Opinion Magazine
Number of visits: 10,403,105
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નકલી જ એટલું વેચાય છે કે અસલી જડે નહીં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 November 2026

નકલી પદાર્થો જ એટલા બધા છે કે અસલી સુધી પહોંચવાનું જ મુશ્કેલ બને છે. જે અસલી તરીકે ઓળખાવાય છે તે પણ કેટલું અસલી છે તેની ખબર પડતી નથી. ગ્રાહક જાણે છેતરવા માટે જ હોય તેમ ડગલે ને પગલે તેની સાથે છેતરપિંડી થાય છે. વસ્તુ નકલી અપાય છે ને પૈસા અસલી લેવાય છે. નકલી નોટ, નકલી કોર્ટ, નકલી જકાતનાકું … જેવું એટલું બધું છે કે અસલી બધું પડદા પાછળ જ રહી જાય. તેમાં પણ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વેચનાર માટે નહીં, પણ ખરીદનાર માટે જોખમી છે. ઘણાં વેપારીઓ ને ઘણી સંસ્થાઓ વધુ નફો રળવાના હેતુથી ખોરાકમાં સસ્તા કે હાનિકારક પદાર્થો ઉમેરે છે ને ગુણવત્તાવાળા પોષક તત્ત્વો કાઢી લઈને મોંઘાં ભાવે વેચે છે. વેચવાનો આ વેપલો ધમધોકાર ચાલે છે. એથી નફો તો થાય છે, પણ જાહેર આરોગ્ય પર મોટું જોખમ ઊભું થાય છે.

પેટની તકલીફો વધે છે. હૃદય, કિડનીને લગતા રોગો વધે છે. હાનિકારક રંગો, મિનરલ ઓઈલ જેવા પદાર્થો ઝેરી અસર ઊભી કરે છે. ખોરાકમાં થતી ભેળસેળ અંગેના કાયદા છે. ભેળસેળને લીધે 7વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ને 10 લાખ સુધીની દંડની જોગવાઈ છે, પણ નકલી ઉત્પાદકોને તેનો  કોઈ અફસોસ કે ખોફ નથી. સજા કે દંડ ઓછાં હોય તેમ નકલી દૂધ, નકલી ઘી, નકલી માખણ વગેરેની આખી ફેકટરીઓ પકડાઈ છે. એમ પણ લાગે છે કે નકલી પદાર્થો બનાવવાનું સ્પર્ધાને ધોરણે ચાલે છે. કેટલી ય વખત તો પેકેજિંગ, એક્સપાયરીમાં ગરબડ હોય છે. ફૂડ એન્ડ સેફટી વિભાગ દરોડાઓ પાડે છે ને ઘણું નકલી પકડાય પણ છે, પણ થોડી અસરો સિવાય બધું નકલી ફરી શરૂ થઈ જાય છે. ઘણી વાર તો ફૂડ એન્ડ સેફટી વિભાગ પણ આળસી જાય છે ને નકલી કારોબાર વિના રોકટોક ચાલ્યા કરે છે.

ખોરાકમાં થતી ભેળસેળ પરાપૂર્વથી ચાલી આવે છે. ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ 1954-55થી અમલમાં આવ્યો. તે વખતે અને તે પછી પણ પ્રિઝર્વેટિવ્ઝ ઘણી તકલીફો ઊભી કરે છે. ઠરાવેલી માત્રા  કરતાં પ્રિઝર્વેટિવ્ઝનો વધુ પડતો ઉપયોગ પણ જોખમી છે. એનો ઉપયોગ ટાળવો જોઈએ, પણ ગરીબો શિક્ષણને અભાવે શુદ્ધ પદાર્થ શોધવા નીકળે તો પોષાય નહીં, એટલે ગુણવત્તાનો આગ્રહ જતો કરે છે ને સ્વાસ્થ્યની ચિંતામાં પડતાં નથી. વેપારીઓ ગરીબોની આ નસ જાણતાં હોય છે, એટલે દાળ, કઠોળમાં ઘણી ભેળસેળ થાય છે. ધાન્ય પ્રોડક્ટસમાં કાંકરી, મરચાંમાં ઈંટનો ભૂકો, દાળમાં પ્રતિબંધિત લાંગની દાળ, દૂધમાં પાણી જેવી ઘણી ભેળસેળ થાય છે. આના ઉપયોગથી જે અસરો થાય છે તેની ખબર તો  પાછલી જિંદગીમાં પડે છે.

તંત્રો દ્વારા તપાસ તો થાય છે, પણ તે એટલી ધીમી હોય છે કે ભેળસેળીયો ખોરાક વેચાઈને ખવાઈ ચૂક્યો હોય છે. તો, પરિણામ ક્યારેક આશ્ચર્યજનક પણ આવે છે. 8 નવેમ્બરના સમાચારમાં દેશભરમાંથી 3,28૦ ટન ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી ને 314 દુકાનો સીલ કરવામાં આવી. એવી જ રીતે AMCએ એક મહિનામાં અપ્રમાણિત ઘી, પનીર, માવો પકડી પાડ્યો હતો ને 19 દુકાનો સીલ કરવામાં આવી હતી. એ રીતે સુરત, રાજકોટ તેમ જ અન્ય શહેરોમાં દરોડાઓ પાડીને અખાદ્ય સામગ્રી જપ્ત કરીને તપાસમાં મોકલી આપી. સરકાર પણ ભેળસેળને મામલે લાલ આંખ કરીને ચેતવણીઓ આપતી રહે છે, પણ કોઈ એવું શહેર નથી જ્યાં ભેળસેળ ન હોય !

સવાલ એ છે કે આવું કેમ થાય છે? આટઆટલી અખાદ્ય સામગ્રી ઝડપાવા છતાં ભેળસેળ ઓછી થતી નથી. અન્ય મામલે થતી ભેળસેળ તો કદાચને ક્ષમ્ય હશે, પણ ખોરાકમાં થતી ભેળસેળ કોઈ રીતે ક્ષમ્ય નથી. એમને એ ભય પણ નથી કે હાથના કર્યાં હૈયે વાગશે. વેપારીઓ એ પણ વિચારતા નથી કે ભેળસેળ દ્વારા ભોગ બનતું જાહેર આરોગ્ય કોઈ કાળે માફ થાય એમ નથી. બીજી તરફ પ્રતિબંધિત ચીજ વસ્તુઓનાં વેચાણમાં સરકાર જ આંખ આડા કાન કરે છે. સુરતના જ એક ધારાસભ્યે સરકારને પત્ર લખીને વધામણી ખાધી છે કે ફ્રોઝન ડેઝર્ટ પર પણ પ્રતિબંધ મુકાવો જોઈએ.

વાત એવી છે કે ઘણાં આઈસ્ક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ ઝાપટતાં રહે છે. આઈસ્ક્રીમ શોખીનો દુકાનોમાંથી આઈસ્ક્રીમને નામે નુકસાન કરતું ડેઝર્ટ ખાઈ લે છે. ફ્રોઝન ડેઝર્ટ પર ચેતવણી લખેલી આવે છે, પણ જે છુટક / લૂઝ લે છે, એમને ખબર પડતી નથી. તેનું કારણ એવું પણ ખરું કે સ્વાદમાં આઈસ્ક્રીમ અને ડેઝર્ટમાં કોઈ ફરક નથી. જો કે, આઈસ્ક્રીમ દૂધમાંથી બને છે, એમ ડેઝર્ટ બનતું નથી. તે પામ ઓઈલમાંથી બને છે. પામ ઓઈલ આમ પણ નુકસાન કરે જ છે, તે ફરસાણમાં ને અન્ય બનાવટમાં પણ હાનિકારક છે, તો સવાલ એ થાય કે તેનો ડેઝર્ટમાં ઉપયોગ કેવી રીતે ઉપકારક છે? પામ ઓઈલ જેવા હાનિકારક પદાર્થમાંથી બનતા નકલી ‘એનાલોગ પનીર’ પર પ્રતિબંધ છે, તો ફ્રોઝન ડેઝર્ટ પણ પામ ઓઈલમાંથી જ બને છે તો તેના પર પ્રતિબંધ કેમ ન હોવો જોઈએ?

સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ થયું છે. આરોગ્ય વિભાગની કામગીરી પણ નાછૂટકે થતી હોય એવું વધારે છે. જે કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ તે સુરત પોલીસની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) કરે છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે આરોગ્ય માટે હાનિકારક ફ્રોઝન ડેઝર્ટ પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ. ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત આઈસ્ક્રીમ અને ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા જનજાગ્રતિ અભિયાન શરૂ થયું છે. આ નકલી આઈસ્ક્રીમ લોકોનાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. એ જ કારણે પ્રતિબંધ અનિવાર્ય છે.

જો કે, સરકારે, જાહેરમાં આઈસ્ક્રીમ પાર્લરવાળાએ ડેઝર્ટ અંગેની સ્પષ્ટતા કરવાનું કહ્યું છે, પણ તે તો ઓફિશિયલ પાર્લર માટે, જ્યાં છૂટક વેચાય છે તેનું શું? પેકિંગમાં તો કંપનીઓ ‘ફ્રોઝન ડેઝર્ટ’ લખતી હોય છે, પણ સવાલ છૂટક વેચાણનો છે. લગ્ન પ્રસંગે કે દુકાનોમાં તો લૂઝ ફ્રોઝન ડેઝર્ટ જ પીરસાતું હોય છે. એ સ્થિતિમાં સામાન્ય માણસને ખબર નથી જ હોતી કે તે ફ્રોઝન ડેઝર્ટ ખાઈ રહ્યો છે. લોકોની જાણ માટે લૂઝ ફ્રોઝન ડેઝર્ટની સૂચનાનાં બોર્ડ લગાવાશે? ખરેખર તો ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમની દુકાનો જ અલગ હોવી જોઈએ, જો કે, એનાથી પણ અર્થ સરે એમ નથી.

સિગરેટના પેકેટ પર તે હાનિકર્તા છે એવી સૂચના છપાય છે, તો પણ તેનો ઉપાડ ઘટતો નથી, એટલે ફ્રોઝન ડેઝર્ટ પર સૂચના લખાય તો પણ બહુ ફેર પડે એમ નથી. સૂચના પાર્લરવાળો જ વાંચશે. એ સૂચના ગ્રાહક વાંચે એવી અપેક્ષા વધારે પડતી છે. સાદી વાત એટલી છે કે જે હાનિકારક જ છે, તે શું કામ વેચાવું જોઈએ? વેચાણ ચાલુ રહે ને ‘હાનિકારક’ એવી સૂચના છપાયા કરે એનો મતલબ ખરો? પામ ઓઈલ હાનિકારક છે તે દુનિયા જાણે છે તો તેનું વેચાણ કે ઉત્પાદન જ સરકાર કેમ બંધ કરાવતી નથી? એ ચાલુ રહે તો સરકારને શું લાભ છે તે નથી સમજાતું. હા, ટેક્સની આવક મળે તે ખરું, પણ એટલી આવક જતી કરીને સરકાર જે હાનિકારક જ છે તેને કેમ અટકાવી શકતી નથી? સરકારને ખબર નથી કે હાનિકારક ફ્રોઝન ડેઝર્ટ મોટે પાયે વેચાય છે, તો તેને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ એવી છે કે તેનો ઉપયોગ થાય જ નહીં? જે જોખમી જ છે તેને બજાર સુધી સરકાર પહોંચવા જ કેમ દે છે? એવી તો કેટલી ય વસ્તુઓ છે જે સરકારની દેખરેખ હેઠળ ખપે છે ને સરકારને કોઈ લેવાદેવા ન હોય તેમ નિર્લેપ ભાવે કમાણી કરતી રહે છે. સરકાર લોકોને જાગૃત કરવા કોશિશ કરે છે, પણ જાગૃત તો સરકારે થવાની જરૂર છે ને જોખમી કોઈ પણ ખાદ્ય પદાર્થ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદવો જોઈએ, તો અસલી બધું બહાર આવશે, નહીં તો નકલીની જ એવી ટેવ પડશે કે અસલી કંઇ ખાવાપીવાનું આવશે તો લોકો બીમાર પડી જશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 નવેમ્બર 2026

Loading

23 November 2026 Vipool Kalyani
← ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—367
  • આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?
  • ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
  • બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !
  • બંધ મકાન

Diaspora

  • ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved