ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેના સાડા ત્રણ દાયકાના સક્રિય સંધાનના ઉજાસમાં અને એને અંગે કૈંકે પરંપરા [બોધપૂર્વક તેમ 1955માં પરિષદ મુનશીની આજ્ઞાંકિતા મટી ઉમાશંકર આદિની સખી બની એ ઘટનાક્રમના સમકાલીન એવા એક કિશોર વાચક તરીકે વ્યક્તિગત હેસિયતથી ‘ઓપિનિયન'(8/11/26)માં પરિષદનાં તાજેતરનાં ચૂંટણી પરિણામો વિશે ટિપ્પણી કરવાનું થયું તે પછી મૌખિક અને કર્ણોપકર્ણ ઉપરાંત ખાસ તો ફેસબુક પીચ પર જે પ્રતિક્રિયાઓ જાણવા મળી એમાં મુખ્ય મુદ્દો કદાચ એ છે કે મારે તટસ્થપણે કહેવું જોઈતું હતું.
ભાઈ, મારું લખાણ દૂધદહીં ન લાગ્યું હોય ને વખતે કૈંક એકતરફી ઝૂકતું લાગ્યું હોય તો તે તટસ્થ આકલન પછી મેં જે કહેવાપણું સમજાયું તે કહેવામાં ધર્મ જોયો એને કારણે છે. શરદબાબુએ ક્યાંક સરસ કહ્યું છે કે પૂજારી જ્યારે આરતી કરે છે ત્યારે એનો પોતાનો ચહેરો અને દેવપ્રતિમા બેઉ એક સાથે આલોકિત થાય છે. કૈંક આ જ વાત પરિવર્તન મંચના જશવંત રાવલે પોતાની બાનીમાં રૂડી પેરે, દિલના હકદાવે, સ્નેહસિકત ફરિયાદ રૂપે મૂકી છે કે ઉંબર પરના દીપકે તો બંને ઓરડા અજવાળવાના હોય. સાચું. પણ વિનયપૂર્વક કહું કે મને ત્રાહિત તમાશબીનની તટસ્થતાથી નહીં પણ નિસબતી તટસ્થતાભેર જે લાગ્યું તે કહ્યું અને બેઉ ઓરડાને ઉજાસમાં મૂકી આપ્ય. એક ઓરડો ‘પરંપરા’નો તો બીજો ‘પરિવર્તન’નો. પહેલાની મર્યાદાઓનો મને ખયાલ હોય જ. એની સાથે મિત્રો પોતપોતાની ગજાસંપત પ્રમાણે કામ પાડતા જ હોય. જે તે ફરિયાદ અગર નવો મુદ્દો સમજાય તે પ્રમાણે ઓછીવત્તી કોશિશ અલબત્ત જારી જ હોય. જે પ્રધાન મુદ્દો ચૂંટણીમાં ‘પરિવર્તન’નો હતો તે પ્રકારના વહીવટ અને સંચાલનનાં કે બીજાં સૂચનો અને પ્રયાસો જરૂર થતા રહ્યા છે. એમાં સુધાર અને નવીકરણને સારુ અવકાશ છે જ. એટલે પરિવર્તન એ ચાલુ પ્રક્રિયા અને એથી પરમ્પરા ય છે એમ પણ તમે કહી શકો. હેવાલ થયેલ છે, પ્રયાસ થયેલ છે, અને અનુભવે અગવડ-સગવડને ધોરણે ફેરફાર શક્ય છે. હાલના પરિણામથી નિરપેક્ષપણે આવાં સૂચનો કોઈ પણ છેડેથી પરસ્પર વિચારાર્થ પરિષદ -તંત્રને આવકાર્ય ન હોવાનું કારણ નથી. ચૂંટણી વખતે આવા ઊહ અને અપોહને અવકાશ છે. મુદ્દો માત્ર એટલો અને એટલો જ છે કે વહીવટ અને સંચાલન અંગે સુધાર-અવકાશ અને ફેરફાર-અવકાશ ‘ઇનબિલ્ટ’ છે. આપણે એનો કસ કાઢવો રહે છે.
ખરેખર તો, પરિવર્તન મંચ તરફે જે બધો ગાજોવાજો ચાલ્યો એમાંથી ઉઠેલ બૂ એ હતી કે કોઈ રાજકીય વિચારધારા મારફતે કે સત્તા-પ્રતિષ્ઠાન થકી અથવા સત્તા-સંસ્થાન વાટે પરિષદ પર સંપ્રભુતા જમાવવાનો ખ્યાલ છે. પરિવર્તન મંચને હોંશે હોંશે આવકારનારા પૈકી બધાની સમજ આવી ન પણ હોય. પરંતુ જે છાપ ઊઠી છે એ તો આ અને આ જ છે. બીજા ઓરડાની ચર્ચામાં મને નિસબતી તટસ્થતામાં ખોડાઇને જે દેખાયુંસમજાયું તે મેં ઉજાસમાં મૂકી આપ્યું.
અન્યથા પહેલા ઓરડાની સાથે હોઈ શકતા કોઈકોઈ મિત્રો અકાદમીના અસહયોગ સાથે સંમત ન હોય એમ બને. પણ છેલ્લા ત્રણ વરસને અંતે મારું કથયિત્વ – my own take – કોઈ હોય તો એ છે કે કાર્યાનુભવે કરીને વર્તમાન અને આગામી નેતૃત્વ તેમ જ એમના કાર્યચમુની શ્રદ્ધા દૃઢાઈ હોવી જોઈએ. નહીં તો એમણે ચૂંટણીમાં આ મુદ્દો ઢીલો મુકવામાં સગવડ જોઈ હોત.અસહયોગ અફળ રહ્યો છે એવા નિર્ણય પર પહોંચતા પહેલાં લાંબી લડાઈની જરૂરત સમજવી જોઈએ. દર્શકને મળી રહ્યા એવા સમજદાર શાસક ન હોય ત્યારે તો ખાસ. જો અસહયોગ છોડી દઈએ તો તો આપણે મહારાણા પ્રતાપના વારસદારોની હરીફાઈમાં નવું પ્રતિમાન સ્થાપનારા પુરવાર થઈએ: પ્રતાપે ચિતોડ ન મળે ત્યાં સુધી ખડ પર સૂવાની પ્રતિજ્ઞા લીધી હતી. એમના પ્રતાપી વારસોએ છત્રપલંગ તળે ખડ પાથરીને એ પ્રતિજ્ઞા બખૂબી નિભાવી જાણી હતી.
મુદ્દો આ લડાઈને બળવત્તર બનાવવાનો છે. પ્રજાને પૈસે નભતા “શબ્દસૃષ્ટિ” સામાયિકના તંત્રી અઘ્યક્ષીય વ્યાસપીઠ પરથી ઘૃષ્ટનિખાલસ દાંડી પીટે કે અમે ચોક્કસ રાજકીય વિચારધારાને વરેલા છીએ, અને સોથી વધુ લેખકોએ એ અંગે એમને પાઠવેલ પત્ર અનુત્તર રહે. પણ, સૌ સર્જકોનું – અકાદમી પ્રકરણમાં દીપસ્થંભ લેખે સતત સંભારાતા નિરંજન ભગતના શબ્દોમાં તો એક નવી સૃષ્ટિ રચનારને નાતે ‘પરમેશ્વરના પ્રતિસ્પર્ધી ‘- નું રુવાડું પણ ન ફરકે … આપણે તે અક્ષરકર્મી કે અક્કરમી.
12 નવેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

