Opinion Magazine
Number of visits: 9878337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 May 2026

રવીન્દ્ર પારેખ

ઓઈલ કંપનીએ 26મીના છેલ્લા ભાવ વધારા મુજબ પેટ્રોલ લીટરે 2.61 રૂપિયા અને ડિઝલ 2.71 રૂપિયા મોંઘુ કરતાં પેટ્રોલ 100ને પાર પામી ગયું છે. 11 દિવસમાં પ્રજાને પેટ્રોલ-ડિઝલમાં લિટરે 7.50નો ફટકો પડ્યો છે. 11 દિવસમાં ચાર વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે. આ અગાઉ ચૂંટણી પછી ૩.14, ૦.91 અને ૦.87નો વધારો ઝીંકાયો હતો. ઈરાન યુદ્ધ ને નામે ને ક્રૂડ 100 ડોલરે જતાં સરકારે ઓઈલ ઓછું વાપરવાની સલાહ આપી ને બીજી તરફ પેટ્રોલ-ડિઝલ મોંઘું થવાની ચેતવણીઓ પણ આપી. એવું નથી કે હવે ભાવ વધશે નહીં. ભાવ વધારાની તલવાર તો પ્રજા પર લટકેલી જ છે. બાકી, હતું તે સી.એન.જી.નો ભાવ પણ કિલોએ 2 રૂપિયા વધ્યો છે.

આમ તો યુદ્ધને કારણે ને ઓઈલની અછતને કારણે ભાવ વધે તે સમજી શકાય, પણ તેલ કંપનીઓ રોજ હજાર કરોડની ખોટ ખાય છે – એવું રડે છે તે મગરનાં આંસુ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પતે એની રાહ જ જોવાતી હતી ને જેવી ચૂંટણી પતી કે સાપ ફૂંક મારીને કરડે એમ ઓઈલ કંપનીઓએ ભાવ વધારીને પ્રજાને ડંખવાનું શરૂ કર્યું. છેલ્લા ભાવ વધારાથી કંપનીઓની રોજની 1,000 કરોડની ખોટ 600 કરોડ પર આવી ગઈ છે. આ ખોટની રડારોળ કંપનીઓ ચૂંટણી વખતે કરતી નથી. પ્રજાને પણ એવું થઈ ગયું છે કે ચૂંટણી બારે મહિના હોય તો સારું, કારણ એ વખતે ભાવ વધતા નથી.

કોરોના વખતે કાર, એરોપ્લેન, બાઈક વગેરે બંધ હતાં એટલે અત્યારે જે 100 ડોલરે મળે છે તે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 42-44 ડોલરે મળતું હતું. તે પછી રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડના ભાવ વધ્યા એ બાદ કરતાં ભાવ કાબૂમાં રહ્યા. દુનિયા આખીમાં ઓઈલ સસ્તું હતું, ત્યારે ભારતીય ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડ્યા નહીં ને લોકોનાં ગજવાં ખંખેરીને સરકારે અને તેલ કંપનીઓએ નફાથી હોજરી ભરી લીધી. હજારો કરોડ નફો ગજવે ઘાલીને હવે કંપનીઓ રોજની 1,000 કે 600 કરોડની ખોટ બતાવીને લોકોની સિમ્પથી ઉઘરાવે છે ને પ્રજાને ભાવ વધારો વેઠવાની ફરજ પાડે છે તે અપ્રમાણિકતા અને છેતરપિંડીનો નાદાર નમૂનો છે. રોજની 1,000 કરોડની ખોટનું સરકાર રડે છે પણ કોરોનામાં હોજરી ભરી ત્યારે કોઈ દિવસ એવું કહ્યું નથી કે કંપનીઓને રોજનો હજાર કરોડનો નફો થયો છે.

હકીકત એ છે કે કોરોના કાળમાં સરકારની ટેક્સની આવક ૩.84 લાખ કરોડ રૂપિયા થઈ હતી ને રાજ્યોની કમાણી 2 લાખ કરોડથી વધારે હતી. આટલો નફો ગજવે ઘાલીને સરકાર અને તેલ કંપનીઓ ઓઇલના ભાવ વધારવાના બહાના શોધે તો વાત કોને ગળે ઊતરે? સરકાર અને તેલ કંપનીઓએ લૂંટવામાં કંઇ બાકી રાખ્યું નથી ને તે વર્તે છે એવી રીતે કેમ જાણે ભાવ ન વધારીને તે લૂંટાઈ રહી છે. સરકાર પ્રજાની માનસિકતા જાણે છે. તે જાણે છે કે આ ભોળી પ્રજાને લૂંટીને ચૂંટણી વખતે છૂટક રાહત આપી દેવાથી તે જીતાડી દેશે ને એમ જ છે, નહિતર ચૂંટણીની રાહત યાદ રાખતી પ્રજાને આગલાં પાંચ વર્ષ યાદ જ ન આવે એ કેવું?

યુદ્ધની પરિસ્થિતિમાં કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 70 ડોલરથી વધીને 122 ડોલર થઇ ગયો  ને ઓઈલની તંગી ઊભી થઈ. તે વખતે કંપનીઓનું રડવું થોડું સાચું પણ હતું, પણ પછી જનતાની દયા ઉઘરાવવા પેટ્રોલ પર લિટરે 26નું અને ડિઝલ પર 31.90નું નુકસાન રડીને રોજની 1,600 કરોડની ખોટનું ગાણું ચાલુ કર્યું. ખોટ ખોટનું ગાઈને કંપનીઓએ ભરત નહીં, ભારત નાટ્યમ્‌ જ શરૂ કર્યું. સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો ખેલ પણ કરી જોયો, પણ લોકોને પેટ્રોલ સસ્તું ન તે ન જ મળ્યું. પેટ્રોલ પંપ પર તો ભાવ એના એ જ રહ્યા. ખરું નાટક તો એ હતું કે ડ્યૂટી ઘટાડાનો લાભ પણ તેલ કંપનીઓને ખોટ પૂરવા જ અપાયો ને ગ્રાહક બિચારો થઈને મોંઘું પેટ્રોલ ભરાવતો રહ્યો.

આ દેશની લોકશાહી સરકાર ને તેલ કંપનીઓ આટલી નિષ્ઠુર કઈ રીતે હોઈ શકે? પોતાની જ પ્રજા જોડે આટલો વહીવંચો રાખવાની જરૂર કેમ પડે છે, તે નથી સમજાતું. કેમ એવું લાગ્યા કરે છે કે પ્રજા જોડે કોઈને કોઈ પ્રકારનું કાવતરું જ ચાલ્યા કરે છે? પ્રજા ઘવાતી જાય ને તેને તેની ખબર પણ ના પડે એવા ઘા કયા વાંકે મરાય છે તે અકળ છે.

આજનું 100 રૂપિયાના તેલનું રહસ્ય જાણવા જેવું છે. તેલની પડતર કિંમત 45 ટકા હોય તો કેન્દ્રનો ટેક્સ 25 ટકા ને રાજ્યનો ટેક્સ 20 ટકા ઉમેરાય છે. એના પર પંપ ડીલરનું કમિશન 10 ટકા લાગે. આમ લિટરના 45 રૂપિયા પર ટેક્સ લાગીને 100નો ભાવ લગાવાય છે. ગમ્મત તો એ છે કે 45 રૂપિયે પડતાં ઓઈલ પર 45 રૂપિયા ટેક્સ લાગે છે ને તે પછી પણ પેટ્રોલ પંપને 10 રૂપિયાનું દાપું તો ચૂકવવાનું જ હોય છે. રોજની 600 કરોડની ખોટ ખાતી કંપનીઓ 45 રૂપિયા પર 45 રૂપિયા ટેક્સ વસૂલે છે, તો ય છાજિયાં લે છે. આખા વેપલામાં ક્રૂડ સસ્તું હોય તો નફો સરકાર ગજવે ઘાલે છે ને ક્રૂડ મોંઘું થાય તો એ વધારો પ્રજાને માથે પડે છે. સાદો નિયમ તો એવો હતો કે ક્રૂડ મોંઘુ હોય તો મોંઘું વેચાશે ને સસ્તું હશે તો સસ્તું વેચાશે. એ નિયમનો ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે. ક્રૂડ સસ્તું હતું ત્યારે પેટ્રોલ-ડિઝલ મોંઘું વેચાયું ને મોંઘુ થયું ત્યારે પણ મોંઘું જ વેચાયું.

ઇંધણના ભાવમાં વધારાને લીધે, રિટેલ ફુગાવો ૩.40 ટકાથી વધીને ૩.48 ટકા થયો છે ને જથ્થાબંધ ફુગાવો 42 મહિનાની ટોચે 8.૩ ટકા પર છે. પેટ્રોલ, ડિઝલમાં વધારાને પગલે મોંઘવારીનું વિષચક્ર વળી શરૂ થશે ને દૂધ, ફળ, શાકભાજી, અનાજ, કરિયાણું, ખાવાનું તેલ … એમ બધું જ વત્તે ઓછે અંશે મોંઘું થશે. સરકાર એટલી ઉસ્તાદ છે કે તે બીજું બધું મોંઘું કરવાને બદલે માત્ર પેટ્રોલ-ડિઝલ જ મોંઘુ કરી દે છે, જેથી અન્ય ચીજ વસ્તુઓ આપોઆપ જ મોંઘી થઈ શકે. વિપક્ષો બોલે છે કે સરકાર વરસેકમાં પડી જશે, એ તો થશે ત્યારે, પણ વિપક્ષોનો અસરકારક વિરોધ નથી એટલે આખો વેપલો ચાલે છે. આમાં ગેસમાં થયેલો વધારો તો ગણતા જ નથી. એ જોવા જઈએ તો ગેસ, ઓઈલમાં જ એટલા ખર્ચાઈ જાય એમ છે કે રાંધવા કે બાફવા જેવું કશું બચે જ નહીં. સરકાર જાણે છે કે ગેસ, ઓઈલ વગર પ્રજા રહેવાની નથી કે રાંધવાનું બંધ રખાય એમ નથી કે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવ્યા વગર ચાલવાનું નથી, એટલે પ્રજા લાચાર છે અને સરકાર અત્યારે લાચારીનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે.

આમ તો વાહન ખરીદી વખતે જ 28 ટકા ટેક્સ વસૂલાય તે પછી પેટ્રોલ કે ડિઝલ પર સૌથી ઊંચો એક્સાઈઝ-વેટ વસૂલાય છે. એ પછી રોડ સેસ અને ટોલ ટેક્સ તો ખરો જ. આમ તો પેટ્રોલ ભરાવીએ ત્યારે જ રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસને નામે ટેક્સ વસૂલાય જ છે, તો સવાલ એ થાય કે એક્સપ્રેસવે પર ઢગલો ટોલ ટેક્સ કઈ ખુશીમાં વસૂલાય છે? એક જ વાહન પર એક જ પ્રકારના બે વખત ટેક્સ કઈ રીતે લાગે? ટૂંકમાં, વાહન ખરીદનારને બધી જ બાજુએથી, બધા જ વેતરે છે. એ સમજાતું જ નથી કે રાષ્ટ્રનો વિકાસ મધ્યમ વર્ગના ખભા પર જ કેમ થાય છે? આ પ્રજા પણ ચૂંટણી વખતે, સરકાર દેખાડા ખાતર થોડું સસ્તું કરે એટલે આગળનું બધું ભૂલીને મત આપી આવે છે ને બીજા પાંચ વર્ષ માટે મોંઘવારી પર સહીસિક્કા કરી દે છે. સરકાર પ્રજાની નાડ પારખે છે ને તેને કેવી રીતે બાટલીમાં ઉતારી શકાય એ પણ જાણે છે, પણ પ્રજા સરકારની માનસિકતા નથી જાણતી એ દુ:ખદ છે, નહિતર એવું કેવી રીતે બને કે ચૂંટણી વખતે ફેંકાયેલી રાહત, એટલા પૂરતી જ છે, એનું ભાન જ ના પડે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 મે 2026

Loading

29 May 2026 Vipool Kalyani
← જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Search by

Opinion

  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન
  • સગડ
  • ‘જસ્ટ બિઇંગ’ : ઇતિહાસકાર રોમિલા થાપરનાં સંસ્મરણો
  • किसी वैभव का इंतजार
  • ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved