ચિરસ્થાયી આવશ્યકતા
ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ, પર્યાવરણવાદી, લેખક અને પ્રબુદ્ધ વક્તા રામચંદ્ર ગુહા ગાંધી વિચાર અને જીવન પદ્ધતિ વિશેના તેમના સિદ્ધાંતો આજે શા માટે પ્રસ્તુત છે તે અત્યંત તર્કબદ્ધ રીતે દર્શાવે છે જે એમના જ શબ્દોમાં જાણીએ.
− આશા બૂચ
•
ગાંધીના નિર્વાણ બાદ, 75 વર્ષ જેટલા લાંબા સમય પછી, ગાંધી ખરેખર હજુ મહત્ત્વના છે? એમનું મહત્ત્વ હોવું જોઈએ? આ લેખમાં હું ગાંધી, તેમનું જીવન અને વિચારો હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેના ભારે વજૂદવાળાં દસ કારણો આપીશ.
ગાંધીનું મહત્ત્વ છે એનું પ્રથમ કારણ છે, તેમણે ભારતને અને સારાયે વિશ્વને પોતે શસ્ત્ર બળનો ઉપયોગ કર્યા વિના અન્યાયી સત્તાનો સામનો કરવાનો ઉપાય આપ્યો. રસપ્રદ બાબત એ છે કે સત્યાગ્રહનો વિચાર જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતીય લોકો 11 સપ્ટેમ્બર 1906ને દિવસે જાતિભેદ ધરાવતા કાયદાનો વિરોધ કરીને જેલમાં જવા તત્પર થવા એકઠા મળેલા ત્યારે થયો. એ ઘટનાના 95 વર્ષ બાદ આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ધ્વંસ કર્યો. બે 9/11ની ઘટના : એક અહિંસક લડત અને વ્યક્તિગત બલિદાન મારફત ન્યાય માગનારી ચળવળ હતી, તો બીજી દુ:શ્મનો પર ત્રાસ અને શસ્ત્ર બળના ઉપયોગ દ્વારા ધાક બેસાડવા ખેલાયેલ જંગ હતો. ઇતિહાસ ગવાહ છે કે અન્યાય સામે વિરોધ કરવામાં સત્યાગ્રહ તેના અન્ય વિકલ્પો કરતાં વધુ નૈતિક અને અસરકારક સાબિત થયો છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રથમ તેની અજમાયશ થઇ, ત્યાર બાદ તેનું અનુકરણ ઘણી જગ્યાએ થયું, સહુથી વધુ નોંધપાત્ર કદાચ અમેરિકાની નાગરિક અધિકારની ચળવળ ગણાવી શકાય.
ગાંધી મહત્ત્વના છે તેનું બીજું કારણ એ છે કે તેઓ પોતાના દેશ અને સંસ્કૃતિને ચાહતા હતા, સાથો સાથ તેને વિરૂપ કરનારાં તત્ત્વો શોધીને તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરતા હતા. ઇતિહાસકાર સુનિલ ખિલનાની કહે છે તેમ, ગાંધી માત્ર બ્રિટિશરો સામે નહોતા જંગે ચડ્યા, તેઓ ભારત સામે પણ યુદ્ધે ચડ્યા હતા. તેઓ પોતાના સમાજને – આપણા સમાજને ઓળખતા હતા. વ્યાપક અને ઊંડે સુધી પ્રસરી ગયેલી અસમાનતાના રૂપમાં એ ચિત્રિત થાય છે એ તેઓ જાણતા હતા. ભારતીય પ્રજાને સ્વતંત્રતા માટે યોગ્ય બનાવવાની ઈચ્છામાંથી અસ્પૃશ્યતા સામેની લડાઈનો જન્મ થયો. અને મુખ્યત્વે નારીવાદી ન હોવા છતાં તેમણે મહિલાઓને જાહેર જીવનમાં સક્રિય કરવા ઘણો ફાળો આપ્યો.
ગાંધીની મહત્તા હજુ આજે પણ છે એનું ત્રીજું કારણ એ છે કે તેઓ એક હિન્દુ હતા છતાં પોતાની નાગરિકતા ધર્મને આધારે વ્યાખ્યાયિત કરવા તેઓ બિલકુલ સંમત નહોતા. જેમ જ્ઞાતિપ્રથાએ ભારતના સમાજને ક્ષિતિજની સમાંતર રેખામાં વિભાજીત કર્યો, તો ધર્મએ ભારતને શિરોબિંદુથી સીધી રેખામાં વિભાજીત કર્યો છે. આ ઊભી રેખામાં ઐતિહાસિક રીતે વિરુદ્ધ એવા બે સમાજ વચ્ચે પુલ બાંધવા ગાંધીએ ખૂબ સંઘર્ષ વેઠ્યો. હિન્દુ – મુસ્લિમ વચ્ચેની સંવાદિતા એ એમનો હંમેશની નિસબતનો વિષય હતો; તેને માટે જ તો તેઓ જીવિત હતા અને અંતે એ માટે મૃત્યુને ભેટવા પણ તૈયાર હતા.
ગાંધીની પ્રસ્તુતતાનું ચોથું કારણ એ ગણાવી શકાય કે તેઓ ગુજરાતી સંસ્કૃતિથી પૂરેપૂરા રંગાયેલા હતા, અને ગુજરાતી ગદ્ય લેખનમાં સિદ્ધહસ્ત હતા એ સર્વમાન્ય છે, છતાં તેઓ પ્રાંતવાદને પોષનારા નહોતા. જેમ તેમના હૃદયમાં પોતાના ધર્મ ઉપરાંત બીજા ધર્મ માટે સ્થાન હતું તેમ પોતાની ભાષા જેટલી જ ચાહ અને સ્થાન અન્ય ભાષાઓ પ્રત્યે ધરાવતા હતા. ભારતમાં ધર્મ અને ભાષાઓ વચ્ચેના વૈવિધ્યની સમજ તેમના વિદેશ વસવાટ દરમ્યાન વધુ ઘેરી બની, કેમ કે તેમના નિકટના સાથીઓ જેટલા હિન્દુ હતા તેટલા જ મુસ્લિમ અને પારસી હતા, અને ગુજરાતી બોલનારા જેટલા જ કદાચ તમિલ ભાષા બોલનારા પણ હતા.
પાંચમું કારણ ગાંધીની મહત્તાનો અહેસાસ કરાવે તેવું એ છે કે તેઓ દેશભક્ત હતા તેટલા જ રાષ્ટ્રો વચ્ચે હિતૈક્ય અને મૈત્રીભર્યા સહકારના સિદ્ધાન્તની હિમાયત કરનાર હતા. તેઓ ભારતીય સભ્યતાની સમૃદ્ધિ અને વારસાનું મૂલ્ય સમજતા હતા, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે 20મી સદીમાં કોઈ દેશ કૂવામાંના દેડકાની જેમ જીવી ન શકે. વ્યક્તિ જો પોતાની જાતને બીજાની દૃષ્ટિથી જુએ તો તેને મદદ થાય. તેમના પર ભારતની અસર હતી તેટલી જ પશ્ચિમી સભ્યતાની પણ હતી. તેમના આધ્યાત્મિક અને રાજકીય દૃષ્ટિકોણ જેટલા ગોખલે અને રાયચંદભાઈને આભારી હતા તેટલા જ ટોલ્સટોય અને રસ્કિનને પ્રતાપે વિકસ્યા હતા. જાતિ અને અન્ય વિભિન્નતાઓ વચ્ચે પણ તેમણે હેન્રી અને મિલી પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ સાથે અતૂટ મૈત્રી કેળવી કે જેણે તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા બજાવી.
અહીં હું ક્ષણિક વિરામ લઈને સમજાવવા માગુ છું કે ગાંધીના વારસાના ઉપરોક્ત પાંચ પાસાંઓ વિના સ્વતંત્ર ભારતે જે માર્ગ લીધો તેનાથી તદ્દન અલગ રાહ જ લીધો હોત. કેમ કે ગાંધીએ વાટાઘાટની તરફેણમાં હિંસાને વર્જ્ય ગણી, જેને કારણે બહુ પક્ષીય લોકશાહી તરીકે ઉભરી આવવામાં ભારતને મદદ થઇ, જ્યારે મોટા ભાગના એશિયન અને આફ્રિકાના દેશોએ સ્વશાસન માટે હિંસક માર્ગ લઈને એક પક્ષીય એકહથ્થુ સત્તા સ્થાપી. ગાંધી અને આંબેડકરે લિંગ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો, જે સિદ્ધાંતો આપણા બંધારણમાં લેખિત રૂપમાં સામેલ થઇ ગયા. ગાંધી અને જવાહરલાલ નહેરુ જેવા લોકોએ ધાર્મિક અને ભાષાકીય સ્વાતંત્ર્ય પર ભાર મૂક્યો જેથી દુનિયાના અન્ય દેશોની માફક ભારતનું નાગરિકત્વ કોઈ એક ચડિયાતા ધર્મ કે એક બળૂકી ભાષાને આધારે નિર્ધારિત ન થયું.
આંબેડકર અને નહેરુના નામનો ઉલ્લેખ સૂચવે છે કે હું એક પણ ક્ષણ માટે એવો દાવો કરવા નથી માંગતો કે ભારતના લોકશાહી અને સર્વ સમાવેશી નૈતિક વલણોને ગાંધીએ એકલપંડે ઘાટ આપ્યો. જો કે તેમણે લોકશાહી, સાંસ્કૃતિક વૈવિધ્યમાં સહઅસ્તિત્વની ભાવના અને સામાજિક ઐક્ય ઉપર વારંવાર ભાર મૂકીને દેશના ઘડતરમાં મહત્ત્વનો ભાગ જરૂર ભજવ્યો.
ગાંધી મહત્ત્વના છે તેનું છઠ્ઠું કારણ છે, તેઓ અઠંગ પર્યાવરણવાદી હતા, જેમણે આગાહી કરી હતી કે નિરંકુશ પ્રગતિ અને ગ્રાહકવાદ આપણા ગ્રહનો વિનાશ સર્જી શકે. તેમણે ડિસેમ્બર 1928માં લખેલું : “ભગવાન ન કરે કે ભારત પશ્ચિમને અનુસરીને તેમની માફક ઔદ્યોગિકરણ ન અપનાવે. ઇંગ્લેન્ડ જેવા નાના ટાપુનો આર્થિક સામ્રાજ્યવાદ આજે દુનિયાને એક સાંકળમાં બાંધી બેઠો છે. જો 30 કરોડની પ્રજા ધરાવતો આખો દેશ એના જેવું આર્થિક શોષણ કરવા તરફ વળશે, તો તીડની માફક એ સારી ય પૃથ્વીને વેરાન બનાવી દેશે.” આ અદ્દભુત દૂરંદેશી હતી, કેમ કે પશ્ચિમે શોધી કાઢેલા મૂડી, સંસાધનો અને ઉર્જા કેન્દ્રિત ઔદ્યોગીકરણના માર્ગનું અનુસરણ કરવાથી ચીન અને ભારત આજે ખરેખર આ દુનિયાને તીડનાં ઝૂંડની માફક પૃથ્વીને ઉજ્જડ કરવાની અણી પર આવી રહ્યા છે. પોતાના જીવન અને કાર્ય દ્વારા ગાંધીએ સંયમ અને જવાબદારીપૂર્ણ વ્યવહારનાં મૂલ્યોનું સમર્થન કર્યું, કે જેને અપનાવવા પર આપણી પૃથ્વીના ભાવિનો આધાર છે.
ગાંધીની મહત્તા આજે પણ એટલી જ છે તેનું સાતમું કારણ છે, પોતાની શક્તિનો વિકાસ કરવાની અને વધુ ઉત્કૃષ્ટ થવાની તેમની શક્તિ. જેમ જેમ તેઓ નવા પડકારોનો સામનો કરતા ગયા, નવા અનુભવો મેળવતા ગયા તેમ તેમ તેઓ પોતાના આચાર-વિચાર બદલતા ગયા. અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કિન્સનું પ્રખ્યાત (કદાચ ગફલતથી એમનું છે એમ માનવામાં આવે છે) અવતરણ છે : “જ્યારે હકીકત બદલે, ત્યારે હું મારો વિચાર બદલું. અને તમે શું કરો, સર?” ગાંધીએ 1934માં કહેલું તે આ મુજબ છે, “હું મારી સુસંગતતા માટે કોઈ દાવો નથી કરતો. જો હું દરેક પળે મારી જાત પ્રત્યે સત્યનું પાલન કરતો રહું, તો મને અસંગત હોવાનું માનવામાં આવે તેનો કશો વાંધો નથી.”
પોતાના જીવન દરમિયાન ગાંધીએ ત્રણ અતિ મહત્ત્વના મુદ્દાઓ વિષે પોતાના વિચારો બદલ્યા. જાતિ, જ્ઞાતિ અને લિંગભેદ. આ ત્રણેય વિષે પોતાના નાની વયે બંધાયેલા પૂર્વગ્રહોને સ્થાને વધુ પરિપક્વ વલણો કેળવાયાં. જાતિ વિશે ખાસ ન વિચારનારા યુવકમાંથી જાતિવાદના પ્રખર વિરોધી બન્યા, પરંપરાગત ચાલતી આવેલી જ્ઞાતિ પ્રથાનો ભીરુતાથી અચકાતા વિરોધ કરનારમાંથી જ્ઞાતિભેદનો સીધો અને નિઃસંકોચ પણે વિરોધ કરનાર બન્યા, મહિલાઓને બિન રાજકીય ભૂમિકા સોંપનાર અગેવાનમાંથી મહિલાઓ જાહેર જીવનમાં અને સ્વાતંત્ર્યની લડાઈમાં સમાન ભાગીદારી કરે એવું માનીને તેમને પૂરેપૂરું પ્રોત્સાહન આપનારા બન્યા.
હવે ગાંધીની મહત્તાનું આઠમું કારણ જોઈએ. તેમનામાં પોતાના અનુયાયીઓમાંથી નેતા બનાવવાનું ભાગ્યે જ જોવા મળે તેવું કૌશલ્ય હતું. તેઓ અન્યમાં રહેલી શક્તિને પિછાણી લેતા, તેનું સંગોપન કરતા અને પછી તેમને પૂર્ણ રીતે વિકસવા સ્વતંત્ર છોડી દેતા. તેમના અસંખ્ય અનુયાયીઓ, કે જેઓ તેમની આસપાસ એકઠા થયેલા એ સમય જતા પોતાની શક્તિના બળ પર ઇતિહાસ રચનારા બની ગયા. આ અનુયાયીઓમાંથી નેતા બની ગયેલા નોંધનીય હસ્તીઓમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકીર હુસૈન, જે.બી. ક્રિપ્લાની, જે.સી. કુમારપ્પા, સરલાદેવી સારાભાઈ (કેથરીન મેરી હેઈલમાન) અને બીજા અનેકનો સમાવેશ થાય.
ગાંધીની ભાવિ નેતાઓ તૈયાર કરવાની શક્તિ સ્વતંત્ર ભારતના ત્રણ વડા પ્રધાનોની તેમ કરવાની અશક્તિ કરતાં તદ્દન વિરુદ્ધ છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પોતપોતાનાં ચારિત્ર્ય અને રાજકીય વિચારધારાઓમાં એકબીજાંથી ઘણા અલગ છે, પણ એક બાબતમાં ત્રણેયમાં સામ્ય છે – રાજકીય પક્ષ, સરકાર અને રાજ્યમાં પોતાના અસ્તિત્વને ભાળવું. ઇન્દિરા ગાંધીએ સત્તાનું વ્યક્તિગત માલિકીપણું નહેરુ કરતાં પણ વધુ આગળ ધપાવ્યું, અને મોદી તો ઇન્દિરા ગાંધી કરતાં પણ વધુ આગળ નીકળી ગયા. અને છતાં એ ત્રણેય પોતાને સત્તા પરથી હઠાવી ન શકાય અને અન્ય કોઈને તેમના સ્થાને મૂકી ન શકાય તેવું માનનારા હતા. તેઓએ તેમના પછીની પેઢીમાં કોઈ નેતા તૈયાર થાય એ માટે કશો પ્રયાસ નહીં કરેલો. (રાજકારણના બહારના ક્ષેત્રમાં વ્યક્તિગત સત્તા ભોગવવાનું લક્ષણ ભારતના મોટા નિગમના નેતાઓ અને સામાજિક સંગઠનોના આગેવાનોમાં વ્યાપકપણે જોવા મળે છે, કે જેઓ પોતાની જાતને જ જે તે સંગઠન તરીકે ઓળખાવતા હોય છે.)
હવે ગાંધીની મહત્તા આજે પણ પ્રસ્તુત છે તેનું નવમું કારણ જોઈએ. તેઓ પ્રતિપક્ષીના દૃષ્ટિકોણને સમજવા હંમેશ ઇચ્છુક રહેતા, તેમ જ પરસ્પરને માન્ય હોય તેવું સમાધાન કરવા સદાય તત્પર રહેતા. આથી તેઓ પોતાના પ્રતિસ્પર્ધીઓ જેવા કે મહમ્મ્દ અલી જિન્નાહ અને આંબેડકર તથા દક્ષિણ આફ્રિકા અને ભારતમાં સામ્રાજ્યના એલચીઓ વચ્ચે એક સામાન્ય ભૂમિકા શોધી શક્યા. ગાંધીને કોઈ સાથે વ્યક્તિગત અભાવ કે નફરતની લાગણી નહોતી, માત્ર બૌદ્ધિક કે રાજકીય મતભેદ, અને તેઓ આશા રાખતા કે એ બધા પણ હલ કરી શકાય તેવા છે. કોઈના પણ પ્રત્યે દ્વેષ રાખવાની તેઓમાં બિલકુલ શક્તિ નહોતી.
ગાંધી આજે મહત્ત્વના છે તેનું દસમું કારણ, તેમની રાજકીય જીવનમાં રહેલી પારદર્શિકતા. તેમના આશ્રમમાં કોઈ પણ પહોંચી જઈને તેમની સાથે ચર્ચા કરી શકે; ખરેખર, આખર એમ જ બન્યું, કોઈ પણ વ્યક્તિ તેમના સુધી પહોંચી જઈ શકે અને તેમની હત્યા કરી શકે. તેમના કે આપણા સમયમાં સલામતી દળોની ટુકડી સાથે રાખી ફરતા રાજકીય નેતાઓના જીવન કરતાં આ કેવો વિરોધાભાસ!
ગાંધીના જીવનમાંથી મળતી શીખ, જેનો મેં અહીં ઉલ્લેખ કર્યો છે એ માત્ર આ દેશ પૂરતી જ પ્રસ્તુત નથી. જો કે વર્તમાન સમયના આક્રમક ધાર્મિક બહુમતીવાદ, નિંદાત્મક ભાષણો અને અન્યો પ્રત્યેના અભદ્ર વર્તનથી સભર રાજકારણ, નેતાઓ અને સરકાર દ્વારા જૂઠાણાં અને ખોટા પ્રચારકીય સમાચારોનો પૂરો પાડવામા આવતો પુરવઠો અને પર્યાવરણની થતી બરબાદી અને વ્યક્તિ પૂજાનું વધતું જોર એ બધું જોતાં લાગે છે કે ભારતમાં કદાચ ગાંધીનું મહત્ત્વ સમજવું સૌથી વધુ જરૂરી છે.
Courtesy: The article has been adapted from The Telegraph, dt. 28.1.2023
e.mail : 71abuch@gmail.com