હા, વ્યક્તિને હસવું આવે છે, એમ જ રડવું પણ આવે છે. એવું કહેવાતું રહ્યું છે કે પુરુષને રડવાની છૂટ નથી. તે હસે તો કહેનારા કહે છે કે હસતો પુરુષ પણ શોભતો નથી. તો પુરુષ શું હોવો જોઈએ? તે મજબૂત અને આક્રમક હોવો જોઈએ. તેને માટે ‘મસલ મેન’ પણ કહ્યો છે ને એવા પુરુષો વધુ પ્રતિભાવાન પણ ગણાયા છે. એ બધું સાચું, પણ પુરુષને હસવું આવે છે ને રડવું પણ આવે છે, પણ તે કાબૂ કરે છે. તેને હસવા, રડવાની છૂટ નથી. આ બધું કોણ નક્કી કરે છે? મોટે ભાગે તો જમાનાના ખાધેલ વરિષ્ઠ નાગરિકો આવી બધી માથાકૂટ કરે છે. એ ખરું કે કેટલાક પરંપરાના ચાહક યુવાનો આવી વાત માનતા હોય છે, ઘણા તેને નથી પણ માનતા. સાચું તો એ છે કે કોઈએ પણ હસવું હોય તો હસવું જોઈએ ને રડવું હોય તો તેમાં પણ સંકોચ કરવાની જરૂર નથી.
આ મામલે સ્ત્રીઓ વિષે શું મનાય છે? તે તો નાજુક જ હોય, તેની આંખમાં તો નળ હોય જે ચાલુ જ રહેતો હોય. સ્ત્રીએ આજ્ઞાંકિત, નમ્ર, શરમાળ, વિવેકી રહેવાનું છે. તેણે નરમ રહેવાનું ને મજબૂત પણ રહેવાનું. તે નોકરી કરતી હોય તો એટલું બર્ડન ને ટેન્શન તેણે ઉઠાવવાનું. તેણે ઘરનું કામ કરીને બધાંની સેવા પણ કરવાની. તે જેટલી મહેનત ને સરભરા કરી શકે એટલી વહુ સારી. આટલું કર્યા પછી પણ તેણે હસતાં રહેવાનું. આવું તેવું ન કરે તો વહુ નકામી. તેણે ખડે પગે રહેવાનું, જેથી બીજા આરામ કરી શકે, ચિંતા મુક્ત રહી શકે. વહુએ બધાંને સાચવવાના ને એમની ચિંતા પોતે લેવાની ને તેના ઉકેલ લાવવાના. તે એટલી માનીતી થઈ જાય કે ઘરનાં સભ્યોને એના વગર ચાલે નહીં. તે સારી ભાભી બની રહે કે દેરાણી અથવા જેઠાણી બની રહે, વહુબેટા બની રહે તો ઘરનું ઘરેણું બની રહે. આમાનું થોડું પણ કંઇ ન બન્યું તો વહુ તરત જ અળખામણી થઈ જાય.
આપણે મનુષ્યના ખાનાં પાડી દીધાં છે. કોઈની છાપ બહાદુર, નીડર વ્યક્તિની હોય તો તે લોકોમાં બહાદુર કે નીડર જ બની રહે છે ને કોઈ બીકણ, રોતલ છે તો તે બીકણ કે રોતલ જ બની રહે છે. જો કે, એવું હોતું નથી. કોઈ બહાદુર હોય તો તે ભીતરે સંવેદનશીલ પણ હોઈ શકે છે. કોઈ રોતલ હોય તો તે સાહસી પણ હોઈ શકે છે. એવું નથી કે કોઈની પણ એક છાપ હોય તો તે ચોવીસે કલાક તે જ છાપમાં રહે. કોઈ ખૂની હોય કે ઘાતકી હોય તો પણ તેને આંસુ આવતાં હોય છે ને જે રોતલ હોય તે ખૂન પણ કરી શકે છે. થાય છે શું કે આપણે કોઈ વ્યક્તિ માટે અમુક છાપ બાંધી લઈએ છીએ ને તેમાં જ કેદ કરી દઈએ છીએ. જીવન પરિવર્તનશીલ છે એ સ્વીકારીએ છીએ, પણ છાપ બદલતા નથી. આપણે બદલાઈએ છીએ, પણ કોઈને માટેની છાપ બદલતા નથી. આ માન્યતા સ્ત્રી કે પુરુષ માટે સરખી જ છે. કોઈ સ્ત્રી લડાક હોય કે લાગણીશીલ, એને વિશેની છાપ એ સ્ત્રીમાં બદલાતી હોય છે, પણ જે એના પરિચયમાં એક વાર આવે તો તે જ છાપ બંધાયેલી જ રહે છે. આવી માન્યતાઓને લીધે જે તે સ્ત્રી કે પુરુષને ઘણી વાર અન્યાય થતો રહે છે. જો આપણે બદલાતા હોઈએ તો સામેની વ્યક્તિ પણ બદલાય છે. આપણે ખુલ્લાં ને કોઈ પૂર્વગ્રહ વિનાના હોઈશું તો સામેની વ્યક્તિનું પણ અપ્રગટ રૂપ પારખી શકીશું.
મિતાને પરણીને સાસરે આવ્યાંને પાંચેક વર્ષ થયાં છે. આ પાંચ વર્ષમાં મિતાએ સાસરાની તમામ વ્યક્તિઓનાં મન, માન-સન્માન ને લાગણીઓ હાંસલ કર્યાં છે. આજે એવી સ્થિતિ છે કે કોઈને મિતા વગર ચાલતું નથી. પોતાનાં સંતાનની જવાબદારીઓ તો ખરી જ, પણ બબ્બે જેઠાણીનાં સંતાનની જવાબદારી પણ મિતાએ ઉપાડી લીધી છે. સવારસાંજની રસોઈ ઉપરાંત વાસણ કપડાં પણ મિતા જ કરે છે. સાસુસસરા તો મિતાની પહેલી જવાબદારી. તેમને જમાડવાનું, તેમને દવા આપવાની, દુખાવા માટે ટ્યૂબ ઘસી આપવાની કે શેક કરવાનું પણ મિતાએ સામેથી માંગી લીધેલું. નાના દિયરને નોકરી માટે નાસ્તાનો ડબ્બો તૈયાર કરી આપવાનું ને પતિની સરભરા કરવાનું કે નોકરીએથી મોડો આવે તો તેની થાળી તૈયાર કરવાનું …. એમ એટલાં બધાં કામ પહોંચતાં કે સવારની રાત ક્યારે પડતી તેની ખબર જ ન પડતી.
તેનાં પતિને આ ગમતું ના હતું, પણ તેનાથી ઘરમાં બોલાતું ન હતું ને એ ચીડ પણ મિતા પર જ નીકળતી. પતિ પણ આમનો લોટો આમ મૂકે એવો ન હતો. તે બધી જ અપેક્ષાઓ મિતા પાસેથી પૂરી કરવા ઇચ્છતો. મિતા એ પણ પૂરી કરતી ને આખા દિવસમાં હસતી ને હસતી દેખાતી, પણ સમય વીતતો ગયો તેમ તેમ મિતા થાકવા લાગી. થાકતી તો ય મોઢું હસતું રાખતી ને બધાંના કામ તો કરતી જ રહેતી. આ બધું સાસુ જોતી. તેને ખબર હતી કે જેઠાણીઓ તડાકા મારે છે ને મિતા ઢસડાયા કરે છે, પણ ઘરમાં ભડકો ન થાય એટલે ચૂપ રહેતાં. એ ચૂપ રહેતાં એમાં મિતા વધારે એકલી પડી જતી.
એક દિવસ મિતાને તાવ આવ્યો. આખું શરીર કળતું હતું, તો ય જેમ તેમ તે ઊઠી ને કામે લાગી, પણ કામ થતું ન હતું. તો પણ જીવ પર આવીને તેણે સવારની ચા બધાં માટે મૂકી ને ટ્રે લઈને બધાંના રૂમમાં ચા આપવા નીકળી, પણ તાવને લીધે તેનાથી ચલાયું જ નહીં ને ટ્રે સાથે જ તે જમીન પર પડી. ચા ઢોળાઈ, કપરકાબીનો ખુરદો બોલી ગયો. થોડી ચા મિતા પર પણ પડી. અવાજ થતાં બંને રૂમનાં બારણાં ખૂલ્યાં. જેઠાણીઓ ને જેઠ ડોકાયાં. પતિ પણ બહાર દોડી આવ્યો. બધાંએ જ કહ્યું – જરા જોઇને ચલાયને. તારું મગજ ક્યાં છે? જરા ધ્યાન રાખતી જા.
હું ફરી ચા મૂકું – કહેતાં મિતા ઊભી થવા ગઈ. પણ ઊભી થવા જતાં ફરી પટકાઈ. ત્યાં સુધીમાં પતિ રૂમમાં પહોંચી ગયો હતો. તેને કોઈએ ઊભી પણ ન કરી. તે જ જેમ તેમ ઊભી થઈ અને રસોડામાં જવા ગઈ તો સાસુએ મિતા તરફ જોઇને તેની જેઠાણીને કહ્યું – વહુ બેટા, ઘણે વખતે તમારા હાથની ચા પીવી છે. મૂકશો? કમને વહુ બીજી ચા મૂકવા રસોડામાં ગઈ. બહારથી દિયર આવ્યો તો તે ભાભી પાસે દોડી આવ્યો ને ભાભીને ઊભી કરવા ગયો, ત્યાં જ બોલ્યો-ભાભી, તમારું તો શરીર ખૂબ તપેલું છે. દવાખાને ચાલો. મિતા બોલી – થોડી વારમાં બધું ઠીક થઈ જશે. દિયરે આગ્રહ કર્યો, પણ મિતા માની નહીં. તે રૂમમાં જઈને આડી પડી. દિયરે પાણી આપ્યું ને ગુસ્સામાં દાદર ચડીને ઉપર ચાલ્યો ગયો. મિતાના પતિએ તેને કહ્યું – નાનો લઈ જાય છે તો દવાખાને જઈ આવને ! ક્યાં સુધી આમ પડી રહીશ? મિતાને લાગ્યું કે કોઈએ છરી હુલાવી દીધી છે. તે જેમ તેમ ઊઠી ને રસોડા તરફ ગઈ …
*
મિતાના ઉદાહરણમાંથી કેટલીક ધ્યાન ખેંચનારી બાબતો જોવા જેવી છે. કોઈ પણ કુટુંબમાં જે ઢસડે છે તે ઢસડ્યા જ કરે છે. એને બદલે વડીલોએ કામની વહેંચણી એવી રીતે કરવી જોઈએ કે કોઈ એક પર જ બોજ ન પડે. અહીં સાસુસસરા પેસીવ છે. સાસુ થોડું સમજે છે ને ચા મૂકવાનું મિતાની જેઠાણીને સોંપે છે. તે જે બોલે છે, ’વહુબેટા, ઘણે વખતે તમારા હાથની ચા પીવી છે, મૂકશો?’માં તેનો વ્યંગ અને જેઠાણીઓ કોઈ કામમાં નથી આવતી એ વાત સાસુની મિતા તરફની સહાનુભૂતિને પણ પ્રગટ કરે છે, પણ તેથી ખાસ કંઇ ઉપજતું નથી. સસરાજી તો નહિવત જ છે. દિયર થોડો ભાભીની પીડા સમજે છે, પણ તે પણ ભાભીને ઝાઝી મદદ કરી શકતો નથી.
ચિંતાનો વિષય તો એ છે કે મિતાની પીડા કોઈને જ સમજાતી નથી. એક વહુ નવી નવી આવી છે ને તે કુટુંબનો પ્રેમ પામવા ગજા ઉપરાંતનું કામ વહોરી લે છે, પણ કોઈને ભૂલમાં પણ એવું પૂછવાનું થતું નથી કે તને કંઇ થાય છે? મિતાને પણ એવી જરૂર લાગતી નથી કે કોઈ એની પણ ચિંતા કરે કે સહાનુભૂતિના બે શબ્દ કહે. તેને પણ પ્રેમની જરૂર હોય, તેને પણ ખુશી-પીડા હોય, તેની પણ કોઈ ઇચ્છા હોય એવો વિચાર કોઈને જ નથી આવતો. એના પતિને પણ નહીં. તે તો ‘ક્યાં સુધી પડી રહીશ’ જેવી છરી હુલાવી દે છે. ઉપરથી સંભળાવે છે કે નાનો લઈ જાય છે, તો દવાખાને જાને ! પણ પતિ પોતે લઈ જવા તૈયાર નથી. ચા ઢોળાય છે તો પતિ જોઇને રૂમમાં ભરાઈ જાય છે, પણ એટલું પણ પૂછતો નથી કે દાઝી તો નથીને !
બધાંની સાથે આનંદથી હસતી બોલતી મિતા ચોવીસે કલાક તો હસતી બોલતી ન હોય. કોઈનું પોતાની તરફ ધ્યાન નથી જતું, કોઈને તેની દયા નથી આવતી એ વાતે તેને પણ ખોટું લાગી શકે છે, તેને પણ રડવું આવી શકે છે એવો ખ્યાલ કોઈને જ કુટુંબમાં ન આવે તે દયનીય છે. બીજાની પીડા ન સમજી શકે એવા સંબંધીઓની વચ્ચે જીવવાનું આજકાલ અઘરું થતું જાય છે, એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
![]()

