ગાર્ગી વિચારતી રહી. સ્ટેજ પર વ્રજેશની પ્રેમિકા અને પત્નીનો ભાગ ભજવી ચૂકી હતી. એની બેફિકરાઈ પર એ ફીદા હતી. જો સ્નેહલ એની જિંદગીમાં ન પ્રવેશ્યો હોત તો ચોક્કસ એની પત્ની બની ગઈ હોત. સ્નેહલને પણ વ્રજેશ પર વિશ્વાસ છે. હવે એ સારો દોસ્ત છે.
વિચારોના ચઢાવ ઉતારમાં ન્યુયોર્ક પર પ્લેન ક્યારે લેન્ડ થયું તેનો પણ ખ્યાલ ના રહ્યો. પોતાના આલીશાન બંગલામાં રોજીંદું જીવન શરૂ થયું. એક વિક પછી દશ દિવસમાં સ્નેહલને બે વાર સાંડિયેગો ટ્રીપ મારવી પડી.
ઈસ્ટ કોસ્ટથી વેસ્ટ કોસ્ટ, પાંચ છ કલાક્નો ફ્લાઈંગ ટાઈમ, એરપોર્ટ પરનો સમય અને ઘરથી એરપોર્ટ, એરપોર્ટથી હોટલની હાલાકી એટલે સહેજે દશ કલાકનું મોત.
સ્નેહલે ત્રણ ચાર મહિના સાંડિએગોમાં જ રહેવાનું નક્કી કર્યું. વ્રજેશ ગાગીને કંપની આપવા એની સાથે જ સમય ગાળવા લાગ્યો.
‘ગાર્ગી, આઈ લવ યુ. તારી બધી કાળજી રાખવાની મારી ફરજ છે. શારીરિક જરૂરિયાત માણવાનો સાચો સમય તો આ જ છે. મેનાપોઝ પછી મસ્તીનો મુક્ત કાળ. સ્નેહલની ગેરહાજરીમાં આપણે એકબીજાની હૂંફમાં જીવન જીવવાનું છે. સ્નેહલ પણ એ જ ઈચ્છે છે.’ એણે ગાર્ગીને બાહુપાશમાં જકડી લીધી.
ગાર્ગી ધક્કો મારીને છૂટી થઈ ગઈ. પ્લીઝ ડોન્ટ ટચ મી. સ્ટે અવે. આપણે માત્ર મિત્ર છીએ. મારા સેંથામાં હજુ સ્નેહલના નામનું સિંદુર છે. હું સ્નેહલની પત્ની છું. અને એની જ પત્ની તરીકે જીવીશ અને મરીશ.
વ્રજેશ નફ્ફટાઈથી ઊભો ઊભો તાળી પાડી રહ્યો હતો. વાહ ગાર્ગી વાહ. બ્રાવો. ત્રીસ વર્ષ પહેલાં આ જ ડાયલોગ સ્ટેજ પર તાળીઓના ગડગડાટ સાથે તેં કર્યો હતો. ફેર એટલો કે એ નાટકમાં સ્નેહલને બદલે તારા સેંથામાં મારા નામનું સિંદુર હતું.’ વ્રજેશે ફરી ગાર્ગીને પોતાની પાશમાં લેવાનો પ્રયાસ કર્યો.
ગાર્ગીએ વ્રજેશને એક સણસણતો તમાચો ઠોકી દીધો. ‘વ્રજેશ એ નાટક હતો. આ મારું વાસ્તવિક જીવન છે. એ વીતી ગયેલો ભૂતકાળ છે. અત્યાર સુધી આપણે મિત્ર હતા. હવે તું મૈત્રીને પણ લાયક રહ્યો નથી. ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ.’
‘ગાર્ગી, જીવન પણ એક ડ્રામા જ છે. તું અહીં સતી સાવિત્રી થઈને સ્નેહલની માળા જપે છે. અને તારો સ્નેહલ કેલિફોર્નિયામાં બિઝનેશ પાર્ટનર સ્ટેફની સાથે રંગરેલિયા મનાવે છે. તારો સ્નેહલ સ્ટેફનીના દશ વર્ષના દીકરાનો બાપ છે અને એને બીજું બાળક આવવાનું છે. એ બેવડી જિંદગી જીવે છે. લે આ કાર્ડ. સ્ટેફનીનું આમાં એડ્રેસ અને ફોન નંબર છે. તપાસ કરી ખાતરી કરી લેજે. આજે તો હું જાઉં છું. ખાતરી કરી લે જે. જરૂર હોય ત્યારે મને બોલાવજે. હું હાજર થઈશ. મિત્ર તરીકે, પ્રેમી તરીકે કે પતિ તરીકે.
