સંવિધાન દિવસ સ્વરાજ યાત્રાના ઉજાસમાં આગે કદમનો એક ઇતિહાસપડકાર લઈને આવે છે. એનું યુગ આવાહન સ્વરાજની બાકી બલકે ચાલુ લડાઈને એક જનલડાઈમાં રૂપાંતરિત કરવાનું છે .
સંવિધાન દિવસને અનુલક્ષીને લખવાનું વિચારતો હતો એ જ પળોમાં અલબત્ત અમથી અમથી મુખપોથી મૃગયા દરમ્યાન આત્મારામ ડોડિયાની રચના નજરે પડી – ‘મળ્યું માણસ તરીકે માન, સંવિધાનનો જય હો.’ વિનોબાએ પોતાની અનોખી શૈલીમાં જેને ભીમસ્મૃતિ રૂપે નવાજ્યું એ લોકશાહી પ્રજાસત્તાક બંધારણે પાંગરતે સ્વરાજે જે મુદ્દે મોડ બાંધ્યો તે નાતજાતકોમ – ધરમમજહબ – લિંગથી ઉફરાટે માનવ્યની પ્રતિષ્ઠાનો હતો. લાંબી સ્વરાજલડતને અંતે બની આવેલ આ બંધારણે કાંક એવું કીધું જે અશોક અગર અકબર સરખી પ્રતાપી રાજવટ હસ્તક બન્યું ન હતું. સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનાં મૂલ્યોને વરેલી એ એક નવી જ યાત્રા હતી અને છે.
યાત્રાપથ બેશક લાંબો અને કઠિન છે. નેહરુના યાદગાર ઉદ્દગારોમાં “આપણે ચાલીએ તે પહેલાં દોડવાની વાત આ તો છે. “બંધારણ પસાર થવામાં હતું એ અરસામાં આંબેડકરે તે બોલી પણ બતાવ્યું હતું – એક માણસ, એક મતને ધોરણે રાજકીય સમાનતા તો મળી, પણ રસ્તો આર્થિક અને સામાજિક વિષમતાએ કરીને દુર્ગમ હોવાનો છે.1949ના નવેમ્બરની 26મીએ પસાર થયેલું બંધારણ અમલમાં આવ્યું વળતે વર્ષે 26મી જાન્યુઆરીથી : એક આખો ઇતિહાસ પડેલો હતો એની પાછળ; કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે મળેલી કાઁગ્રેસે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ)નો ઠરાવ પસાર કર્યો એને પગલે 1930ની 26મી જાન્યુઆરીએ દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસ મનાવાયો હતો અને એની સિદ્ધિ અર્થે ગાંધીએ દાંડીયાત્રાનું વિક્રમી આયોજન કર્યું હતું. એ જ ગાળો હતો જ્યારે દેશજનતાએ ભગતસિંહ અને સાથીઓના બલિદાન સાથે નવા સમાજ વાસ્તે એક કસકનો અનુભવ કીધો હતો. વાંસોવાંસ, વલ્લભભાઈની અધ્યક્ષતામાં મૂળભૂત અધિકારોનો ઐતિહાસિક ઠરાવ થયો હતો. પાછળ ને પાછળ પુના કરાર આવ્યો હતો. આ બધાં સ્વરાજસોપાનો હવે પછી આવનાર બંધારણનાં કદ, કાઠી અને કલેવર તેમ કૌવતની પૂંઠે હતાં.
2015માં હાલની રાજવટે 26મી નવેમ્બરે સંવિધાન દિવસ ઉજવવાનો નિર્ણય લીધો ત્યારે એકંદર સ્વરાજયાત્રાના પ્રેરક અને પાવન સ્મરણે તેમ બાકી કદમના સંકલ્પભાને સહજ રોમહર્ષ કંઈ કેટલા નાગરિકોએ અનુભવ્યો હશે. વળી ઇતિહાસવિવેકની રીતે જોતાં જે પરિબળોએ બહુધા સ્વરાજસંગ્રામથી કિનારો કર્યાની છાપ છે તે સૌ આ નિમિત્તે સત્તાવાર ધોરણે પણ એની જોડે સંકળાય અને ભલે પશ્ચાદવર્તી રીતે પણ સંધાન અનુભવશે એ ખયાલે આનંદ થવો સ્વાભાવિક પણ હતો. આમ જોડાવું દિલ્હીની આજની રાજવટને ક્યારેક પોતે જે પ્રગતિશીલ સ્વરાજકામી બળો સાથે ન હતાં તેને સમજવામાં અને તેની કદર બૂઝવામાં ઉપયોગી થઇ પડે એવો આશાવાદ પણ અસ્થાને ન હતો. ખબર નથી, આટલે વર્ષે પણ એ કેટલું અંતર કાપી શક્યા હશે. બંધારણ ઘડાતું હતું ત્યારે તો તેઓ મનુસ્મૃતિના રોણાં ગાતા હતા. ગાંધીનેહરુપટેલની સ્વરાજ ત્રિપુટીમાંથી એકલા પટેલને લઈને કે કાઁગ્રેસથી છુટા પડેલા સુભાષને લઈને અગર ભગતસિંહનું નામ ઉછાળીને એમણે રોડવ્યું હોય તોપણ પટેલના માટે હિન્દુરાષ્ટ્ર ‘એક પાગલ ખયાલ ‘હતો, સુભાષ મુસ્લિમ લીગ અને આર.એસ.એસ. બેઉને સ્વરાજસંગ્રામની રીતે ગેરલાયક ગણતા હતા. ભગતસિંહ કોમી રાજનીતિથી પરહેજ કરતા હતા. અને એકના એક સાવરકર? એ તો આંદામાન પછી ખાસાં, નાગરિક વરસ બહાર છતાં લડતમાં ગાયબ હતા.
આજે દેશભરમાં અનેક સરકારી સંસ્થાનો, શિક્ષણસંસ્થાઓ, નાગરિક સંગઠનો સંવિધાન દિવસ મનાવી રહેલ છે. રચનાત્મક કાઁગ્રેસ પણ તે ઉજવી રહ્યાના હેવાલો છે. કાઁગ્રેસ જો બંધારણ ઘડતરમાં અગ્રભૂમિકાનું ગૌરવ લઇ શકે તો, સાથે સાથે, યશોજ્જવલ કામગીરી છતાં એક તબક્કે ખાધેલ ઇતિહાસગોથા વિશે સભાનતા કેળવે અને સ્વરાજની બાકી ને ચાલુ લડાઈમાં સોજ્જો ફાળો આપી શકે તો એથી રૂડું શું. જૂન 2024ની યશસ્વી શક્યતાઓની પડછે તે અપેક્ષિત પણ છે. વિકલ્પે, હાલના સત્તાપક્ષે 25મી જૂનના સંવિધાન હત્યા દિવસનું ઉપાષન કેમ કર્યું હશે? જનતાએ 1977માં ચુકાદો આપી જ દીધો છે. પણ સંવિધાન હત્યા દિવસ સમગ્ર સ્વરાજયાત્રાને ટૂંકનજરી પક્ષીય ધ્રુવીકરણમાં ફેરવી નાખવાનો બેત જણાય છે. રચનાત્મક કાઁગ્રેસ આત્મનિરીક્ષણ પૂર્વક સંવિધાન સન્માન અને સંમાર્જનની દિશામાં આગળ વધે અને સત્તાપક્ષ અઘોષિત કટોકટી બાબતે સજાગ બને એ અત્યંત જરૂરી છે. કાઁગ્રેસને પૂર્વે દંડી ચૂકેલ લોક્મતે હવે દિલ્હીદરબારની ખાતરબરદાસ્ત કરવી રહે છે.
25 નવેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

