Opinion Magazine
Number of visits: 10,408,131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

 એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|25 November 2026

એક સંયોજક, બીજી વિભાજક

તાજેતરમાં ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગણી કરનારા જાગૃત નાગરિકોને સાથ આપવા બદલ ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર, લેખક અને એડિટર પ્રકાશભાઈ શાહને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓએ એક પત્રકારની મુલાકાતમાં કહ્યું કે એક દાંડી કૂચ હતી અને એક કાર સેવક યાત્રા પણ હતી. એ બંનેનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ખબર પડે એ બંનેની ભારતની જનતા પર શી અસર પડી.

એ વાક્ય વિચારોનો વંટોળ જગાવી ગયું. એ બંને ઘટનાઓની ભારતના જનમાનસ પર અને રાજકારણ પર શી અસર થઈ એ દર્શાવવાનો પ્રયાસ.

62 વર્ષના અંતરે યોજાયેલી આ બંને યાત્રાઓના ઉદ્દેશ, તેને પાર પાડવાની રીત, તેમાં કોની ભાગીદારી હતી, બંને યાત્રાના આયોજકો અને ભાગ લેનારાઓએ નક્કી કરેલા ઉદ્દેશ્યનો કેવી રીતે અમલ કર્યો અને તેનું શું પરિણામ આવ્યું તથા તેની દૂરગામી અસર શી થઇ એ તપાસવું રસપ્રદ થઈ પડશે.

સૌ પહેલાં આ બંને કૂચના ઉદ્દેશ્ય તપાસીએ.

બ્રિટિશ સરકારે ભારતની જનતા પર નમક પર ભારે કરવેરા નાખેલા, એટલું જ નહીં, દેશમાં મીઠું પકવીને વેંચવા પર પ્રતિબંધ મૂકીને ઇંગ્લેન્ડથી આયાત કરેલ નમક ખરીદવાની ફરજ પાડી, જે દેશવાસીઓ માટે અત્યંત અન્યાયી કાયદો હતો. આ કાયદો ભારતના તમામ લોકોના જીવનને સીધી અસર કરનારો હતો એટલે પ્રજાના હિતને લક્ષ્યમાં લેનારા ગાંધીજી અને તેમના સાથીઓએ દાંડી કૂચનું આયોજન કર્યું. ઉદ્દેશ્ય હતો સર્વજન હિતાય અન્યાયી કાયદો હઠાવવાનો.

હવે કાર સેવક કૂચનો ઉદ્દેશ જોઈએ. તેના આયોજકો હિન્દુત્વવાદી વિચારધારા ધરાવનાર રાષ્ટ્રીય સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા. 1992માં થયેલી આ કૂચ અયોધ્યાની બાબરી મસ્જિદના ધ્વંસમાં પરિણમી. એલ.કે. અડવાણીની આગેવાની હેઠળ 1990માં રામ જન્મભૂમિની ચળવળ શરૂ થયેલી તેનું આ અંતિમ ચરણ.

હવે, એ તો સ્પષ્ટ જ છે કે દાંડી કૂચનો ઉદ્દેશ્ય સર્વજન હિતાય હતો, તો કાર સેવક કૂચનો ઉદ્દેશ ધર્મના એક પાંખના લોકોના સંકુચિત બિનપાયાદાર ખ્યાલોને બઢાવો આપવાનો હતો. અયોધ્યામાં જ્યાં બાબરી મસ્જિદ 16મી સદીમાં બંધાયેલી હતી ત્યાં શ્રીરામનો જન્મ થયેલો એવી માન્યતા (અને હા, એ એક માન્યતા જ છે કેમ કે તેના કોઈ ઐતિહાસિક કે પુરાત્તત્વીય પુરાવા નથી)ને આગળ ધરીને એ મસ્જિદનો ધ્વંસ કરવાની પરવાનગી કેટલાક ‘ધાર્મિક’ લોકોએ પોતાની જાતને આપી દીધી. અહીં હિન્દુ ધર્મના અનુયાયીઓને અન્યાય થયાનો કોઈ સવાલ જ નહોતો.

બંને કૂચના પોતપોતાના ઉદ્દેશ્ય પાર પાડવાની રીત જોઈએ.

દાંડી કૂચ સત્યાગ્રહના સિદ્ધાંત પર આધારિત, એટલે સૌ પ્રથમ ગાંધીજીએ તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિનને મીઠા પર નાખેલો કર નાબૂદ કરવા વિનંતી કરતો પત્ર લખ્યો અને જો તેનો અમલ નહીં થાય તો સત્યાગ્રહ કરવાની તાકીદ કરી. અત્યંત નમ્ર શબ્દોમાં. ગાંધીજીના શબ્દોમાં “જ્યારે મેં ઘૂંટણિયે પડીને રોટલો માગ્યો, ત્યારે મને બદલામાં પથ્થર મળ્યો.” ત્યારે જ આ કૂચ કરવાનો નિર્ણય લેવાયો. 12મી માર્ચ 1930 સાબરમતી આશ્રમથી માત્ર 78 સ્વયં સેવકો (અહીં આ શબ્દ પર ભાર મૂકવો યોગ્ય ગણાય) પગપાળા 240 માઈલ ચાલીને દાંડી પહોંચ્યા.

1990માં યોજાયેલી રામ રથયાત્રા સોમનાથ – ગુજરાતથી શરૂ થઈ, દસેક હજાર કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચી એ જાણીએ છીએ. જ્યારે 1992ની રથયાત્રામાં એક રથમાં આગેવાનો સવાર હતા અને ટેકેદારોનો જયજયકાર ઝીલતા જતા હતા. 1992માં યોજાયેલી કાર સેવક યાત્રા અયોધ્યામાં જ શરૂ થઈ અને રામજન્મભૂમિ તરીકે જેના પર દાવો કરવામાં આવ્યો હતો એ બાબરી મસ્જિદ પાસે અટકી. એક અંદાજ મુજબ દોઢેક લાખની મેદની જમા થઈ. એકઠા થયેલાં ટોળાંએ 16મી સદીમાં બંધાયેલી મસ્જિદ જમીનદોસ્ત કરી અને હિંસા ફાટી નીકળી.

દાંડીકૂચમાં સત્યાગ્રહીઓએ લાઠીમાર ઝીલ્યો, પણ પોતાના પક્ષે બિલકુલ હિંસા ન આચરી, જ્યારે કાર સેવક યાત્રા હિંસાથી ખરડાયેલી રહી કેમ કે બંનેના સિદ્ધાંતો અલગ અલગ વિચારધારા અને મૂલ્યો પર આધારિત હતા અને મુદ્દાની વાત તો એ છે કે સામા પક્ષના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ થયાની જાણ નથી.

બંને કૂચમાં કોની ભાગીદારી હતી તે તપાસીએ

દાંડી કૂચના માર્ગમાં આવતા ગામમાંથી સેંકડો અને હજારો લોકો સ્વેચ્છાએ એ કૂચમાં જોડાયા, કેમ કે એ મુદ્દો તેમના રોજ બ રોજના જીવનને સીધી રીતે સ્પર્શતો હતો, તેમાં કૂચના આયોજકનો નિજી સ્વાર્થ નહોતો. એ લોક લડત હતી એથી જ તો દરેક ધર્મ, કોમ, જાતિના લોકો અભેદ ભાવે જોડાયેલા. 6ઠ્ઠી એપ્રિલે કાયદાનું ઉલ્લંઘન જરૂર કર્યું, પણ અત્યંત શાંતિપૂર્વક.

જ્યારે રથયાત્રામાં અલબત્ત ભાગ લેનારાઓનો આંક ઊંચો હતો, પરંતુ એ બધા એક વિશેષ ધર્મના અનુયાયીઓ હતા. એક પ્રકારના ભયથી દોરવાયેલા અને વિધ્વંસક વૃત્તિથી દોરવાઈ ટોળાંશાહીને અનુસરનારાઓ હતા.

 બંને કૂચના નિશ્ચિત ધ્યેયનો કેવી રીતે અમલ થયો એ પણ સમજવા જેવું ખરું.

કોઈ પણ કાયદા કે નિયમોના વિરોધ કે ઉલ્લંઘન પાછળ ગમે તેવા વ્યાજબી કારણ હોય, પણ એ વિરોધ કે ઉલ્લંઘનની રીત પર તેની નીતિમત્તાના વ્યાજબીપણાનો ઘણો આધાર હોય. દાંડીના દરિયા કિનારે ગાંધીજીએ દરિયામાં સ્નાન કરી, પ્રાર્થના કરી અને પોતાના સાથીદારો સાથે દરિયા કિનારે જઈને ચપટી મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યાની જાહેરાત કરી. કૂચમાં ભાગીદાર થયેલા લોકો બ્રિટિશ સરકારને અભદ્ર શબ્દોમાં લાંછિત કરતા સૂત્રો પોકારતા નહોતા, અત્યંત ખુમારીથી, પણ શાંતિથી કાયદાનો ભંગ કર્યો.

રથયાત્રામાં નિશ્ચિત ધ્યેયનો અમલ કેવી રીતે અમલ થયો એ જાણીએ ત્યારે બંને વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ થયા વિના ન રહે. આશરે 15,00,000 જેટલા ‘કાર સેવકો’ અયોધ્યામાં એકઠા થયા, બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો (જેને પોલીસ તરફથી કોઈ રીતે રોકવામાં નહોતા આવ્યા એ નોંધ લેવી રહે) અને આખર હિંસા ફાટી નીકળી.

દાંડી કૂચ અને રથયાત્રાના પરિણામ અને અસર જનતા પર, આપણા દેશના રાજકારણ પર, દુનિયામાં ભારતની પ્રતિભા પર અને દેશની આંતરિક શાંતિ પર શી અસર પડી એ વિચારતાં બે વિરોધાભાસી લાગણી થયા વિના ન રહે.

દાંડીકૂચની શાંતિપૂર્ણ ચળવળનું પરિણામ ધાર્યા કરતાં વધુ વ્યાપક અને અસરકારક આવ્યું. જે કૂચને વાઇસરોય અને તેના અમલદારોએ ભારતના થોડા લોકો ચપટી મીઠું ઉપાડશે તેમાં શું વળશે? કહીને અવગણી કાઢ્યું હતું, એ પગલું એમના સામ્રાજ્યને લૂણો લગાવી બેઠું. દેશભરમાં લાખો લોકો ગેરકાયદેસર મીઠું પકવીને વેંચવા લાગ્યા. 1930ની સાલનો અંત આવતાં સુધીમાં તો આશરે સાઠ હજાર લોકોની ધરપકડ થઈ, બધી જેલ ભરાઈ ગઈ. સરકાર મૂંઝાઈ ગઈ. દુનિયા ભરમાં એ સમાચાર ફેલાઈ ગયા – ઈન્ટરનેટ ઉપલબ્ધ નહોતું છતાં. બ્રિટિશ સરકારના દમનની હકીકતો દુનિયા જાણવા પામી, સાથે સાથે ભારતની અભણ, અબૂધ ગણાતી પ્રજાની નિષ્ઠા અને હિંમતથી માહિતગાર બની. ભારત તે સમયે ભલે રાજકીય રીતે ‘સ્વતંત્ર’ નહોતો, પણ તેની પ્રજા ગુલામી માનસમાંથી મુક્ત થતી પરખાઈ હતી. છેવટ 1931માં ગાંધી – ઇરવિન કરાર થયા અને દેશમાં મીઠું પકવવા પર પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા. આ રીતે આમ જનતા – તમામ ભારતવાસીઓની નમક જેવી મૂળભૂત જરૂરિયાતને કર મુક્તિ મળી. અહીં કોઈ એક ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે પક્ષના લાભાલાભનો સમાવેશ નહોતો તેની નોંધ લેવી રહે.