વ્રજેશે ફ્લાઈંગ કિસ સાથે વિદાય લીધી. ગાર્ગી સોફાપર ફસડાઈ પડી. મારો સ્નેહલ કદી એવું કરે જ નહીં. કરે જ નહીં. કરે જ નહીં. હમણાં જ ફોન કરું. ના ફોન નથી કરવો. સીધી સ્ટેફનીના ઘરે જ પહોંચીશ. કાલે રવિવાર છે. સ્નેહલ હોટલમાં છે કે સ્ટેફનીને ત્યાં છે.
ગાર્ગીએ તે રાતની જ ફ્લાઈટ બુક કરી ……
રવિવારે વહેલી સવારે ટેક્ષી કેબ સ્ટેફનીના ઘ્રર પાસે અટકી. પૂરેપૂરી સ્વસ્થતાથી ગાર્ગીએ ડોરબેલ માર્યો. સ્નેહલે જ બારણું ખોલ્યું.
‘સ્નેહલ ડિયર સરપ્રાઈઝ, ગુડ મોર્નિંગ.’
સ્નેહલ સ્તબ્ધ અને અવાચક બનીને ગાર્ગીને જોતો રહ્યો.
‘મને તારા બીજા ઘરમાં અંદર આવવાનું નહિ કહેશે?’
‘ઓહ! કમ ઈન હની.’
એ ઘરમાં પ્રવેશી. માળ પરથી સ્ટેફની એક છોકરા સાથે નીચે ઉતરી. સ્ટેફની પ્રેગ્નન્ટ હતી.
‘સ્નેહુ, આટલો મોટો દગો? આટલી બધી છેતરપિંડી? મીઠી મીઠી વાત અને બે સ્ત્રીનો સંગાથ. મેં નાટકને જીવન બનાવ્યું અને તેં જીવનને નાટક બનાવ્યું. વાહ! ઍવૉર્ડ વિનીંગ પર્ફોરમન્સ. ડિઅર સ્ટેફની, વોટ ઈઝ ગોઈંગ ઓન? તારો આ સન સ્નેહલનો છે? તારા પેટમાં સ્નેહુનું બેબી છે?’
‘કામ ડાઉન ગાર્ગી. યુ મસ્ટ બી વેરી ટાયર્ડ. રિલેક્સ. વી વીલ ટોક એઝ એડલ્ટ. લેટ્સ હેવ બ્રેકફાસ્ટ ફર્સ્ટ.’ સ્ટેફનીએ ગાર્ગીને હગ કરતાં કહ્યું. સ્નેહલ હજુ પણ વિમાસણમાં હતો. કઈ રીતે ગાર્ગીને સમજાવવી. પણ સ્ટેફની સ્વસ્થ હતી. એણે ટેબલ પર ત્રણ કોફી મગ મૂક્યા.
‘ગાર્ગી જો તેં ફોન કર્યો હોત તો હું કે સ્નેહલ તને એરપોર્ટ પર લેવા આવતે.’ સ્ટેફની પણ ગાર્ગીના જેટલી જ સ્વસ્થ હતી. સ્નેહલ બાઘાં મારતો ઊભો હતો.
‘ગાર્ગી યોર હસબંડ ઈઝ માય બેસ્ટ ફ્રેંડ. હી ઈઝ માય સુપીરિયર એન્ડ માઈ પાર્ટનર. હી ઈઝ ધ ફાધર ઓફ માય ચિલ્ડ્રન. અમે કોલેજમાં હતાં ત્યારથી જ મિત્ર હતા. તારા ફાધર ઈન લોના પૈસાથી સ્નેહલે એ બિઝનેશ શરૂ કર્યો. મને દશ ટકાની વર્કિંગ પાર્ટનર બનાવી. તમારો બધો બિઝનેશ મેં જ વિકસાવ્યો છે. તમારા લગ્ન પહેલાં એણે મને પ્રપોઝ કર્યું જ હતું. પણ હું સ્વતંત્રતામાં માનું છું. હું કોઈની પત્ની બનવા માંગતી નથી. હું સ્નેહલની મિત્ર છું. મારે બાળકો જોઈતા હતાં. અને તારા હસબંડે મને બાળક આપ્યાં છે. મને મારા પગારથી અને પાર્ટનશીપથી સંતોષ છે. પત્ની તરીકેનો સંપૂર્ણ હક તારો જ છે. હી લવ્ઝ યુ એન્ડ હી લાઈક્સ મી. દિવસે એ મારો ખાસ મિત્ર છે. એ મારી સાથે હસી શકે છે. મારી સાથે રડી શકે છે. અમારા શરીર સંબંધો ખૂબ જ મર્યાદિત રહ્યા છે. મને સેક્સમાં રસ નથી. બે સંતાન પૂરતાં છે. તારો હસબંડ તારો જ છે. આઈ એમ ફોર્ટી સિક્સ. મોટી ઉમ્મરની પ્રેગ્નન્સીમાં તકલીફ ઊભી થઈ હતી. એટલે ત્રણ મહિનાથી એ અહીં મારી સાથે રહ્યો છે. નાવ આઈ એમ ઓકે. મેં એને ઘણી વાર વિનવ્યો હતો કે પ્લીઝ તારે આપણા સંબંધોની સ્પષ્ટતા ગાર્ગી સાથે કરી દેવી જોઈએ; પણ એ કરી શક્યો નહિ. એ માટે હું દિલગીર છું. મેં તમારી વચ્ચેથી ખસી જવા અનેકવાર પ્રયત્નો કર્યા હતા પણ એણે મને જવા દીધી નહિ. આઈ એમ સોરી. તું એને તારી સાથે લઈ જઈ શકે છે.’
‘હની, આઈ લવ યુ. આઈ કેર ફોર યુ.’ સ્નેહલ ગુનાહિત ભાવે ગાર્ગીને સમજાવવા કોશીશ કરતો હતો. ‘મને ખબર છે કે લગ્ન પહેલાં તું વ્રજેશને ચાહતી હતી. માબાપે તારા લગ્ન મારી સાથે કરાવ્યા. તેં ભૂતકાળ ભૂલીને મને અપનાવી લીધો. પ્રેમાળ વફાદાર પત્ની તરીકે સંસાર નિભાવ્યો. તેં મને અપાર પ્રેમ આપ્યો છે. લગ્ન પછી છ માસમાં જ તારા પપ્પા મમ્મી ગુજરી ગયા. ઇંડિયામાં હવે તારું કોઈ જ નથી. હું ગીલ્ટી ગુનાહિત ભાવથી પિડાતો હતો. જે છૂટછાટ મારા જીવનમાં મૈત્રીના નામ હેઠળ પચ્ચીસ પચ્ચીસ વર્ષ હું ભોગવતો રહ્યો તે જ જીવનની તને પણ છૂટ હોવી જોઈએ એમ વિચારીને જ મેં તારા મિત્ર વ્રજેશને તારી કાળજી લેવાનું કહ્યું હતું. બીજી વાત આપણી દીકરી, સ્ટેફની સાથેના મારા સંબંધ અને મારા સન અને આવનાર બેબી વિશે જાણે જ છે. પ્લીઝ મને માફ કરી દે. આઈ લવ યુ, આઈ લવ યુ. સ્ટેફનીનો પણ હું એટલો જ આભારી છું. મૂડી રોકાણ ભલે મારું હતું પણ બિઝનેશની સફળતા સ્ટેફનીની કાબેલિયતને કારણે જ છે. એ મારા જીવનનો એક ભાગ છે. આઈ લવ યુ ડાર્લિંગ. આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ યુ.’
‘આઈ લવ યુ ટૂ. પણ હું તારી જેમ ડબલ રિલેશન જીવી શકું નહિ. વ્રજેશ સાથે હું કોઈ સંબંધ રાખી શકું નહિ. હું તારા અને સ્ટેફનીના સંબંધ વચ્ચે પણ નહિ આવું. તારું ઘર, તારો બિઝનેશ તને મુબારક. આપણે કાયદેસર ડિવૉર્સ લઈ લઈશું. હું મારો એપાર્ટમેન્ટ શોધી લઈશ. આઈ કેન મેનેજ માઈ લાઈફ બાય માઈસેલ્ફ. આમ છતાં, મરીશ ત્યાં સુધી મારા કપાળ પર ચાંદલો અને સેંથામાં સિંદુર તો તારા નામનું જ રહેશે. કરણ કે હું હિંદુ સંસ્કૃતિની પેદાશ છું.’
ગાર્ગી ઘરની બહાર નીકળી ગઈ.
*****************************
પ્રગટ : “ગુજરાત દર્પણ”; માર્ચ 2021
સૌજન્ય : પ્રવીણકાન્ત શાસ્ત્રીની ફેઇસબૂક દીવાલેથી સાદર