Opinion Magazine
Number of visits: 10,351,280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—365 

દીપક મહેતા|Opinion - Opinion|7 November 2026

હિન્દુસ્તાનના પત્રકારત્વની ભૂમિ પર ન ભૂંસી શકાય એવી પગલાંની છાપ પાડનાર તાનુબાઈ       

‘हे पत्र हार्नबी रोड, सीताराम बिल्डिंग येथे ‘दीनबंधु’ छापखान्यात तानुबाई वासुदेवराव बिर्जे यांनी छापून प्रसिद्ध केले.’

બીજા કોઈ પણ અખબારમાં રોજ છપાય એવી આ પ્રિન્ટ લાઈન છે. મુંબઈના હોર્નબી રોડ (આજનું નામ – દાદાભાઈ નવરોજી રોડ) પરની એક જૂની અને જાણીતી ઈમારત તે સીતારામ બિલ્ડિંગ. તેમાં આવેલું ‘દિનબંધુ છાપખાનું’. – ત્યાં સુધી તો ખાસ કાંઈ નવું નથી. પણ વીસમી સદીનાં શરૂઆતનાં વરસો માટે નવાઈભર્યું લાગે તે મુદ્રક તરીકે છપાયેલું એક સ્ત્રી, તાનુબાઈ વાસુદેવ બિર્જેનું નામ.   

માત્ર મુંબઈ ઈલાકાના જ નહિ, આખા હિન્દુસ્તાનનાં અખબારોના ઇતિહાસમાં જે એક નામ આઠ કોલમની હેડ લાઈન તરીકે લખાવું જોઈએ તે આ નામ, ‘તાનુબાઈ.’ પણ આપણને આપણા ‘ભવ્ય’ ભૂતકાળનાં ગાણાં ગાવાં ગમે છે, પણ એ ગાણાંમાં પૂરવા માટેના શબ્દો રૂપી હકીકતો આપણી પાસે છે જ ક્યાં? આ તાનુબાઈની જન્મ તારીખ? ખબર નથી. અવસાન તારીખ? ખબર નથી. તેમનો એકાદો ફોટો? ગમે તેટલું શોધો, નહિ મળે. પણ આવું તો કેટલું ય છે, જે આપણી પાસે હોવું જોઈએ, પણ નથી. એટલે જેની ખબર નથી એ બધું છોડીને જે થોડુંઘણું – કે ઘણું થોડું છે, તેની વાત કરીએ. 

૧૯મી સદીમાં દેશના ઘણા ભાગોમાં સમાજ સુધારાનો જબરદસ્ત જુવાળ આવ્યો. મુંબઈ ઈલાકાના મરાઠીભાષી વિસ્તારોમાં સમાજ સુધારાની પ્રવૃત્તિનો રસ મૂળથી શરૂ થઈને ડાળ—પાંદડાં સુધી પ્રસર્યો. જ્યારે ગુજરાતીભાષી પ્રદેશોમાં તે મોટે ભાગે ડાળ-પાંદડાં સુધી પહોંચીને  અટકી ગયો. સમાજ સુધારાની પ્રવૃત્તિ મહારાષ્ટ્રમાં સમાજના મૂળથી શરૂ થઈ એનો ઘણો યશ મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેને. ઉજળિયાત ગણાતા વર્ગથી નહિ, પણ તેમણે સમાજ સુધારાની શરૂઆત ‘બહુજન સમાજ’થી કરી. આ ‘બહુજન સમાજ’ એટલે ઉજળિયાત તરીકે ઓળખાતા નહિ તેવા વર્ગના લોકો. તેમની સમાજમાં બહુમતી, એટલે નામ આપ્યું ‘બહુજન સમાજ.’

પુણે શહેરની ‘વેતાળ પેઠ’(આજની ‘ફૂલે પેઠ’)માં જ્યોતિબા ફૂલેની એક દુકાન. એ દુકાનથી દોઢ સો – બસો ડગલાંને અંતરે દેવરાવ ઠોસરનું ઘર. અસલ નાશિકના વતની, પણ ઠોસર કુટુંબ પછીથી પુણેકર બન્યું હતું. દેવરાવ પહેલાં તો પોલીસ ખાતામાં કામ કરતા હતા. પણ એ કામ કરતાં કરતાં તેમણે કાયદાની ઘણી બધી જાણકારી મેળવી લીધી. એટલે અંગ્રેજ સરકારે તેમને મેજિસ્ટ્રેટ બનાવ્યા. થોસર દંપતીને ત્રણ બાળકો. તેમાં તાનુબાઈ સૌથી નાનાં. પણ એ જમાનામાં છોકરી જન્મે તેનાં તારીખ-વાર તે કોઈ નોંધે? હા જન્મના વરસનો અંદાજ તો આવી શકે તેમ છે.

એ જમાનામાં મુંબઈ ઈલાકાની સરકાર દર છ મહીને મુંબઈ રાજ્યનાં અખબારો વિષે ‘ખાનગી નોંધ’ તૈયાર કરીને લંડન મોકલતી. ૧૯૧૩ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આવા અહેવાલમાં ‘દીનબંધુ’ નામના અઠવાડિક અંગેની નોંધમાં લખ્યું છે કે આ અખબારના તંત્રી છે ૩૭ વરસનાં તાનુબાઈ. આ અહેવાલ તૈયાર કર્યો છે મુંબઈ સરકારના ઓરિએન્ટલ ટ્રાન્સસલેટર એસ.એમ. ભારુકાએ. એટલે આ અહેવાલને આધારે તાનુબાઈનો જન્મ ૧૮૭૬માં થયો હશે એવું અનુમાન કરી શકાય. 

તાનુબાઈ ભણ્યાં વેતાળ પેઠમાં આવેલી મહાત્મા ફૂલેએ શરૂ કરેલી નિશાળમાં. પણ કેટલું ભણ્યાં એ ચોક્કસ જાણવા મળતું નથી. તાનુબાઈના પિતા સત્યશોધક સમાજ સાથે સંકળાયેલા. એટલે તેમણે જમાઈ પણ એ સમાજમાંથી જ શોધ્યો. ૧૮૯૩ના જાન્યુઆરીની ૨૨મી (કેટલાક અહેવાલ પ્રમાણે ૨૬મી) તારીખે તાનુબાઈનાં લગ્ન સત્યશોધક સમાજના એક અગ્રણી કાર્યકર વાસુદેવ લિંબોજી બિર્જે સાથે થયાં. એ વખતે તાનુબાઈની ઉંમર ૧૫ વરસની અને વાસુદેવજીની ઉંમર ૨૬ વરસની હતી એમ અખબારી અહેવાલમાં જણાવ્યું છે. એ લગ્ન ઉજળિયાત હિંદુ વિધિ પ્રમાણે નહિ, પણ સત્યશોધક સમાજની વિધિ પ્રમાણે થયેલાં. લગ્ન વખતે પંડિતા રમાબાઈ અને બહુજન સમાજના ઘણા અગ્રણીઓ હાજર હતાં. ‘દીનબંધુ’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે લગ્ન વખતે આઠ મંગલાષ્ટક ગવાયાં હતાં, અને એ સમાજના પુષ્કળ લોકોએ હાજરી આપી હતી. લગ્ન પછી બીજે જ વરસે વાસુદેવરાવને વડોદરા રાજ્યની લાયબ્રેરીના ગ્રંથપાલની નોકરી મળી. એટલે ૧૮૯૪થી ૧૯૦૫ સુધી વાસુદેવરાવ અને તાનુબાઈ વડોદરાવાસી બન્યાં. 

કૃષ્ણાજી ભાલેકરે ‘દીનબંધુ’ નામનું અઠવાડિક ૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે શરૂ કરેલું. એ અખબાર સત્યશોધક સમાજના વિચારોને વરેલું હતું. પણ થોડા વખત પછી પૈસાને અભાવે તે બંધ પડ્યું. ૧૮૮૦માં નારાયણ મેઘાજી લોખંડેએ મુંબઈથી તેને ફરી શરૂ કર્યું. પણ તે ઝાઝો વખત ચલાવી શક્યા નહિ. એટલે આ અખબારને ફરી પુણે લાવવાનું નક્કી થયું અને વાસુદેવ બીર્જેને તેના તંત્રી થવાનું કહેણ મોકલાયું. એટલે વડોદરા સરકારની નોકરીનું રાજીનામું આપી તેઓ અને તાનુબાઈ પાછાં પુણે આવ્યાં, અને વાસુદેવરાવે ‘દીનબંધુ’નું તંત્રીપદ સંભાળ્યું. તેઓ  સાક્ષર કે અનુભવી પત્રકાર નહોતા, પણ જાતમહેનત અને આપસૂઝથી તેમણે ‘દીનબંધુ’ને સતત ધબકતું રાખ્યું. પણ કમનસીબે વીસમી સદીના પહેલા દાયકામાં મુંબઈ ઈલાકાના ઘણા ભાગોમાં ફેલાયેલા પ્લેગના રોગના વાસુદેવરાવ ભોગ બન્યા અને તેમનું અવસાન થયું. 

હવે? દીનબંધુ’ પાછું બંધ થશે? તેને ચલાવી શકે એવા તંત્રીની શોધ ચાલતી હતી, પણ કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નહોતી. ત્યારે તાનુબાઈએ હળવેકથી કહ્યું : ‘ચિંતા ન કરો. ‘દીનબંધુ’ને હું ચલાવીશ’. અને તાનુબાઈ બન્યાં એક મરાઠી અખબારનાં પહેલવહેલાં સ્ત્રી તંત્રી. એટલું જ નહિ, માત્ર મુંબઈ ઇલાકામાં નહિ, આખા હિન્દુસ્તાનમાં વર્તમાન પત્રના સ્ત્રી-તંત્રી બનનાર સૌથી પહેલાં હતાં તાનુબાઈ વાસુદેવ બીર્જે. 

અને તાનુબાઈ માત્ર શોભાના ગાંઠિયા જેવાં તંત્રી નહોતાં. ‘દીનબંધુ’માં તેઓ લગભગ નિયમિત રીતે લખતાં. આજે આપણણે નવાઈ લાગે પણ એ જમાનામાં તાનુબાઈએ દેશમાં લોકશાહી સરકારની હિમાયત કરી હતી. તો એક લેખમાળામાં પ્રાચીન ભારતનાં રાજ્યો, તેમનો ઇતિહાસ, અને બહુજન સમાજ તરફના તેમના વલણની ચર્ચા કરી હતી. તેઓ લખે છે કે “મુંબઈ રાજ્યની વિધાન સભામાં ખેડૂતો અને બહુજન સમાજનો એક પણ પ્રતિનિધિ નથી અને એટલે એ સમાજના લોકોની સમસ્યાઓ અંગે કોઈ ચર્ચા જ ન થાય, ત્યાં એનો ઉકેલ લાવવાની તો વાત જ ક્યાંથી થાય? મરાઠીમાં એક કહેવત છે: જેને પેટમાં દુખતું હોય તે ખાવા માટે ઓવા (અજમો) માગે. પણ બહુજન સમાજ અને ખેડૂતોનાં દુ:ખ જોઈને વિધાન સભાના કોઈ સભ્યનું પેટ દુખતું નથી એટલે બહુજન સમાજની તકલીફ દૂર કરવા તેને ‘ઓવા’ આપવાનું સરકાર મા-બાપને કહે કોણ?” તાનુબાઈ સ્ત્રી-પુરુષ સમાનતાના પણ હિમાયતી હતાં. બહુજન સમાજના પિતૃસત્તાકવાદી રીતરિવાજો અને ધારાધોરણોની પણ તેઓ અવારનવાર ટીકા કરતાં. તેઓ લખે છે : “સ્ત્રીએ એકપતિવ્રત પાળવું જોઈએ એવો આગ્રહ બહુજન સમાજમાં પણ રખાય છે. પણ પુરુષે એક કરતાં વધુ પત્ની રાખવી ન જોઈએ એમ કોઈ કહેતું નથી. (એ વખતે મુંબઈ ઇલાકામાં બહુપત્ની પ્રતિબંધક કાયદો અમલમાં આવ્યો નહોતો.) ‘પુરુષની સેવા કરવા માટે સ્ત્રી સતત ખડે પગે રહે એટલા ખાતર ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમર્હતિ’ જેવા અનુદાર વચનોનું પ્રતિપાદન કર્યા કરવાનું! રૂઢિનાં બંધનો ભલભલા ડાહ્યાને પણ પાગલ બનાવી દે છે એવું અનેકવાર જોવા મળ્યું છે’. 

એ જમાનાની શિક્ષણ પદ્ધતિની પણ તાનુબાઈએ ટીકા કરી હતી. આ શિક્ષણ પદ્ધતિ પુસ્તકીયા છે, ઉજળિયાત વર્ણના લોકોને જ ધ્યાનમાં રાખીને ઘડાયેલી છે, એ અવૈજ્ઞાનિક છે અને બ્રાહ્મણ સંસ્કૃતિને જ મહત્ત્વ આપનારી છે. શિક્ષણ પદ્ધતિ વર્ગ કેન્દ્રી નહિ પણ ‘માણસકેન્દ્રિત’ હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. તેમણે કુશળતાપૂર્વક ‘દીનબંધુ’ ચલાવ્યું એટલું જ નહિ, તેઓ સંપાદક હતાં તે દરમ્યાન ‘દીનબંધુ’ને માથે આર્થિક આફત આવી પડી. હવે તો આ છાપું બંધ કરવું પડશે એમ સૌને લાગ્યું. એ વખતે તાનુબાઈએ પોતાનાં ઘરેણાં વેચીને ‘દીનબંધુ’ને જીવાડ્યું. 

‘દીનબંધુ’ સાપ્તાહિકનો અંક સાધાર રીતે ચાર પાનાંનો આવતો. દરેક પાના પર ચાર કોલમ. પહેલા પાના પર મોટે ભાગે આયુર્વેદની દવાઓની જાહેર ખબરો આવતી અને છેલ્લે પાને સત્યશોધક સમાજે પ્રગટ કરેલાં પુસ્તકોની જાહેરાત આવતી. બીજા પાના પર સંપાદકનો અગ્રલેખ, બહુજન સમાજ માટે મહત્ત્વ ધરાવતા સમાચારો, વગેરે છપાતું. ત્રીજા પાને ‘સમાચાર-સંકલન’, વાચકોના પત્રો, પરચૂરણ ખબરો, વગેરે છપાતાં. કેટલીક વાર જગ્યા વધે ત્યારે પ્રેરણાત્મક સુવિચારો કે અવતરણો પણ છપાતાં. અંકની છૂટક કિંમત અડધો આનો (બે પૈસા) રહેતી! એ વખતે ‘દીનબંધુ’ એ માત્ર એક અખબાર નહોતું. પણ એ સત્યશોધક સમાજનાં કાર્યો અને વિચારોના દીપસ્તંભ જેવું એ હતું. આજે તો આપણો સમાજ ઘણો આગળ વધી ગયો છે. છતાં આવા કોઈ ધ્યેયને વરેલા અખબારનું તંત્રીપદ સંભાળતાં પહેલાં કોઈ પણ સ્ત્રી દસ વાર વિચાર કરે. આજની સરખામણીમાં તો એ વખતે સ્ત્રીઓ પર ઘણાં વધારે બંધનો હતાં. તાનુબાઈ પોતે ઝાઝું ભણ્યાં પણ નહોતાં. અને પોતે કોઈ ઉજળિયાત ગણાતી કોમના નહિ, પણ બહુજન સમાજના સભ્ય હતાં. અને છતાં અકાળે અવસાન પામેલા પતિની તંત્રીની ખુરસી પર બેસવાનું તાનુબાઈએ નક્કી કર્યું એટલું જ નહિ, એ સ્થાનને અજવાળ્યું અને શોભાવ્યું.  

આખા હિન્દુસ્તાનનાં પહેલવહેલાં સ્ત્રી-તંત્રી હતાં તાનુબાઈ. પણ આજે આપણે તેમને વિષે ઓછામાં ઓછું જાણીએ છીએ. જન્મની કે મૃત્યુની નથી મળતી કોઈ તારીખ. નથી મળતી દીનબંધુ’ની સંપૂર્ણ ફાઈલ. તેમને વિષે છૂટક લેખો લખાયા છે, જરૂર. પણ તેમાં ય ઘણી વાર માહિતી એકસરખી નહિ. અને આજ સુધી તેમને વિષે જેણે લખ્યું છે, જ્યારે લખ્યું છે, ત્યારે સાથે તાનુબાઈનું એક યા બીજું કલ્પનાચિત્ર મૂકવું પડ્યું છે. (અહીં તેવાં ત્રણ ચિત્રો મૂક્યાં છે.) કારણ દેશના આ પહેલવહેલાં સ્ત્રી-તંત્રીનો એક પણ ફોટો, તેમની હયાતીમાં તૈયાર થયેલો એક પણ સ્કેચ, આજે મળતો નથી. તેમનું રેખાંકન ભલે ન મળતું હોય, હિન્દુસ્તાનના પત્રકારત્વની ભૂમિ પર તાનુબાઈનાં પગલાંની છાપ તો ન ભૂંસી શકાય એવી આજ સુધી રહી છે.  

અને આપણે તો વેણીભાઈ પુરોહિતના પેલા પ્રખ્યાત ગીતની પંક્તિઓ ગણગણવા સિવાય બીજું શું કરી શકીએ?

ઉકલશે  ક્યાંથી  હવે  ઉખાણું?

પગલું   પગલાંમાં   અટવાણું

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 નવેમ્બર 2026 

Loading

7 November 2026 Vipool Kalyani
← સચિવાલયમાં માણસાઈ સિવાય બધું જ છે …

Search by

Opinion

  • સચિવાલયમાં માણસાઈ સિવાય બધું જ છે …
  • જેન ઝી નવપડાવ અને રામલીલા પર્વ : પ્રતિરોધની રાજનીતિ વિકલ્પ ભણી 
  • વીસમી એશિયન ગેમ્સની વ્યવસ્થા અને વર્તનના ખેલની કથા
  • લાખના ભજિયાં ને ખાખના કજિયા …
  • આપણાં પાયાનાં મૂલ્યો અને આંતરિક પડકારો

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved