ભારત વિભાજનના સાહિત્યની વાત કરીએ તો તરત મંટો, ઈન્તઝાર હુસૈન, રાજેન્દરસિંહ બેદી કે કમલેશ્વરના નામ યાદ આવે. મોહન રાકેશનું નામ વિભાજનની વાત કરતી વખતે મનમાં તરત આવતું નથી. હિન્દીમાં આધુનિક વાર્તાનો ૧૯૬૦ પછી જે પ્રવાહ ચાલ્યો, જેને “નયી કહાની” નો પ્રવાહ કહેવાય છે, એ પ્રવાહ સાથે પારંપારિક રીતે મોહન રાકેશનું નામ જોડાયેલું છે. નાટ્યલેખક તરીકે પણ તેઓ જાણીતા છે. દરેક ભાષામાં (ગુજરાતીમાં પણ) આધુનિકતા વિદ્રોહ રૂપે આવી છે. નયી કહાનીના પ્રવાહના લેખકોએ પ્રેમચંદના સામાજિક વાસ્તવવાદ સામે, તેમ જ અજ્ઞેય અને જૈનેન્દ્રકુમારના વ્યક્તિવાદ અને મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ સામે બંડ પોકારેલો, અને ‘આંતરિક વાસ્તવ’ને ઝીલવા રચના-રીતિના નવા પ્રયોગો તરફ વળેલા.
‘નયી કહાની’ પ્રવાહના લેખકોમાં મોહન રાકેશનું સ્થાન મને હંમેશાં થોડું વધારે સંકુલ લાગ્યું છે, કારણ કે એ પ્રવાહ સાથે એમનું નામ ભલે જોડાયેલું હોય પણ આખા ગ્રુપમાં એ થોડા ‘મિસફીટ’ હતા. જ્યાં નિર્મલ વર્મા યુરોપિયન આધુનિકતાના પ્રવાહો હિન્દીમાં ઝીલી રહ્યા હતા, જ્યારે ફણીશ્વરનાથ રેણુ પ્રાદેશિકતાની સંકુલતા ઉઘાડી રહ્યા હતા, ત્યારે મોહન રાકેશ પ્રેમચંદની સામાજિક વાસ્તવની પરંપરા અને પશ્ચિમના આધુનિક સાહિત્યમાં જેનો ખૂબ મહિમા થયો છે એવા ‘એલિયેનેશન’ના થીમનો સમન્વય કરવામાં રત હતા. રાકેશ માટે વૈયક્તિક આંતરિકતા તેમ જ બાહ્ય વાસ્તવ, બંને સરખું મહત્ત્વ ધરાવે છે. અંદર અને બહારની વાસ્તવિકતાને રાકેશ પોતાની વિભાજનની વાર્તાઓમાં બખૂબી મૂર્ત કરી શક્યા છે. તેમનું નામ આપણે વિભાજન વિશે લખનારા સાહિત્યકારોમાં નથી લેતા કારણ કે તેમણે વિભાજનના વિષયવસ્તુને લઈને માત્ર ત્રણ જ વાર્તાઓ આપી છે – “મલબે કા માલિક”, “કલેઈમ” અને “પરમાત્મા કા કુત્તા”. આજે અહીં પહેલી બે વાર્તાઓની વાત કરવી છે, ખાસ તો આંતર-બાહ્ય બંને સૃષ્ટિને રાકેશ કેવી રીતે વર્ણવે છે એ સંદર્ભમાં.
“મલબે કા માલિક”નો વિષય, વિભાજનની વાર્તાઓ પૂરતો, જાણીતો લાગે. વર્ષોથી કુટુંબીઓ તરીકે રહેતા પાડોશી જ્યારે એકબીજાના દુશ્મન થઈ જાય, અને વર્ષો પછી એ ક્ષણને ફરી જીવવાનું થાય ત્યારે નજર સામે બસ સળગેલું ઘર હોય, એમાં ઢેર થઈ ગયેલી સ્મૃતિઓ હોય. માલિકી બસ આ ઢેરની જ રહે, બીજા કશાની નહિ. ગની મિયાં વર્ષો પછી લાહોરથી અમૃતસર આવ્યા છે, તેમના પાડોશી રખા પહેલવાનને મળવા. થોડા સમય માટે ગની મિયાંને બહારગામ જવાનું થયેલું, એ જ વખતે વિભાજનના હુલ્લડો ફાટી નીકળેલા. એ હિંસામાં રખા પહેલવાને ગની મિયાંના આખા પરિવારને મારી નાખેલો અને ગની મિયાંનું ઘર કબજે કરી લીધેલું. ગની મિયાં આ બધાથી અજાણ કારણ કે હુલ્લડો વખતે તેઓ બારોબાર પાકિસ્તાન જતા રહેલા.
વર્ષો પછી તેઓ આવ્યા છે અને તેમના વહાલા અમૃતસરને માણે છે, નોંધે છે શું શું બદલાયું. ઘણું બધું બદલાઈ ગયું છે. જ્યાં ખાલી મેદાન હતા ત્યાં નવી ઈમારતો બંધાઈ ગઈ છે, જાણે શહેર નવા બાંધકામ થકી જૂની પીડાઓ ભૂલવા મથતું હોય. ઘણું બદલાયું તો છે, પણ અમુક વસ્તુઓ એવી ય છે જે નથી બદલાઈ. ગની મિયાં નોંધે છે કે અમૃતસરની ભાષા હજી એની એ જ છે, એમાં એવી જ મીઠાશ છે. ઘણા જૂના લોકોને મળે છે જેઓ ગની મિયાંને પ્રેમથી આવકારે છે. જાણે વિભાજન વખતે થયેલી હિંસાનું કોઈ નામોનિશાન જ નથી. ગની મિયાં છેવટે રખા પહેલવાન પાસે પહોંચે છે, પ્રેમથી વાતો કર્યે જાય છે. અને રખો પહેલવાન આખા સંવાદ દરમિયાન ગ્લાનિ અનુભવે છે, હા એ હા કર્યે જાય છે. મોહન રાકેશ આ સંવાદ દરમિયાન રખા પહેલવાનના શરીર સંચલનોનું, બોડી લેન્ગવેજનું, જે વર્ણન કરે છે એ લેખકોએ ધ્યાનથી વાંચવા જેવું છે. વાર્તાને ખુલ્લી કર્યા વગર ઘણુંબધું કેવી રીતે કહી દેવું એ વાતનો આદર્શ નમૂનો અહીં મળે છે.