દાંડી કૂચની બીજી પણ સામાજિક-આર્થિક અસર થઇ. નમક માણસ માત્ર જ નહીં પણ પશુ અને અન્ય તમામ જીવ માટે અનિવાર્ય જરૂરિયાત હોવાને કારણે આ ચળવળને પરિણામે ગાંધીજીને શહેરના તેમ જ ગામડાંના લોકો, મજદૂરો અને સંપત્તિવાન તથા હિન્દુ- મુસ્લિમ તમામ ધર્મી લોકો સાથે સીધો સંપર્ક થયો અને એ બધા સમાન રાષ્ટ્રીય ભાવનાના તંતુથી જોડાયા. આ લડાઈમાં શસ્ત્રો ઉઠાવવાનાં નહોતાં એટલે તમામ સ્તરની મહિલાઓ મીઠા સત્યાગ્રહમાં અને ત્યાર બાદ દારૂના  પિકેટિંગમાં અને વિદેશી માલના બહિષ્કારની ચળવળમાં આગળ પડતો ભાગ લેતી થઇ અને એ રીતે તેમનું સશક્તિકરણ આપોઆપ થઈ ગયું. વળી આમ પ્રજાના દિલમાંથી સત્તાના જુલ્મનો ડર ભાગ્યો, સ્વનિર્ણય અને દેશાભિમાનની શક્તિનું ભાન થયું એ કંઈ ઓછી ઉપલબ્ધિ હતી? બ્રિટિશ સરકાર પોતાનો કાબૂ કાયમ રાખવા જતાં જે જુલ્મ આચરતી હતી તેની જાણ દુનિયા આખીને થઇ અને નીચાજોણું થયું. માત્ર મુઠ્ઠી ભર મીઠું પકવવા જતાં! આ હતી એ ચળવળની અદ્દભુત અસર.

રથયાત્રાના પરિણામ અને અસર જોવા જતાં માલુમ થશે કે બાબરી મસ્જિદના ધ્વંસને પગલે માત્ર ભારતમાં જ નહીં, પણ પાડોશી દેશોમાં પણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં, જેનો મૃત્યુ અંક 2,000થી વધુ આંકવામાં આવે છે. માત્ર એક મસ્જિદને જમીનદોસ્ત કરવા જતાં! છેલ્લા બે-અઢી દાયકાથી ભારતીય પ્રજા જાણે કોમી વિખવાદ અને હિંસા આચરનારી નિમ્ન કક્ષાની પ્રજા તરીકે ઓળખાવા લાગી છે. ક્યાં ગયું એ 1930-1940નું હીર, જેણે સલ્તનતને ઝુકાવી અને પૂરા દેશને ભાગલા થવા છતાં એક સૂત્રે બાંધી દીધેલું?

આજનો યુવા વર્ગ, જે હવે gen z તરીકે ઓળખાય છે, તેણે આ બે ધ્રુવીય વિચારધારાઓ વચ્ચે પસંદગી કરવાની છે. આપણે વૈવિધ્ય સભર દેશમાં સંયોજક બનીને તેને દુનિયા સમક્ષ ઉત્તમ ઉદાહરણ રૂપ બનાવવો છે કે તેના વિભાજક બનીને ખંડિત કરીને સ્વ વિનાશ વહોરીને દુનિયા આગળ હાંસી પાત્ર બનવું છે?

E.mail :  71abuch@gmail.com

Loading

25 November 2026 Vipool Kalyani
← ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની સ્મૃતિ સાથે ૨૦૨૦ની એક યાદગાર સવારનું સંભારણું

Search by

Opinion

  • નકલી જ એટલું વેચાય છે કે અસલી જડે નહીં …
  • ચલ મન મુંબઈ નગરી—367
  • આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?
  • ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
  • બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !

Diaspora

  • ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની સ્મૃતિ સાથે ૨૦૨૦ની એક યાદગાર સવારનું સંભારણું
  • ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved