આજે સવારે નવેક વાગે એક મિત્રનો whatsapp પર ત્રણ શબ્દનો સંદેશો આવ્યો : “આપણાં ધીરુબહેન ગયાં.” ભલે છેલ્લાં થોડાં વરસથી અમદાવાદ રહેવા ગયાં હતાં, પણ મુંબઈગરા વાચકો, લેખકો, પત્રકારો માટે તો તેઓ કાયમનાં ‘આપણાં ધીરુબહેન’. મનમાં પહેલો વિચાર આવ્યો તે એ કે ધીરુબહેન એટલે પોતાનાં કલમ અને હૈયામાં ‘વાંસનો અંકુર’ અને ‘વડવાનલ’ને એક સાથે ઉછેરી ‘આગંતુક’નો આલેખ આપનાર લેખક. ના, લેખિકા નહિ. સાહિત્યની કે તેની બહારની દુનિયામાં પણ ધીરુબહેને સ્ત્રી તરીકે ગ્રેસનો એકાદ માર્ક પણ ક્યારે ય ન માગ્યો, ન સ્વીકાર્યો. પુષ્કળ લખ્યું : નવલકથા, વાર્તા, નાટક-એકાંકી, નિબંધો, લેખો, સંસ્મરણો, અને કવિતા પણ. શું જીવનમાં કે શું લખવામાં એમને કશો છોછ નહિ. પોતાની આંતરસ્ફુરણાથી લખે, તેમ બીજાની જરૂરિયાત કે માગ પ્રમાણે પણ લખે. ગઝલ પણ લખે અને જિંગલ પણ લખે. નિજાનંદ માટે લખે તેમ બીજાને માટે પણ લખે.

ધીરુબહેન પટેલ
૧૯૬૦ના દાયકામાં ધીરુબહેન ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી હતાં ત્યારે જે સંબંધની શરૂઆત થઈ તે હંમેશ તાજો ને લીલો જ રહ્યો. મારા કરતાં પહેલાં સંબંધ બંધાયેલો પત્ની વંદના સાથે. ધીરુબહેન સતત નવી કલમોની શોધમાં રહેતાં. તેમણે વંદના પાસે લેખો લખાવ્યા, મુલાકાતો લેવડાવી, અનુવાદો કરાવ્યા. પછી મારો વારો. ‘સાહિત્યનાં સરોવર’ નામે સાહિત્ય વિશેની કોલમ લખાવી. પછી એક દિવસ કહે : “હવે મુંબઈ વિષે લેખમાળા કરી આપો.” તેને નામ શું આપવું એ અંગે દસ-પંદર મિનિટ ચર્ચા કરી, પણ અમને એકે નામ ગોઠ્યું નહિ. કહે, ‘આવતે અઠવાડિયે પહેલો હપ્તો લખી લાવો પછી નામ વિચારશું.’ હજી તો લિફ્ટ પાસે પહોંચ્યો ત્યાં એમનાં સહાયક બહેન લગભગ દોડતાં આવ્યાં. કહે, ‘ધીરુબહેન બોલાવે છે.’ પાછો ગયો, તેમની કેબિનનું ફ્લેપ ડોર ઉઘાડ્યું તો કહે : ‘સાત ટાપુનું સોનેરી શહેર, આવજો.’
હા. ધીરુબહેનની આ ખાસિયત. જો મૂડ હોય તો કલાકો સુધી વાતો કરે, નહિતર બે-ચાર શબ્દોમાં લટક સલામ. એટલે છેવટ સુધી unpredictable રહ્યાં – વ્યક્તિ તરીકે તેમ જ લેખક તરીકે પણ. જે લખ્યું તેમાં પુનરાવર્તન કયારે ય જોવા ન મળે. એટલે જ તેઓ ક્યારે ય કોઈ ચોકઠામાં બંધાયાં નહિ કે વાડામાં પુરાયાં નહિ. ૨૦૦૧માં ‘આગંતુક’ નવલકથા માટે દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે તેમની એક મુલાકાત લીધી તેમાં પૂછેલું : ‘ધીરુબહેન, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં ગાંધીવાદી નથી, એમ કેમ?’ જવાબમાં કહે: ‘ગાંધીજી ગાંધીવાદી નહોતા એટલે તો ચાહું છું તેમને.’ ધીરુબહેનને ગાંધીવાદી ન કહી શકાય તેમ નારીવાદી પણ ન કહી શકાય. નારી પાત્રોનું અત્યંત સબળ આલેખન, પણ નારીવાદની, કે બીજા કોઈ વાદની કંઠી ક્યારે ય ન બાંધી. વાદથી પર રહ્યાં તેમ બને ત્યાં સુધી વિવાદથી પણ પર રહ્યાં. છતાં ક્યારેક આપદ્દ ધર્મ તરીકે પોતાનાં માનેલાં સાથે ય વિવાદમાં સંડોવાયાં તો પછી કોઈની સાડીબારી ન જ રાખી.
૨૦૨૨ના ઓક્ટોબરની ૧૭મી તારીખની સવારે મિત્ર ડો. ખેવના દેસાઈ સાથે ધીરુબહેનને તેમના અમદાવાદના ઘરે મળવાનું થયું. વ્હીલ ચેરમાં બેસીને પણ મુક્ત મને અલકમલકની વાતો કરી. હસ્યાં, હસાવ્યાં. આનંદથી ફોટા પડાવ્યા. મન સતેજ હતું, પણ તન થાક્યું હતું એ દેખાતું હતું. થોડા દિવસ પહેલાં તો ‘હવે છેલ્લી ઘડીઓ ગણાય છે’ એવું જાણવા મળેલું. પણ આજીવન યોદ્ધાએ એક વાર તો મોતને પણ પાછું વળાવ્યું. વીડિયો અને ફોટામાં થોડો અસલ મિજાજ દેખાવા લાગ્યો. પણ આજે સવારે …
જેને નિમિત્તે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો તે ‘આગંતુક’ નવલકથાનું પહેલું પ્રકરણ શરૂ થાય તે પહેલાં ધીરુબહેને એક વાક્ય મૂક્યું છે : “રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત.” ધીરુબહેનનો શબ્દ જ નહિ, તેમનું વ્યક્તિત્ત્વ પણ આ પંખી જેવું. જીવન અને જગતની મહેફિલને તેમણે એક પલકારામાં આંખમાં ભરી લીધી, પોતાની કૃતિઓ દ્વારા માણી, જાણી, અને પ્રમાણી લીધી. પણ તેમાં અટવાયાં નહિ. બીજી બારીએથી પંખી બહાર નીકળી જાય એટલી જ સહજતાથી આપણી વચ્ચેથી નીકળી ગયાં. પણ ધીરુબહેન, તમારો શબ્દ તો ઘણા લાંબા વખત સુધી અમારી મોંઘી મૂડી બની રહેશે.
આવજો, ધીરુબહેન!
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 માર્ચ 2023)