ગની મિયાં જુએ છે કે તેઓ જ્યાં રહેતા હતા તે ઘર તો સળગી ગયું છે. રખો પહેલવાન ગની મિયાંનું ઘર હડપવા માંગતો હતો, પણ છેવટે તેના હાથમાં ય સળગેલું ઘર જ આવે છે. ઢેર થયેલું એક ઘર. આ ઢેરનો માલિક કોણ?
વિભાજનના સંદર્ભમાં પ્રોપર્ટીને લગતી વાત મોહન રાકેશની “કલેઈમ” વાર્તામાં પણ આવે છે, જેમાં ફ્રાન્ઝ કાફકાની દુ:સ્વપ્ન જેવી આધુનિક સૃષ્ટિ તેમ જ પ્રેમચંદના સામાજિક વાસ્તવનો સમન્વય થતો દેખાય છે.
“કલેઈમ” વાર્તા સરકારી ઓફિસની બહાર ઘોડાગાડી ચલાવનાર સાધુસિંહ નામના માણસની છે. વિભાજન પછીનો સમય છે, સાધુસિંહ વિભાજન બાદ જે પ્રદેશ પાકિસ્તાન ગણવામાં આવ્યો ત્યાંથી ભારત આવ્યો છે. વાર્તા આમ તો સાવ નાની છે, છતાં ધ્યાનથી વાંચતા જણાય કે બે ચોક્કસ ભાગમાં વહેચાયેલી છે. વાર્તાનો પૂર્વાર્ધ બાહ્ય વાસ્તવને ઉજાગર કરે છે. સાધુસિંહ ઘોડાગાડી ચલાવે છે, અને આખો દિવસ સરકારી ઓફિસમાં પોતાની વિભાજનને લીધે ખોવાયેલી પ્રોપર્ટી ‘કલેઈમ’ કરવા આવતા લોકોની વાતો સાંભળે છે. આ પહેલા ભાગમાં મોહન રાકેશને સરકારી ઓફિસોમાં ચાલતી ‘બ્યુરોક્રસી’(અમલદારશાહી)ની ટીકા કરવાનો અવસર મળે છે. લોકો બેઘર થઈ ગયા છે, સરકારે સહાય કરવાની વાત તો કરી છે પણ લોકોના ઘણા ‘કલેઈમ’ કરવા છતાં તેમને પ્રોપર્ટી મળી નથી. વળી, સરકારે મૃતકોના કુટુંબીઓ માટે રકમ જાહેર કરી છે અને ઘણા કુટુંબીઓ એ કલેઈમ કરવા જાય છે, પણ બીજી તરફ ઘણા લોકો એવા ય છે જે મરવાના વાંકે જીવે છે. જેમના હાથ-પગ વિભાજનની હિંસામાં કપાઈ ગયા છે, સરખું જીવન તેઓ જીવી શકે એમ નથી. પણ હિંસાનો ભોગ બનેલા અને શરીરના અંગો ગુમાવી ચૂકેલા લોકો માટે સરકારે કોઈ સગવડ કરી નથી. તેમના કુટુંબીઓ શું કલેઈમ કરી શકે? આવા સવાલો પૂછતી વાર્તા તેના વધુ કાવ્યાત્મક એવા ઉત્તરાર્ધમાં પહોંચે છે. પૂર્વાર્ધમાં સાધુસિંહ લોકોની વાતો સાંભળે છે અને કલેઈમની આખી વાત સમજે છે, ઉત્તરાર્ધમાં તે વિચારે છે કે જો તેને કલેઈમ કરવું હોય તો તે શું કલેઈમ કરી શકે?
સાધુસિંહને યાદ આવે છે તેની પ્રેમિકા હીરા, જે વિભાજન વખતે તેની સાથે ભારત નહોતી આવી શકી. સાધુસિંહે એક આંબો વાવેલો, અને સ્વપ્ન સેવેલું કે તે હીરા સાથે પરણશે, અને આંબાની છાયામાં નિરાંતે જીવન વીતાવશે. ન આંબો રહ્યો, ન હીરા રહી, રહી બસ શેષ સ્મૃતિઓ. એ કલેઈમ થઈ શકે? એ સ્પર્શ, એ કંપન, એ સ્વપ્ન, એ ભવિષ્ય? આ બધું કેવી રીતે કલેઈમ કરવું? આવા કરુણ અને કાવ્યાત્મક વળાંક પર વાર્તા પૂરી થાય છે. કાફકાએ જે અમલદારશાહીની ટીકા કરતી ભયાનક સૃષ્ટિ ‘ધ ટ્રાયલ’ નવલકથામાં રચેલી, એ સૃષ્ટિની અહીં ઝલક મળે છે. તો સાથે જ ઉત્તરાર્ધમાં સાધુસિંહની આંતરિક સૃષ્ટિના વર્ણન થકી વૈયક્તિક વેદનાનું ચિત્રણ પણ મળે છે.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર