
નટુભાઈ પરમાર
૧૧ એપ્રિલ ૨૦૨૬ના દિવસે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા સેન્ટ્રલ યુનિવર્સિટી – ગુજરાતના સંયુક્ત ઉપક્રમે, તેના ‘ડૉ. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ-DACE’ના યજમાનપદે, તેના નોડલ ઓફિસર પ્રો. ડૉ. રાજેશ મકવાણા અને રજીસ્ટ્રાર પ્રો. એચ.બી. પટેલ અને સહયોગીઓના પ્રયાસોથી ‘મહાત્મા ફૂલે’ પર પૂરા દિવસનો એક સેમિનાર (ચર્ચા સત્ર) યોજાયો હતો. જેમાં ગુજરાતના સામાજિક ન્યાય-અધિકારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સહિતના ૧૬ (સોળ) વિદ્વાનોએ મહાત્મા ફૂલે પર જ્ઞાનસભર વક્તવ્યો રજૂ કર્યા હતા.
પરમ મિત્ર એવા ડૉ. રાજેશ મકવાણાના નિમંત્રણથી આ સેમિનારમાં સહભાગી થવાનો એક અવસર મને પણ મળ્યો, તે બદલ તેમનો તો આભારી છું જ, પણ વિશેષ આભારી છું આ સેમિનારમાં મહાત્મા ફૂલેના જીવનકાર્ય અને વિશેષ કરીને મહિલા ઉત્થાનના બેમિસાલ કાર્યને એક અર્થશાસ્ત્રીની દૃષ્ટિએ તપાસીને વક્તવ્ય આપનારા, સેન્ટ્રલ યુનિવર્સિટી-ગુજરાત (વડોદરા)નાં અધ્યાપિકા પ્રો. ડૉ. તુલિકા ત્રિપાઠીનો.
મહાત્મા ફૂલેના જીવનકાર્ય અને પ્રદાન વિશે આપણે ઘણું વાંચ્યું હોય તો પણ તુલિકાબહેને એક અર્થશાસ્ત્રીની અદાથી આ જીવનકાર્યનો અભ્યાસ તેમના પ્રવચનમાં રજૂ કર્યો છે, તે નિરાળો છે. ખ્યાતિપ્રાપ્ત અને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીઓ જે વાત – જે સિદ્ધાંતો આજે રજૂ કરે છે, તે તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે ૨૦૦ વર્ષ પહેલા કહી ચૂક્યા હતા – પુરવાર કરી ચૂક્યા હતા.
સાચે જ, તુલિકાબહેનનો આ લેખ અનન્ય છે. મારી વિનંતીથી એમનો મૂળ અંગ્રેજી લેખ મને અનુવાદ હેતુ મોકલી આપવા માટે હું તુલિકાબહેનનો હૃદયથી આભાર માનું છું.
– નટુભાઈ પરમાર
•
મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મ આજથી બસો વર્ષ પહેલાં, ૧૧ એપ્રિલ ૧૮૨૭ના રોજ થયો હતો. તેમ છતાં, જ્યારે હું તેમના જીવન અને કાર્યોને વાંચું છું, ત્યારે તેમણે ઓળખેલી સમસ્યાઓ અને તેમણે જે ચોકસાઈથી તેનો ઉકેલ આણ્યો તેમાં મને તેમનો એક આર્થિક દૃષ્ટિકોણ નજરે પડે છે. તેમણે મહિલાઓ અને નીચલી જાતિના લોકોની સ્થિતિને માત્ર એક સામાજિક સમસ્યા તરીકે જ નહીં, પરંતુ એક વંચિત જૂથની સમસ્યા તરીકે જોઈ. આ એ વંચિત વર્ગ હતા જેમની ક્ષમતાને શિક્ષણમાંથી બહિષ્કાર અને અલગ શ્રમ બજાર (segregated labor market) દ્વારા પદ્ધતિસર રીતે રોકવામાં આવી રહી હતી.
આ સમસ્યાઓના ઉકેલ માટે, તેમણે એવી સંસ્થાઓનું નિર્માણ કર્યું જે માત્ર શિક્ષણના અવરોધોને જ નહીં, પરંતુ લિંગ (જેન્ડર) અને જ્ઞાતિના અવરોધોને પણ તોડે. આ જ કારણ છે જે આજે બસો વર્ષ પછી પણ તેમને માત્ર એક સુધારક તરીકે જ નહીં, પરંતુ એક વિચારક તરીકે વાંચવા અને યાદ રાખવા યોગ્ય બનાવે છે. સમાજ સુધારાની સાથે મહાત્મા ફૂલેનો એક આર્થિક દૃષ્ટિકોણ પણ મને મારા અભ્યાસથી જડી આવ્યો છે.
પ્રસ્તુત લેખ તેમના કાર્યના છ પાસાંઓ (threads) પર આધારિત છે; જેમાં મેં તેમને વારસામાં મળેલી દુનિયા, તેમણે ઓળખેલી સમસ્યાઓ અને શોધેલા ઉકેલો, તથા અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી તેઓ કેટલા સફળ રહ્યા છે અને તેમનો અધૂરો એજન્ડા શું છે ? તેના પર પ્રકાશ પાથરવાનો પ્રયાસ કર્યો છે.
૧. મહાત્મા ફુલેને વારસામાં મળેલી દુનિયા (The World He Inherited)
જ્યારે જ્યોતિબા ફૂલેનો જન્મ થયો ત્યારે ભારતમાં મહિલા સાક્ષરતા દર ૦.૨ ટકાથી પણ ઓછો હતો. દલિત અને શુદ્ર મહિલાઓ માટે તો તે લગભગ શૂન્ય સમાન હતો. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૫૧માં માત્ર ત્રણ ટકા જેટલી કન્યાઓ જ શાળાએ જતી હતી. ભારતમાં ક્યાં ય પણ ખાસ કરીને દલિત કન્યાઓ માટે કોઈ શાળા અસ્તિત્વમાં નહોતી.
જે અર્થતંત્રમાં અડધી વસ્તી વાંચી શકતી નથી, સંપત્તિની માલિકી ધરાવી શકતી નથી, મુક્તપણે હરી-ફરી શકતી નથી, કોઈ કૌશલ્ય મેળવી શકતી નથી – તે માત્ર એક અન્યાય નથી, પરંતુ માનવ સંપદા(human capital)નો ભયંકર વ્યય પણ છે. જ્યાં એંસી ટકા લોકો ખેતી કે ખેતમજૂરી પર નિર્ભર હતા ત્યાં આવા અર્થતંત્રમાં મહિલા સાક્ષરતાનું કોઈ મૂલ્ય નહોતું અને તેથી તેનું કોઈ વળતર પણ નહોતું. મહિલાઓ પાસે સંપત્તિના કોઈ અધિકારો નહોતા અને તેથી કોઈ બેંક તેમને લોન આપતી નહોતી. સ્ત્રી શિક્ષણમાં રોકાણ કરવા માટે કોઈ આર્થિક કે સામાજિક પ્રોત્સાહન નહોતું. આ એક વિષચક્ર હતું અને એમાંથી મુક્ત થવાનો મહિલાઓ પાસે કોઈ માર્ગ નહોતો.
૨. વ્યવસ્થાને સમજવાનો પ્રયાસ (Reading the System)
૧૮૪૧માં, માળી જ્ઞાતિના છોકરા માટેની તમામ સામાજિક અપેક્ષાઓની વિરુદ્ધ જઈને, જ્યોતિરાવે પુણેની સ્કોટિશ મિશન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમનો પરિચય થોમસ પેઈનના પુસ્તક ‘રાઈટ્સ ઓફ મેન’ (Rights of Man) સાથે થયો. પેઈન યુરોપિયન રાજાશાહી (aristocracy) – રાજાઓ અને વારસાગત વિશેષાધિકારો વિશે લખી રહ્યા હતા. ફૂલેએ તેને વાંચ્યું અને તેનો અનુવાદ કર્યો. પેઈને જે વાત ઉચ્ચ કુળમાં જન્મ વિશે કહી હતી, તે જ વાત ફૂલેએ જ્ઞાતિ આધારિત જન્મ વિશે કહી. પેઈન અને ફૂલેના લેખનમાં તર્ક સમાન છે, અન્યાય પણ સમાન છે.
ફુલેએ અમેરિકન ગુલામી નાબૂદી આંદોલન(abolition movement)માંથી પણ પ્રેરણા લીધી. સિવિલ વોર (ગૃહયુદ્ધ) અને ગુલામી પ્રથા નાબૂદ કરવાની લડાઈ વિશે વાંચીને, તેમણે પણ એ જ માર્ગ અપનાવ્યો. ગુલામી નાબૂદ કરનારાઓએ જે વાત અશ્વેતોની ગુલામી વિશે કહી હતી, તે જ વાત ફૂલેએ દલિતોની ગુલામી વિશે કહી. ઉલ્લેખનીય છે કે ૧૮૭૩માં પ્રકાશિત તેમના પુસ્તક ‘ગુલામગીરી’ને જ્યોતિબા ફુલેએ અમેરિકન ગુલામી નાબૂદીના એ લડવૈયાઓને જ સમર્પિત કર્યું છે.
બીજી એક ઘટના ૧૮૪૮માં એક બ્રાહ્મણને ત્યાં લગ્ન દરમિયાન બની, જેમાં ફૂલે જોડાયા હતા. વરપક્ષના પરિવારે ફુલેને અપમાનિત કર્યા અને ધિક્કાર્યા. તેમને કહેવામાં આવ્યું કે તેઓ તે વરઘોડામાં સામેલ થવાને લાયક નથી. આ ઘટના ફૂલે માટે એક નિર્ણાયક વળાંક (tipping point) સાબિત થઈ.
જુઓ કે અહીં તર્ક સમાન છે, અન્યાય સમાન છે અને ઉપાય પણ સમાન છે.
તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. થોડાક જ મહિનાઓની અંદર તેમણે કન્યાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી, કેમ કે તે અપમાને તેમને સામાજિક વ્યવસ્થાનો અસલી ચહેરો બતાવ્યો હતો. જ્યોતિબાના પ્રતિભાવમાં ગુસ્સો નહોતો, પરંતુ રચનાત્મક અને પરિવર્તનકારી પગલાં ભરવાનો દૃઢ નિર્ધાર હતો.
૩. બહિષ્કારની ત્રણ પદ્ધતિઓ (Three Mechanisms of Exclusion)
જ્યોતિબા ફુલેની વિચારધારાને ‘ગુલામગીરી’માં સ્પષ્ટપણે વાંચી શકાય છે, તેમણે એવી ત્રણ બાબતો ઓળખાવી છે જેણે સમાજના બહુમતિ વર્ગ માટે બહિષ્કારની જાળ ઊભી કરી હતી. પ્રથમ તે જ્ઞાનાત્મક બહિષ્કાર (epistemic exclusion); એક એવી પ્રણાલી જે અંતર્ગત સંસ્કૃત ભાષા પુરોહિતોની સાક્ષરતા સાથે જ જોડાયેલી હતી. આ પ્રથાએ બહુમતિ વર્ગના શિક્ષણ પ્રવેશ માટે એક અવરોધ તરીકે કામ કર્યું. તેનો ઉકેલ ફુલેએ બિનસાંપ્રદાયિક, પ્રાદેશિક (વર્નાક્યુલર) અને સાર્વત્રિક શિક્ષણમાં જોયો જેને આપણે આજે ‘જ્ઞાનની સમાન વહેંચણી’ કહી શકીએ.
બીજું, આર્થિક ગુલામી. જ્ઞાતિ વ્યવસ્થા એ કોઈ દૈવી વ્યવસ્થા નહોતી. તે એવા લોકો દ્વારા શોધવામાં આવેલી એક પ્રણાલી હતી જેમને તેનાથી ફાયદો થતો હતો. તેની પાછળનો આશય બીજા લોકોને શ્રમિક અને ગુલામ બનાવી રાખવાનો હતો. તેથી જ ફુલેએ ‘ગુલામી’ (slavery) શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્રીજું, – અહીં હું માનું છું કે જ્યોતિબા ફુલે તેમના સમયના સુધારકો અને બૌદ્ધિકો કરતાં ઘણાં આગળ હતા – સ્ત્રીઓ પર લિંગ આધારિત બેવડા બોજ બાબતે જો કે તેમના યુગના મોટા ભાગના સુધારકો, પરિવારમાં સ્ત્રીઓના સ્થાન વિશે ચિંતિત હતા, પરંતુ ફુલેએ તેને એક સામાજિક અને આર્થિક સમસ્યા તરીકે જોઈ હતી.
(અ) જાતિ : એક આર્થિક એકમ (Caste as an Economic Institution)
જ્યારે આપણે તે સમયની જાતિ વ્યવસ્થાને એક અર્થશાસ્ત્રીના દૃષ્ટિકોણથી જોઈએ છીએ, ત્યારે આપણને નિયમોનો એક એવો સમૂહ જોવા મળે છે જે ઉત્પાદક સંસાધનોને થોડા લોકોના હાથમાં કેન્દ્રિત કરવા અને તે કેન્દ્રીકરણને જ સ્વનિર્ભર બનાવવાના હેતુથી જ રચવામાં આવ્યો હતો.
બ્રાહ્મણ પુરોહિતોનો સામાન્ય રીતે સાક્ષરતા પર અને ખાસ કરીને સંસ્કૃત પર, અને તે દ્વારા ધાર્મિક ગ્રંથો, હિસાબ-કિતાબ તેમ જ વહીવટી જ્ઞાન પર એકાધિકાર (monopoly) હતો. ટેકનિકલ-આર્થિક અર્થમાં આ એવા એકાધિકારનું જ સંપૂર્ણ સ્વરૂપ છે. જૂજ લોકો પૂરતો આ એકાધિકાર હતો. બહારના લોકોને તેમાં પ્રવેશવા બદલ સજા કરવામાં આવતી હતી. અને ભાડું/સેવા શુલ્ક વસૂલવામાં આવતું હતું, વર્ણ વ્યવસ્થાએ જન્મના આધારે વ્યવસાયો નક્કી કર્યા હતા. તમારી બુદ્ધિમત્તા, સર્જનાત્મકતા કે ક્ષમતા ગમે તે હોય, તમારું કામ તમે જે દિવસે જન્મ્યા તે જ દિવસે નક્કી થઈ જતું હતું.
આપણે સંસાધનોની આ ખોટી ફાળવણી(misallocation)ના આર્થિક નુકસાનની ગણતરી તો કરી શકતા નથી, પરંતુ આ નુકસાન કોઈ પણ ગણતરીએ ઘણું મોટું જ હશે એટલું તો આપણને સમજાય છે. જરા વિચારો કે કોઈ દેશ એવું નક્કી કરે કે માત્ર એક જ ચોક્કસ શહેરમાં જન્મેલા લોકો જ એન્જિનિયર બની શકે. બસ આ વ્યવસ્થા તે પ્રકારની હતી ! આવી દરેક વ્યવસ્થાના સાવ તળિયે નીચલી જ્ઞાતિની મહિલાઓ હતી. તેઓ બહિષ્કાર અને જાતિ આધારિત બહિષ્કાર, બંને એકસાથે સહન કરતી હતી અને તેમને આર્થિક ભાગીદાર તરીકે બિલકુલ ગણનામાં જ નહોતી લેવાતી. શૂન્ય સંપત્તિ, શૂન્ય અવાજ અને શૂન્ય કાનૂની દરજ્જો.
ફુલેએ આ વ્યવસ્થાને જોઈ પણ તેમાં ધર્મ ન જોયો. તેમણે એક એકાધિકાર ધરાવતું બજાર (monopoly market) જોયું. અને તેમણે કન્યાઓ માટે એક શાળા બનાવી, જેણે માત્ર આ એકાધિકારને જ નહીં પરંતુ ઈરાદાપૂર્વક બિછાવાયેલી આ નિમ્ન-સ્તરીય જાળને જ તોડી નાખી. તેમણે સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ એમ બે મહિલા શિક્ષકોની નિમણૂક કરી, જેનાથી મહિલા શ્રમિકોની રોજગારી માટેનો માર્ગ મોકળો થયો.
(બ) લિંગ ભેદઃ ભેદભાવના એક હથિયારરૂપે (Gender and Intersectionality)
મહાત્મા ફુલે એક મૂળભૂત બાબત અંગે ચિંતિત હતા કે મહિલાઓ, ખાસ કરીને દલિત મહિલાઓ, જેઓ અર્થતંત્રમાંથી સંપૂર્ણપણે બાકાત હતી, તેઓ એક વિલુપ્ત વર્ગ (missing class) સમાન હતી. આથી તેમનો આશય મહિલાઓને સૌથી પહેલા શિક્ષિત કરવાનો હતો. તેમનું આ પગલું ભવિષ્યલક્ષી હતું, જેમાં સામાજિક રોકાણનું સૌથી વધુ વળતર મળવાનું હતું (માનવ મૂડીનો સિદ્ધાંત).
ફુલે દૃઢપણે માનતા કે એક દીકરીને શિક્ષિત કરવાથી તેનું વળતર તેના પોતાનાથી ઘણું આગળ પહોંચે છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ આનું મૂલ્યાંકન કરી શકે તે પહેલાં ફુલે આ વાત સમજી ગયા હતા કે એક શિક્ષિત માતા તેની આવનારી પેઢીનું ભાવિ બદલી નાખે છે.
ફુલેએ કરેલો દરેક હસ્તક્ષેપ (intervention) એવા સામાજિક વળતર સાથે મેળ ખાય છે જેને આધુનિક અર્થશાસ્ત્રે પણ પ્રમાણ્યો છે. દીકરીઓના શિક્ષણના દરેક વધારાના વર્ષ દીઠ બાળ મૃત્યુદરમાં દસ ટકાનો ઘટાડો થાય છે (સમર્સ, ૧૯૯૪). અને શિક્ષણના પ્રત્યેક વર્ષ દીઠ આવકમાં દસ ટકાનો વધારો થાય છે, જે કોઈપણ રોકાણનું આ સૌથી વધુ ખાનગી વળતર (private return) છે. ફુલેએ પ્રથમ વખત શિક્ષિત મહિલાઓનો એવો પુરવઠો (supply) ઊભો કર્યો, જેઓ આ વળતર મેળવી શકે. આંતરપેઢીય અસર (Intergenerational effect) મુજબ શિક્ષિત માતાઓના બાળકો બમણું શૈક્ષણિક રોકાણ મેળવે છે. મહાત્મા ફુલેનું સુપ્રસિદ્ધ નિવેદન છેઃ ‘એક મહિલાને તમે શિક્ષિત કરો છો ત્યારે એકથી વધુ પરિવારને શિક્ષિત કરો છો’
૪. તેમણે જે નિર્માણ કર્યું (What He Built)
૧ જાન્યુઆરી ૧૮૪૮. ભીડેવાડા, પુણે. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈએ કન્યાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી. આના માટે કોઈ બજાર તૈયાર નહોતું અને કોઈ પરિવારને આમાં તાત્કાલિક વળતર દેખાતું નહોતું. આની સામાજિક સજા ખૂબ જ ક્રૂર હતી – સામાજિક બહિષ્કાર, શારીરિક સતામણી. સાવિત્રીબાઈ રોજ સવારે શાળાએ ચાલીને જતાં ત્યારે લોકો તેમના પર છાણ અને પથ્થરો ફેંકતા હતા. તેઓ શાળાએ પહોંચીને બદલવા માટે પોતાની સાથે એક વધારાની સાડી રાખતાં હતાં, છતાં તેઓ રોજ સવારે આવતાં. જ્યારે ફુલેના પોતાના પરિવારે દલિત બાળકોને ભણાવવા બદલ તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા, ત્યારે ઉસ્માન શેખ અને તેમની બહેન ફાતિમા શેખે ફુલે દંપતીને આશરો આપ્યો. ફાતિમા, જેઓ પહેલેથી જ સાક્ષર હતાં, તેમણે સાવિત્રીબાઈની સાથે તાલીમ લીધી અને ફુલે દંપતીએ આખરે જે પાંચ શાળાઓ ખોલી તે તમામમાં ભણાવવા ગયાં – તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક પણ બન્યાં.
૧૮૫૧-૫૨ સુધીમાં, પુણેની ત્રણ શાળાઓમાં લગભગ ૧૫૦-૨૦૦ કન્યાઓ નોંધાઈ ચૂકી હતી. ફુલેએ જે કર્યું તેને અર્થશાસ્ત્રની ભાષામાં ‘કોઓર્ડિનેશન ફેલ્યોર'(સામૂહિક નિષ્ફળતા)નો સિદ્ધાંત કહેવામાં આવે છે. જ્યારે કોઈ શાળા નહોતી, ત્યારે કોઈ પરિવારે છોકરીઓનાં શિક્ષણમાં રોકાણ ન કર્યું, કારણ કે તેનું કોઈ વળતર નહોતું. તેમણે શાળા બનાવી, જેણે પ્રશિક્ષિત શિક્ષકોનો પુરવઠો ઊભો કર્યો; આ રીતે, કન્યા શિક્ષણનું વળતર શરૂ થયું. તેમણે કન્યાઓની શાળાની સાથે જે નાઈટ સ્કૂલ (રાત્રિ શાળા) શરૂ કરી તે પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ સમજતા હતા કે તમે કોઈ કામ કરતાં વ્યક્તિને કમાણી કરવા અથવા ભણવા વચ્ચે પસંદગી કરવાનું કહી શકો નહીં. જ્યોતિબાએ તો તે પસંદગીનો અવરોધ જ દૂર કરી દીધો.
૫. આર્થિક માળખાઓ (The Economic Frameworks)
અર્થશાસ્ત્રના ત્રણ સિદ્ધાંતો આપણને એ સમજવામાં મદદ કરે છે કે ફુલેનું આ કાર્ય આર્થિક રીતે આટલું મહત્ત્વપૂર્ણ કેમ હતું અને તે શા માટે સફળ રહ્યું. દરેક કિસ્સામાં, આ સિદ્ધાંતો તેમના કાર્યોના એક સદી કે તેથી વધુ સમય પછી અસ્તિત્વમાં આવ્યા. યાને મહાન અર્થશાસ્ત્રીઓએ જે કહ્યુ એ એમની પહેલા જ્યોતિબા ફુલે કહી ચૂક્યા હતા.
(અ) માનવ મૂડીના સિદ્ધાંતની સમજ (Traces of the Theory of Human Capital)
અર્થશાસ્ત્રી શુલ્ત્ઝે ૧૯૬૧માં દલીલ કરી હતી કે શિક્ષણ એ એક રોકાણ છે, વપરાશ (consumption) નથી. તેમણે દર્શાવ્યું કે તે કામદારોની ઉત્પાદક ક્ષમતા વધારે છે અને તેનું વળતર માપી શકાય તેવું અને સામાજિક રીતે વહેંચાયેલું હોય છે. અર્થશાસ્ત્રી ગેરી બેકરે ૧૯૬૪માં આને ઔપચારિક સ્વરૂપ આપ્યું. શુલ્ત્ઝને ૧૯૭૯માં નોબેલ પુરસ્કાર મળ્યો અને બેકરને ૧૯૯૨માં, જ્યારે કે ફલે તો આ વિચારનો અમલ છેક ૧૮૪૮માં કરી ચૂક્યા હતા !
વધુમાં, ફુલેએ તેમના દ્વારા સંચાલિત શાળાઓના અભ્યાસક્રમમાં ધાર્મિક શિક્ષણને બદલે અંકગણિત, પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇતિહાસની પસંદગી કરી. તે એવું ઉત્પાદક જ્ઞાન હતું જે લોકોને દુનિયામાં રોજગારી મેળવવા માટે સક્ષમ બનાવતું હતું. ૧૮૮૨માં હંટર કમિશન સમક્ષ આપેલા તેમના નિવેદનમાં ફુલેએ સ્પષ્ટ દલીલ કરી હતી કે સરકારે કન્યા શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું જોઈએ કારણ કે ઘરગથ્થુ ખાનગી રોકાણને પ્રેરિત કરવા માટે ખાનગી વળતર અપૂરતું છે. પરિવારો સામાજિક પુનઃઉત્પાદન(social reproduction)માં ત્યાં સુધી રોકાણ નહીં કરે જ્યાં સુધી તેનો લાભ પરિવારને મળવાને બદલે બાળકો, સમુદાયો અને આવનારી પેઢીઓને મળતો રહેશે; આ એક આદર્શ બજાર નિષ્ફળતા(market failure)ની દલીલ છે.
રાત્રિ શાળા એ સમસ્યાનો ઉકેલ લાવે છે જેને અર્થશાસ્ત્રી બેકરે ‘તકમાં ખર્ચ અવરોધ’ (opportunity cost barrier) તરીકે ઓળખાવ્યો હતો. ગરીબ લોકો શિક્ષણ મફત હોવા છતાં પણ કેમ મેળવી શકતા નથી તેનું કારણ એ છે કે શાળાએ જવાનો પણ એક ખર્ચ હોય છે. બેકરે આ સિદ્ધાંતને ઓળખાવ્યો તેની એક સદી પહેલાં ફુલેએ તો આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. અર્થશાસ્ત્રી લોરેન્સ સમર્સે ૧૯૯૪માં શોધી કાઢ્યું કે છોકરીઓના શિક્ષણનું દરેક વધારાનું વર્ષ બાળ મૃત્યુદરમાં આશરે દસ ટકાનો ઘટાડો કરે છે અને સ્ત્રીઓની આવકમાં પણ તેટલા જ ગણો વધારો કરે છે; હકીકતમાં સમર્સ ફુલેએ જે નિર્માણ કર્યું હતું તેનું જ મૂલ્યાંકન કરી રહ્યા હતા.
(બ) સંસ્થાકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતની સમજ (Traces of the Theory of Institutional Economics)
ડગ્લાસ નોર્થ, જેમને ૧૯૯૩માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો, તેમણે દર્શાવ્યું હતું કે આર્થિક કામગીરી જે તે સંસ્થાઓ પર આધાર રાખે છે – એટલે કે તે અનૌપચારિક નિયમો અને વિનિયમો (norms and regulations) હોય છે, જેના દ્વારા લોકો એકબીજા સાથે વ્યવહાર કરે છે. જાતિ વ્યવસ્થા એ ભારતની પ્રભાવશાળી અનૌપચારિક સંસ્થા હતી. તેને લાગુ કરવા માટે કોઈ પોલીસ બળની જરૂર નહોતી; તે ધાર્મિક વિધિઓ, સામાજિક દબાણ અને શિક્ષણ તેમ જ સામુદાયિક જીવનમાંથી બહિષ્કાર દ્વારા લાગુ કરવામાં આવતી હતી. નોર્થે દર્શાવ્યું કે, આ અનૌપચારિક પદ્ધતિઓ ઘણીવાર ઔપચારિક કાયદા કરતાં વધુ શક્તિશાળી હોય છે. જ્યોતિબા ફુલેએ સપ્ટેમ્બર ૧૮૭૩માં જેનું નિર્માણ કર્યું – તે ‘સત્યશોધક સમાજ’ એક પ્રતિ-સંસ્થા (counterinstitution) હતી. જ્યાં જૂની વ્યવસ્થામાં પુરોહિતોની જરૂર પડતી હતી, ત્યાં નવી વ્યવસ્થાએ તેમના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. જ્યાં જૂની વ્યવસ્થા જ્ઞાતિ આધારિત લગ્નો(caste endogamy)નો આગ્રહ રાખતી હતી, ત્યાં આ નવી વ્યવસ્થાએ સૌનું સ્વાગત કર્યું. જ્યાં જૂની વ્યવસ્થા સ્ત્રીઓને સંપત્તિ તરીકે જોતી હતી, ત્યાં નવી વ્યવસ્થાએ તેમને પૂર્ણ સભ્ય બનાવ્યા. અર્થશાસ્ત્રીઓ એસેમોગ્લુ અને રોબિન્સનના ૨૦૧૨ના કાર્યએ દર્શાવ્યું કે સમાવેશી સંસ્થાઓ (inclusive institutions) પોતે જ લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિનું મુખ્ય કારણ હોય છે. જ્યારે કે મહાત્મા ફુલે છેક ૧૮૭૩માં આ સિદ્ધાંત પર કામ કરી રહ્યા હતા. વિચાર એ જ છે, માત્ર શબ્દો અલગ છે.
(ક) ક્ષમતા અભિગમના સિદ્ધાંતની સમજ (Traces of Capabilities Approach)
મહાન અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના ૧૯૯૯માં પ્રકાશિત પુસ્તક ‘ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ'(Development as Freedom)માં દલીલ કરવામાં આવી હતી કે વિકાસ એ કોઈ દેશનો જી.ડી.પી. (GDP) નથી. તે એ છે કે ત્યાંના લોકો શું કરી શકે છે અને તેમનું સામર્થ્ય કેવું છે. મહાન ફિલોસોફર માર્થા નુસબૌમે આને માનવ ક્ષમતાઓની એક વિશિષ્ટ સૂચિ તરીકે વિકસાવી – જે મૂળભૂત ન્યાયના સંદર્ભે દરેક વ્યક્તિ શું કરવા અને શું બનવા માટે હકદાર છે તે દર્શાવે છે. તે સૂચિ વાંચો અને તમને ફુલેનું જીવન તેની સાથે સુસંગત થતું જોવા મળશે.
બાળલગ્ન સામેની તેમની ઝુંબેશ સામાન્ય આયુષ્ય સુધી જીવવાની ક્ષમતા સુરક્ષિત કરી રહી હતી. તેમણે ૧૮૬૩માં જે બાળહત્યા પ્રતિબંધક ગૃહ (infanticide home) ખોલ્યું તે શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક અખંડિતતા (bodily integrity) માટે હતું. શાળાઓએ સંવેદનાઓ, કલ્પના શક્તિ અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિધવાઓના બળજબરીથી કરવામાં આવતા મુંડન (માથું મુંડાવવા) વિરુદ્ધની તેમની ઝુંબેશ, અપમાન વિના દુઃખનો અનુભવ કરવાની ક્ષમતા પર ભાર મૂકતી હતી. સત્યશોધક સમાજનો વ્યવહારિક તર્ક, વિચારવા અને પ્રશ્ન પૂછવા માટેની એક જગ્યા પૂરી પાડતો હતો. પુરોહિતો વિનાના સત્યશોધક લગ્નોએ વ્યક્તિને પોતાના જીવન પર પોતાન અધિકારના સિદ્ધાંતની પુષ્ટિ કરી; તેમણે જે સંસ્થાઓ બનાવી તેણે જ આ ક્ષમતાઓ પ્રદાન કરી.
(૬) અધૂરી ક્રાંતિ – ભારત ૨૦૨૬ (The Unfinished Revolution – India ૨૦૨૬)
મહાત્મા ફુલેના જન્મના બસો વર્ષ પછી, ફુલે જે આંકડા – જે સ્થિતિ બદલવા માંગતા હતા તેના પર નજર નાખવા જેવી છે.
મહિલા સાક્ષરતા દર આજે પુરુષોના ૮૨ ટકાની સામે અંદાજે ૬૫ ટકા છે. મહિલા શ્રમ દળ ભાગીદારી દર (LFPR) – ૩૭ ટકા છે, જ્યારે પુરુષોનો ૭૯ ટકા છે. પુરુષ અને મહિલા શ્રમ દળ ભાગીદારી દર (LFPR) વચ્ચેનો આ ૪૨ ટકાનો તફાવત એ મહિલાઓનો માળખાકીય બહિષ્કાર (structural exclusion) દર્શાવે છે, એમાં કોઈ વ્યક્તિગત પસંદગીનો તફાવત નથી. વધુમાં, સમાન કામ માટે પુરુષો દ્વારા કમાવવામાં આવતા દરેક એક રૂપિયા સામે મહિલાઓ અંદાજે ૭૭ પૈસા કમાય છે (ILO, ૨૦૨૪). વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેન્ડર ગેપ ઇન્ડેક્સ(૨૦૨૪)માં ભારત ૧૪૬ દેશોમાંથી ૧૨૯મા ક્રમે છે.
(૭) નિષ્કર્ષ (Conclusion)
મારા મનમાં જે વાક્ય આવે છે તે છે ‘economist avant la lettre’ – એટલે કે સમય કરતાં આગળ વિચારીને આર્થિક સિદ્ધાંતો આપનાર. આનો અર્થ એ નથી કે જ્યોતિબા ફુલેના વિચારો માત્ર અર્થશાસ્ત્રને સંબંધિત છે. અહીં ખરેખર તો તેઓ જે રીતે વિચારતા હતા અને તેમણે જેનું નિર્માણ કર્યું તે મહત્ત્વનું છે. તેમણે એવા પરિબળોને શોધ્યા જે નિષ્ફળતા તરફ દોરી જતા હતા. તેમણે તેનાં સંસ્થાકીય કારણોનું મૂલ્યાંકન કર્યું. તેમણે એવા હસ્તક્ષેપો તૈયાર કર્યા જેણે પુરવઠા અને માંગ બંને બાજુના અવરોધો પર એકસાથે પ્રહાર કર્યો, જેણે સકારાત્મક બાહ્ય અસરો (positive externalities) પેદા કરી. તેમણે કન્યાઓની શાળા, સત્યશોધક સમાજ જેવી પ્રતિ-સંસ્થાઓનું નિર્માણ કર્યું. અને તેમણે વસાહતી સરકાર (colonial state) સમક્ષ એક ઔપચારિક નીતિવિષયક દલીલ રજૂ કરી. તેમણે સાવિત્રીબાઈના રોજ સવારે બધી જ મુશ્કેલીઓ સાથે સામે ચાલીને શાળાએ જવાના ઉદાહરણ સાથે એ પણ સાબિત કર્યું કે, પ્રથમ પહેલ કરનાર (first mover) હંમેશાં સૌથી વધુ કિંમત ચૂકવે છે. પરંતુ પ્રથમ પહેલ કરનાર વિના કોઈ આંદોલન કે ચળવળ ક્યારે ય શક્ય નથી બનતી.
ક્રાંતિપુરુષ મહાત્મા ફુલેની વિદાયના બસો વર્ષ પછી, આપણે એક પૂર્ણ થયેલી ક્રાંતિની ઉજવણી કરીને નહીં, પરંતુ તેમનું કેટલું કામ હજી પૂર્ણ કરવાનું બાકી છે તેનો સ્વીકાર કરીને જ તેમને સાચું સન્માન આપીએ શકીશું.
*
સંદર્ભો (References)
૧. ઓ’હેનલોન, આર. (૧૯૮૫). Caste, Conflict and Ideology: Mahatma Jyoti Rao Phule and Low Caste Protest in ૧૯th Century Western India. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
૨. ઓ’હેનલોન, આર. (૧૯૮૫), એ જ. વધુમાં: Census of India ૧૮૮૧, Bombay Presidency Education Returns.
૩. ૧ જાન્યુઆરી ૧૮૪૮ની તારીખ આ સ્રોતો દ્વારા પુષ્ટિ થયેલ છે: વેલીવાડા ફાઉન્ડેશન ટાઇમલાઇન; સાવિત્રીબાઈ ફુલે, વિકિપીડિયા (હરિ નરકે, ૨૦૧૫ને ટાંકીને); The Statesman, ૧ જાન્યુઆરી ૨૦૨૩. ૧૫ મે ૧૮૪૮ દર્શાવતા અગાઉના અહેવાલો ભૂલભરેલા જણાય છે.
૪. ફાતિમા શેખ, વિકિપીડિયા; Clarion India, જાન્યુઆરી ૨૦૨૬; The Print, ૨૦૧૮.
૫. સાવિત્રીબાઈ ફુલે, વિકિપીડિયા, ૧૮૫૧ના અંત સુધીમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને ટાંકીને. કેટલાક ગૌણ અહેવાલોમાં ૧૮૫૨ માટે ૨૭૩નો આંકડો દેખાય છે.
૬. શુલ્ત્ઝ, ટી.ડબલ્યુ. (૧૯૬૧). Investment in Human Capital. American Economic Review, ૫૧(૧), ૧-૧૭. બેકર, જી.એસ. (૧૯૬૪). Human Capital. NBER/કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
૭. સમર્સ, એલ.એચ. (૧૯૯૪). Investing in All the People. World Bank EDI Seminar Paper No. ૪૫.
૮. સેન, અમર્ત્ય (૧૯૯૯). Development as Freedom. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ.
૯. નુસબૌમ, એમ.સી. (૨૦૦૦). Women and Human Development. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
૧૦. નોર્થ, ડી.સી. (૧૯૯૦). Institutions, Institutional Change and Economic Performance. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
૧૧. એસેમોગ્લુ, ડી. અને રોબિન્સન, જે.એ. (૨૦૧૨). Why Nations Fail. ક્રાઉન પબ્લિશર્સ.
૧૨. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ (Census of India ૨૦૧૧).
૧૩. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે ૨૦૨૨-૨૩ (PLFS). આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકાર.
૧૪. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (૨૦૨૪). World Employment and Social Outlook: Trends ૨૦૨૪. જિનીવા: ILO.
૧૫. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (૨૦૨૪). Global Gender Gap Report ૨૦૨૪. જિનીવા: WEF.
૧૬. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે ૨૦૨૨-૨૩ (PLFS). જ્ઞાતિ-વર્ગીકૃત LFPR કોષ્ટકો.
જ્યોતિરાવ ફુલેના પ્રાથમિક સ્રોતો (Primary Sources by Jyotirao Phule)
* ફુલે, જ્યોતિરાવ (૧૮૫૫). તૃતીય રત્ન (Tritiya Ratna). પુણે.
* ફુલે, જ્યોતિરાવ (૧૮૬૯). બ્રાહ્મણાંચે કસબ (Brahmananche Kasab). પુણે.
* ફુલે, જ્યોતિરાવ (૧૮૭૩). ગુલામગિરી (Gulamgiri) [Slavery]. પુણે. અનુવાદ: દેશપાંડે, જી.પી. (સંપાદક) (૨૦૦૨). Selected Writings of Jyotiba Phule. મનોહર, નવી દિલ્હી.
* ફુલે, જ્યોતિરાવ (૧૮૮૧). શેતકર્યાચા આસુડ (Shetkaryacha Asud) [The Cultivator’s Whipcord]. પુણે.
* ફુલે, જ્યોતિરાવ (૧૮૮૨). Memorial Addressed to the Education Commission [Hunter Commission]. એમાં: Education Commission, Bombay, Vol II. કલકત્તા, ૧૮૮૪.
* ફુલે, જ્યોતિરાવ (૧૮૯૧). સાર્વજનિક સત્યધર્મ પુસ્તક (Sarvajanik Satyadharma Pustak). પુણે (મરણોત્તર)
e.mail : natubhaip56@gmail.com
![]()

