Opinion Magazine
Number of visits: 10,394,326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 November 2026

ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીની પચાસીએ વિચારતાં મને જાણીતા મરાઠી દલિત સાહિત્યકાર દયા પવારની આત્મકથા ‘બલુત’ના અંતમાં આલેખાયેલો એક પ્રસંગ યાદ આવે છે.

કટોકટીના એ ભયના, ડરના, દિવસોમાં લેખક દયા પવાર પણ ખૂબ ડરી ગયેલા હતા.  કટોકટીમાં પકડાવાની બીકે ભૂગર્ભમાં જતા રહેલા (ન.મો. જેમ). એક કાર્યકર્તાએ દયા પવારને ટપાલમાં ‘ નિરોધ’ અને ટૂંકો પત્ર મોકલ્યો. જેમાં એ મતલબનું લખ્યું હતું કે “તારા જેવી બીકણ કોમ ફરીથી પેદા ન થાય, એટલા માટે આ વ્યવસ્થા”. દયા લખે છે કે ભૂગર્ભમાંથી આ પત્ર મોકલનાર પણ બીકણ હશે એટલે તેણે પત્રમાં ક્યાં ય પોતાનું નામ લખ્યું નહોતું!

શું દલિતો અને દલિત સાહિત્યકારો ક્ટોકટીની તરફેણમાં હતા? શું કટોકટીના વિરોધીઓ  કટોકટીના તરફદાર દલિતોથી એટલા રોષે ભરાયેલા હતા કે તેઓને નિરોધ મોકલી તે પેદા જ ન થાય તેવું ઇચ્છતા હતા? આ પ્રસંગ પછીના તરતના પેરામાં દયા પવારે કટોકટીકાળનો એક બીજો પ્રસંગ વર્ણવ્યો છે. રાષ્ટ્રીય લેખક સંઘે દિલ્હીમાં સંમેલન યોજ્યું હતું વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પણ તેમાં હાજર રહી સંબોધન કરવાના હતાં. એટલે સમજાઈ જવું જોઈએ કે આ સંમેલન કટોકટીની તરફેણમાં હતું. દયા પવારને વિમાનની ટિકિટ અને ફાઈવસ્ટાર હોટલમાં ઉતારાની વ્યવસ્થા સાથેનું નિમંત્રણ હતું. પણ? પણ દયા પવારે આ નિમંત્રણ ઠુકરાવી દીધું. દયાએ લખ્યું છે, “ફરીથી એક વાર વિમાનમાંથી નીચેની દુનિયા જોવાની તક હાથમાંથી સરી જાય છે, પરંતુ મને તેનું જરા ય દુ:ખ નથી.” 

દયા પવારના આ સ્મરણોની સાથે જ મને  ગુજરાતનો એક પ્રસંગ પણ સાંભરે છે. ઝીણાભાઈ દરજીની પ્રેરણા અને આગ્રહથી રચાયેલા દલિત આદિવાસી બક્ષીપંચ કામદાર-કર્મચારી મંડળ(દઆબ)ના રાજકોટ અધિવેશનમાં કટોકટીની તરફેણ અને ઇન્દિરા ગાંધીના આ પગલાંનો બચાવ કરતો ઠરાવ થયો હતો. 

આજે રજનીભાઈ લિખિત-સંપાદિત પુસ્તક “કટોકટી અને તેમાં ભૂમિપુત્ર-યજ્ઞ પ્રકાશનની ભૂમિકા, સરમુખત્યારી સામે લોકસંઘર્ષની ગાથા”ના પ્રકાશન વેળા મને દયા, દઆબ અને દલિતો એક સાથે યાદ આવે છે. સમગ્ર દલિત સમાજ નહીં તો દલિત, ગરીબ, વંચિત સમાજનો મોટો હિસ્સો કટોકટીની તરફેણમાં હતો. મારે એ પણ કહેવું જોઈએ કે ગુજરાતમાં જનતા મોરચાની રચના સાથે જોડાયેલા બિનરાજકીય સંસ્થા, સંગઠનોમાં દલિતોનું લડાયક સંગઠન દલિત પેન્થર પણ હતું.

કટોકટી નાગરિક અધિકારો, મૂળભૂત અધિકારો અને બંધારણે બક્ષેલી તમામ અભિવ્યક્તિની આઝાદીને છીનવનારી ઘટના હતી. રોટી સાથે આઝાદી અને આઝાદી વિનાની રોટીનું દ્વંદ્વ સતત ચાલતું રહે છે. તો શું દલિતોએ ઇન્દિરાઈ કટોકટીકાળમાં આઝાદીને બદલે રોટી પસંદ કરી હશે? વંચિતોને ગરીબોને રોટલો મળી રહે એટલે કાયમ મૂંગા મરવું પડે? આ વલણ શું ઠીક ગણાય? એવો સવાલ મને કટોકટીની આ અર્ધવાર્ષિકીએ થાય છે. આપણી દિલી ઇચ્છા તો રોટીગર્ભ આઝાદીની છે. જો એ બેઉ મળે તો ભયોભયો. ઘોષિત અને અઘોષિત તમામ કટોકટી આપણી સામે આ સવાલ ઊભો કરે છે કે શું ગરીબોને એકલો રોટલો જ બસ છે કે રોટલો અને આઝાદી બેઉ જોઈએ છે?

આ સંપાદનમાં રજનીભાઈએ આપણને કટોકટી સંદર્ભે લખાયેલાં કેટલાંક પુસ્તકોનો પરિચય કરાવ્યો છે. કટોકટીમાં જેમ ગાંધી – સર્વોદય અને સંઘ- જનસંઘના પકડાયેલા કાર્યકરોનો ઇતિહાસ છે તેમ નહીં પકડાયેલાઓનો પણ ઇતિહાસ છે. જેમના વિશે આપણને લાગે કે આ તો કટોકટીમાં જેલમાં હશે પણ આવા પકડાવા જોઈતા અને છતાં ન પકડાયેલાઓ કે છૂટાઓનો પણ ઇતિહાસ છે. જે લખાવો અને તેના આરણકારણ તપાસવા બાકી છે. કટોકટીની પચાસીએ કરવા જેવાં બાકી કામોની યાદીમાં એક આ પણ છે. 

અમદાવાદના એક માત્ર સામ્યવાદી મેયર અને સી.પી.આઈ. (એમ)ના આગેવાન દિનકર મહેતા કટોકટીમાં બહાર હતા. તેમણે સામ્યવાદી અને કિસાનસભાના કાર્યકર તરીકે દક્ષિણ ગુજરાતના જે ગામડાઓમાં કામ કર્યું હતું તેમાં ફરી જવાનું કટોકટી દરમિયાન કર્યું હતું. ફલસ્વરૂપ લખાયેલું પુસ્તક તે પલટાતા ગામડાં. દિનકર મહેતાને તેમણે કિસાનસભાના કાર્યકર તરીકે જે ગામડાઓમાં કામ કર્યું હતું, તે એમની આ રિવિઝિટમાં, ફેર મુલાકાતમાં પલટાતા લાગ્યા હતા. આજે કરવાનું કામ આ છે; દિનકરભાઈને જે ગામડાઓમાં પરિવર્તન દેખાયું હતું તે કથિત વિકાસની રાજનીતિમાં ક્યાં ઊભું છે? તે વિકાસ પામ્યા છે? વધુ સારાં બન્યા છે?  કે વિલોપન પામ્યા છે?  તે તપાસવાનું થવું જોઈએ. 

ગુજરાતના એકના એક પુરુષોત્તમ માવળંકર અને ઉમાશંકર જોશીએ કટોકટીના વિરોધમાં સંસદમાં અને સંસદ બહાર પડ ગાજતું રાખ્યું હતુ. ઉમાશંકરે તેમના સામયિક ‘સંસ્કૃતિ’ને સેન્સરની તપાસમાંથી પસાર કરાવવાને બદલે તેનું પ્રકાશન બંધ રાખવાનું યોગ્ય માન્યું હતું. એટલે જેમ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’એ સામયિકોનું પ્રકાશન ચાલુ રાખી, સેન્સરશીપને પડકારી હતી તો બીજી તરફ ‘સંસ્કૃતિ’ જેવાં પણ સામયિકો હતાં જેણે પ્રકાશન થંભાવી દીધું હતુ. તેમનો પણ ઇતિહાસ લખાવો જોઈશે. 

લોકસભામાં માવળંકરે અને રાજ્યસભામાં ઉમાશંકરે કટોકટીનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર બોલતાં ઉમાશંકરે જે ભાષણ કર્યું હતું તેનું શિર્ષક બહુ સરસ હતું: “આપણે સૌ ઉઘાડા પડ્યા છીએ” (તા. ૦૮.૦૧.૧૯૭૬) તો સાહેબો, જરા વિચારીએ. ૧૯૭૫ની ઘોષિત કે આજની ૨૦૨૬ની અઘોષિત એમ સઘળી કટોકટીમાં ન માત્ર રાજકીય પક્ષો પણ આપણે સૌ  લોક, જન, જનતા, પ્રજા અને નાગરિક માત્ર ઉઘાડા પડી ગયા છીએ. 

ઉમાશંકરે રાજ્યસભામાં આપેલા છેલ્લા ભાષણમાં તેમણે પ્રજાનો અંતરાત્મા તાળાકુંચીમાં હોવાનું કહ્યું હતું. તો આ તાળાની કુંચી ક્યાં છે? ખોવાઈ ગઈ છે? કેમ ઘોષિત-અઘોષિત કટોકટી છતાં આપણે, આપણો અંતરાત્મા જાગતા નથ? . તેના તાળાની કુંચી કોની પાસે છે? આ કુંચી કોઈ લઈ ગયું છે? શું આપણે આપણો અંતરાત્મા તાળાકુંચીમાં જ રહે તેમ કરવું છે? કે તાળું ખોલવું છે? તે વિશે પણ બીજી આઝાદીના એકાવનમા વરસે વિચારવાનું છે?

 રજનીભાઈએ પૂર્વે કિસાન આંદોલન, જમીનનો સવાલ કે કેન્સર જેવા વિષયો પર સરસ વિશેષાંકો અને પુસ્તકો કર્યાં છે. એટલે મને રજનીભાઈના કટોકટી વિશેના આજે પ્રકાશિત ગ્રંથની સામગ્રી અને ગુણવતા વિશે બહુ આશ્ર્ચર્ય થતું નથી. રજનીભાઈ તો આમ જ કરે ને વળી. રજનીભાઈ, યજ્ઞ પ્રકાશન અને ‘ભૂમિપુત્ર’ પરિવારને  અભિનંદન અને આનંદ.  

e.mail : maheriyachandu@gmail.com 
(તા. ૨૬મી જૂન ૨૦૨૬ના રોજ પુસ્તકના પ્રકાશન સમયે બોલાયેલું, થોડા ઉમેરણો સાથે) 

Loading

19 November 2026 Vipool Kalyani
← બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !

Search by

Opinion

  • બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !
  • બંધ મકાન
  • ૧૯૫૦ થી ૧૯૬૫ સુધીના વર્ષમાં જન્મેલાની આત્મકથા
  • હસવું આવે છે એમ જ રડવું પણ આવે છે … 
  • મોંઘીદાટ દવાઓ દર્દીઓની કમર તોડી નાંખે છે.

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved