અંગ્રેજ લશ્કરના કેપ્ટને લખ્યો મરાઠા રાજવટનો ઇતિહાસ
મારા પુસ્તકનું નામ બદલીને હું વાચકોને છેતરી ન શકું
છાપેલાં લગભગ ૧૨૦૦ પાનાં થાય એવા પુસ્તકની હસ્તપ્રતનું પોટલું લઈને ૩૭ વરસનો એક યુવક પુસ્તક પ્રકાશક જોન મરે પબ્લિશર્સ લિમિટેડની ઓફિસમાં જાય છે. પરદેશમાં ઘણાં વરસ પુષ્કળ કામ કર્યું છે, અને તે ય પાછું ખરાબ હવાપાણી વચ્ચે. એટલે ઉંમર ૩૭ કરતાં વધુ લાગે છે. પોટલું ટેબલ પર મૂકી ખોલે છે. પ્રકાશક પહેલું પાનું હાથમાં લે છે. પુસ્તકનું નામ વાંચી કહે છે : “આવા નામે છાપીએ તો તો ભોજિયો ભાઈ પણ તેને હાથ ન લગાડે.” “તો?” “એમ કરો. આપણે આ પુસ્તકનું નામ રાખીએ : ‘ડિકલાઇન ઓફ મોગલ પાવર એન્ડ રાઈઝ ઓફ બ્રિટિશ પાવર.’ અને હા. આ નામ તમને મંજૂર હોય તો આ પુસ્તક અમે અમારે ખર્ચે છાપશું.”
“ના. મારા પુસ્તકનું નામ તો હું નહિ બદલું. કારણ એના કેન્દ્રસ્થાને મરાઠા સત્તા છે, મોગલ સલ્તનત નહિ. અને નામમાં ‘મોગલ’ શબ્દ મૂકું તો તો વાચકોને છેતર્યા કહેવાય.” “સાહેબ, જેવી આપની મરજી. પણ આપે જણાવેલા નામ સાથે તો અમે આ પુસ્તક નહિ જ છાપી શકીએ.” “ભલે. ખુદા હાફિઝ.” અને એ લેખક જાય છે લોન્ગમેન્સ પબ્લિશર્સ પાસે. આ પ્રકાશક કહે છે કે “તમે આપેલા નામ સાથે જ પુસ્તક છાપવું હોય તો તેનો બધો ખર્ચ તમારે આપવો પડશે. અમે તેમાં એક પાઉન્ડનું પણ રોકાણ નહિ કરીએ. નકલો વેચાતી જશે તેમ તેમ તમને પૈસા પાછા ચૂકવતા જશું.” અને એ લેખકે બે હજાર પાઉન્ડ પોતાના ગજવામાંથી કાઢીને એ દળદાર પુસ્તક ત્રણ ભાગમાં છપાવ્યું : ‘હિસ્ટ્રી ઓફ ધ મરાઠાઝ.’ ૨,૦૦૦ પાઉન્ડના રોકાણમાંથી ફક્ત ૩૦૦ પાઉન્ડ પાછા મળ્યા.
કેપ્ટન ગ્રાન્ટ ડફ
આ લેખકનું નામ કેપ્ટન જેમ્સ ગ્રાન્ટ ડફ. ૧૭૮૯ના જુલાઈની આઠમી તારીખે જન્મ. હજી તો દસેક વરસના થયા ત્યાં પિતાનું અવસાન. દીકરાને લઈ માતા એબર્ડિન ગયાં. ત્યાં પહેલાં સ્કૂલમાં અને પછી કોલેજમાં અભ્યાસ. પ્રબળ ઝંખના હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સિવિલ સર્વન્ટ બનવાની. પણ એવી જગ્યા મળતાં વાર લાગે તેમ હતું. જીવ અધીરો, ઉતાવળિયો. સનદી નોકરીમાં વાર લાગે તેમ છે? તો ચાલ, જોડાઈજા લશ્કરમાં! એટલે કેડેટની સૌથી નીચી પાયરીની નોકરી લઈને ૧૮૦૫માં પકડ્યું મુંબઈ જતું વહાણ. ત્યાં ફરી લશ્કરી તાલીમ. પછી જોડાયા બોમ્બે ગ્રેનેડિયર્સમાં. બહારવટિયાઓ સામેની લડાઈમાં ભાગ લીધો. એમની આખેઆખી ટુકડીની કતલ થઈ જાય એવા સંજોગોમાં દુશ્મનો સામે ઝઝૂમ્યા અને પોતાની ટુકડીને બચાવી. એટલે બઢતી મળી. હિન્દુસ્તાન આવ્યા પછી ફારસી ભાષાનો સારો અભ્યાસ કરેલો એટલે લશ્કરમાં ફારસી દુભાષિયા તરીકે પણ કામ કર્યું.
પછીથી મુંબઈના ગવર્નર બન્યા તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન એ વખતે પૂનામાં રેસિડન્ટ. તેમની નજરમાં આ છોકરો વસી ગયો. તેમણે એ છોકરાને પોતાના સહાયક તરીકે રાખી લીધો. વખત જતાં બંને નિકટના સાથી અને મિત્રો બન્યા. ગ્રાન્ટ ડફ ‘દેશીઓ’ની નાડ બરાબર પારખી ગયા હતા. એલ્ફિન્સ્ટનની જેમ તે પણ માનતા કે ‘દેશીઓ’ના સમાજમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે. પણ તેમાં ઉતાવળ કરવી પોસાય નહિ. આપણા કવિ દલપતરામની જેમ એલ્ફિન્સ્ટન અને ગ્રાન્ટ ડફ પણ ‘ધીમે ધીમે સુધારાનો સાર’ સંભળાવવામાં માનતા હતા. બીજી બાજુ લશ્કરી નોકરીમાં બઢતી મળી, ગ્રાન્ટ ડફ એક ટુકડીના કેપ્ટન બન્યા. પેશવા બાજીરાવ સામેની લડાઈમાં ગ્રાન્ટ ડફે મહત્ત્વનો ભાગ ભજવ્યો. યુદ્ધ પછી એલ્ફિન્સ્ટને ગ્રાન્ટ ડફની નિમણૂક સાતારાના રેસિડન્ટ તરીકે કરી. તેમણે ખાસ પગાર પણ ઠરાવ્યો : મહિને બે હજાર રૂપિયા પગાર અને ૧,૫૦૦ રૂપિયાનું માસિક ભથ્થું!
સાતારાના રાજવી પ્રતાપસિંહ
એ વખતે સાતારા એટલે મરાઠા સત્તાનું એક મહત્ત્વનું થાણું. ખડકીના યુદ્ધના ઘા હજી તાજા હતા. લોકોમાં પણ અંગ્રેજો સામે ભલે છૂપો, પણ વિરોધ. ગ્રાન્ટ ડફની સાથે બીજો એક જ અંગ્રેજ અફસર. બીજા બધા ‘દેશી’ સિપાઈઓ. છતાં ગ્રાન્ટ ડફે એવું કામ કર્યું કે ૧૮૧૮ના એપ્રિલની ૧૧મી તારીખે એક જાહેરનામું બહાર પાડીને ગવર્નર એલ્ફિન્સ્ટને ગ્રાન્ટ ડફને સાતારા અંગે બધી જ સત્તા સોંપી દીધી. સાતારાના રાજા પ્રતાપસિંહને પેશવાએ કેદ કર્યા હતા તેમને છોડાવીને ગ્રાન્ટ ડફે ફરી ગાદી પર બેસાડ્યા. પ્રતાપસિંહ છત્રપતિ શિવાજી મહારાજનાં વંશજ હતા. તેમણે છેલ્લા છત્રપતિ માનવામાં આવે છે. અલબત્ત, રેસિડન્ટ તરીકે બધી સત્તા ગ્રાન્ટ ડફે પોતાના હાથમાં રાખી. ૧૮૧૯ના સપ્ટેમ્બરની ૨૫ મી તારીખે અંગ્રેજોએ પ્રતાપસિંહ સાથે કોલ-કરાર કર્યા. તેમાં ઠરાવ્યું કે ૧૮૨૨ સુધી રાજ પ્રતાપ સિંહનું ગણાશે, પણ તેમને નામે બધો જ કારભાર ગ્રાન્ટ ડફ સંભાળશે. તે પછી બધી સત્તા રાજાને સોંપાશે. પણ એ વખતે જો તેઓ રાજ્ય ચલાવવા માટે લાયક જણાશે તો જ! ગ્રાન્ટ ડફે પ્રતાપસિંહને એવી તો તાલીમ આપી કે ૧૮૨૨માં તેમને રાજ્યની બધી સત્તા સોંપવામાં આવી.
પૂરાં પાંચ વરસ સુધી ગ્રાન્ટ ડફે તનતોડ મહેનત કરી. પરિણામે તબિયત લથડી. એટલે નોકરીમાંથી રજા લઈ ૧૮૨૩ના જાન્યુઆરીમાં સ્વદેશ ગયા. ત્યાં રહ્યે જ ૧૮૨૫માં તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. એ જ વર્ષે તેમણે જેન કેથરિન નામની યુવતી સાથે લગ્ન કર્યાં. હિન્દુસ્તાનમાં હતા ત્યારે મરાઠાઓના ઇતિહાસ અંગેની ઘણી માહિતી – હસ્તપ્રતો, દસ્તાવેજો, પોથીઓ વગેરે તેમણે ભેગાં કર્યાં હતાં. સાતારા છોડીને મદ્રાસના ગવર્નર બન્યા તો ત્યાંથી પણ જરૂરી સાધનો મેળવ્યાં. આ બધાને આધારે તેમણે મરાઠાઓના ઇતિહાસનો ખરડો તૈયાર કરીને માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, કર્નલ બ્રિગ્સ, વેન્સ કેનેડી, વિલિયમ અરસ્કિન, બાલાજી પંત નાતૂ વગેરેને બતાવી તેમનાં સૂચનો માગ્યાં. સ્વદેશ પાછા ગયા પછી તેમણે પુસ્તકનો છેવટનો ખરડો તૈયાર કર્યો.
તેમનું પુસ્તક પ્રગટ થયું ત્યારે ગ્રેટ બ્રિટનમાં કે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈએ તેની નોંધ પણ લીધેલી. પણ પછી ૧૯૨૧ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ. ૧૮૨૯માં આ પુસ્તકનો મરાઠી અનુવાદ પ્રગટ થયો. કેપ્ટન ડેવિડ કેપેન અને બાબા સાનેએ આ અનુવાદ કર્યો હતો જે ‘મરાઠ્યાંચી બખર’ નામે પ્રગટ થયો. તેની પણ છ આવૃત્તિ થઈ. પણ ઘણા લાંબા વખત સુધી મરાઠીમાં ગ્રાન્ટ ડફના પુસ્તકની ઉપેક્ષા થઈ. પુસ્તક પ્રગટ થયા પછી ૪૨ વરસે તેનું પહેલું અવલોકન છપાયું. પૂનાની ડેક્કન કોલેજના એક વિદ્યાર્થી નીલકંઠ જનાર્દન કીર્તનેએ આ અવલોકન પ્રગટ કર્યું. તેમણે કહ્યું કે ગ્રાન્ટ ડફને તેમના હોદ્દાને કારણે ઘણી કાચી સામગ્રી મળી. પણ તેઓ યોગ્ય રીતે એનો ઉપયોગ કરી શક્યા નહિ. એટલે તેમનું પુસ્તક તદ્દન નીરસ બની ગયું છે. ઇતિહાસાચાર્ય રાજવાડેએ પણ ગ્રાન્ટ ડફના પુસ્તકમાંની ઘણી ત્રુટિઓ અને ભૂલો તરફ ધ્યાન દોર્યું છે. એટલું જ નહિ, તેમણે તો એટલે સુધી કહ્યું છે કે ઇતિહાસનું આવું પુસ્તક લખવાની લેખકમાં લાયકાત જ નહોતી.
પણ ગ્રાન્ટ ડફના પુસ્તક વિષે જે ટીકાઓ થઈ છે તે પુસ્તક લખાયા પછી ૫૦-૬૦ વરસે થઈ છે. એ વખતે વિદ્વાનો પાસે જે સાધનો હતાં તે ગ્રાન્ટ ડફ પાસે નહોતાં એ આપણે યાદ રાખવું જોઈએ. બીજું, તેમણે આ પુસ્તક પોતાના જમાનાના અંગ્રેજ વાચકોને ધ્યાનમાં રાખીને લખ્યું હતું. અને આ વાચકો મરાઠા ઇતિહાસથી લગભગ અજાણ હતા. એટલે તેમને રસ પડે અને સમજાય એ રીતે પુસ્તક લખવાનું જરૂરી હતું. અને ગ્રાન્ટ ડફ એક અંગ્રેજની દૃષ્ટિએ લખે તે તો સ્વાભાવિક ગણાવું જોઈએ.
પણ મરાઠી વિદ્વાનો અને વિવેચકોની અવગણના કે ટીકાનું બીજું પણ એક કારણ હોવાનો સંભવ છે. ખડકીની લડાઈ એટલે પેશ્વા રાજવટનો મૃત્યુઘંટ. એ લડાઈ પછી જ પેશ્વા સત્તાના કેન્દ્ર જેવા પૂનાના શનવાર વાડા પર અંગ્રેજ સૈન્યે પોતાનો ઝંડો ફરકાવ્યો. અને ગ્રાન્ટ ડફ બ્રિટિશ લશ્કરના કેપ્ટન તરીકે આ લડાઈ સાથે નિકટતાથી સંકળાયેલા. એટલે તેઓ જ્યારે મરાઠાઓનો ઇતિહાસ લખે ત્યારે કેટલાક મરાઠી વિવેચકો કૈંક પૂર્વગ્રહથી તેના વિષે વાત કરે એમ બની શકે.
ખડકીની લડાઈ
પૂના પાસે આવેલ ખડકીની લડાઈ ૧૮૧૭ના નવેમ્બરની પાંચમી તારીખે થઈ હતી. મરાઠા સરદાર બાપુ ગોખલેના સૈન્યમાં ૨૮ હજાર સૈનિકો હતા. અંગ્રેજ લશ્કરમાં ફક્ત ત્રણ હજાર. મરાઠા સૈન્ય પાસે ૨૦ તોપ હતી, અંગ્રેજ સૈન્ય પાસે ફક્ત ૮ તોપ હતી. અને છતાં આ લડાઈમાં અંગ્રેજ સૈન્યની જીત થઈ. મરાઠા સૈન્યના ૫૦૦ સૈનિકો મરાયા કે ઘવાયા હતા. જ્યારે અંગ્રેજ લશ્કરે ૬૮ સૈનિક ગુમાવ્યા હતા. ૧૮૧૭ના નવેમ્બરની ૧૭મી તારીખે પેશ્વાએ શરણાગતિ સ્વીકારતાં કંપની સરકારે પૂનાના શનવારવાડાનો કબજો લઈ તેના પર પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો.
ગ્રાન્ટ ડફની જેમ ઘણા અંગ્રેજો અચ્છા લડવૈયા હોવાની સાથોસાથ સારા અભ્યાસી પણ હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ દરમ્યાન જે અફસરો અહીં આવ્યા તેમાંના ઘણા એવા હતા. આવા બીજા અભ્યાસી પરદેશી વિષે થોડી વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 માર્ચ 2023)