Opinion Magazine
Number of visits: 10,416,155
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—368

દીપક મહેતા|Opinion - Literature, Opinion - Opinion|28 November 2026

ચંદ્રવદન મહેતાને માથે શોભે છે ૧૦૧ પુસ્તક રૂપી રત્નોવાળો ઝળહળતો તાજ 

“આ એ જ મુંબઈ, જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. ત્યારે મુંબઈમાં ઘોડાની ટ્રામ ચાલતી. જો કે ઇલેક્ટ્રિકનાં દોરડાં નખાવાં શરૂ થતાં હતાં. આગગાડીમાં કદીક ભીડ થાય એ બીકે કોલાબા સ્ટેશને જઈ ટ્રેનમાં બેસતા. ગીરગામથી કોલાબા જવા વિક્ટોરિયાવાળો દોઢ રૂપિયો માગતો. હરકિસનદાસ હોસ્પિટલની જગ્યામાં અલહમ્બ્રા સિનેમા ચાલતો ત્યાં ‘બ્રોકન કોઈન’ની ‘કલેજા ઉથલાવી નાખનારી દિલ ધડકાવનારી’ આઠ હપ્તાની ચાલુ સાઇલન્ટ ફિલ્મ જોતા. ફિલમમાં સમજ ન પડે તેમને સમજાવવા એક વક્તા-ઉસ્તાદ રહેતો. ફિલમમાં જ્યારે જ્યારે વચમાં અંગ્રેજી લખાણ આવતું તે ગાળામાં એ તરત તેનો તરજુમો બોલતો. ત્યારે ટોકીની તો વાત જ ક્યાં, પણ લાઉડ સ્પીકરે નહોતાં, ને છતાં આ બંદો બુલંદ અવાજે રોનકદાર જબાનમાં બધું સમજાવતો, ત્યારે ખરેખર મજા આવતી. ત્યારે હિન્દી, હિન્દુસ્તાની, કે ઉર્દૂના ઝગડા નહોતા. એ જે જબાન બોલતો એથી અમને અંગ્રેજી ફિલમ પૂરી સમજાતી.”

ના, જી! આ ઘોડાની ટ્રામ, આ અલહમ્બ્રા સિનેમા જોવાનું આ લખનારના નસીબમાં નહોતું. પણ આ બધું જોયું અને તેને વિષે લખ્યું તે આપણી ભાષાના એકમાત્ર નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતાએ. વધુ ઓળખાય સી.સી., કે ચં.ચી., કે ચાંદામામા તરીકે. ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે જન્મ. ૧૯૯૧ના મે મહિનાની ચોથી તારીખે ફાઈનલ એક્ઝીટ. આ વરસે એમના જન્મની ઘટનાને ૧૨૫ વરસ થયાં. સો વરસનું આયુષ્ય તો પૂરું ન કરી શક્યા પણ ૯૦ વરસની જિંદગીમાં ૧૦૧ પુસ્તકો લખ્યાં. સી.સી. જેટલા લેખિત શબ્દના માણસ એટલા જ બોલાતા શબ્દના પણ. નાટક-એકાંકીનાં ૩૨ પુસ્તક! અને નાટકો માત્ર લખ્યાં જ નહિ, ભજવ્યાં, ભજવાવ્યાં. સી.સી.એ મરાઠી કે બંગાળીમાં આટલું અને આવું લખ્યું હોત તો એ પ્રજાએ ૨૦૨૬ના વરસના એકેએક અઠવાડિયે ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રીતે એમને ઉજવ્યા હોત. પણ એમણે તો લખ્યું ગુજરાતીમાં … પણ જવા દો એ વાત. નાહક કોઈકની ‘લાગણી દુભાઈ જશે.’

સી.સી. ‘વિશ્વમાનવ’ પછીથી બન્યા. પણ મુંબઈ આવ્યા ત્યારે તો હતા પાક્કા સુરતી.અને છતાં મુંબઈ ગમતું હતું. લખે છે : “મુંબઈ ગમતું હતું. કેમ, તે કોણ જાણે. ઘડાતું, બંધાતું, સમૃદ્ધ શહેર હતું એથી હશે? કોણ જાણે? પણ શા માટે ગમવું જોઈએ? જે શહેરનો વિકાસ મોટે ભાગે સુરતના વિનાશને આભારી છે તે? સુરતનાં બજાર, સુરતની દોલત, સુરતની અક્કલ, સુરતના રંગરાગ, મુંબઈમાં એકઠાં થતાં જતાં હતાં, છતાં મુંબઈ ગમતું હતું. ખરેખર, કુદરની લીલા જ અલૌકિક છે.

પણ આ સી.સી. મુંબઈ આવ્યા હતા શું કામ? કોલેજનું ભણવા. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ એ વખતે મુંબઈ શહેરની જ નહિ, આખા મુંબઈ ઈલાકાની જાણીતી-માનીતી કોલેજ. અહીં ભણેલા ગુજરાતી સાક્ષરો, લેખકો, કવિઓ, પત્રકારોનાં નામની યાદી બનાવીએ તો એમાં જ બાકીના લેખની જગ્યા પૂરી થઈ જાય. અર્વાચીનોમાં આદ્ય એવો કવિ નર્મદ એલ્ફિન્સ્ટનમાં ભણવા સુરતથી મુંબઈ આવ્યો, એમ આ સી.સી. પણ સુરતથી મુંબઈ આવ્યા તે એલ્ફિન્સ્ટનમાં ભણવા. 

એલ્ફિન્સ્ટન કોલેજમાં સી.સી.ના ગુજરાતીના અધ્યાપક કોણ? સાક્ષરવર્ય નરસિંહરાવ દિવેટિયા. એમને માટે સી.સી.ને અસાધારણ માન, આદર. લખે છે : “ખંતીલા, કડક, પોતાના કાર્યમાં મશગૂલ, સમય જાળવવા માટે અત્યંત ચુસ્ત, ઝીણવટ માટે અનહદ ચોક્કસ, નિયમો પાળવા-પળાવવા માટે દૃઢાગ્રહી. એવા એક પ્રતિભાશાળી, તેજસ્વી અને તરત છાપ પડે એવા વ્યક્તિત્વવાળા શિક્ષક પાસે હોંશભેર ભણવાની તક મળી.

અને મુંબઈની એ જ એલ્ફિન્સ્ટન કોલેજમાં સી.સી.એ પહેલી વાર ‘નાટક’ કર્યું. ભાગ તો લીધો હતો વકતૃત્વ સ્પર્ધામાં. ત્રીસ જેટલા ભાગ લેનારા. ચિઠ્ઠી ખેંચાઈ ત્યારે સી.સી.નો નંબર છેલ્લો. ઓડિયન્સ અને નિર્ણાયકો, બધા થાકેલા, કંટાળેલા. સી.સી.એ સ્ટેજ પર આવી શરૂઆત કરી : “જૂજા! જૂજા! એક અદ્ભુત નવા જમાનાની શોધ! નવી જ દવા! ગમે તે રોગ પર વાપરો, તો તે રોગ માટી જાય.” અંગ્રેજીમાં, જરા આડમ્બરી શૈલીમાં બરાડા પાડી, અને ગજવામાંથી નાની ડબ્બી કાઢી બતાવી! ‘જેને ટાલ હોય તેને, દાંત નહિ હોય તેને …’ અને એમ જે હાથ આવ્યા તે બધાને ધડાધડ એના ઉપયોગ માટે ભલામણ કરી. તરત જ ગજવામાંથી જન્માક્ષરની માફક વાળી રાખી મૂકેલો તે સર્ટીફિકેટોનો વીંટો ખેંચી, એક છેડો હાથમાં રાખી આખો વીંટો હવામાં ઉડાડ્યો, અને ઓડિયન્સ તો ખુશ ખુશ થઈ ગયું! સી.સી. લખે છે : “અને જેમ પેલા અતિશયોક્તિ ભરેલા ખોટા સર્ટીફિકેટોમાનું એકેક વાંચું, અને સેવક બનાવનારની હોશિયારીના નમી નમી વખાણ કરું, તેમ તેમ સાંભળનારાના શૂરનો પાર ન રહે. તાળી પર તાળી!” નિર્ણાયકોએ સી.સી.ને હરીફાઈ જીતેલા જાહેર કરી ચંદ્રક આપ્યો. આખા હોલમાં તાળીઓનો ગડગડાટ. અને સી.સી. કહે છે : ‘અને મારી છાતીમાં તો હું સમાઉં જ શાનો?’

હરીફાઈ હતી વક્તૃત્ત્વની. પણ સી.સી. કરી બેઠા નાટક! અને પછી પહેલું નાટક લખ્યું અને ભજવ્યું તે પણ મુંબઈમાં. એક તો એ વખતે મુંબઈમાં નાટકનાં થિયેટર ગણ્યાંગાંઠ્યાં. એમાં વળી કોલેજના જુવાનિયાનું પહેલું નાટક! થિયેટર ભાડે કોણ આપે? એટલે સેન્ટ ઝેવિયર્સ કોલેજના હોલમાં ભજવ્યું. એ નાટક તે ‘અખો,’ આપણા મધ્યકાલીન કવિના જીવન-કવનને તખ્તા પર રજૂ કરતું નાટક. ઓડિયાન્સમાં હતા કનૈયાલાલ મુનશી અને નરસિંહરાવ દિવેટિયા. એ વખતે હજી મુંબઈમાં પણ ‘સારા ઘરની’ દીકરી-વહુ નાટકમાં ભાગ ન લે. પણ આ નાટક માટે એક મળી ગઈ, સરલા દેસાઈ, જે પછીથી બની સરલા ગોપાલ બેનર્જી. પછી કવિ નર્મદની શતાબ્દી વખતે ‘નર્મદ’ ભજવ્યું. એમાંના રોવા-કૂટવાના દૃશ્યનો ખાસ્સો વિરોધ થયો, એ જમાનાના મુંબઈમાં પણ : ‘આવું દૃશ્ય તખ્તા પર ભજવી જ કેમ શકાય?’ પછી ન્યૂ ઈરા સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેટલાક શિક્ષકો સાથે રોયલ ઓપેરા હાઉસમાં ભજવ્યું પોતે લખેલું અફલાતુન ‘રમકડાંની દુકાન.’

સી.સી., તમે નાટક-ચેટક તો ઘણાં કીધાં. પણ નોકરીનું શું? પહેલી વ્યવસ્થિત નોકરી મળી ત્યારે સી.સી.ની ઉંમર ૩૮ વરસની! અને એ નોકરી સામે ચાલીને સી.સી. પાસે આવેલી. અલબત્ત, મુંબઈમાં જ. બેકાર હતા એટલું જ નહિ, થોડીઘણી મૂડી હતી તે પણ શેર બજારના સટ્ટાના રવાડે ચડીને ગુમાવેલી. એક દિવસ બન્યું એવું કે … ના. એ વાત સી.સી. પાસેથી જ સાંભળીએ. “મુંબઈમાં ૧૯૨૮ની સાલથી બ્રોડકાસ્ટિંગ ચાલે છે. લલિતજી અને સુંદરાબાઈને કદીક સાંભળતો, પણ એ દિશામાં ફરક્યો નહોતો. ફરકવું થયું નહોતું. એક દિવસ એમ જ હું રસ્તે રસળતો ચાલતો હતો, ત્યાં પાછળથી એક મોટર આવી ઊભી રહી. હાંકનારે દરવાજો ખોલી હુકમ કર્યો. ‘બેઠ જાઓ.’ અને હું બેલાર્ડ પિયરની બ્રોડકાસ્ટિંગની ઓફિસમાં ઘસડાયો. રસ્તામાં બુખારી મને એમાં જોડાવા સમજાવી રહ્યા હતા. એણે દફતરમાં એક લાંબા, ગોરા અફસર સામે ખડો કરી દીધો. ‘મારે આને આપણા ખાતામાં નોકરીએ રાખવો છે.’ એ અફસર તે લાયોનલ ફિલ્ડન, બ્રોડકાસ્ટીંગ શ્વાસોચ્છ્વાસનો માહિતગાર, અસરકારક કલમબાજ, હૈયે હિંદનું પૂરું હિત ધરાવનાર, અત્યંત સ્વતંત્ર દિમાગનો અફસર. એની સાથે બે-ત્રણ મુલાકાતો થઈ. અને ૧૯૩૮ની સાલના જૂનમાં બ્રોડકાસ્ટીંગ ખાતામાં પ્રોગ્રામ અસિસ્ટન્ટ તરીકે દોઢસો રૂપિયાના પગારે હું નોકરીએ રહ્યો.”

પણ સખણા થઈને ઓફિસની ખુરસીમાં બેસે તો એ ચંદ્રવદન શાના! આત્મકથામાં પોતે જ નોંધે છે : “બુખારીએ ફિલ્ડન આગળ મને એક વાર ઊભો કરી ફરિયાદ કરી : ‘આ માણસ કામ પર આવે છે, ચાર દિવસ રહી રાજીનામાં આપે છે, અને અમે એ ફાડી નાખીએ છીએ! નોકરી માટે એણે અરજી પણ નથી કરી, પણ અમારે એને અહીં જ રાખવો છે, શું કરીએ?’

ફિલ્ડને હસીને કહ્યું કે ‘અરજાં બરજાં અને રેફરન્સીઝનું તો થયા કરશે. પહેલાં એને એક કલાક કામ પર બોલાવો. પછી બે કલાક, પછી ત્રણ કલાક. અને વચ્ચે એકાદ ચોકલેટ બોક્સ આપજો, અને પછી જોજો કે એ બ્રોડકાસ્ટિંગમાં કેમ પચી જાય છે તે.’ 

એ વખતે રેડિયો પર બે મુખ્ય વિભાગ તે સ્પોકન વર્ડ અને સંગીત. ત્રીજો વિભાગ તે સમાચારોનો, પણ એ તો દિલ્હીમાં. સી.સી. સ્પોકન વર્ડના ખેરખાં. વાર્તાલાપો, નાટકો વગેરે તો ખરાં જ. પણ નવા નવા અખતરા કરે, સફળતાથી. ચતુરનો ચોતરો, બુદ્ધિ ધાનશાક મંડળ. ક્રિકેટની રનિંગ કોમેન્ટરીની જેમ મકર સંક્રાંતની સવારે સુરતથી પતંગની કોમેન્ટ્રી. સાથે જોડાય આપણા અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે. 

પણ સી.સી.નું એકચક્રી રાજ તે તો રેડિયો નાટકમાં. મૂળ રંગભૂમિનો જીવ. કેટલાંયે નાટકો લખ્યાં, ભજવ્યાં. દરેક નાટકમાં કૈંક નવું નોખું. પણ લખ્યું તેટલું સાચવ્યું નહિ. રેડિયો પર એ વખતે ‘લાઈવ’ કાર્યક્રમોનો જમાનો. એટલે રેકોર્ડિંગ પણ નહિ. એક બાજુ ‘અત્ર લુપ્તા સરસ્વતી’ જેવું છંદોબદ્ધ નાટક તો બીજી બાજુ ‘આઈ.એન.એસ. બેન્ગાલ’ જેવું દસ્તાવેજી રૂપક. ગાંધીજી અને સરદાર પટેલ વિશેની બે નાટ્યશ્રેણીઓ, તો ‘અમરફળ’ જેવું પૌરાણિક નાટક. એક બાજુ ખૂન નામનું નાટક તો બીજી બાજુ ‘પ્રીત ભઈ’. ચં.ચી. મુઝફ્ફરશાહ વિષે પણ નાટક લખે અને શાંતિનિકેતન વિષે પણ લખે. વીર, શૃંગાર, હાસ્ય, વગેરે રસોના કુશળ કસબી, પણ છેવટે ઠરે તે તો શાંત રસમાં. 

આ લખનારને આજે પણ લગભગ આખેઆખું મોઢે છે તે તો સી.સી.નું છંદોબદ્ધ ‘કન્યાવિદાય’. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ પર આધારિત આ સંગીત રૂપક જેટલું કાલિદાસનું છે તેટલું જ સી.સી.નું છે. અનુવાદ નહિ, અનુસર્જન. એ જમાનામાં એટલું પોપ્યુલર, કે દર વરસે રેડિયો પર ફરી-ફરી લાઈવ ભજવાય. રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા અને આપણા જાણીતા કવિ, સંગીતકાર, ગાયક નિનુભાઈ મઝુમદારે સંગીતબદ્ધ કરેલું. અને કેવા કેવા કલાકારો : નિનુભાઈ પોતે, પિનાકીન ત્રિવેદી, ગિજુભાઈ વ્યાસ, સુષમાબહેન દિવેટિયા, વીણા મહેતા, અંજની મહેતા, કૌમુદી મુનશી. સી.સી. પોતે શરૂઆતમાં ભૂમિકા બાંધે. પણ એ વખતે રેકોર્ડિંગની સગવડ નહિ. હા, અમદાવાદમાં ક્ષેમુભાઈ દિવેટિયાના સંગીત સંયોજનમાં સ્ટેજ પર ભજવાયેલું તેનું ઓડિયો રેકોર્ડિંગ સચવાયું છે.

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાંબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર એ બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડીને ચંદ્રવદનભાઈનો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવી. મેનાંબાઈએ રાજતિલક કર્યું. જાંબુડાની સૂકી ડાળખીની તલવાર બનાવીને હાથમાં આપી. પણ પછી તો ફૂમતાંવાળી ટોપીને બદલે ચંદ્રવદનભાઈને માથે મૂકાયો ૧૦૧ પુસ્તક રૂપી રત્નોવાળો ઝળહળતો તાજ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 નવેમ્બર 2026

Loading

28 November 2026 Vipool Kalyani
← जब सब तरफ़ कौए-ही-कौए हों 

Search by

Opinion

  • जब सब तरफ़ कौए-ही-कौए हों 
  • આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ : આવ્યું અને ગયું!
  • PYRE / ચિતા : ચિંતા કરાવતી ચિતા !
  • સશસ્ત્ર સંઘર્ષો દરમ્યાન બાળકો અને તરુણોની અભિવ્યક્તિ
  • સંવિધાન દિવસ : એક દીવાદાંડી  … અને યાત્રા હજુયે ઓર લાંબી   

Diaspora

  • ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની સ્મૃતિ સાથે ૨૦૨૦ની એક યાદગાર સવારનું સંભારણું
  • ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Gandhiana

  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક

Poetry

  • નજરાણું
  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved