Opinion Magazine
Number of visits: 10,237,601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્તુળ અને વમળ

દેવીકા ધ્રુવ|Opinion - Opinion|2 October 2026

દેવીકા ધ્રુવ

વર્તુળ…એટલે એક ગોળ આકાર. ભૂમિતિનો એક આકાર એ સૌ કોઈ જાણે છે. પૃથ્વીથી માંડીને બ્રહ્માંડમાં કેટલું બધું ગોળ છે? કંકણથી માંડીને કૂંડાળા સુધીની કેટલીયે વસ્તુઓ / પદાર્થો / જગાઓ વગેરે વગેરે. ગણવા બેસીએ તો પાનાંઓ ભરાઈ જાય. કદાચ એક આખું પુસ્તક બની જાય! મુદ્દો માત્ર આકારનો નથી. એથી કંઈક વિશેષ છે અને તે એ કે, આ ગોળ આકારના વર્તુળમાં કેટલું બધું ભર્યું પડ્યું છે?

ગણિતજ્ઞની ભાષામાં કહેવા બેસીએ તો વર્તુળમાં ત્રિજ્યા છે, વ્યાસ છે, એનો પરિઘ છે; અરે, વર્તુળની અંદર ખૂણાઓ પણ પડે વગેરે વગેરે .. મીકેનીકને પૂછીશું તો એ વાત કરશે સાઈકલના પૈડાથી માંડીને પંખા અને પાઈપ્સ સુધીની તમામ વસ્તુઓ વિશે. ખાવા-પીવાના શોખીન જીવને એમાં સરસ મઝાનો સ્વાદિષ્ટ લાડુ કે મસાલેદાર બટાકાવડા જ દેખાશે ને? સાહિત્યકારની નજરમાં, વર્તુળમાં વલયો દેખાશે અને પછી એમાંથી અવનવા ભાવોનું સર્જન થતું જણાશે. કોઈ કવિતા, વાર્તા કે નવલકથા પણ લખી નાંખશે. જીવનની ગતિ પણ ચક્રાકાર છે. એમાં કોઈ આગળ નથી કોઈ પાછળ નથી. 

આમ છતાં આ વર્તુળમાં વમળો પડે છે  અને તે પણ જાતજાતનાં અને ભાતભાતનાં. એની રીતો અને પ્રકારો પણ અવનવા. તો આ વમળ શું છે? વમળ શબ્દ જ એવો છે કે આપણને અમળાવી નાંખે છે! પાણીમાં થાય તો જે તેની સપાટીની ઉપર આવીને ચક્ક ચક્કર ફરતું દેખાય તેને ભમરી કે ઘૂમરી કહીએ છીએ અને મઝાથી ચાલતાં જીવનમાં આવી જાય તો એવાં વમળને તકલીફ, મુશ્કેલી, આફત, ગૂંચ કે વિઘ્ન વગેરે કહીએ છીએ. એટલે કે, માનસિક અને શારીરિક બંને જાતના વમળો થતાં હોય છે. 

તો હવે સવાલ એ ઊભો થાય છે કે, વમળો શેને કારણે થાય છે? એક વાત તો ચોક્કસ જ છે કે, શરીરના આરોગ્યમાં ઘણીવાર ખોટા લેવાઈ ગયેલા ખોરાકને કારણે પેટમાં વમળો ઊભા થતાં હોય છે. કોઈને વળી ઊંચે ઊડતાં વિમાનમાં કે ચાલતાં વાહનમાં પણ પેટમાં વમળો જેવી લાગણી થતી હોય છે. પણ જે સૌથી મોટાં વમળો છે તે માનસિક હોય છે. કશોક ડર, ખોટા વિચારો, કંઈક ચિંતા અને તેને કારણે માનસિક તણાવ ઊભો થાય છે જેને પરિણામે એમાં આવી જનાર માનવી આખો ને આખો રહેંસાઈ જાય છે. એને કારણે ઘણીવાર તો ખતરનાક પરિણામો  આવતાં હોય છે. 

અહીં એક નાનકડી વાર્તા યાદ આવે છે. એક માણસ હતો. એના નાનકડા પરિવારમાં એ સરસ અને સુખી જીવન જીવતો હતો. એનું મિત્ર-વર્તુળ પણ મઝાનું હતું અને એ રીતે એના જીવનવર્તુળમાં ક્યાં ય કશી કચાશ ન હતી. પણ એનો પોતાનો સ્વભાવ અધીરો અને ઉતાવળિયો હતો. નાની નાની બાબતમાં એને ઉશ્કેરાટ થઈ જતો. એક દિવસ એને સવારમાં ઉઠતાં જરા મોડું થયું. પછી તો એના મગજમાં ઉચાટ અને દોડાદોડીના વમળો ઊભાં થવા માંડ્યાં. એટલાં બધાં કે સવારની ચા પીતાં પીતાં ઢોળાઈ ગઈ, હાથમાંથી રકાબી પડી ગઈ, કાચના ટુકડાઓ ઘરમાં વેરાઈ ગયા. તેને સાફ કરવાના કામને કારણે તૈયાર થવામાં મોડું થયું. પછી તો ઓફિસ મોડા પહોંચાશે એવા ભયમાં ગાડી પૂરપાટ દોડાવી. પરિણામે અકસ્માત થયો અને ભાઈ હોસ્પિટલ ભેગા થયા. આ બધું જોઈ / જાણીને એની દીકરી મનથી વ્યથિત થઈ, સ્કૂલે ગઈ પણ એનું ચિત્ત ચક્ડોળે ચડ્યું. પરીક્ષાનો દિવસ હતો. પરેશાન મનથી પેપર તો જેમતેમ પૂરું કર્યું. પણ એ નિષ્ફળ થઈ. પરિવારમાં સૌને દોડાદોડ થઈ. ઇશ્વરકૃપાએ પોતે બચી તો ગયા પણ પગના ફ્રેક્ચરને કારણે થોડા મહિના માટે ખાટલાવશ થયા.

આમ, આવા માનસિક વમળો, દરિયાનાં મોજાંઓની વચ્ચે થતાં વમળોની જેમ ઘણું નુક્સાન પહોંચાડે છે અને ઘણીવાર તો ખેદાનમેદાન કરી નાંખે છે.

આમ, વર્તુળ અને વમળ બંને ગોળ છે. પણ કેવો અને કેટલો મોટો ફરક છે? દેખીતી રીતે બંને એકમેક સાથે સંકળાયેલાં લાગે ખરાં. કારણ કે, વમળો વર્તુળમાં જ થાય છે, ક્યારેક વર્તુળને કારણે જ થતાં હોય છે. તે છતાં બંને લાક્ષણિક રીતે અલગ છે. વર્તુળ-કોઈપણ પ્રકારના, મોટેભાગે જરૂરી હોય છે; જ્યારે વમળો બિનજરૂરી છે અને તેને નિવારવાનાં હોય છે. ખૂબ સારા વાંચનથી, ગમતીલી પ્રવૃત્તિઓથી અને સમજણપૂર્વકની યોગ્ય અને નિયમિત રીતભાતથી માનસિક વમળો દૂર કરી શકાય છે. કુદરતી વમળો માટે તો ઘણી સાવચેતીની યાદી મળી શકે છે.

વમળો જ્યારે એની માઝા મૂકે ત્યારે આંધી, વાવાઝોડા, હરિકેન વગેરે કંઈ કેટલીયે હોનારત સર્જે છે. અમેરિકામાં આવતાં આવાં હરિકેનને તો જુદાંજુદાં નામો પણ આપવામાં આવે છે. દા.ત. કેટરીના, હાર્વી, આઈક, બેરિલ વગેરે. આ હરિકેન શબ્દ પર થોડું વધુ ઊંડાણથી વિચારું છું તો લાગે છે કે, એ સાચે જ ‘હરિની કેઈન’ જ-લાકડી જ છે. બીજો ભાવાર્થ એ પણ થાય કે, એ માનવી માટેની દીવાદાંડી છે અને તે પણ કુદરતી! વાહ! સાચે જ, તે સમયે અને પછી પણ કેટલાં પાઠ ભણવાના મળે છે? અને છતાં માનવીનું ચક્ર તો એ ય… એમનું એમ જ રહે છે! વર્તુળ અને વમળની આવી વાતોના સંદર્ભમાં કેટલાંક અવતરણો ટાંકવાનું મન થાય જ.

“When the round world spins, sometimes it is not the earth, it is your soul asking you to pause.”

“In the whirl of mind & brain, you do not lose balance – you lose your sense of circle.”

“બહારના ચક્રવાત કરતાં વિચારોના વમળો વધુ ભીષણ હોય છે.”

સમાપનમાં તો, ફરીફરી આ વિષય પર એ જ વાત કહેવાનું મન થાય કે, જિંદગીની ગતિ વર્તુળાકારે ચાલે છે. એમાં કોઈ આગળ નથી કે કોઈ પાછળ નથી. ખોટી હોડની દોડમાં વમળો ઊભાં કરી ખુદને નુકસાન પહોંચાડવા કરતાં પાણીના શાંત પ્રવાહની જેમ વહેતાં રહેવામાં જ મઝા છે; અને કદાચ એમ વહેતાં રહેવા છતાં સામે કોઈ કુદરતી કે આકસ્મિક વમળોની વચ્ચે પસાર થવાનું થાય, તો ધીરજ અને શાંતિનાં હલેસાંનો સાથ એ જ સૌની દીવાદાંડી. એ જ આખરી ધ્યેય કે મુકામ સુધી પહોંચાડશે એવી શ્રદ્ધા પણ ખરી જ.

અસ્તુ.

મે ૩૧, ૨૦૨૫
e.mail : ddhruva1948@yahoo.com

Loading

2 October 2026 Vipool Kalyani
← 2,700ની દવાની MRP 27,000?
યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો? →

Search by

Opinion

  • 2,700ની દવાની MRP 27,000?
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  
  • ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ
  • થોડું, ગાંધી જયંતીના પૂર્વપ્રભાતે કિંચિત નાગરિક અભિજ્ઞતા સાથે 
  • પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈં 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved