
રમેશ ઓઝા
વિધિનો ખેલ જ કહેવો પડે! જે પક્ષે કેન્દ્રમાં અને રાજ્યોમાં દાયકાઓ સુધી શાસન કર્યું, જે પક્ષને ભ્રષ્ટાચારની ગંગોત્રી માનવામાં આવતો હતો, જે પક્ષના કેન્દ્રીય નેતૃત્વને એટલે કે નેહરુ-ગાંધી પરિવારને ભારતીય લોકતંત્રની બીમારીનું કારણ સમજવામાં આવતો હતો, જે પરિવારને સૌથી વધુ ધિક્કારવામાં આવતો હતો એ પક્ષ અને એ પરિવાર આજે ભારતીય લોકતંત્રને બચાવવા માટે પહેલી હરોળમાં મોખરે છે અને ડર્યા વિના તાનાશાહીનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ જે લોકો પોતાને ક્રાંતિકારી, પવિત્ર, સવાયા દેશપ્રેમી, માત્ર લોકહિતને વરેલા અને સત્તાની પરવા નહીં કરનારા ત્યાગી તરીકે ઓળખાવતા હતા એ મૂંગા છે. કેટલાકે તો લોકશાહી મૂલ્યો ખાતર તેને બચાવવાના ઉદાત્ત હેતુથી પ્રેરાઈને કાઁગ્રેસમાંથી ઉચાળા ભર્યા હતા અને પોતપોતાના પક્ષ રચ્યા હતા. કાઁગ્રેસીઓનાં મેલાં વસ્ત્રો સામે પોતાની સફેદીનો ગર્વ હતો. કેટલાકે દલિતોને, બહુજન સમાજને અને પોતાના પ્રદેશનાં ખાસ હિતો માટે અલગ પક્ષ રચ્યા હતા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસ તેમને ન્યાય આપતી નથી અને આપવાનો કોઈ ઈરાદો ધરાવતી નથી.
અને આજે? આજે દલિતો, બહુજન સમાજ, સ્ત્રીઓ, પ્રાદેશિક હિતો, સમવાય ભારત, વગેરે માટે જો કોઈ બોલતું હોય તો એ કાઁગ્રેસ અને પરિવાર.
આમ કેમ બન્યું હશે? ક્યાં ગયા એ બુલંદ અવાજો? અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ તો નજીકનાં ભૂતકાળની ઘટના છે એટલે આપણને યાદ છે, બાકી ભારતનાં રાજકીય આકાશમાં જેટલા નેતાઓ નજરે પડે છે એ બધા જ કોઈને કોઈ સમયે ક્રાંતિકારીઓ હતા. તેમને દેશ, પ્રજા અને પવિત્ર મૂલ્યો ખાતર જાનફેસાની કરવા સિવાય બીજું કાંઈ સૂઝતું નહોતું અને તેનાં ખાતર દેશને કાઁગ્રેસમુક્ત કરવો હતો. દેશ કાઁગ્રેસમુક્ત ન થાય તો કમ સે કમ પોતાનાં રાજ્યને તો કાઁગ્રેસમુક્ત કરવું જ રહ્યું. કમ સે કમ જે પ્રજાનો અવાજ હોવાનો એ લોકો દાવો કરતા હતા એ પ્રજાને કાઁગ્રેસના પ્રભાવથી તેઓ મુક્ત કરવા માગતા હતા. સિનારિયો એવો હતો દેશમાં દાયકાઓ સુધી એક માત્ર સ્થાપિત હિત હતું ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ અને બાકીના બધા જ સમૂળી ક્રાંતિ કરવા ઇચ્છનારા પરમ પવિત્ર યોદ્ધા હતા. ક્યાં ગયા એ યોદ્ધાઓ?
અહીં રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ અને એ જ નામની સત્યજિત રાયની ફિલ્મ યાદ આવે છે. બંગાળના એક પરગણામાં સંદીપ નામનો એક ક્રાંતિકારી આવે છે અને એ પરગણાના નિખિલેશ નામના જમીનદારનો મહેમાન બને છે. સંદીપ હિંદુ ધર્મની, ભારતવર્ષની અને આર્યાવર્તની મહાનતાની મોટી વાતો કરે છે અને પ્રજાને હાથમાં હથિયાર લેવા અને આઝાદી માટે ક્રાંતિ કરવા ઉશ્કેરે છે. એ પણ કહેતો હતો કે કાઁગ્રેસના કેટલાક નેતાઓ ડરપોક છે, સ્થાપિત હિતોનું રક્ષણ કરે છે, તેઓ આઝાદી અપાવી શકે એમ નથી વગેરે. વક્તા તો એવો કે રુવાડાં ઊભા કરી દે. હવે બીજો પક્ષ જુઓ જે જમીનદારનો છે. બેફામ બોલનારો ક્રાંતિકારી જમીનદારનો પરોણો છે અને જમીનદાર દેખીતી રીતે પોતાનું હિત જોખમાતું હોવા છતાં ય તે પેલા ક્રાંતિકારીને કહેતો નથી કે મારે ઘરેથી અન્યત્ર ચાલ્યો જા. તારી રાજકીય પ્રવૃત્તિ મને નુકસાન પહોંચાડી શકે છે. એ જમીનદારની પત્ની બિમલા આ ક્રાંતિકારીની ભાષા અને ૫૬ ઈંચની છાતી જોઇને આકર્ષાય છે, પણ જમીનદાર પોતાની પત્નીને પણ રોકતો નથી. તે અત્યંત શાલીનતાપૂર્વક, કોઈના અવાજને વાચા આપવાનો ઠેકેદાર બન્યા વિના પોતાની પત્નીના અવાજનો આદર કરે છે. પત્નીની સ્વતંત્રતાની વચ્ચે પુરુષ (અને તેમાં પણ પતિ) બનીને બાધા નથી નાખતો. કદાચ પોતાનું ઘર તૂટે એવી સ્થિતિ સર્જાય છે. પણ એની વચ્ચે બન્યું એવું કે આ ક્રાંતિકારકની જલદ ભાષાથી ઉશ્કેરાયેલા લોકો કાયદો હાથમાં લે છે અને તોફાનો થાય છે. જોતજોતામાં તોફાનો ફેલાય છે, અંગ્રેજ પોલીસ આવે છે અને પેલો ક્રાંતિકારી સંદીપ પ્રજાને ભગવાન ભરોસે મૂકીને ભાગી જાય છે. તોફાનોની અગનજ્વાળામાં વચ્ચે જવાનું કામ અને લોકોને શાંત પાડવાનું કામ પેલો “સ્થાપિત હિત ધરાવનારો, ડરપોક અને અંગ્રેજોનો વહાલો થઈને” રહેનારો નિખિલેશ નામનો જમીનદાર કરે છે.
તો આ આજની વાત નથી. સો વરસનો આવો ઇતિહાસ છે. રવીન્દ્રનાથ ટાગોરે બંગભંગનાં આંદોલન વખતે કેટલાક કહેવાતા ક્રાંતિકારીઓની અર્થાત્ રાષ્ટ્રવાદીઓની બુઝ્દીલી પોતાની સગી આંખે જોઈ અને અનુભવી હતી. આ એ લોકો હતા જેઓ રવીન્દ્રનાથને ડરપોક, સ્થાપિત હિતો ધરાવનારા જમીનદાર, અંગ્રેજોના ગુલામ, પાશ્ચાત્ય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા પશ્ચિમપરસ્ત ભારતવિરોધી કહેતા હતા. કારણ? કારણ કે રવીન્દ્રનાથે પશ્ચિમમાં ઊગેલા, ઉછરેલા, વિકસેલા અને ભારતમાં પ્રવેશવા ઈચ્છતા રાષ્ટ્રવાદને એક અભિશાપ એક જોખમ તરીકે ઓળખાવ્યો હતો જેને કેટલાક લોકો ભારતમાં દાખલ કરવા ઈચ્છતા હતા. આમ સો વરસ કરતાં પણ વધુ વખતથી વખતો વખત દેશમાં ક્રાંતિકારીઓ પેદા થતા રહે છે જે પોતાને અસલી અને કાઁગ્રેસને નકલી કહેતા આવ્યા છે. આમાં મુખ્યત્વે હિન્દુત્વવાદીઓ, સામ્યવાદીઓ અને સામાજિક ન્યાયના મશાલચીઓનો સમાવેશ થાય છે. આ લોકોએ આઝાદી માટેની એકેય લડતમાં ભાગ નહોતો લીધો. ઊલટું અંગ્રેજોને તેનાં સંકટમાં મદદ કરી હતી. એ લોકોએ માફી માગી છે, બાંયધરીઓ આપી છે; પણ હા કાઁગ્રેસને ડરપોક, સ્થાપિત હિતોની એજન્ટ, જૈસે થે વાદી તરીકે ઓળખાવવાનું ચુક્યા નહોતા.
આઝાદી પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો. પોતાની રાજકીય જગ્યા બનાવવા ઈચ્છનારાઓ પોતાને મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને સામાજિક ન્યાયના એક માત્ર મશાલચી તરીકે ઓળખાવતા હતા અને કાઁગ્રેસને ઉપર કહી એવી ગાળો આપતા હતા. એમાં એક ઉમેરણ થયું હતું સત્તાપિપાસુ અને ભ્રષ્ટ હોવાનું. કેટલાક કાઁગ્રેસીઓ પણ મોકો જોઇને કાઁગ્રેસના નેતાઓને (એટલે કે પરિવારને) સત્તાલોલુપ અને ભ્રષ્ટ તરીકે ઓળખાવતા હતા અને પવિત્રતાનો અંચળો ઓઢીને કાઁગ્રસમાંથી બહાર નીકળીને કાઁગ્રેસની વિરુદ્ધ જતા હતા. અત્યારે ભારતની ભૂમિ ઉપર જેટલા રાજકીય પક્ષો છે એ બધા જ પક્ષના નેતાઓ કોઈને કોઈ સમયે કાઁગ્રેસને નાપાસ કરીને દેશને બચાવી લેવા મેદાનમાં ઉતરેલા નરપુન્ગવો છે. માથા પર કફન બાંધીને તેઓ દેશહિતમાં, પ્રજાહિતમાં મેદાનમાં ઉતર્યા હતા.
અને આજે? આજે પણ એ જ જોવા મળી રહ્યું છે જે આઝાદી પહેલાં જોવા મળ્યું હતું. ત્યારે તેઓ અંગ્રેજોથી ડરતા હતા અને આજે બી.જે.પી.ના માથાભારેપણાથી. ત્યારે તેઓ કાઁગ્રેસની સામે બોલતા હતા અને અંગ્રેજોની બાબતે મૂંગા રહેતા હતા અથવા મદદ કરતા હતા. આજે પણ એનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે. કાઁગ્રેસની ટીકા કરે છે, પણ શાસકો વિરુદ્ધ કોઈ હરફ ઉચ્ચારતું નથી. પવિત્ર ક્રાંતિકારીઓને ખાતરી હતી કે કાઁગ્રેસનો મધ્યમમાર્ગ તેમને ક્યારે ય નુકસાન પહોંચાડવાનો નથી અને ઉપરથી કાઁગ્રેસનો મધ્યમ માર્ગ કાઁગ્રેસને સ્થાપિત હિતના એજન્ટ અને બીજું શું શું કહીને પોતાની રાજકીય જગ્યા બનાવવામાં ખપનો છે. કાઁગ્રેસથી ઊલટું અંગ્રેજોની જેમ જ બી.જે.પી. મધ્યમમાર્ગી નથી એટલે આઝાદી પહેલાં જોવા મળ્યું હતું એમ પોતાને કાઁગ્રેસનો વિકલ્પ, અસ્સલ ક્રાંતિકારી, પવિત્ર અને શૂચિર્ભું સમજનારાઓ દરમાં છૂપાઈ ગયા છે.
પણ કાઁગ્રેસ બોલે છે. રાહુલ ગાંધી ડર્યા વિના બોલે છે. રાહુલ ગાંધી એ લોકો માટે પણ બોલે છે જેનાં હિતમાં બોલવા સારુ કેટલાક લોકોએ ખાસ પક્ષો રચ્યા હતા. દલિતની કન્યા માટે માયાવતી નથી બોલતાં રાહુલ ગાંધી બોલે છે. ખેડૂતોના હિત માટે જે તે પક્ષોના કિસાન સંગઠન નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ઘરે બાહિરીમાં જોવા મળ્યું હતું એમ ક્રાંતિકારીઓ ભાગી ગયા છે અને પેલો “બુઝદિલ, સ્થાપિત હિત ધરાવનારો, જૈસેથે વાદી” નિખિલેશ અર્થાત્ રાહુલ ગાંધી બોલે છે.
આને શું કહીશું?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 માર્ચ 2023