બિનસરકારી સંસ્થા ‘પ્રથમ’ ૨૦૦૫થી ગ્રામીણ ભારતની પ્રાથમિક શાળાઓના બાળકોની શૈક્ષણિક યોગ્યતા માપતો સર્વે કરે છે. ‘પ્રથમ’નો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (અસર) ૨૦૨૨ તાજેતરમાં પ્રગટ થયો છે. દેશના ૬૧૬ જિલ્લા અને ૧૯ હજાર ગામોના ૭ લાખ ગ્રામીણ બાળકોને આવરી લેતા આ સર્વેનું એક તારણ છે કે ૨૦૧૯થી ૨૦૨૨ના ચાર વરસોમાં ખાનગી શાળામાં ભણતાં બાળકો ઓછાં થયાં છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતના ૩૫ ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હતા. પરંતુ હવે તે ઘટીને ૨૭ ટકા થતાં ૮ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું તાત્કાલિક કારણ તો કોરોના મહામારીની બાળકોના વાલીઓ પરની આર્થિક અસર ગણાવાય છે, પરંતુ તે ઉપરાંતના પણ ઘણાં કારણો છે.
હરિયાણાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૦૨૦-૨૧માં ૨૯.૮૩ લાખ બાળકો અભ્યાસ કરતાં હતાં. પરંતુ ૨૦૨૧-૨૨માં ૧૭.૩૧ લાખ જ છે એટલે ૧૨.૫૧ લાખ બાળકો હવે ખાનગી શાળાઓમાં ભણતા નથી. ગુજરાતમાં ૨૦૨૦-૨૧માં ૨.૮૫ લાખ અને ૨૦૨૧-૨૨માં ૩.૫ લાખ બાળકોએ ખાનગી શાળા છોડી હતી. આખરે ખાનગી શાળા છોડી જતાં બાળકો જાય છે ક્યાં ? તેનો સ્વાભાવિક જવાબ તો સરકારી શાળા જ છે. આંકડાઓ પણ આ વાતની ગવાહી પૂરે છે. ‘અસર’નો રિપોર્ટ જણાવે છે કે દેશમાં ૨૦૧૮માં ૬૫.૬ ટકા બાળકો સરકારી શાળાઓમાં હતા. ૨૦૨૨માં તે વધીને ૭૨.૯ ટકા થયા છે. છેલ્લાં પાંચ વરસોમાં મહાનગર અમદાવાદની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ખાનગી શાળાઓના ૨.૧૪ લાખ બાળકો જોડાયાં છે.
જો ખાનગી શાળાઓ છોડીને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે તો તેના માટે જવાબદાર પરિબળો ક્યા છે ? મહામારીમાં બેકારીને કારણે આર્થિક હાલાકી વેઠવાની આવી તેને કારણે નિમ્ન મધ્યમવર્ગના લોકોએ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળાઓમાં દાખલ કરી દીધા છે. આર્થિક ઉપરાંત ખાનગી શાળાઓએ મહામારીમાં વાલીઓનો ગુમાવેલો ભરોસો પણ કારણભૂત છે. ઓનલાઈન શિક્ષણના બહાને ખાનગી શાળાઓને બાળકોના ભણતરને બદલે તેમની ફીની વધુ ચિંતા હતી. આ બાબત વાલીઓ સમજી ગયા. બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકોએ કોરોનાકાળમાં તેમના વિધ્યાર્થીઓના અભ્યાસની સવિશેષ કાળજી લીધી. ગરીબ માતાપિતાની પહોંચ ઓનલાઈન શિક્ષણ સુધી નથી તે પારખીને તેઓ વિદ્યાર્થીઓના ગામે કે ઘરે ગયા અને તેમને ભણાવ્યા. ખાનગી શિક્ષણનો મોહ રાખતા લોકોની નજરે આ બાબત ચડતાં તેઓ સરકારી શાળાઓ તરફ વળ્યા છે. એટલે સરકારી શાળાઓને તેની ઝંખવાયેલી પ્રતિષ્ઠા પાછી મળી છે.
સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં તે ચઢિયાતી સાબિત થઈ છે, તેનું શિક્ષણ ઉત્તમ સાબિત થયું છે કે તેની શૈક્ષણિક ગુણવતા વધારે છે તેમ કહી શકાય તેમ નથી. કેમ કે જેમ બધી સરકારી શાળાઓ નકામી નથી તેમ બધી ખાનગી શાળાઓ પણ સારી નથી. સરકારી અને ખાનગી શાળાઓની તુલના કરતાં જણાય છે કે સરકારી શાળાઓનું સંચાલન સરકાર કે તેનું તંત્ર કરે છે જ્યારે ખાનગી શાળાઓનું સંચાલન વ્યક્તિ કે કોઈ ટ્રસ્ટ કરે છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી સરકારી ધારાધોરણો મુજબ થાય છે એટલે સરકારી શાળાના શિક્ષકો નિયત શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને નિયત પગારધોરણ મેળવતા હોય છે. જ્યારે ખાનગી શાળાના સંચાલકોને આવા બંધનો નથી. સરકારી શાળામાં મફત કે નજીવી ફી લઈને ભણાવાય છે જ્યારે ખાનગી શાળાઓ સેવાભાવથી નહીં ધંધા તરીકે ચાલતી હોઈ મનમાની ફી લે છે. ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષણ અપાય છે જેનો ગરીબ વર્ગના વાલીઓને વાજબી કારણોસર બહુ મોહ હોય છે જ્યારે સરકારી શાળામાં સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે.
ખાનગી અને સરકારી શાળાઓ ઘણી બાબતોમાં અસમાન છે. એટલે તેમની મૂલવણી તેના આધારે કરવી જોઈએ. ખાનગી શાળાઓ પણ જાતભાતની હોય છે. તે કોઈ સમરૂપ એકમ નથી. ધનાઢ્ય વર્ગના બાળકો માટેની મોંઘી મહાનગરીય ખાનગી શાળાઓ, નાના અને મધ્યમ નગરોની ઉચ્ચ મધ્યમવર્ગના વાલીઓને પોસાય તેવી ફી લેતી ખાનગી શાળાઓ, ગ્રામીણ ક્ષેત્રોની ઓછી ફીની ખાનગી શાળાઓ જેમ અસ્તિત્વમાં છે તેમ મહાનગરોની સરકારી સ્માર્ટ સ્કૂલ્સ અને અંતરિયાળ ગામડાઓની કશી જ સાધન-સુવિધા વગરની અતિ ગરીબ વર્ગના બાળકો ભણતા હોય તેવી સરકારી શાળાઓ પણ છે. ગવર્નમેન્ટ કે પ્રાઈવેટ શાળાઓમાં ભણતા બાળકોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂ ને ધ્યાનમાં રાખીને પણ તુલના કરવી પડે.
૨૦૧૯-૨૦માં દેશની કુલ શાળાઓ પૈકી ૬૮.૪૮ ટકા સરકારી હતી. પરંતુ તેમાં મંજૂર થયેલા શિક્ષકોમાંથી ૫૦.૧ ટકા જ જગ્યાઓ ભરાયેલી હતી. આજે ગુજરાતની ૧,૬૫૭ શાળાઓ એક જ શિક્ષક પર નભે છે. દેશમાં ૧.૨૦ લાખ સરકારી શાળાઓ એકલ શિક્ષકની છે. જો આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે નહીં. કમ્પ્યૂટર શિક્ષણ હવે જરૂરી બન્યું છે ત્યારે એ હકીકત આઘાતજનક છે કે ૨૦૧૯-૨૦માં દેશની ૧૫.૦૭ લાખ સરકારી શાળાઓમાંથી ૪.૫૧ લાખ શાળાઓમાં જ અને તે પણ માત્ર એક જ શિક્ષક કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા હતા. આ હકીકતોથી સરકારી શાળાનું શિક્ષણ ઉતરતું લાગે છે.
નવી આર્થિક નીતિને પગલે આવેલા ખાનગીકરણથી શિક્ષણ પણ બાકાત નથી. હવે શિક્ષણનું ખાનગીકરણ એ હદે વકર્યું છે કે તે વેપલો બની ગયું છે. ખાનગી શાળાઓ ઉપરાંત ખાનગી ટ્યુશનનો બોજ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વેઠવો પડે છે. ૨૦૨૨માં ધોરણ ૫થી ૮ના ખાનગી ટ્યુશન લેતા બાળકોની રાષ્ટ્રીય ટકાવારી ૩૦.૫ ટકા હતી. ખાનગી શાળાઓથી છૂટકારો મેળવીને ખાનગી ટ્યુશનનો રાહ લેવા મજબૂર થવું પડે તેવી આ કરુણ વાસ્તવિકતા છે. એકાદ દાયકા જૂની ઓનલાઈન ટ્યુટોરિયલ કંપની બાયજુ(BYJU)ના ચાળીસેક લાખ ગ્રાહકો છે. દેશનું ૨૦૨૧-૨૨નું શાળા શિક્ષણનું બજેટ રૂ. ૫૪,૮૭૩ કરોડનું હતું, પરંતુ આ એક જ કંપનીનું બજાર મૂલ્ય રૂ. ૧,૨૨,૦૦૦ કરોડનું છે. આ હાલતમાં દેશના વંચિત વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા કરવાની છે.
‘અસર’ના સર્વે રિપોર્ટ પ્રમાણે ધોરણ ૫ના ૫૧ ટકા કે દર દસમાંથી છ વિદ્યાર્થીઓ તેમનાથી ત્રણ ધોરણ નીચા, બીજા ધોરણના સામાન્ય પુસ્તકનો એકાદ સરળ ફકરો પણ વાંચી શકતા નથી. આવી સાવ તળિયાની વાચનયોગ્યતા ધરાવતા બાળકો દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં પણ છે અને સરકારી જેટલા જ ખાનગી શાળાઓમાં પણ છે. ગરીબ અને મધ્યમ આવકના માબાપ પેટે પાટા બાંધીને પોતાના બાળકોને સારા અને સરકારી કરતાં ચઢિયાતા શિક્ષણ માટે મોંઘી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવે છે પણ તેમને નિરાશા જ સાંપડે છે.
e.mail : maheriyachandu@gmail.com