Opinion Magazine
Number of visits: 10004828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાતરનો અસંતુલિત ઉપયોગ – ખાતર ઉપર દિવેલ સાબિત થશે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 July 2026

ચંદુ મહેરિયા

જૂનનો આખો મહિનો લગભગ કોરોધાકોર ગયો છે. છેક અખાત્રીજથી ખેતર ખેડી આંખોનું નેજવું કરી મેહુલિયાની રાહ જોતો જગતનો તાત ચિંતામાં છે. આકાશી ખેતી પર નભતા કે સિંચાઈ પર જીવતા કિસાનનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે તે ગમે તેટલી મહેનત કરે તો પણ તેને વળતરમાં ઘણી વાર ઘણી બધી નિરાશાઓ સાંપડે છે. વાવેતર થઈ ગયું છે. ખાતર અપાઈ ગયું છે. પણ પાણી ક્યાં? ખાતર-પાણી ભલે સાથે બોલાય પણ સાથે મળે જ તેવું ન પણ બને. આ વરસનું ચોમાસું સામાન્ય રહેશે અને દર વરસ કરતાં થોડો ઓછો વરસાદ વરસશે એવી આગાહીઓ વચ્ચે ખેડૂત જીવે છે. 

બિયારણ, ધરુ, છોડ, રોપો, ખાતર, પાણી, દવા એ ખેતી માટેના  કિસાનના કેટલાક સાધનો છે. આમ તો ખેતીમાં બધાનું સરખું મહત્ત્વ છે પરંતુ ખાતરનું મહત્ત્વ સવિશેષ છે. સાર્થ ગૂજરાતી જોડણીકોશ મુજબ ખાતર એટલે ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ. બીજા અર્થમાં ખેતરની જમીન કે માટીમાં પાકના બિયારણ, ધરુ કે છોડને પોષક તત્ત્વોનો પુરવઠો પૂરો પાડતો કુદરતી કે કૃત્રિમ મૂળનો કોઈ પદાર્થ. જોડણીકોશના અર્થ મુજબ અગાઉ પાકને માત્ર છાણિયું ખાતર જ આપવામાં આવતું હતું. પરંતુ અનાજની અછતમાંથી બહાર આવવા સર્જાયેલી હરિયાળી ક્રાંતિ દરમિયાન વધુ ઉપજ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો. તેના કારણે અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર જ ન બન્યો નિકાસ કરતો પણ થયો. જો કે આજે તો રાસયણિક ખાતરોનો અસંતુલિત અને અતિરેકી ઉપયોગ થઈ રહ્યો છે, જે નુકસાનકારક છે. 

સરકારે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ ખાતરને આવશ્યક વસ્તુ જાહેર કરી છે. ૧૯૭૩ અને ૧૯૮૫ના બે આદેશોથી ખાતરનું વેચાણ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારોને અધિકારો આપેલા છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી પરવડે તે હેતુસર ખાતર પર સબસિડી આપે છે. યૂરિયા ખાતરની ૪૫ કિલોની થેલી જે ખેડૂતોને આશરે રૂ. ૨૬૦ થી ૨૮૦માં પડે છે તેની વાસ્તવિક કિમત લગભગ રૂ.૨,૫૦૦ થી ૨,૮૦૦ હોય છે. એટલે એક થેલીએ સરકાર આશરે રૂ. ૨,૫૦૦ની સબસિડી આપે છે. આ વરસના ખરીફ કે ચોમાસુ પાક માટે જ ખાતરની સબસિડી રૂ. ૪૧,૫૩૪ કરોડ નક્કી કરી છે. દર વરસે સરકાર ખાતરની સબસિડી પેટે જ ખેડૂતોને રૂ. ૨ લાખ કરોડ આપે છે. 

૨૦૧૦ના હુકમથી સરકારે પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરના ઉપયોગ પર નિયંત્રણો લાદ્યા છે. પરંતુ તેમાંથી યૂરિયાને બાકાત રાખ્યું છે. એટલે ખેડૂતો યૂરિયાનો અસંતુલિત, આડેધડ અને અત્યાધિક ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેડૂતના ખેતરમાં જે છોડ કે બિયારણ વાવ્યું હોય તેને માટે જરૂરી ત્રણ પોષક તત્ત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ૪: ૨: ના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખેડૂતો સામાન્યત: ૧૧:૪:૧ના પ્રમાણમાં આ તત્ત્વોનો ઉપયોગ કરે છે. ખાતરનો ૧/૩ હિસ્સો જ છોડ અવશોષિત કરે છે. બાકીનો વેડફાય છે. એટલે ખાતરના પ્રમાણમાં સંતુલન જરૂરી છે. 

ખાતરનો મોટો જથ્થો સરકારે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. તેમાં કિંમતી વિદેશી હુંડિયામણ વપરાય છે. વળી ખાતર પર સબસિડી મળે છે. એટલે સરકારને મોટો ખર્ચ વેઠવો પડે છે. બીજી તરફ કિસાનો સસ્તું મળેલું ગણીને જરૂર કરતાં વધુ ખાતર વાપરે છે. ખાતરના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રદૂષણ વધે છે. ખાતર બનાવતા યંત્રોમાંથી નિકળતો ઝેરી કચરો પાણી અને હવાની ગુણવત્ત્તા બગાડે છે. માનવ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. એમોનિયાના સંપર્કથી દમ અને શ્વસનસંબંધી બીમારી થઈ શકે છે. યૂરિયાનો વધુ ઉપયોગ પાકને ફાયદાને બદલે નુકસાન કરે છે. ખાતરના વધારે ઉપયોગથી પોષક તત્ત્વોમાં અસંતુલન થાય છે. માટીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના લીધે પાકની વૃદ્ધિ અને પેદાશ પર પ્રતિકૂળ અસરો જન્મી છે. ૨૦૧૩-૧૪માં ૩૦.૬ મિલિયન ટન યૂરિયાનો વપરાશ થયો હતો. દસ વરસ પછી ૨૦૨૩-૨૪માં ૩૫.૮ મિલિયન મેટ્રિક ટન યૂરિયાનો વપરાશ થયો છે. આ વૃદ્ધિ ખાતરના વધુ ઉપયોગને કારણે છે. 

વડા પ્રધાને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વપરાશ અડધો કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. અગાઉ મન કી બાતમાં પણ તેમણે આ વાત કરી હતી. સરકાર તરફથી આ દિશામાં કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તેની ધારી અસર જોવા મળતી નથી. ખાતરોના અસંતુલિત ઉપયોગને અટકાવવા સરકારે ખેડૂતોને ખાતરના ઉપયોગના પ્રમાણ અંગે અને તેનાં કરતાં વધુ ઉપયોગથી થનારા નુકસાન અંગે જાગ્રત કરવા માટે તથા તેમની સમજ વિકસે તે માટેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.

ખાતર પરની સબસિડી તેના ઉપયોગમાં જોવા મળતા અસંતુલનનું પ્રમુખ કારણ છે. પરંતુ કોઈ સરકાર ખાતરની સબસિડી બંધ તો શું ઘટાડવા માટે પણ વિચારી શકે તેમ નથી. એટલે તેના વિકલ્પો માટે વિચારવું જોઈએ. એક ઉપાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે. એટલે ખેડૂતના બેન્ક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરવી. ખેતરનો આકાર, જમીનની ગુણવત્તા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે આ સંભવ હોવાનું મનાય છે. પરંતુ સરકારે દેશના ૨૭ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ દાખલ કરી હતી. પરંતુ તેનો ફાયદો ખેડૂતોને ઓછો અને ખાતર ઉત્પાદક કંપનીઓને વધુ થતો જોવા મળ્યો છે. 

સબસિડીવાળા યૂરિયા ખાતરના કાળાબજાર થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. યૂરિયાના ભાવો એટલા ઓછા છે કે ખેડૂતોના નામે કાળાબજારિયા તેની ખરીદી કરી લે છે અને તેનો ઉપયોગ ઔદ્યોગિક રસાયણમાં કરવા દેશમાં અને વિદેશોમાં વેચે છે. તેનો ઉપાય લાભાર્થી ખેડૂતોની ઓળખ વધુ ગંભીર રીતે કરવાની આવશ્યકતા છે. સરકાર પારંપરિક દાણાદાર યુરિયાને સબસિડી માટે યોગ્ય ગણે છે. પરંતુ છોડના પાના પર છાંટવાના પ્રવાહી કે તરલ યૂરિયાને સબસિડી માટે યોગ્ય માન્યું નથી. ખરેખર દાણાદાર યૂરિયા કરતાં તરલ યૂરિયા છોડને માટે વધુ ઉપયોગી છે અને તેનો બગાડ ઓછો થાય છે એટલે સરાકારે નૈનો યૂરિયા અને તરલ યૂરિયા માટે વિચારવું જોઈએ. 

ખેતીમાં ખાતરની  ભૂમિકા શું અને કેવી છે,  તે આરોગ્ય માટે કેટલાં આવશ્યક છે તેની સ્પષ્ટ અને પાકી સમજ ખેડૂતોમાં અને લોકોમાં ઊભી કરવાની જરૂર છે. જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી લાંબાગાળે કેટલી ફાયદાકારક નીવડે છે તે અંગે પણ જાગ્રતિની જરૂર છે. ટકાઉ ખેતી અને વધુ ખેત ઉપજ માટે ખાતરના ઉપયોગમાં સંતુલન જરૂરી છે. નહીં તો ક્યાંક તે ખાતર ઉપર દિવેલ પણ સાબિત થઈ શકે છે. 

e.mail. : maheriyachandu@gmail.com

 

Loading

16 July 2026 Vipool Kalyani
← વસિયતનામું
સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે →

Search by

Opinion

  • સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે
  • વસિયતનામું
  • ચંદબાબુ
  • સાધુતા
  • AI

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved