આમ તો ગામમાં ગ્રોસરીના બે પ્રખ્યાત સ્ટૉર. એક ‘અગ્રવલ પ્રરોવિઝન સ્ટૉર’, અને બીજો ‘ચંદબાબુ લિમિટેડ સ્ટોર! બન્ને સ્ટોર્સમાં ખાણીપીણીની તમામ ચીજવસ્તુઓ મોજુદ રહેતી. ગામ લોકો માટે ઘરોપયોગી ચીજવસ્તુઓ ઉપરાંત કરિયાણું મોજુદ રહેતું. મુસોમા ગામ વિક્ટોરિયા સરોવર કાંઠે વસેલું એક રળિયામણું ગામ હતું. અહીં પચરંગી પ્રજા રહેતી. અને ગોરાઓની વસાહત પણ ઘણી મોટી હોવાથી એમની જરૂરિયાતોને, ખાદ્ય ચીજવસ્તુઓને ધ્યાનમાં રાખીને એમની ગ્રોસરી અને બીજી ચીજવસ્તુઓ આ સ્ટૉરમાં કાયમ ઉપલબ્ધ રહેતી.
આ બે મેગા સ્ટોર્સમાં ‘ચંદબાબુ લિમિટેડ સ્ટોર!ની ભારે બોલબાલા હતી. જર્મન શાસનકાળ દરમિયાન ચંદબાબુએ તેની સ્થાપના કરેલી અને આજે આ સૌથી જૂનો અને વિશ્ર્વાસપાત્ર સ્ટોર ગણાય છે. ચંદબાબુ લિમિટેડ સ્ટોરના માલિક સાંતાસિંઘ પ્રકાશસિંઘ ચંદ ‘ચંદબાબુ’ના હુલામણા નામથી જાણીતા હતા. નિજી જીવનના આઠ દસકા જેટલા લાંબા આયુનો પંથ કાપનાર ચંદબાબુ આટલી જૈફ ઉંમરે પણ કડેધડે હતા અને કલાક બે કલાક હાજરી આપવા સ્ટોરમાં આવી બેસતા. આમ તો સ્ટોરનો સઘળો કારભાર ચંદબાબુ એમના ભત્રીજા બલવંત સિંઘને સોંપી દીધો હતો. એમના બીજા ભત્રીજાઓ પણ આ જ સ્ટોરમાં જુદા જુદા ડિપાર્ટમેંટ સંભાળી રહ્યા હતા. નિહાલચંદ સિગારેટનો ડિપાર્ટમેંટ સંભાળતો, મૂળચંદ હાર્ડવેર સ્ટોર અને બિહારીલાલ પોર્ટ પાસે આવેલા લક્કડ સ્ટોરનો ઇન્ચાર્જ હતો. ચંદબાબુ પાસે અઢળક સંપતિ હતી, વાહેગુરુએ એમને બે દીકરીઓ આપી હતી અને બંને દીકરીઓને પરણાવી દીધી હતી. મોટી દીકરીને પરણાવીને દારેસલામ વળાવી હતી જ્યારે ચંદબાબુ નાની દીકરી અમરજીત કૌર અને જમાઈ કુલભૂષણ સાથે રહેતા હતા. કુલભૂષણ પણ ચંદબાબુ લિમિટેડ સ્ટોરમાં જવાબદારી વાળો હોદો સંભાળી રહ્યા હતા. પરંતુ કુદરતની વક્રતા તો જુઓ? આ ધીકતા બિઝનેસને આગળ વધારવા વાહેગુરુએ સમ ખાવા પૂરતા એકાદ બેટો આપ્યો ન હતો. જ્યારે નાના ભાઈ જગતસિંઘની વહુની કુખે વાહેગુરુએ એક નહીં પણ ચાર ચાર પુત્રોની ભેટ ધરી હતી. અત્યારે ચંદબાબુ લગભગ અર્ધનિવૃત્તિ જેવું જીવન જીવી રહ્યા હતા. વીસમી સદીના પ્રારંભકાળમાં એમણે આ ગામની જમીન પર પગ મૂક્યો ત્યારે મુસોમા ખોબા જેવડું ગામડું હતું. પતરાની દીવાલ અને છાપરાં વાળા ઘરમાં એશિયનોનાં પાંચ-સાત ઘર હતા. લોકો ખેતી કરીને ગુજરાન ચલાવતા. ચંદબાબુના મોટાભાઈ જગતસિંઘ ઓગણીસમી સદીના અંતિમ વરસોમાં લુધિયાણાથી વહાણમાં હિંદી મહાસાગર ખેડી એકલા આફ્રિકા આવી, ટાંગાનિકાના મુસોમા ગામમાં મૂળિયાં નાખ્યાં હતા અને વીસમી સદીનો પ્રારંભકાળ શરૂ થાય એ પહેલાં ચંદબાબુને પણ આફ્રિકા બોલાવી લીધા હતા. એ સમય જ એવો હતો કે જ્યારે આફ્રિકા આવવા માટે પાસપોર્ટ કે પરમિટની જરૂર ન રહેતી. ચંદબાબુ અને જગતસિંહ – બન્ને ભાઇઓ જુવાન અને બંનેનાં શરીર ખડતલ એટલે બે ય ભાઇઓ ખેતીકામમાં જોતરાઈ ગયા. ખેતકામથી થયેલી ઊપજ ખચ્ચર પર લાદી અંતરિયાળ વિસ્તારમાં જઈ વેચી આવતા અને એમાંથી સારી કમાણી કરી લેતા. પછી બન્ને ભાઈઓએ ભેગા મળીને એક પરચૂરણ સામાન વેચવાની દુકાન ખોલી અને વાહેગુરુની કૃપાથી આ દુકાન ધોમ કમાણી કરવા લાગી પછી દેશમાંથી એમણે એમના બીજા ભાઈઓને પણ આફ્રિકા બોલાવી લીધા. મુસોમામાં ગ્રોસરીનો મોટો સ્ટોર નાખ્યો: ચંદબાબુ લિમિટેડ સ્ટોર. તેને મહેનત મશકત કરી ખૂબ વિકસાવ્યો.
એ ગાળમાં દેશમાંથી આવી ગુજરતીઓ અને શિખો ને પંજાબીઓનો વસવાટ વધવા લાગ્યો હતો. અને બીજા વિશ્વયુદ્ધ પછી ટાઁગાનિકાને જર્મન રાજ્યના કબજામાંથી છોડાવી બ્રિટિશ સરકારનું શાસન શરૂ થયું અને એ સાથે સમગ્ર દેશનો ઝડપી વિકાસ શરૂ થયો. અને સમયાંતરે મુસોમા એક નાનકડું શહેર બની ટાંગાનિકાના એક મહત્ત્વના બંદર તરીકે ઊભરી આવી વિક્ટોરિયાનું જાણીતું બંદર બન્યું. એમ ચંદબાબુનો આ સ્ટોર પણ સુખ્યાત બની ગયો. વરસો જતાં બાબુ ચંદે ખાંડ, સિગારેટ, ટિમ્બર, લોખંડ, પતરું અને શેલ પેટ્રોલિયમ વગેરેની એજંસીઓ અંકે કરી લીધી હતી અને મારા ડિસ્ટ્રિક્ટમાં પ્રસિદ્ધ કિયાબાકારી ગોલ્ડ માઈનની વસાહતમાં ગ્રોસરીનો મેગા સ્ટોર પણ નાખી દીધો.
પણ ચંદબાબુ સામ્રજ્યના કૂદ્કે ને ભૂસકે વધી રહેલા કારોબાર દમિયાન એક એવી દુર્ઘટના ઘટી જે ઘટનાએ જાણે ચંદ બાબુનો જમણો હાથ જ કાપી નાખ્યો હોય.. બનવા કાળ બન્ને ભાઈઓ કિયાબાકારીની શાખાએથી થોડાં અગત્યના કામ પતાવી મુસોમા જઈ રહ્યા હતા. બપોરનો સમય હતો. અને માથું ફાડી નાખે એવા બળબળતા તાપમાં, ખટારો ભેંકાર વગડાની કાચી સડક પર ફૂલ ઝડપે દોડી રહ્યો હતો. રસ્તામાં જગતસિંઘને પેશાબ લાગી. તેણે ડ્રાઈવરને ખટારો ઊભો રાખવા જણાવ્યું અને જંગલનો એકાંત ખૂણો શોધી એ ઝાડીમાં અદૃશ્ય થઈ ગયા અને બે ચાર ક્ષણો પછી વગડાના એ ખૂણા તરફથી એક તીવ્ર ચીસ ચંદબાબુને કાને અથડાઈ. ડ્રાઇવર રામ અને ચંદબાબુ ઝડપથી ખટારામાંથી ઊતરી પડ્યા અને જગતસીંઘ પાસે દોડી આવ્યા. જગતસિંઘ સપાટ ઘાસવાળી જમીન પર ઉથમૂથ પડ્યા હતા. “શું થયું ? શું થયું?’’ અધ્ધર શ્વાસે બંને પૂછવા લાગ્યા.
જગતસિંઘના મોંમાં ફીણ વહી આવ્યાં હતાં. ચંદ બાબુએ ભાઈનો હાથ પકડી લીધો. “એ તો બતા કિ કી હુવા?’
“સાપ…સાપ. મેરેકો સાપને ડંશ લિયા … બહુત ઝહેરીલા સાપ થા … મેરા પૈર ઉસકે ઉપર પડા ગયા ઓર ઉસને મુઝે ડંખ મારા …’’ જગત સિંઘ હાંફતો હાંફતો ભારે શ્ર્વાસે કટકે કટકે કહી રહ્યો હતો. તેની આંખો ઘેરાતી હતી.
“ભૈયા અબ મેરે જાનેકા વક્ત આ ચૂકા હૈ ….મેરે બચ્ચોંકો સંભાલના. ઉનકા ખયાલ રખના.’’
“બચ્ચોંકી ફિકર ના કર તું. તુઝે કુછ નહીં હોનેવાલા … જગત, તુઝે હમ અભી અસ્પતાલ લે ચલતેં હૈં. સબૂર કર સબ ઠીક હો જયેગા.’ ચંદબાબુ મોટા ભાઈને સધિયારો આપવા લાગ્યા. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બંનેએ જગતસિંઘના પડછંદ દેહને ઊભો કર્યો અને ચંદબાબુના કંધાના ટેકે એને ખટારા તરફ લઈ જવા લાગ્યા. એકાદ બે ડગલાં ભર્યાં ના ભર્યાં ત્યાં ચંદબાબુના કંધા પર જગતસિંઘનું માથું ઢળી પડ્યું. ચંદબાબુના મોઢેથી ઘોર વગડાની નિસ્તબ્ધતાને ચીરતી ચીસ નીકળી પડી. ભાઈના મૃતદેહને પકડીને ચંદબાબુ ચોધાર આંસુડે રોવા લાગ્યા. રામ ચંદબાબુને હિંમત આપવા લાગ્યો. આઘાતની કળ વળતાં બંનેએ જગતસિંઘના દેહને ખટારામાં ચડાવ્યો.
જગતસિંઘની અણધારી વિદાયથી ચંદબાબુનો પરિવાર ભાંગી પડ્યો. ચંદબાબુનો કારોબાર એક અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવ્યો હતો. જગતસિંઘની અંતિમ ક્રિયામાં લગભગ આખું ગામ જોડાયું હતું. ગુજરાતીઓ, શીખો, મુસ્લિમભાઇઓ તેમ જ આફ્રિકનોની પણ મોટી હાજરી હતી.
મૃતાત્માની તમામ વિધિઓ પત્યા પછી ચંદબાબુએ જગતસિંહના મોટા દીકરાને કારોબારના ડિરેક્ટર તરીકે નીમી દીધો અને બીજા ભત્રીજાઓને પણ સારા હોદા પર બેસાડ્યા.
જોતજોતામાં જગતસિંઘની વિદાયને પણ વર્ષો વીતવા લાગ્યાં. સ્ટોરનું કામકાજ નિયમિત ચાલું હતું.
આ સ્ટોરમાં કામ કરનાર દરેક વ્યક્તિનું પગાર ધોરણ અલબત બીજા સ્ટોરના નોકરો કરતાં સહેજસાજ થોડું ઓછું રહેતું પણ આ સ્ટોરમાં નોકરીએ જોડાનારની નોકરી કાયમી બની જતી. અહીં કામ કરનાર સ્ટાફ એમ માનતો કે પગાર ભલે થોડોઘણો ઓછો મળતો હોય પણ નોકરી સલામતીવાળી છે. ચોલટા કર્મચારીઓ માટે તો અહીં ઘી-કેળાં હતાં.
જગતસિંઘના ગયા પછી ચંદબાબુ માટે એકલા હાથે આ સ્ટોર સંભાળવો અઘરો લાગતો હતો. નોકરો બેફામ બન્યા હતા. આ સ્ટોરમાં નોકરી કરનાર નોકરો રીઢા બન્યા હતા. બેફામ ચોરીઓ થઈ રહી હતી. કોઈના હાથ ચોખા ન હતા. નાનામાં નાની પાયરીના કર્મચારીથી લઈને સ્ટોરમાં સૌથે મોટો હોદો ધરાવનાર કંપની ડિરેકટર ચંદબાબુના ભત્રીજા બલવંત સિંઘના હાથ પણ બેઇમાનદારીથી ખરડાયેલા હતા. બલવંત સિંઘને સ્ટોરના ડિરેક્ટર તરીકે તગડો પગાર મળતો હતો, છતાં પણ દુકાનના ચોપડા લખવામાં ગરબડી કરી વરસ દાડે તગડી રકમની ઉઠાંતરી કરી પોતાના ખાતામાં જમા કરાવી લેતો. ચંદબાબુનો જમાઈ કુલભૂષણ પણ દુકાનને વફાદાર ન હતો. તેમ બીજા નોકરો પણા દૂધે ધોયેલા ન હતા. જ્યારે તક મળતી ત્યારે નાની મોટી ચીજ વસ્તુઓ પર હાથ મારી લેતા. પોર્ટ પાસે આવેલા ચંદબાબુના લાકડા, પતરાં, સીમેંટ અને લોઢાના માલસામાન પર નજર રાખતો બિહારીલાલ કદી સમયસર કામ પર આવતો નહિ અને ટિંબર પતરાંના બારોબાર સોદા કરી પૈસાથી પોતાના ખિસ્સા ભરતો. પેટ્રોલ પંપ સંભાળતા પ્યારઅલીના હિસાબના રોજમેળમાં કાયમ ગોટાળા થયા કરતા. આ ગોટાળા કેમ થાય છે એમ પૂછનારું કોઈ ન હતું.
જગતસિંઘના ગયા પછી આમ નાની મોટી ચોરીઓ તો આ સ્ટોરમાં કાયમ થયા કરતી. અગાઉ આ સ્ટોર ધરખમ નફો કરતો. પણ બલવંત સિંઘે સ્ટોરની ડિરેક્ટરશીપ સંભાળી ત્યારથી નફામાં ઘટાડો થઈ રહ્યો હતો. બેદરકારી અને અપૂરતી સર્વિસને કારણે ઘણા લોયલ કસ્ટમર્સ પણ ખોયા હતા. ટિમ્બરયાર્ડમાં લાકડાના સ્ટોકનો હિસાબ મળતો નહોતો, હાર્ડવેર અને લોખંડનો ઘણો સ્ટોક ગાયબ હતો. આ બધું જાતે હાજરી આપીને ચંદબાબુ જોઈ આવ્યા હતા. એમને પોતાના સ્ટાફ પર આંધળો ભરોસો હતો. અને ધંધો ખોટમાં કેમ ચાલતો હતો તેની એમને કળ પડતી ન હતી.
એક દિવસ ચંદબાબુ સ્ટોર પર આવવા નીકળ્યા ત્યારે એના પોતાના બે સ્ટાફને દુકાનના ઓટલા પાસે ઊભેલા જોયા. એ લોકોને ખબર નહોતી કે ચંદબાબુ એક તરફ ઊભા રહીને એમની વાતચીત સાંભળી રહ્યા છે.
એક બીજા જોડીદારને ઠોંસો મારી કહી રહ્યો હતો: “અલ્યા મોહના, કાલે તો મજા પડી ગઈ, હોં? માળું દુકાનમાં કોઈ નહિ. ઘરાક પણ નહિ અને માલિક પણ નહિ … મેં તો કેશસેલ બનાવ્યા વિના ચાર પાંચ વ્હિસ્કીની બોટલ સામેના બારને વેચી મારી અને પૈસા સીધા મારી જેબમાં!’ તો બીજો જોડીદાર કહેવા લાગ્યો : ‘અલ્યા દમલા, હું પણ આ મોકો ચૂક્યો ન હતો અને કેશ બોક્સમાંથી શિલિઁગની થોડી નોટુ મારા ખીસામાં પધરાવી દીધી હતી.’
“પણ યાર, તને નથી લાગતું આ આપણે ખોટું કામ કરીએ છીએ. શેઠ આપણને પગાર આપે છે, આપણી સુવિધાઓનું ધ્યાન રાખે છે અને આપણે જે થાળીમાં…..”
“તારી વાત સાચી છે, પણ તેં જોયું નહીં, પેલા બળવંતસિંઘે શોકેસમાંથી રાડો ઘડિયાળ સરકાવીને એના ખીસામાં મૂકી દીધી…’
“અને પેલા મૂલચંદે ઘેરથી નોકરને બોલાવીને ફિલિપ્સનો રેડિયો બારોબાર પોતાને ઘેર મોકલી દીધો એ પણ મેં જોયું. ચંદબાબુએ એના ભાઈ જગતસિંઘને વચન આપ્યું હતું કે, એ એના છોકરાઓનું ધ્યાન રાખશે, શેઠ તો એનું વચન પાળી રહ્યા છે પરંતુ બલવંતસિંઘ ચંદબાબુની પીઠ પાછળ એમનું ધન લૂંટી રહ્યો છે, એ જોઈ હૈયું કકડે છે.’
આ બે નોકરો વાતો કરી રહ્યા હતા ત્યારે કંઈક ખખડાટ થયો અને સર્તક બની પાછળ જોયું.
ચંદબાબુને પીઠ વાળી જતા જોઈ બંને સર્તક બની ગયા.
=====
એક દિવસ ગામમાં હોબાળો મચી ગયો. અઠવાડિયાથી ચંદબાબુ લાપતા હતા. ચંદબાબુના પત્ની અમરજીત કૌરે પોલીસખાતામાં જઈ રીપોર્ટ નોંધાવ્યો હતો. પણ ચંદબાબુનો આતોપતો મેળવવમાં પોલીસ નિષ્ફળ રહી હતી. જેટલાં મોઢાં એટલી વાતો અને અફવાઓ ગામમાં આગની જેમ ફેલાઈ રહી હતી. કોઈ કહેતું ચંદબાબુને ગુંડાઓ અગવા કરી ગયા છે અને છોડવા માટે મોટી રકમ માગી રહ્યા છે. કોઈ કહેતું, શેઠનું ખૂન કરી ખૂની એમની લાશને ક્યાંક નદીનાળામાં ફેંકી આવ્યો છે, કોઈ કહેતું શેઠથી એકલાહાથે દુકાનનો કારભાર સંભાળી ન શકવાથી કંટાળીને એમણે આપઘાત કર્યોં છે. આમ જાતજાતની અટકળો અને અફવાઓ જોર પકડી રહી હતી.
અને એક અઠવાડિયા પછી ચંદબાબુ ગામમાં પાછા આવ્યા ત્યારે ગામલોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ચંદબાબુ અઠવાડિયા પછી પાછા ફરશે એ હકીકત જ આશ્ચર્યજનક હતી. કોઇને ભરોસો બેસતો ન હતો. ચંદબાબુ ગામમાં આવીને સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી. ભત્રીજા બલવંતસિંઘે ગુંડાઓ રોકીને એમનું અપહરણ કરાવ્યું હોવાની વાત, અને એ ગુંડાઓએ એમને મારી નાખવાની ધમકી આપી હતી એ વાત, ગુંડાઓને મોટી લાંચ આપીને પોતે એમના સિકંજામાંથી શી રીતે છૂટ્યા હતા તેની વાત કરી. પણ પોલીસચોકી એમની વાત માનવા તૈયાર નહોતી. ઊલટા પોલીસ અમલદારે એમને જ સેલરમાં ધકેલી દીધા.
====
બીજે દિવસે સવારમાં પોલીસચોકીમાં ભારે ચહલપહલ હતી. ચંદબાબુના સેલ પાસેથી પસાર થઈ રહેલો એક હવાલદાર બીજા પોલીસને કહી રહ્યો હતો, જરા હોંશિયાર રહેના, આજ દસ બજે મ્વાંઝા સે ડી.એસ.પી શત્રુસિંહપાલજી જાડેજા યહાં આને વાલે હેં.
ચંદબાબુ મનમાં ગણગણ્યા, ડી.એસ.પી. સાહબ આયે યા ના આયે મુઝે ક્યા ફર્ક પડતા હૈ!
પોલીસ ડીપાર્ટમેંટ તે દિવસે એલર્ટ હતું. સાહેબની જીપ આવતાંની સાથે એક પોલીસે જીપનું બારણું ખોલી આપ્યું. અંદર આવતાં ડી.એસ.પી. સાહેબે ઇન્સપેક્ટર ચોહાણને ચંદબાબુને પોલીસ કસ્ટડીમાંથી છૂટા કરવાનો આદેશ દીધો. ચંદબાબુને સેલમાંથી છૂટા કરી સામે લાવવામાં આવ્યા. શત્રુસિંહપાલજીએ બલવંતસિંઘની તત્કાલ ધરપકડ કરવાનો બીજો હુકમ છોડ્યો.
ચંદબાબુને પોતાની આંખો દગો દેતી લાગી. બાજી પલટો મારતી જોઈને એમની નવાઈનો પાર નહોતો. આ બધું એકાએક શાથી બનવા લાગ્યું હતું? મ્વાંઝાથી ડી.એસ.પી. સાહેબ અહીં પધારે અને એમની મદદ કરે એ પાછળનું રહસ્ય સમજાતું નહોતું. થોડી વારમાં બલવંતસિંઘને પકડી લાવી ડિ.એસ.પી. સાહેબની સમક્ષ ખડો કરી દીધો. બલવંતસિંઘની નજર ઝૂકેલી હતી. કોઈની સામે આંખ ઉઠાવીને જૂએ એવી સ્થિતિમાં એ ન હતો. બલવંતસિંઘ તરફ આંગળી ચીંધી ચંદબાબુ બોલ્યા, ‘આ લુચ્ચાએ તો મારી આબરૂના ચીંથરાં ઉડાડ્યા એ ખરું પણ આ સાથે મારો જમાઈ કુલભૂષણ પણ ચોરી કરવામાં સામેલ છે અને બિહારીલાલે પણ પોર્ટ પાસે આવેલા લાકડા, પતરા અને સીમેંટના ગોડાઉનમાંથી ઘણી ઘાલમેલ કરી છે. એ પણ દોષી છે. એ દરેકને સજા થવી જોઈએ. સાહેબ, સી.સી.ટી.વી. કેમેરા ફુટેજમાં એમના કરતૂતોના પુરાવા મોજુદ છે.’
‘હવે કોર્ટ એનું કામ કરશે. અને એમના ગુનાઓની એમને જરૂર સજા થશે.’
ચંદબાબુ પોલીસદલનો આભાર માની પોલીસચોકીમાંથી બહાર જવા લાગ્યા ત્યારે ડી.એસ.પી. શત્રુપાલસિંહજી એમને દરવાજા સુધી મૂકવા આવ્યા. ચંદબાબુએ શત્રુપાલસિંહજીને પૂછ્યું, ‘સાહેબ, આપનો આભારી છું. પણ તમે મારી મદદે કેમ આવ્યા એ સમજાતું નથી. તમે મારી મદદે દોડી આવ્યા ન હોત તો મારી વાત આ લોકો કદી માનત નહિ. મારા ભત્રીજાએ આ લોકોને પૈસા ખવડાવી મારી વિરોધમાં ખડા કરી દીધા છે.’
‘તમારી ઓનેસ્ટી અને તમારા માનવીય અભિગમથી હું અજાણ નથી. તમને કિડનેપ કર્યા હોવાની વિગત મેં ન્યૂસપેપરમાં વાંચી અને મારો માહ્યલો જાગી ઊઠ્યો. અને તમારી સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર થાય એ પહેલાં હું અહીં દોડી આવ્યો.’
‘પણ સાહેબ, મારા પ્રત્યે આટલી સહાનુભૂતિ દાખવવાનું કારણ જાણી શકું?’
‘ વડીલ, વાત લાંબી છે પણ અત્યારે હું તમને એટલું જ કહીશ, મારા બાપુ આજથી ચાર દાયકા પહેલા મુસોમા ગામમાં વસવાટ કરી રહ્યા હતા એ વખતે બાપુની ટેલરિંગ શોપ હતી. એક વાર બાપુની દુકાનને કોણ જાણે શી રીતે આગ લાગી ગઈ અને તૈયાર થયેલાં કપડાંની સાથે નવોનકોર સૂઈંગ મશીન પણ સળગીને ખાખ થઈ ગયો. અમે લગભગ ફૂટ્પાથ પર આવી ગયા. એ વખતે મારી ઉંમર દસેક વર્ષની હતી. સગાંસંબંધીઓએ અમારાથી મોંઢાં ફેરવી લીધાં. એવા સમયે ચંદબાબુ, તમે મારા બાપુનો હાથ ઝાલ્યો હતો. જો કે એ વખતે તમારી સ્થિતિયે સાધારણ હતી છતાં ય બીન શરતે મારા બાપુને તમે આર્થિક સહાય કરીને બેઠા કર્યા હતા. એટલું જ નહીં પણ તમે મને સ્કોલરા શીપ અપાવીને હાઈસ્કૂલમાં દાખલ કરાવ્યો હતો. અને હું ભણી ગયો. આજે હું જ્યાં પહોંચ્યો છું એ તમારા થકી જ છું. આ ઉપકાર હું શી રીતે ભૂલું?’
ચંદબાબુએ મદદ તો ઘણા લોકોને કરી હતી. બધાંનાં નામઠામ તો ક્યાંથી યાદ હોય? પણ ડી.એસ.પી.ના બાપુ એમના પાડોશી હતા. ઉપરાંત ચંદબાબુ પોતાનાં કપડાં ડી.એસ.પી. સાહેબના બાપુ પાસે સીવડાવતા હતા એ તો ચોક્કસ યાદ હતું. આપીને ભૂલી જવું ચંદબાબુનો એવો સ્વભાવ હતો.
“સાચું કહું, સાહેબ …’ ચંદબાબુ બોલવા જતા હતા પણ એમને અટકાવતાં ડી.એસ.પી. બોલ્યા,’મને સાહેબ નહીં, મને શત્રુ કહીને બોલાવશો તો મને વધુ ગમશે. હું તો તમારો દીકરો ગણાઉં. ’
‘ હું કરેલા ઉપકાર કદી યાદ રાખતો નથી. પણ આજે મારે મારા ભત્રીજાને જેલમાં નાખવો પડ્યો છે એથી દુ:ખ તો થાય છે, પણ જો એનો ગુનો માફ કરી દઉં તો આવા ગુના એ વારંવાર કર્યા કરશે. આ લુચ્ચાએ ગુંડાઓને સોપારી આપીને મને ખતમ કરી નાખવાનો પેંતરો રચ્યો હતો. હું એ ગુંડાઓને બમણી સોપારી આપી એ લોકોના સકંજામાંથી ભાગી છૂટ્યો અને અહીં પોલીસ સ્ટેશને રીપોર્ટ કરવા દોડી આવ્યો. તો ખબર પડી કે મારા ભત્રીજાએ આ લોકોને પણ પૈસા આપી ખરીદી લીધા છે. એ લોકો મારી એકે વાત સાંભળવા તૈયાર નહોતા. તમે ખરા સમયે આવી આ મામલો કાબૂમાં લીધો ન હોત તો હું અત્યારે જેલના સળિયા પાછળ સબડતો હોત! હું માનું છું કે દરેક વ્યક્તિને કરેલા ગુનાની સજા તો મળવી જ જોઇએ. મને અફસોસ પણ થાય છે કે હું મારા ભાઈને આપેલું વચન પાળી શક્યો નથી. વાહેગુરુના દરબારમાં બેઠેલો મારો ભાઇ જગત પણ મારી મજબૂરી સમજી શક્યો હશે અને મને માફી આપી દીધી હશે.’
‘વડીલ, આ એક ઋણ ચૂકવવાનો મોકો મળ્યો હતો. એ હું કેમ ચૂકું.’ કહી શત્રુપાલસિંહ ચંદબાબુનો ચરણસ્પર્શ લેવા ગયા પણ ચંદબાબુએ એમને બાથમાં સમેટી લીધા.
બીજા દિવસે સ્ટોરમાં આવી ચંદબાબુએ બીજા ભત્રીજા નિહાલચંદને ડિરેકટર તરીકે બલવંતસિંઘની જગ્યાએ નીમી દીધો અને જમાઈની જગ્યાએ પોતાની દીકરીને નીમી દીધી.
હવે ચંદબાબુનું હૈયું હળવુંફૂલ થઈ ગયું હતું.
[શબ્દ સંખ્યા: 2,315]
e.mail : vallabh324@aol.com
![]()

