Opinion Magazine
Number of visits: 10,237,601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

આશા બૂચ|Gandhiana|2 October 2026

આશા બૂચ

માફ કરજો, આ સવાલ તમે મને એટલે કે ગૂગલ મહારાજને પૂછો છો? તો પહેલાં નીચેનું બટન ક્લિક કરીને સાબિત કરો કે તમે રોબોટ છો કે માનવ?

હા, તો તમે માનવ છો એમ કબુલ્યું એટલે એ રીતે વાત આગળ ચલાવીએ.

આજકાલ ખુદ AIના સર્જકો, એ સાધનોના વેપારીઓ અને તેની જોરશોરથી તરફેણ કરનારા ‘નિષ્ણાતો’ના વિધાનો સાંભળીને તમે AI, Algorithmic systems વગેરે શબ્દોથી મૂંઝાઈ ગયા હશો. એ માનવ જાત માટે સલામત છે કે નહીં અને તેનો તમારે કેટલો અને કેવો ઉપયોગ કરવો તેનો નિર્ણય લેવા ધારો છો ને?

તો સાંભળો, આ નવું પ્રૌદ્યોગિક વિજ્ઞાન હવે માનવ જાતની હસ્તી હશે (અથવા તો એ વિજ્ઞાન ખુદ માનવ જાતને જ નષ્ટ નહીં કરી નાખે) ત્યાં સુધી અહીં, આપણી સાથે અથવા આપણાથી આગળ રહેવાની છે. તો એની સાથે દોસ્તીનો હાથ લંબાવીશું તો શાંતિ રહેશે.

આ ડિજિટલ યુગમાં માનવી કેવી રીતે વિચારે, એકબીજા સાથે અનુબંધ કેળવે અને વર્તે છે એ તમામનું ગણિત બદલી ગયું. એક બટન દબાવો ત્યાં તો સાત સમંદર પાર બેઠેલા જાણીતા કે અજાણ્યા લોકો સાથે વાત કરી શકાય, લાખોને તમારી અસર નીચે મૂકી શકાય અને મજાની વાત તો એ કે સત્ય કરતાં અસત્યને વધુ ઝડપથી ફેલાવી શકાય એ નફામાં. આપણને ચપટી વગાડતાં માહિતી ઘણી મળે, પણ તેના પર ઊંડાણથી વિચાર કરવાની શક્તિ ગુમાવી. તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોન્ટેક્ટ લિસ્ટ લાં ……..બુ હશે, છતાં એકલતા સાલતી હશે. આમ કેમ?

21મી સદીમાં માહિતી મેળવવાના અને પ્રસાર કરવાના આપણી કલ્પના બહારના સાધનો શોધાયાં. સ્માર્ટફોને જાણે કે માણસને સશક્ત કરવા માટે ચરખાનું સ્થાન લઈ લીધું, અને છતાં આ યાંત્રિક વિજય નીચે એક પ્રકારનો નૈતિક પરાજય છુપાયેલો નજરે ચડવા માંડ્યો છે. સોશ્યલ મીડિયાના માધ્યમો દ્વારા વધુ લોકોને જોરશોરથી પોતાનો મત-વિચાર રજૂ કરવાની છૂટ મળી છે, પણ તેમાં ડહાપણનું પ્રમાણ ઘટ્યું છે. વિચાર પ્રસારની ઝડપ નૈતિક મૂલ્યાંકનની ઝડપને પાછળ પાડી દે છે. પરિણામ? બનાવટી સમાચારોથી ચોક્કસ સમૂહો પ્રત્યે નફરતનો ફેલાવો, સંદેશ વ્યવહારના સાધનો દ્વારા ધાકધમકી આપવી, અને એ સાધનોના વપરાશનું વ્યસન થઇ જવું એ આજના જમાનાનો નવો રોગ છે. માણસમાં આધ્યાત્મિક, વૈચારિક અને નૈતિક ખાલીપો વ્યાપક થતો જાય છે.

આપણને અહેસાસ થયો છે કે આધુનિક યુગમાં સત્યને દીવો લઈને શોધવા જવાથી પણ મળતું નથી. આપણને અર્ધસત્ય, બનાવટી પ્રતિમાઓ અને ભ્રમિત કરે તેવા આંકડાઓના દરિયામાં ડુબાડી દઈને મૂર્છિત કરવામાં આવે છે. મોબાઈલ, કમ્પ્યુટર કે ટેલિવિઝનના પડદા પર દેખાય તેને સત્ય માનવા લાગ્યા છીએ. હા, ઇન્ટરનેટે માહિતીઓને સમાન રીતે પહોંચતી કરવાની સગવડ કરી આપી, તો સાથે સાથે તેનું સશસ્ત્રીકરણ પણ કર્યું. આ એવો યુગ છે, જેમાં હકીકતને ભડકાવેલી લાગણીઓ છાવરી દે છે. માહિતી વીજળીની ઝડપે સફર કરે છે અને તેની ચકાસણી કરવાની શક્તિ ગતિમાં પાછળ રહી જાય છે. અવનવાં સાધનો હકીકત અને કલ્પિત વાત વચ્ચેની રેખા ધુંધળી કરી દે છે. યાદ છે મને, જ્યારે ઇન્ટરનેટનો વપરાશ વધ્યો ત્યારે માન્યું હતું કે હવે માનવીને માનવતાના આધારે એકબીજા સાથે જોડવાનું સહેલું પડશે. આજે લાગે છે કે એ ક્યારેક માણસને વિભાજીત કરનારું હથિયાર બનતું જાય છે. કારણ એ છે કે અજાણ રહીને અતિ ઝડપથી સંદેશા ‘ફોરવર્ડ’ કરી શકાય, અને પરિણામે જવાબદારીનું ભાન રાખ્યા વિના કોઈને પણ લાગણીની ઠેસ કે ઇજા પણ પહોંચાડી શકવાનું આસાન બન્યું છે. ખાસ કરીને યુવાનોમાં એકાદ નકારાત્મક કે નફરત ભરેલ અભિપ્રાય આત્મવિશ્વાસને હચમચાવી નાખવા પૂરતો થઈ પડે, એકાદ અફવા થોડી મિનિટો કે કલાકમાં કોઈની પ્રતિષ્ઠાને પાણીમાં ડુબાડી દઈ શકે. યાદ રહે કે ઈન્ટરનેટ પર આચરવામાં આવતી હિંસા માત્ર બાહ્ય નથી હોતી, એ માનવતાના હાર્દને કોરી ખાય છે. આ ડિજિટલ યુગમાં યુદ્ધનું મેદાન માત્ર શારીરિક ઘટના નથી, એ લાગણી અને આદર્શોને પણ દાવ પર મૂકે છે.

આ યુગમાં વિરોધભાસથી ફેલાયેલ અંધકારમાંથી પ્રકાશમાં દોરી જનાર દીવાદાંડીની શોધમાં દેશ વિદેશના સામાજિક, રાજકીય અને ધાર્મિક નેતાઓની યાદી બનાવી. નિરાશા સાંપડી. છેવટ ભૂતકાળમાં નજર ગઈ અને થયું, ચાલો ગાંધીને જ પૂછીએ. કેમ કે તેમના તત્ત્વજ્ઞાનને યાદ કરવું એ કોઈ ભૂતકાળની મીઠી યાદોને સંભારવા જેવું નથી, એ આપણને સાચી દિશા બતાવે છે – નવી કેડી શોધવા તોફાનમાં ફાંફા મારનારને દિશાસૂચક હોકાયંત્ર પૂરું પાડે છે.

આમ જુઓ તો એ આઝાદીના મસીહા ફાનસને અજવાળે વાંચતી પેઢીમાં જન્મેલા અને હસ્તલિખિત પત્રોથી વ્યવહાર ચલાવતા. એમને આધુનિક ટેકનોલોજીમાં શી ગતાગમ પડે? ગાંધીજીને ઇન્ટરનેટનો અનુભવ નહોતો, છતાં યંત્ર યુગની સર્જક તેમ જ વિનાશક શક્તિ અને તેનો ઉચિત કે અનુચિત ઉપયોગ કરવાના મનુષ્યના સ્વભાવને તેઓ પીછાણતા હતા. એથી જ તો ઔદ્યોગિકરણ પાછળની આંધળી દોટ માટે તેમની ચેતવણી અમર્યાદ ઉત્પાદનને કારણે કુદરતી સંસાધનોના પુરવઠાનો ઘટતો જતો ખજાનો અને બેકારીના રૂપમાં આપણી સામે હાજર હજૂર થઇ છે ને? માનવી જેટલો કરુણા સભર હોય છે તેટલો જ ક્રૂર પણ થઇ શકે એ જાણતા હોવાથી દરેક નવી શોધખોળને માનવ હિત વિરોધી બનતા અટકાવવાનું તેઓ જાણતા હતા.

ગાંધીજી વિષે એવી ખોટી માન્યતા છે કે તેઓ યંત્રોના વપરાશના વિરોધી હતા. યંત્રોની શોધ અને વપરાશ માટે તેમની એક શરત હતી; એ યંત્રો માનવજાતની સેવા માટે વપરાય, તેને ગુલામ બનાવવા માટે નહીં. વિવેક બુદ્ધિ વિનાનો વિકાસ વિનાશ જ નોતરે. જો એ નિયમ આજની સાયબર ટેક્નોલોજી માટે યાદ રાખ્યો હોત તો તેના અગણિત ફાયદાઓ સારી ય માનવજાતને થયા હોત. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ફાયદા પાછળ દોડવા જતાં નૈતિક બુદ્ધિમત્તાની આગેવાની છોડી દેવી હિતકર ખરી? ગાંધીજીના વિચારો માત્ર ખયાલી આદર્શો પર ઘડાયેલા નહોતા, એ તો તેઓની આધ્યાત્મિક અને નૈતિક જીવનની સફર દરમિયાન અનુભવેલી વાસ્તવિકતામાંથી ઉદ્દભવેલું નવનીત હતું.

ભૌતિક પ્રગતિને ખરો વિકાસ માનવાની ભૂલ કરીએ છીએ ત્યારે ગાંધીજીએ આપણને કહેલું કે ઉત્તમ સભ્યતાનું માપ આપણે કઈ વસ્તુઓની શોધ કરીએ છીએ તેના પર નથી, પણ તેના થકી આપણે કેવા બનીએ છીએ તેના પર છે એ યાદ રાખવું ઘટે. આજે તો વધુ વપરાશ અને વેપારને જ સમૃદ્ધિનો માપદંડ લેખવામાં આવે. સાદગીનો અર્થ ગરીબાઈ નથી, એનો અર્થ છે વધુ પડતી ચીજ વસ્તુનો સંગ્રહ, લોભ અને ઘમંડથી મુક્તિ. ભૌતિક સાધનોના ઉપભોગને સ્થાને વિવેકબુદ્ધિથી દોરવાયેલ જીવન જીવતી પ્રજા માનવ માત્રની ગરિમા અને પર્યાવરણની જાળવણી કરી શકે એવી સભ્યતાની કલ્પના ગાંધીજીની હતી. જો એ પગલે ચાલ્યા હોત તો આજની ઘણી સમસ્યાઓ નિવારી શક્યા હોત. અત્યારે તો આપણે જોઈએ છીએ કે નૈતિક શક્તિ કરતાં ભૌતિક તાકાત વધુ ઝડપથી વધતી જાય છે, પરિણામે માનવ સભ્યતાનું પતન થતું જાય છે.

ફરી ડિજિટલ યુગના સંદર્ભમાં જોઈએ તો માત્ર નવી શોધખોળ કરીને આધુનિક સાધનો પેદા કરવા જરૂરી નથી, આત્મનિરીક્ષણની પણ જરૂર છે. ગાંધી યુગમાં વિદેશી સત્તાના દમનકારી નિયંત્રણનો સામનો કરવાનો હતો, આજે આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના લોભામણા ઉપયોગના ભોગ બનીએ છીએ, જેને ખાળવાના છે. બંને યુગમાં માનવીની પરિસ્થિતિ સરખી હતી – સત્તા અને શક્તિના વિકૃત અમલ સામે સત્યની રક્ષા કરવી. આજના ડિજિટલ યુગમાં સત્યની સુરક્ષા કેવી રીતે કરવી, જ્યાં ભ્રામક માહિતીનો બેફામ પ્રસાર થાય છે અને નૈતિકતા પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે? વ્યક્તિ માહિતીની ખરાઇની ખાતરી કરે અને પોતાના મતથી અન્યને અન્યાય અને હાનિ ન થાય તેનો ખ્યાલ કરે એ જરૂરી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં અનેક સામયિક, અખબાર અને પત્રિકાઓનાં પ્રકાશન સાંભળેલા. એ જ રીતે આપણે પણ નૂતન માધ્યમોનો ઉપયોગ બીજાને છેતરવા, ઉતારી પાડવા કે શોષણ  કરવાને બદલે લોકોને જાગૃત કરવા, શિક્ષિત કરવા અને ઉન્નત કરવા માટે કરશું તો જ એ લાભદાયી નીવડશે. અન્ય વ્યક્તિ, સંગઠન કે સત્તાધીશો આપણા વિચારોને પડકારે કે પ્રતિકાર કરવા ઉશ્કેરે છતાં બીજાને ઉતારી પાડવા, ખોટા ઠરાવવા કે હલકા પાડવા આવાં સાધનોનો ઉપયોગ ટાળવો. કોઈ પણ ભોગે બીજા પ્રત્યે નકારાત્મક લાગણીનો ફેલાવો સદંતર નિષિદ્ધ ગણવો, તેને સ્થાને વિદ્યેયક વિચારો ફેલાવવા, શાંતિમય સહઅસ્તિત્વ માટે કાંટાળી વાડને બદલે પૂલ બાંધે તેવા વાર્તાલાપ કરવા. આટલું યાદ રાખીને અમલમાં મૂકીએ તો અહિંસાના નિયમનું આંશિક પાલન કર્યું કહેવાશે.

ડિજિટલ ક્રાંતિએ દરેક વ્યક્તિની હથેળીમાં લોભામણી દુનિયા રમતી કરી મૂકી છે. સોશ્યલ મીડિયામાં આવતી માહિતી, જાહેરખબરો અને સસ્તું મનોરંજન આપણા મનને સતત પકડી રાખે છે અને ખરા અર્થમાં સામાજિક(social)ને બદલે અસામાજિક (antisocial) બનાવી દે છે. સમય જતાં એકબીજાને ધીરજથી સાંભળવાની શક્તિ, કોઈ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ધૈર્ય અને લાગણીની સમતુલા રાખવાની ક્ષમતા ઓછી થતી જાય છે. આપણે માત્ર માહિતી જોઈ / વાંચીને તેને બીજાને મોકલી આપે તેવા એક ગ્રાહક બની રહ્યા, સ્વતંત્ર વિચાર કરનારા મટી ગયા.

આજે કેટલીક ડિજિટલ ટેક્નોલોજી સામે લાલબત્તી ધારાનારાઓ એ ટેક્નોલોજીનો વિરોધ કરતા નથી, તેઓ માનવ જાતના એ અતિ આધુનિક સાધનો સાથેના સંબંધને નવી વ્યાખ્યા આપીને એ સહુના કલ્યાણ અર્થે વાપરવા, નહીં કે વિધ્વંસક બનવા ઉપયોગમાં લેવા માટે આપણને ચેતવે છે. ગાંધીજીનું ઉદાહરણ લઈએ, તેમણે પોતાના જમાનામાં પ્રચલિત સાધનો અને સંદેશ તથા વાહનવ્યવહારના સાધનોનો છૂટથી ઉપયોગ કરેલો જ ને? ચરખો, ટપાલ ખાતા અને રેલવેની સુવિધાઓ, અખબાર અને સામયિકોનાં પ્રકાશન વગેરે સાધનો દ્વારા જ તેઓ લાખો-કરોડો માનવીઓનાં હૃદય-મન સુધી પહોંચીને તેમની સેવા કરી શક્યા. તેનો કદી અનુચિત ઉપયોગ ન કર્યો, જે આ યુગમાં આપણે કરવાનું રહ્યું. ગાંધીજીએ આપણને સ્વનિયંત્રણ વિનાની સ્વતંત્રતા આભાસી છે અને સાચી પ્રગતિ આપણી પાસેના ઓજારોની શક્તિ કેટલી છે તેના પર નથી માપી શકાતી, પણ એથી આપણા મનને કેટલી શાંતિ મળે છે તેના પર આધારિત છે એ પોતાના જીવન દ્વારા સમજાવ્યું.

ઇન્ટરનેટ જાણે આધુનિક જમાનાનો ગામનો ચોતરો બની ગયો છે. બધા પોતાનો મત જાહેર કરી શકે, જાણકારી પીરસી શકે. જો કે હજુ ઘણાને ભાગે પોતાનો અવાજ બીજા સુધી પહોંચાડવાની તક નથી મળી. ઉત્પાદન અને વ્યાપરી નિગમોના સ્વાર્થની જાળવણી થાય તેને બદલે નવી શોધખોળોથી આમ પ્રજાની ઉન્નતિ કઈ રીતે થાય એ વિચારીએ તો તેને ડિજિટલ સર્વોદયનું નામ આપી શકાય.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ધસમસતાં પૂર સામે ટકી રહેવાનો એક ઉપાય છે, માનવીય મૂલ્યોની જાળવણી કરીને તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, નહીં કે અન્યોના શોષણ, અન્યાય કે નાશ માટે.

ગાંધીજીએ સાત સામાજિક પાપ દર્શાવેલા, જેમાંના પાંચ ટેક્નોલોજિકલ યુગમાં ટકી રહેવા માટે ઉપયોગી થાય તેવાં છે :

  • શ્રમ વિનાની સંપત્તિ
  • આત્મચેતના વિનાનો આનંદ
  • ચારિત્ર્ય વિનાનું જ્ઞાન
  • નૈતિકતા વિનાનો વ્યાપાર
  • માનવતા વિનાનું વિજ્ઞાન

માનવી આ પંચ તત્ત્વોથી બચીને ચાલે તો આજના યાંત્રિક યુગમાં માનવતા જીવંત રહેશે, નહીં તો ભસ્માસુરની માફક પોતાની જ શોધેલી યંત્રવિદ્યા તેનો ભોગ લેશે.

સબકો સન્મતિ દે ભગવાન!

e.mail : 71abuch@gmail.com

Loading

2 October 2026 Vipool Kalyani
← વર્તુળ અને વમળ

Search by

Opinion

  • વર્તુળ અને વમળ
  • 2,700ની દવાની MRP 27,000?
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  
  • ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ
  • થોડું, ગાંધી જયંતીના પૂર્વપ્રભાતે કિંચિત નાગરિક અભિજ્ઞતા સાથે 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved