અત્યારે જગતમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેને હું ‘શ્રદ્ધાળુઓના સમાજવાદ’ તરીકે ઓળખાવું છું. ધાર્મિક છે અને છતાં ય સમાજવાદી છે. આ શ્રદ્ધાળુઓનો સમાજવાદ શ્રદ્ધાળુઓના મૂડીવાદની પ્રતિક્રિયારૂપે પેદા થયો છે. અમેરિકાની એરિઝોના ક્રિશ્ચિયન યુનિવર્સિટીના કલ્ચરલ રિસર્ચ સેન્ટરના એક સર્વેક્ષણ મુજબ નિયમિત ચર્ચામાં જતા હોય પણ અત્યારે સમાજવાદી સમાજરચનામાં માનતા થયા હોય એવા જેન ઝીનું પ્રમાણ ૨૦૨૩માં ૨૨ ટકા હતું જે અત્યારે વધીને લગભગ બમણું ૩૯ ટકા થયું છે.
અમેરિકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામો જોતાં ઉક્ત સર્વેક્ષણ બોલકું છે. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી મુદ્દતની નિષ્ફળતા છતાં ય મોટા પ્રમાણમાં ધાર્મિક ખ્રિસ્તીઓએ ટ્રમ્પનો સાથ છોડ્યો નહોતો અને ૨૦૨૪માં તેમને મત આપીને ફરી એકવાર વ્હાઈટ હાઉસમાં બેસાડ્યા હતા. પણ હવે નવયુવકોને કશોક નવો સાક્ષાત્કાર થઈ રહ્યો છે.
અત્યાર સુધી જગતમાં એવું જોવા મળી રહ્યું છે કે જે રૂઢ અર્થમાં ધાર્મિક હોય એવા લોકો પરંપરાપરસ્ત રૂઢિચુસ્ત વિચારધારાને અને તેમનો જો કોઈ રાજકીય પક્ષ હોય તો તેને સમર્થન કરતા હતા. પાશ્ચાત્ય દેશોમાં લગભગ સર્વત્ર ધાર્મિક ખ્રિસ્તીઓના મત રૂઢિચુસ્ત પક્ષોને મળતા આવ્યા છે; જેમ કે અમેરિકામાં રિપબ્લિકન પક્ષને અને બ્રિટનમાં કોન્ઝર્વેટીવ પક્ષને. આ પક્ષોની આર્થિકનીતિ જમણેરી હોય.
અહીં પ્રશ્ન થવો જોઈએ કે જમણેરી જ શા માટે? સામાજિક દૃષ્ટિકોણ ભલે રૂઢિચુસ્ત હોય, પણ અર્થનીતિ ડાબેરી સમાજવાદી હોય એવું ન બની શકે? બની તો શકે, પણ એવું બનતું નથી. કારણ એ છે કે સંસ્કાર (ઓળખ) અને સ્વાર્થ (મૂડી રળવાનો અને સંગ્રહ કરવાનો અબાધિત અધિકાર-મૂડીવાદ) સર્વસમાવેશક નથી, એના પાયામાં પૃથકતા છે અને માટે ભાઈબંધની જેમ સાથે જાય છે. ખ્રિસ્તી હોવાપણામાં કે હિંદુ હોવાપણામાં જેમને પોતાની મહાનતા દેખાતી હોય તે વ્યક્તિ વિધર્મીને પોતાથી નીચેના સ્તરે જ જોવાનો. બીજી બાજુ જેનામાં આવડત હોય તેને કમાવાનો અધિકાર હોવો જોઈએ અને રાજ્યે તેમાં વચ્ચે ન આવવું જોઈએ. જે કમાય છે તેને રળતરનો સંગ્રહ કરવાનો અને તેને ભોગવવાનો પણ અધિકાર હોવો જોઈએ. આ કમાયેલી મૂડી છે, કોઈની ચોરેલી કે દયાથી મેળવેલી મૂડી નથી. આ પ્રતાપી વ્યક્તિનો ઉદ્યમ છે અને ઉદ્યમમાં વચ્ચે આવીને પ્રતાપી વ્યક્તિના પ્રતાપને ઝાંખો પાડવાનો કોઈને ય અધિકાર ન હોવો જોઈએ. રાજ્યને પણ નહીં. તમારે બાકી પ્રજાનું કલ્યાણ કરવું હોય તો કરવેરાની આવક દ્વારા કરો. સ્વાર્થજન્ય મૂડીવાદનું આ તર્કશાસ્ત્ર છે.
ટૂંકમાં સંસ્કારજન્ય ઓળખ સામાજિક સમાનતાને નકારે છે અને સ્વાર્થજન્ય મૂડીવાદ આર્થિક સમાનતાને નકારે છે. માટે સંસ્કાર અને સ્વાર્થ સાથે જાય છે. રૂઢિચુસ્ત રાજકીય પક્ષો સંસ્કાર (ઓળખ) અને સ્વાર્થ (મુક્ત અર્થનીતિ -મૂડીવાદ) બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકામાં અને અન્ય દેશોમાં ખ્રિસ્તી હોવાપણામાં મહાનતા શોધનારા ખ્રિસ્તીઓ હંમેશાં રૂઢિચુસ્ત પક્ષોને મત આપતા રહ્યા છે.
પણ હવે એરિઝોના ક્રિશ્ચિયન યુનિવર્સિટીના કલ્ચરલ રિસર્ચ સેન્ટરના એક સર્વેક્ષણ મુજબ નવી પેઢીનો મૂડ બદલાઈ રહ્યો છે. નવમૂડીવાદનો ભૂખાળવો ચહેરો તેમને નજરે પડી રહ્યો છે, થોડાક લોકોના હાથમાં થઈ રહેલો મૂડીનો સંગ્રહ તેમને નજરે પડી રહ્યો છે, શ્રીમંત સમ્રાટો સામે આળોટતા શાસકો તેમને નજરે પડી રહ્યા છે, શાસકો અને રાજ્ય પર શ્રીમંત સમ્રાટોએ કરેલો કબજો તેમને નજરે પડી રહ્યો છે, તેમની ચીતરી ચડે એવી ગોબરી વૈભવી જીવનશૈલી તેમને નજરે પડી રહી છે, સત્તા અને સંપત્તિની ભાગીદારી નજરે પડી રહી છે, સત્તા માટે દેશની અંદર પેદા કરવામાં આવતો પ્રજાકીય વિગ્રહ નજરે પડી રહ્યો છે, સત્તા માટે લશ્કર અને યુદ્ધનો કરવામાં આવતો દુરુપયોગ અને માથે મારવામાં આવતાં યુદ્ધ તેને નજરે પડી રહ્યાં છે અને સૌથી વધુ તો આ નવી ભાગીદારીમાં તેને તેનું અનિશ્ચિત ભવિષ્ય નજરે પડી રહ્યું છે. તેમને સમજાઈ રહ્યું છે કે જે પક્ષને અને તેના નેતાઓને ખ્રિસ્તી હોવાપણાનો ગર્વ ધરાવનારા ધાર્મિક લોકો મત આપતા રહ્યા છે એ તેમના માટે કામ નથી કરતા, પણ કોઈકના ગુલામ છે. આ એક એવી ભાગીદારી છે જેમાં ભાગીદારોમાં કોઈ પક્ષે ખ્રિસ્તી મૂલ્યો નજરે પણ નથી પડતા. તેઓ ઈશુના આદેશોની વિરુદ્ધ વર્તી રહ્યા છે.
હવે તેમને સમાનતાનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે અને સામાનતાને ન્યાય સાથે સંબંધ છે અને અહીં સમાજવાદ આવે છે. સમાજવાદ એમ કહે છે કે તમે કોઈ ચોક્કસ ધર્મના અનુયાયી છો એટલે આપોઆપ મહાન નથી બની જતા. તમે કોઈ દેશમાં બહુમતીમાં છો એટલે આપોઆપ પહેલા ખોળાના નથી બની જતા. તમે મહાપ્રતાપી છો એટલે આખા સાગરનું પાણી પીવાનો અને સંગ્રહ કરવાનો અધિકાર નથી ધરાવતા. આ ધરતી પર અને દેશમાં બીજા પણ છે અને બીજા તમારા જેવા જ માનવી છે. તેમને પણ સમાનતા મળવી જોઈએ. માટે “આપણે” અને “બીજા” વચ્ચે ભેદ કરવામાં ન આવે, પણ આપણે બધા વચ્ચે સમાનતા હોવી જોઈએ. સંપત્તિની વહેંચણીમાં સમાનતા, સામાજિક દરજ્જામાં સમાનતા અને દરેક પ્રકારના અધિકારોમાં સમાનતા. આ સમાજવાદી તત્ત્વજ્ઞાન છે.
એરિઝોના ક્રિશ્ચિયન યુનિવર્સિટીના કલ્ચરલ રિસર્ચ સેન્ટરે જે ધાર્મિક જેન ઝીના બદલાયેલા મૂડની વાત કરી છે એ કેટલી હદે સમાજવાદી થયા છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. શક્ય છે કે અત્યારે તેમને નવમૂડીવાદમાં કે ક્રોનિ કેપીટાલિઝમમા પોતે વંચિત થઈ રહ્યા છે અને પોતાનું ભવિષ્ય ધૂંધળું છે એટલું જ નજરે પડી રહ્યું હોય અને બાકીનાં સમાજવાદી મૂલ્યો વિષે વિચારતા પણ ન હોય. શક્ય છે કે તેમની શ્વેત સર્વોપરિતા કે ખ્રિસ્તી સર્વોપરિતા એની જગ્યાએ હજુ પણ કાયમ હોય. અહીં માનવતાવાદીઓની ભૂમિકા મહત્ત્વની બને છે. તેમણે સમાજવાદના રાજકીય ચહેરાને માનવતાવાદી બનાવવો જોઈએ. “આપણે સૌ એક પિતાના સંતાન” એ માનવતાવાદી સમાજરચનાનો ધ્રુવમંત્ર બની શકે.
અમેરિકામાં મોટી સંખ્યામાં રૂઢિચુસ્ત ખ્રિસ્તી મતદારોએ અત્યાર સુધીની પરિપાટી તોડીને રિપબ્લિકન પક્ષની વિરુદ્ધ મત આપ્યો અને ટ્રમ્પનો પરાજય થયો. એટલા માટે નહીં કે ટ્રમ્પ ગાંડો છે, પણ એટલા માટે કે ટ્રમ્પનું ગાંડપણ નગ્ન સ્વાર્થ પ્રેરિત છે. ઇઝરાયેલમાં રૂઢિચુસ્ત યહૂદીઓએ નેતાન્યાહુને પરાજિત કર્યા. એટલા માટે નહીં કે નેતાન્યાહૂ આક્રમક છે, પણ એટલા માટે કે તેમની આક્રમકતા સ્વાર્થ પ્રેરિત જલ્લાદ જેવી છે. સર્બિયામાં આંદોલનકારી જેન ઝીએ રચેલા પક્ષનો વિજય થયો અને નેપાળની ઘટના તો તમે જાણો છો. ભારતમાં પણ જેન ઝી રસ્તા પર ઉતર્યો છે. તેમને પણ ભારતના શાસકોનું એ જ ચરિત્ર નજરે પડી રહ્યું છે જે અન્યત્ર નવયુવાઓને નજરે પડી રહ્યું છે.
જગતમાં કાયમ માટે સમાજવાદનો પરાજય થયો છે અને સ્વાર્થપ્રેરિત મૂડીવાદનો કાયમ માટે વિજય થયો છે એમ જાણીતા વિચારક ફ્રાન્સીસ ફૂકુયામાએ ૧૯૯૨માં સોવિયેત રશિયાના પતન પછી ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ નામનું પુસ્તક લખીને કહ્યું હતું. તેમની મુખ્ય દલીલ એવી હતી કે મૂડીવાદના કેન્દ્રમાં સ્વાર્થ છે અને સ્વાર્થ સમાજવાદ જેવો જડ નથી હોતો, પણ ગમે તેવી સ્થિતિમાં ગમે તે ભોગે ટકી રહેવા બાંધછોડ કરતો હોય છે. જતું કરીને, થોડુંક છોડીને ભોગવવાની તેનામાં આવડત છે. પણ હવે એ જ ફૂકુયામાં કહે છે કે ઇતિહાસનો અંત નથી આવ્યો, સમાજવાદ પાછો આવશે અને એક ગયો અને બીજો આવ્યોનો ઇતિહાસ ચાલતો રહેશે. ભૂખાળવા મૂડીવાદીઓ મૂડીવાદની જ હત્યા કરશે અને સ્વાર્થ સમાજવાદ કરતાં પણ વધારે જક્કી હોય છે તેની કલ્પના તેમણે નહોતી કરી.
મને એમ લાગે છે કે માનવતાવાદીઓને સક્રિય થવા માટેનો રૂડો અવસર છે. સંસ્કાર અને ઓળખના આંખ પરનાં પાટા ખુલ્લી રહ્યા છે. તેમને સમજાઈ રહ્યું છે કે આપણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના ક્રિશ્ચિયન યુનિવર્સિટીના કલ્ચરલ રિસર્ચ સેન્ટરે કરેલા સર્વેક્ષણ જેવું સર્વેક્ષણ આપણે ત્યાં કરવામાં આવતે તો મને ખાતરી છે કે ચોંકાવનારાં પરિણામ જોવા મળે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 નવેમ્બર 2026
![]()

