Opinion Magazine
Number of visits: 9994608
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 July 2026

જો જોખમ એ હોય કે લોકોને યાદ આવી જશે કે આતંકવાદ વિરોધી અભિયાનનાં વર્ષો દરમિયાન હજારો પુરુષોના ગેરકાયદે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, તો સત્ય એ છે કે આ હકીકત ક્યારે ય ખરેખર ગુપ્ત હતી જ નહીં.

ચિરંતના ભટ્ટ

ગયા રવિવારે સાંજે OTT પ્લેટફોર્મ Zee5 પરથી ફિલ્મ ‘સતલુજ’ હટાવી લેવાઇ. એ ફિલ્મ ત્રીજી જુલાઈએ OTT પર રિલીઝ થઇ અને અઢી દિવસમાં ખસેડી લેવાઇ. આગળ વાત કરીએ તે પહેલાં પંજાબી ભાષામાં સતલજ નદીનો ઉચ્ચાર સતલુજ થાય એ ચોખવટ. આ ફિલ્મ શાના વિશે હતી તે જાણીએ. જસવંત સિંહ ખાલરા નામે એક બૅંક કર્મચારીની જિંદગીની વાત આ ફિલ્મમાં કરાઇ છે. આ માણસે પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષો ઉપરછલ્લી રીતે કંટાળાજનક લાગે એવું કામ કરવામાં વિતાવ્યાં. તે સ્મશાનોના રજિસ્ટર વાંચતા જેમાં મોટાભાગના મૃતકોના નામ સામે બિનવારસી, અજ્ઞાત કે નિકાલ કરાયો જેવી નોંઘ ટપકાવાઇ હતી. આ એવા મૃતદેહો હતા જેને પંજાબ પોલીસ કોઇ ઓળખ આપવા નહોતી માગતી. ખાલરાએ રજિસ્ટરની નોંધોને ગુમ થયેલા લોકો સાથે, ગુમ કરાયેલા લોકો અને તેમના પરિવારો સાથે, અને પરિવારોને પોલીસ સ્ટેશનો સાથે જોડ્યા. તેમણે એક ફાઇલિંગ કૅબિનેટને આરોપપત્રમાં ફેરવી નાખ્યું. આખરે જ્યારે સી.બી.આઇ.ને તપાસ કરવાની ફરજ પડી, ત્યારે માત્ર તરનતારન જિલ્લામાં જ 2,000થી વધુ ગેરકાયદે અગ્નિસંસ્કાર થયાનું બહાર આવ્યું. એક બૅન્ક કર્મચારીએ શોધી કાઢેલી આ હકીકત કેટલી વ્યાપક હતી તેની તપાસ સી.બી.આઈ. કરી રહી હતી. 

6 સપ્ટેમ્બર 1995ના રોજ અમૃતસરમાં તેમના ઘરની બહારથી સાદાં કપડાંમાં આવેલા માણસો તેમને ઉપાડી ગયા. ત્યાર પછી તે ક્યારે ય જોવા ન મળ્યા. વર્ષો પછી સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું કે કસ્ટડીમાં તેમને યાતનાઓ અપાઇ, ત્યાર બાદ ગોળી મારી દઇ, તેમનો મૃતદેહ નહેરમાં ફેંકી દેવાયો. 2005માં સેશન્સ કોર્ટે છ પોલીસકર્મીઓને તેમના અપહરણ અને હત્યા માટે દોષિત ઠેરવ્યા. 2007માં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે તેમની સજા વધારીને આજીવન કેદ કરી. એકત્રીસ વર્ષ બાદ આ કેસમાં દોષિત ઠરેલા પોલીસકર્મીઓમાંથી એક આજે ઓપન જેલમાંથી જામીન પર બહાર છે. ક્રૂર યોગાનુયોગ એવો છે કે આ આરોપીઓની મુક્તિ એ જ અઠવાડિયામાં થઈ, જ્યારે ખાલરાની વાત ફરી એક વખત લોકો સામે આવી.

અહીં આપણે એ હકીકતથી નજર નથી ફેરવી રહ્યાં કે પંજાબમાં આતંકવાદ કોઈ નાનકડી સમસ્યા હતી, જેની સામે રાજ્યએ વધારે પડતી પ્રતિક્રિયા આપી હોય. એવું જરા ય નહોતું. બજારોમાં અને બસોમાં બૉમ્બ ફૂટતા હતા; પોલીસ અધિકારીઓ, સામાન્ય હિંદુઓ અને શીખો જે કોઈ એક પક્ષ પસંદ કરવા તૈયાર નહોતા, તેમને પણ મારી નાખવામાં આવતા. એ દાયકાએ જે ડર પેદા કર્યો એ વાજબી હતો, અને એ સમયગાળાની કોઈપણ પ્રામાણિક વાત આ ડરને વાસ્તવિક ગણ્યા વિના કહી શકાય નહીં. પણ ખાલરાના રજિસ્ટરોમાં નોંધાયેલા માણસો બૉમ્બ મૂકનારા આતંકવાદી નહોતા. તેઓ ‘અજ્ઞાત’, ‘બિનવારસી’ હતા, તેમના પર ક્યારે ય આરોપ મુકાયો નહીં, ક્યારે ય કેસ ચાલ્યો નહીં, કોઈ હિંસક કૃત્ય સાથે તેમનું નામ ક્યારે ય ન જોડાયું; ફક્ત આંકડા હતા, જેના થકી પરિવાર એફ.આઇ.આર. નોંધાવે એ પહેલાં જ મૃતદેહ ગાયબ થઈ જતો. બળવાખોરી સામે લડવું, અને જેને સહેલાઈથી ગુમ કરી શકાય એને મારી નાખી કાગળિયાં પૂરાં કરી દેવાં, આ બંને બાબતો સમાન નથી. રાજ્ય આતંકવાદ સામે લડે એ જરૂરી છે, છતાં પોતાના જ નાગરિકોને દુ:શ્મન અને સહેલા શિકાર વચ્ચેનો ફેર સમજવાની અને બીજા લોકે તે ફરક સમજાવવાની પોતાની જવાબદારીમાંથી સત્તાધીશો છટકી ન શકે. ખાલરાએ પોતાની આખી જિંદગી એ જ ફરકને પુનઃસ્થાપિત કરવામાં પસાર કરી. 

‘સતલુજ’ ફિલ્મ જસવંત સિંહ ખાલરા વિશે છે. હની ત્રેહાનની આ ફિલ્મમાં ખાલરાનું પાત્ર દિલજિત દોસાંઝે ભજવ્યું છે. આ ફિલ્મ ત્રણ જુદાં નામ હેઠળ વર્ષો સુધી સર્ટિફિકેશનની મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી અંતે OTT પર આવી. ફિલ્મ સર્જકોએ તેને થિએટરમાં રિલિઝ કરવાની આશા માંડી વાળી હતી અને તે પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને શરૂઆતમાં 127 કટ્સની માગણી કરી હતી. આ સામાન્ય વિવાદ છંછેડે એવા થોડાઘણાં કટ્સ નહોતા પણ ફિલ્મને ભાંગી નાખે એવા કટ્સ હતા. આવા વિવાદોની સુનાવણી કરતું અપીલ ટ્રિબ્યુનલ સરકારે 2021માં બંધ કરી દીધું હોવાથી ફિલ્મના સર્જકો પાસે બૉમ્બે હાઈ કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એ જ રીતે ફિલ્મને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવા સિવાય પણ બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. આખરે એક પણ કટ પાછો ઉમેર્યા વિના ફિલ્મ રિલીઝ કરવામાં આવી. તે બે દિવસ ચાલી અને પછી ભારતીય સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ. આઇ.ટી. ઍક્ટની કલમ 69A હેઠળ તેને હટાવવામાં આવી, એ જ જોગવાઈ, જે વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવી હતી, પરંતુ અહીં તેનો ઉપયોગ એવા કેસ પર આધારિત ફિલ્મ માટે થયો, જેનો કોર્ટમાં પહેલેથી જ ચુકાદો આવી ચૂક્યો હતો. જો કે ભારતમાં ન હોય તેવી વ્યક્તિ આ ફિલ્મ જોઇ શકે છે.  

થોડા વખત પહેલાં હિંસા અને પીડિત સમુદાય પર બનેલી એક બીજી ફિલ્મ એટલી સરળતાથી પાસ થઇ ગઇ કે સર્વોચ્ચ અદાલતે સાવ જુદાં જ કારણસર હસ્તક્ષેપ કરવો પડ્યો. કોર્ટે ફિલ્મમાં ડિસ્ક્લેમર ઉમેરવાનો આદેશ આપ્યો, જેથી દર્શકોને સ્પષ્ટતા થાય કે તેની વાર્તા હકીકતમાં બનેલી ઘટનાઓ પર આધારિત નથી. ‘સતલુજ’ને મામલે એ સમસ્યા હતી જ નહીં કે તેની વાર્તા સાચી હોવાથી નાટ્યાત્કમ હતી. મુશ્કેલી એ હતી કે વાર્તા એટલી સાચી હતી કે કોઇને પણ બેચેની થઇ જાય, આઘાત લાગે અને વિચારતાં કરી મૂકે. કોઇ ડિસક્લેમર આ સત્યને ઝાંખુ પાડી શકે એમ નહોતું. પણ આપણે ત્યાં પાછો, ‘સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત, ન બ્રૂયાત્ સત્યમ્ અપ્રિયમ્’ વાળો ઘાટ છે, બીજાને અપ્રિય લાગે એવું સત્ય ન બોલવું.

‘સતલુજ’ અગાઉ પણ એક વખત ચૂપચાપ પડતી મૂકાઇ હતી. ભારતમાં કોઈને તે જોવાનો મોકો મળે તેનાં વર્ષો પહેલાં 2023માં ટોરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પસંદ થઇ હોવા છતાં કોઇ નક્કર કારણ આપ્યા વિના ફિલ્મ ખસેડી લેવાઈ હતી. ભારતને પડદા પર દેખાડાતી હિંસા સામે વાંધો નથી. વાંધો એ છે કે બંદૂક ક્યાં કોના હાથમાં છે (આ કિસ્સામાં પોલીસના) અને એ હકીકત સામે પણ વાંધો છે કે આ મામલે ચુકાદો તો પહેલાં જ અપાયો છે. 

‘સુરક્ષાની ચિંતા’ કરનારા અધિકારીઓએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આ ફિલ્મનો ઉપયોગ પંજાબમાં લોકોની લાગણીઓ ઉશ્કેરવા માટે થઈ શકે છે. કોઈ રાજ્યને પોતાની જ અદાલતો અંગે આવી ચિંતા થાય એ વિચિત્ર નથી? વળી ખાલરાના પરિવારને આ ફિલ્મ સામે કોઈ જ વાંધો નથી. જસવંત સિંહનાં વિધવા પરમિંદર કૌર ખાલરાએ રિલીઝ પહેલાં ફિલ્મ જોઈ હતી અને જાહેરમાં કહ્યું હતું કે તેમાં જે દર્શાવાયું છે એ સચોટ છે. જો જોખમ એ હોય કે લોકોને યાદ આવી જશે કે આતંકવાદ વિરોધી અભિયાનનાં વર્ષો દરમિયાન હજારો પુરુષોના ગેરકાયદે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, તો સત્ય એ છે કે આ હકીકત ક્યારે ય ખરેખર ગુપ્ત હતી જ નહીં. આ સત્ય કોર્ટના ચુકાદાઓમાં, ઍમ્નેસ્ટીના અહેવાલોમાં અને ત્રીસ વર્ષ પહેલાં ખાલરાએ ખોલેલા ફાઇલિંગ કૅબિનેટમાં સતત મોજૂદ રહી છે. Zee5એ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પ્લૅટફૉર્મ આ ફિલ્મની ‘પડખે ઊભું છે’, પણ એ જ પ્લૅટફૉર્મે ફિલ્મ હટાવી દીધી છે. જેનું કોઈ પરિણામ ન હોય તેવી બહાદૂરી શા કામની? 

દિલ્હી શીખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટીએ હવે ફિલ્મનાં જાહેર સ્ક્રીનિંગ અને તેના પર સેમિનાર યોજવાની જાહેરાત કરી છે. આ પણ એક પ્રકારનો જવાબ છે કે OTT પ્લૅટફૉર્મ ફિલ્મ નહીં બતાવે તો સમુદાય પોતાનું પ્લૅટફૉર્મ ઊભું કરશે. રામ ગોપાલ વર્માએ સોશ્યલ મીડિયા પર એમ કહેલું કે, ખાલરા સાથે જે કરવામાં આવ્યું એ જ જો ફિલ્મ સાથે કરવામાં આવશે, તો એ તેમને ચૂપ કરી દેવાની ઘટનાનું પુનરાવર્તન જ ગણાશે. રાજ્ય દ્વારા આચરાયેલી હિંસાની વાતો, પછી ભલે એ પંજાબમાં બની હોય, 1984નાં દિલ્હીમાં કે કાશ્મીરમાં, તેમનું નસીબ નક્કી હોય છે. આ કથાઓ પર પ્રતિબંધ મુકાય છે કારણ કે તેમાં સત્ય છે, કલ્પના નથી. 

બાય ધી વેઃ 

આપણે એક રાષ્ટ્ર તરીકે એક ચોક્કસ પ્રકારની જવાબદારી સાથે સમાધાન કરી ચૂક્યા છીએ, એવી જવાબદારી, જે કોર્ટના ચુકાદામાં કેદ રહે; ફાઇલ થાય, ટાંકવામાં આવે, તેની ફૂટનોટ્સ લખાય અને પછી સલામત રીતે કાયદાનાં કોઈ પુસ્તકાલયમાં નિવૃત્ત થઈ જાય, જ્યાં લગભગ કોઈ તેને ક્યારે ય વાંચવાનું નથી. પરંતુ એ જ જવાબદારી જ્યારે કોઈ ચહેરો ધરે, તેને રિલીઝની તારીખ મળે અને લોકો તેને જોઇને વિચારવા મજબૂર થાય, સવાલ કરવા મજબૂર થાય ત્યારે પાસાં પલટાઇ જાય છે. આ ઘટનાક્રમને તેના મૂળ સુધી લઈ જઈએ તો ખાલરાનો વાસ્તવિક ‘ગુનો’ એ હતો કે તેમણે અનામી મૃતકોને ઓળખ આપી. ‘સતલુજ’નો ‘ગુનો’ એ હતો કે તેણે એ ઓળખને લોકો સુધી ફરી પહોંચાડી, લોકપ્રિય બનાવી. હત્યા પર કોઈએ પ્રતિબંધ નહોતો મૂક્યો. એકત્રીસ વર્ષ પહેલાં પોલીસના હાથે, તેમની નજર સામે હત્યા થઇ, અદાલતોએ પણ એ હકીકત સ્વીકારી અને અંતે પ્રતિબંધ દર્શકો પર લાગ્યો. બીજું બાય ધી વે, એ કે સુપરકોપ તરીકે જાણીતા કે.પી.એસ. ગીલનો આતંકવાદનો સફાયો કરવામાં મોટો હાથ હતો તે આપણે જાણીએ છીએ. એ પણ હકીકત છે કે, ખાલરાની હત્યામાં તે સીધા દોષિત નહોતા પણ એ વિવાદ તેમના કાર્યકાળની આસપાસ જ ફરે છે. આઇ.એ.એસ. અધિકારી રૂપા દેઓલ બજાજે 1988ની એક પાર્ટીમાં કે.પી.એસ. ગીલે તેમની સાથે અણછાજતું વર્તન કર્યું હોવાનો આરોપ મૂકી 17 વર્ષ કેસ ચલાવ્યો હતો જેમાં ગીલને દોષિત ઠેરવાયા હતા. આ જ સુપરકોપને 2002 પછી ગુજરાત સરકારે સુરક્ષા સલાહકાર તરીકે નિમ્યા હતા. સત્તા, રાજકારણ, ઢાંકપિછોડો અને વાગે એવું સત્ય એ એક એવું કોકડું છે જે ઉકેલવું સહેલું નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જુલાઈ 2026

Loading

12 July 2026 Vipool Kalyani
← ગઝલ

Search by

Opinion

  • ગઝલ
  • ઘર
  • ચલ મન મુંબઈ નગરી—349
  • કેવો વરસાદ? …. જ્યાં વરસે ત્યાં છિન્નભિન્ન સઘળું કરતો આબાદ …!
  • बात एक जुगनू की ! 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved