મારા શહેરની એ શેરી … નરી સંવેદનાઓથી નીતરતો આ શબ્દ ! મનને ક્યાં ક્યાં લઈ જાય છે? હા, હતી તો એ નાનકડી, સાંકડી શેરી પણ દિલમાં કેટલી વિશાળ બનીને જાણે આખાયે અસ્તિત્વને ભરીને કાયમી આસન જમાવીને બેઠી છે. દિવસ હોય કે રાત, દેશમાં કે વિદેશમાં, ગીતમાં કે ગઝલમાં, શબ્દમાં કે સૂરમાં, જાગતા કે ઊંઘમાં એની સ્મૃતિઓ રોજ આસપાસ ગોળગોળ ઘૂમતી હોય છે. માત્ર ૧૨-૧૩ ઘરોની અમદાવાદની એ સાંકડી શેરી, ઝૂંપડીની પોળ જ્યાં જીવતરનું પાયાનું ઘડતર થયું. માબાપ-ભાઈબહેન તો ખરાં જ, પણ પડોશી, શિક્ષકો, મિત્રો સૌ સાવ પોતીકાં જ લાગે.
દર વર્ષની જેમ હમણાં જ દિવાળીના દિવસો આવ્યા અને પસાર પણ થઈ ગયા. લોકોએ જાતજાતની રીતે આ તહેવાર ઉજવ્યો. બહારગામ જઈને, ઘરમાં રહીને અને મોટેભાગે ફોન પર રહીને દિવાળી ઉજવી. આના સંદર્ભમાં અનાયાસે જ સાંકડી શેરીની એ વિશાળ રીતો અને ઝૂંપડીની પોળની મહેલાતના એ ધનિક દિવસો યાદ આવી ગયા. તે સમયે ધનતેરશથી માંડીને લાભપાંચમ સુધી વિવિધ નાસ્તા અને મીઠાઈની સાથે સાથે સ્નેહની સરવાણીઓ વહેતી અને કેટલી સ્વાભાવિકપણે! કેટલી સહજ રીતે! ઉત્સવો સાચા અર્થમાં ઉત્સવો અનુભવાતા. ભલેને પછી એ હોય દિવાળી કે હોળી, ઉતરાણ કે શ્રાવણ, જન્માષ્ટમી કે રામનવમી, બધી જ ઉજવણી સહિયારી. અરે, જન્મ કે મરણ બધાં જ સુખો કે દુઃખો સહજપણે વહેંચાતાં અને સહેવાતાં.
એ મ્યુનિસિપલ સ્કૂલ, એ બાલકુંજ, પુસ્તકાલય, શેરીના નાકે દવાખાનું, લોટ દળાવવા જવાની ઘંટી, શેરડીના રસની લારી, ચનાચોર-ગરમનો ખુમચો, એકબીજાંના છાપરે જઈ પતંગની મઝા, હોળીની પીચકારી, સાથે મળીને શેરીમાં રાંધેલાં ખીચડી-શાકની ઉજાણી, બેનપણીઓ સાથે હાથમાં મૂકાતી મેંદી, ગોર્યોની પૂજા, શેરીના ગરબા, બધી યાદો અકબંધ છે. દાદીમાની વાર્તાઓ, ભાઈબહેનોનો પ્રેમ, આર્થિક સંકડામણોને પહોંચી વળવાની માબાપની જહેમત, માની કેવી અને કેટલી બધી સહનશીલ, સદાચારી, સેવાભાવી, સતત કાર્યરત મૂર્તિ, એને જ કારણે અમારું અભ્યાસમય, તેજસ્વી બાળપણ, સોળનાં સોનેરી સપનાં અને આજ શેરીના નાકે કોઈની સાથે મળેલી આંખ !
આજે લગભગ ૪૫ વર્ષ જેટલાં વિદેશમાં વસવાટ પછી પણ જ્યારે જ્યારે જવાનું થાય છે ત્યારે ત્યારે અચૂક શેરીમાં જઈને ફરવાનું ગમે. શેરીની ભીંતો, પત્થરો, ઘરોની બારીઓ, બારણાં, ખડકી અને ભાડાના એ ઘરને હાથ અડાડી લઉં છું. હવે ત્યાં કોઈ વડીલો નથી. સખા અને સખીઓ પણ ત્યાંની એ શેરી છોડી, નવા આકાશમાં વિહરી રહ્યાં છે. પહેલાં ત્યાં ટી.વી., કોમ્પ્યુટર, ફોન, વીડિયો, ગાડીઓ કશું જ ન હતું. છતાં જીવન હતું, ખૂબ જીવંત હતું. આજે નવા ચહેરાઓ છે અને બધી આધુનિક સગવડો ત્યાં પણ આવી ગઈ છે. ઘણું બધું બદલાયું છે. પણ ત્યાં ધબકેલું આ હૃદય, અમેરિકામાં અહીં પણ હજી એવું ને એવું જ ધબકે છે.
આજે સ્મૃતિના દાબડામાંથી એક પ્રસંગ ખુલી રહ્યો છે. પોળમાં ૧૦-૧૨ વર્ષના છોકરાઓ ક્રિકેટ રમતા હતા. લોકોની અવરજવરની વચ્ચે પણ રમત સરસ ચાલી રહી હતી. પોળના તો ખરાં જ પણ આસપાસની આખી શેરીના છોકરાઓ પણ જોવા ઊભા હતા. રમનારાઓને પ્રોત્સાહન આપતી ચીચીયારીઓ, તાળીઓ અને મોટા મોટા અવાજોથી રમતનો રંગ વધતો જતો હતો. કામકાજ માટે જતી-આવતી છોકરીઓ અને સ્ત્રીઓ પણ થોડીવાર માટે ઊભી રહીને આ મઝા માણતી હતી. તે જમાનામાં મોબાઈલનું તો સ્વપ્ન પણ ન હતું તેથી ફોટાઓ લેવાના વિચારો પણ ક્યાંથી હોય? બસ, મસ્તીથી રમત ચાલી રહી હતી.
અચાનક એક બોલના જોરદાર ફટકાએ દોડાદોડ થઈ ને એની સાથે ચીસાચીસ પણ થઈ. ટોળે ટોળાં થઈ ગયાં. ઘરનાં કામો પડતાં મૂકીને સહુ કોઈ ઘરની બહાર નીકળી આવ્યાં. રમત, રમતને ઠેકાણે રહી અને ઘડીના છઠ્ઠા ભાગમાં એક છોકરાને હોસ્પિટલમાં ખસેડવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ ગઈ. કારણ કે, તેની આંખમાંથી લોહી દદડતું હતું, સોજો વધતો જતો હતો. આંખની છેક પાછળના ભાગમાં રહેલી નસ / દૃષ્ટિની જે નસ હોય તે છેક મૂળમાંથી કદાચ તૂટી ગઈ હતી. તેથી તાત્કાલિક આંખની સર્જરી કરવી પડી. પણ ડોક્ટરો તેની આંખને બચાવી ન શક્યા. કારણ કે સખત રીતે બોલનો ફટકો વાગ્યો હતો. તેથી કોઈ બીજો ઉપાય શક્ય જ ન હતો. દુર્ભાગ્યે તેણે એક આંખ ગુમાવી દીધી અને ડોક્ટરોને નવી કાચની આંખ મૂકવી પડી હતી.
આ પ્રસંગ યાદ એટલા માટે આવ્યો કે તે છોકરાના માબાપે કોઈની સામે કશો જ ક્રોધ કે ‘ક્લેઇમ’ કર્યો નહિ. માત્ર શાંતિ રાખી આ આફતનો સામનો કર્યો. કેવું વિશાળ અને ઉમદા હૃદય! જે થવાનું હતું તે થઈ ગયું. હવે તો ભોગવે જ છૂટકો એમ માની મનને મજબૂત કરી લીધું હતું. શેરીના સૌએ પણ છોકરાના દુઃખમાં મહિનાઓ સુધી સતત સહાનુભૂતિ અને સહાયનું વલણ દાખવ્યું. હજી આજે પણ એ છોકરો, જે હવે તો ૭૦ની આસપાસ થયો અને વર્ષોથી અમેરિકામાં વસે છે, એ જ જૂની લઢણથી હસતો હસતો વાતો કરે છે.
આ લખું છું ત્યારે એ પણ યાદ આવે છે કે, પોળમાં નરસિંહ મહેતા જેવો ચહેરો ધરાવતા, બંને હાથમાં કરતાલ લઈને એક મહારાજ આવતા અને “પગ મને ધોવા દ્યો રઘુરાય’-નું ભજન ગાતા. કદાચ એ સંસ્કાર પણ અજાણ રીતે ભીતરમાં ઉતરતા હતા.
આવી મારી આ ભવ્ય, સાંકડી પણ સમૃદ્ધ શેરીના, ઝૂંપડીની પોળના મહેલાતો જેવાં કંઇ કેટલાં ય સ્મરણો ચલચિત્રની જેમ નજર સામે આવે છે. એ સઘળું યાદ કરીને, થોડાં વર્ષો પહેલાંની શેરીની મુલાકાત પછી શિખરિણી છંદમાં લખેલું મારું કાવ્ય ‘શિશુવયની શેરી’ ટાંકવું ગમશે ..
જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,
દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.
કુકા, કોડી, ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,
દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.
નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,
મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.
ભલા ભોળાં નાનાં, ભઇ ભગિની કેવાં મન હરે,
અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!
નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,
બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.
હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,
અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે.
અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;
રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!
e.mail : Ddhruva1948@yahoo.com
![]()

